ગુજરાતમાં રેલવેનાં કામો પાછળ મોદી સરકારે દર વર્ષે ₹ ૩,૯૬૦ કરોડનો ખર્ચ કર્યો: અમિત શાહ

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી ગુજરાતે રેલવે ક્ષેત્રમાં મોટી પ્રગતિ કરી છે. કેન્દ્ર સરકારે ૨૦૧૪થી ૨૦૨૨ની વચ્ચે રાજ્યમાં કામો પાછળ દર વર્ષે રૂ.૩,૯૬૦ કરોડ ખર્ચ્યા છે, એવું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે જણાવ્યું હતું.
ભાજપની સરખામણીમાં કૉંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે ૨૦૦૪થી ૨૦૦૯ વચ્ચે રાજ્યમાં રેલવે કામો પાછળ વાર્ષિક માત્ર રૂ. ૫૯૦ કરોડનો ખર્ચ કર્યો હતો એમ શાહે અમદાવાદમાં સાબરમતી વિધાનસભા બેઠકમાં અનેક રેલવે પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પછી જણાવ્યું હતું. સાબરમતી વિધાનસભા બેઠક તેમના ગાંધીનગર લોકસભા મતવિસ્તારનો એક ભાગ છે.
અમિત શાહે સાબરમતી ખાતે ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર ૪૩૦ મીટર લાંબા પેસેન્જર પ્લેટફોર્મ અને ટિકિટ બુકિંગ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત ચાંદલોડિયા સ્ટેશન અને ખોડિયાર સ્ટેશન વચ્ચેનો રેલવે અંડરપાસ પણ ચાલુ કરવામાં આવ્યો હતો. શાહે સાબરમતી રેલવે સ્ટેશન પર એક જનરલ અને એરકન્ડિશન્ડ મહિલા વેઇટિંગ રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું અને ચાર રેલવે અંડરપાસ અને એક ફૂટ ઓવરબ્રિજનો શિલાન્યાસ
કર્યો હતો.
કેન્દ્રીય પ્રધાને જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ શહેરના વિકાસ માટે ઘણું કર્યું છે. મેં દેશભરની મુલાકાત લીધી છે પણ અમદાવાદ જેવો રિવરફ્રન્ટ જોયો નથી. બીઆરટીએસ (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) અમદાવાદ સિવાય બીજે ક્યાંય સફળ થઈ નથી એમ તેમણે જણાવ્યું હતું. અહીં એકવાર પૂર્ણ થયા પછી મેટ્રો રેલ નેટવર્ક મુસાફરીને સરળ બનાવશે. કેન્દ્રએ હંમેશાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લખેલા પત્રોના તાત્કાલિક જવાબ આપ્યો છે અને પગલાં
લીધાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.