‘મોદી હૈ તો મુમકિન હૈ’

વીક એન્ડ

 માધવ ભંડારી

આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પોતાની ઓળખ બનાવી છે અને વિશ્ર્વ મંચ પર પોતાનું એક સ્વતંત્ર સ્થાન બનાવ્યું છે. આપણા પ્રથમ વડા પ્રધાન પં. નેહરુ, શ્રીમતી ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી આંતરરાષ્ટ્રીય મંચ પર સન્માન મેળવતાં હતાં. આજે મોદીજી પણ એ હરોળમાં પહોંચી ગયા છે. કેટલાંક સન્માન તો એવાં છે કે જે મોદીજીએ ભારતના વડા પ્રધાન તરીકે પહેલી વાર પ્રાપ્ત કર્યાં. દા. ત. મોદીજી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરનાર પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા. સંયુક્ત રાષ્ટ્ર (UNO) સંસ્થાની સ્થાપના પછી અને સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતના વડા પ્રધાનને ગયા વર્ષે ૯ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ આ તક મળી હતી. મોદીજી એવા પ્રથમ ભારતીય વડા પ્રધાન છે જેમણે કેટલાક દેશોની મુલાકાત લીધી અને તેમની સાથે સંબંધો સ્થાપિત કર્યા. આવા સંબંધો સ્થાપિત કરતી વખતે, તેઓએ ઘણી રૂઢિવાદી (સ્ટીરિયોટાઇપ્સ) સમજણને ખોટી સાબિત કરી છે.
પાંચ વર્ષ પહેલાં જુલાઈ, ૨૦૧૭માં મોદીએ ઈઝરાયલની મુલાકાત લીધી હતી. ઈઝરાયલની ધરતી પર પગ મૂકનાર તેઓ પ્રથમ ભારતીય વડા પ્રધાન હતા. એ ડરથી કે ‘આરબ રાષ્ટ્રોને આ ન પોસાય, તેમના હૃદયને ઠેસ ન પહોંચાડવી જોઈએ, નહીં તો તેઓ આપણને તેલ નહીં આપે’ આવા ભય સેવીને તેમ જ સાથે જ એ પણ ખરું કે દેશમાંના અને દેશની બહારના મુસ્લિમ સમુદાયોની લાગણીઓનું જતન કરવા આપણે આઝાદી મળ્યા પછી ૩૫/૪૦ વર્ષ સુધી ઈઝરાયલ સાથે સંબંધો બાંધ્યા નહોતા. જોકે આપણે પાછલાં ઘણાં વર્ષોથી ઈઝરાયલ પાસેથી શસ્ત્રો અને અન્ય સંરક્ષણની સામગ્રી ખરીદીએ છીએ. ૧૯૬૨ના ચીન યુદ્ધથી લઈને આજ સુધી ઈઝરાયલ દરેક સંઘર્ષમાં આપણી સાથે ઊભું રહ્યું છે. બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈકમાં વપરાયેલા સ્પાઈસ બોમ્બ હોય કે પછી બીએસએફના જવાનો દ્વારા ઉપયોગમાં લેવાતી ખાસ જીપો હોય, આ તમામ અત્યાધુનિક સાધનો ઈઝરાયલ આપણને પૂરાં પાડે છે. તેમ છતાં આપણે મુસ્લિમ રાષ્ટ્રોના ડરને કારણે ઈઝરાયલથી આપણું અંતર જાળવતા હતા. મોદીએ તે સ્થિતિ બદલી. મોદીજી જ્યારે ઈઝરાયલની મુલાકાતે ગયા ત્યારે પણ એ જ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે હવે આરબ દેશો, ખાસ કરીને પેલેસ્ટાઈન સાથે ભારતના સંબંધો ઘણાં વર્ષોથી મૈત્રીપૂર્ણ છે, તે બગડશે. ખરેખર શું થયું? મોદીજીની ઈઝરાયલની પ્રખ્યાત મુલાકાત પછી, પેલેસ્ટાઈને મોદીજીને તેનો સર્વોચ્ચ એવોર્ડ, ‘ગ્રાન્ડ કોલર ઓફ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન’ આપીને સન્માનિત કર્યા.
ઈઝરાયલ દ્વારા ભારતને શસ્ત્રો પૂરાં પાડવામાં આવતાં મધ્ય પૂર્વ એશિયાનાં મુસ્લિમ રાષ્ટ્રોના વર્તનમાં શું ફરક પડ્યો? તેઓ કેટલાં દુભાયાં?
સંયુક્ત આરબ અમીરાતે મોદીજીને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયેદ’ એનાયત કર્યું, જ્યારે બહેરીને મોદીજીને તેના ‘કિંગ હમાદ ઓર્ડર ઓફ રેનેસાં’ એવોર્ડથી સન્માનિત કર્યા, કતારના અમીર ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં આવ્યા. છેલ્લાં આઠ વર્ષમાં કતારના બિઝનેસ સેક્ટરમાં ભારતીય કંપનીઓની હાજરી અને પ્રભાવ ઊડીને આંખે વળગે તેવાં વધ્યાં છે. આજે, ઘણા આરબ દેશોએ રૂપિયાને સીધા ચલણ તરીકે સ્વીકારવાનું શરૂ કર્યું છે. અનુચ્છેદ ૩૭૦ નાબૂદ કર્યા પછી, મોટા ભાગના આરબ દેશોએ તે ભારતનો આંતરિક મામલો છે, આવું સમર્થનાત્મક વલણ અપનાવ્યું અને પાકિસ્તાનને અધ્ધરતાલ છોડી દીધું એટલું જ નહીં, પરંતુ આ દેશોએ મુસ્લિમ રાષ્ટ્રોની પરિષદની વ્યાસપીઠનો ભારત વિરુદ્ધ પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનને જ મુસ્લિમ રાષ્ટ્રોના સંમેલનમાંથી બહાર જવાનો સમય લાવી દીધો.
આ દરમિયાન, રશિયાના સર્વોચ્ચ નેતા પુતિને ‘ઓર્ડર ઓફ સેંટ એન્ડ્રયુ ધ એપોસ્ટલ’ રશિયાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર મોદીજીને આપ્યો હતો. રશિયા સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો અમેરિકાને પસંદ નથી. અમેરિકા હંમેશાં ભારતને આ અંગે દબાણ કરવાનો પ્રયાસ કરે છે. રશિયા-યુક્રેન યુદ્ધના પગલે અમેરિકી રાષ્ટ્રપતિએ ધમકી આપી હતી કે જો ભારત રશિયા પાસેથી શસ્ત્રો અથવા તેલ ખરીદશે તો ભારત પર આર્થિક પ્રતિબંધ લાદશે. તેની અવગણના કરીને, ભારતે રશિયા સાથે ઇચ્છિત સોદો કર્યો, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું અને પછી યુએસએ તેમની સંસદમાં એક ઠરાવ પસાર કર્યો કે ભારતને આ સંબંધમાં યુએસ કાયદામાંથી વિશેષ મુક્તિ આપવામાં આવી. આજે દક્ષિણ અમેરિકાના મોટા ભાગના દેશો મોદીજીના નેતૃત્વના સમર્થક અને પ્રશંસક છે. ભારતીય નેતૃત્વના સંદર્ભે વિશ્ર્વ રાજકારણમાં ભારતીય નેતૃત્વનું આ અભૂતપૂર્વ ચિત્ર છે.
કોરોના સમયગાળા દરમિયાન, ભારતે વિશ્ર્વના ૧૦૧ દેશોને મોટી માત્રામાં એન્ટિ-કોવિડ રસીઓ અને દવાઓનો જથ્થો પૂરો પાડ્યો હતો. ખાદ્ય પદાર્થોની અછત સાથે ઝઝૂમી રહેલા ઘણા દેશોને અનાજ પૂરું પાડ્યું. શ્રીલંકાથી લઈને બંગલાદેશ સુધી, ઘણા દેશોને આર્થિક સહાય આપવામાં આવી. આ બધું કરતી વખતે ચીને ચલાવેલી તેની ભ્રષ્ટ પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે ચીન સામે અસરકારક આંતરરાષ્ટ્રીય મોરચો બનાવ્યો. આ અને અન્ય વિવિધ કારણોને લીધે આજે વિશ્ર્વ રાજકારણમાં ભારતનો દબદબો બની ગયો છે. ભારત મહાસત્તા બની શકે તેવું વાતાવરણ ઊભું થયું છે. આ વાતાવરણ બનાવવામાં મોદીજીના નેતૃત્વ અને સિદ્ધિઓએ મોટી ભૂમિકા ભજવી છે.
‘મોદી હૈ તો મુમકિન હૈ’ એ આજે ભારતના બહુમતી લોકોની લાગણી છે. ચાલો, આજે બોત્તેર વર્ષની ઉંમર પૂર્ણ કરનાર શ્રી મોદીજીને દેશવાસીઓ સાથે શુભેચ્છા પાઠવીએ!!!
(લેખક મહારાષ્ટ્ર ભાજપના ઉપાધ્યક્ષ છે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.