મન કી બાતમાં મોદીએ અનેક મુદ્દાઓ વિશે કરી વાત, જાણો તિરંગા વિશે શું કહ્યું

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નેરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતાં અને આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમની વાત કરતાં તેમણે દેશવાસીઓને સોશિયલ મીડિયાના પ્રોફાઈલ પિક્ચરમાં તિરંગો રાખવાની અપીલ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ વખતે મન કી બાત ખૂબ જ ખાસ છે. તેનું કારણ આ વખતે સ્વતંત્રતા દિન છે. ભારત આ વર્ષે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. આપણે બધા જ એક અદ્ભુત અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. આજે એટલે કે 31મી જુલાઈના દિવસે સૌ દેશવાસીઓ શહીદ ઉધમ સિંહજીની શહાદતને નમન કરીએ છીએ. અન્ય તમામ મહાન ક્રાંતિકારીઓને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે દેશ માટે તેમના જીવનનો ત્યાગ કર્યો.

વધુમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મને ખુશી થઈ રહી છે કે આઝાદીનો અમૃત મહોત્સવ આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે. સ્વતંત્રતાના અમૃત મહોત્સવના ભાગરૂપે 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન એક વિશેષ આંદોલન ‘હર ઘર તિરંગા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચળવળનો હિસ્સો બનીને 13 થી 15 ઓગસ્ટ સુધી તમારે તમારા ઘરે ત્રિરંગો ફરકાવો અથવા તેને તમારા ઘરે મુકવો. 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આપણે બધા આપણા સોશિયલ મીડિયા પ્રોફાઇલ પિક્ચરમાં ત્રિરંગો મૂકી શકીએ છીએ.

મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ પિંગલી વેંકૈયાને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 2 ઓગસ્ટએ આપણા રાષ્ટ્રધ્વજની રચના કરનાર પિંગાલી વેંકૈયા જીની જન્મજયંતિ છે. હું તેમને મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

ખેડૂતો વિશે વાત કરતાં મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, મધની મીઠાશ આપણા ખેડૂતોનું જીવન બદલી રહી છે અને તેમની આવકમાં વધારો કરી રહી છે. મધ આપણને માત્ર સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્ય પણ આપે છે. આજે મધ ઉત્પાદનમાં એટલી બધી શક્યતાઓ છે કે, વ્યવસાયિક અભ્યાસ કરી રહેલા યુવાનો પણ તેને પોતાનો રોજગાર ઊભો કરી રહ્યા છે.

ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ માટે મોદીએ જણાવ્યું હતું કે, આજે આપણા યુવાનો દરેક ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવી રહ્યા છે. આ મહિને પીવી સિંધુએ સિંગાપોર ઓપનનું પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું છે. પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનને જારી રાખતા નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે. ચેન્નાઈમાં 44મી ચેસ ઓલિમ્પિયાડની યજમાની કરવી એ ભારત માટે પણ એક મહાન સન્માનની વાત છે.

આ ટુર્નામેન્ટ 28મી જુલાઈએ જ શરૂ થઈ છે અને મને તેના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનો લહાવો મળ્યો. થોડા દિવસો પહેલા ધોરણ 10 અને 12 નું પરિણામ પણ દેશભરમાં જાહેર કરવામાં આવ્યું છે, હું તે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું જેમણે તેમની મહેનત અને સમર્પણથી સફળતા પ્રાપ્ત કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.