બેંગલૂરુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બેંગલૂરુમાં ૧૩.૭૧ કિ.મી. લાંબી વાઈટફિલ્ડ (કાડુગોડી)-ક્રિષ્ણરાજાપુરમ મેટ્રો લાઈનનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાને શ્રી મધુસૂદન સાંઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૅડિકલ સાયન્સિસ ઍન્ડ રિસર્ચનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. સમારોહને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે અમુક રાજકીય પક્ષો તેના સ્વાર્થ અને મતબૅન્ક માટે ભાષાની રમત રમી રહ્યા છે, પરંતુ આ પક્ષોએ ભાષાને ટેકો આપવાના જરૂરી પ્રયાસો નથી કર્યા. આ પક્ષો નથી ઈચ્છતા કે વિદ્યાર્થીઓ, ગરીબો, પછાત અને ગ્રામીણ વિસ્તારના લોકો ડૉક્ટર કે ઍન્જિનિયર બને તેવું નથી ઈચ્છતા, એવો આક્ષેપ મોદીએ કર્યો હતો. ૧૨ સ્ટેશન ધરાવતી આ મેટ્રો લાઈન રૂ. ૪,૨૪૯ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી મેટ્રોમાં પ્રવાસ પણ કર્યો હતો. પ્રવાસ દરમિયાન તેમણે મેટ્રોના કર્મચારીઓ, સ્ટાફના સભ્યો તેમ જ જુદા જુદા ક્ષેત્રના લોકો સાથે વાતચીત પણ કરી હતી. મે મહિનામાં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીના અઠવાડિયાઓ અગાઉ વડા પ્રધાને આ મેટ્રો લાઈનનું ઉદ્ઘાટન કર્યું હતું. વાઈટફિલ્ડ મેટ્રો સ્ટેશન
પરથી વડા પ્રધાને સામાન્ય પ્રવાસીઓની જેમ જ ટિકિટ બારી પરથી ટિકિટ પણ ખરીદી હતી. ત્યાર બાદ તેમણે ધાતુની નકશીદાર તકતીનું અનાવરણ કર્યું હતું અને ટ્રેનમાં બેસવા પ્લેટફોર્મ પર ગયા હતા ત્યારે કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગહલોત અને મુખ્ય પ્રધાન બાસવરાજ બોમ્માઈ મોદી સાથે હાજર રહ્યા હતા. આ મેટ્રો સેવાને કારણે રસ્તા પરના ટ્રાફિકમાં ૪૦ ટકાનો ઘટાડો થશે અને પાંચથી છ લાખ બેંગલુરુવાસીઓને તેનો લાભ મળશે. (એજન્સી)