ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે. કુલ 182માંથી 89 બેઠકો પર આજે મતદાન શરૂ થઈ ગયું છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ વોટિંગ પહેલા એક વીડિયો શેર કર્યો છે . જેમાં શિવસેના પ્રમુખ સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેનું વિડિયો રેકોર્ડિંગ વગાડવામાં આવી રહ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે- ‘સિંહની વાત ધ્યાનથી સાંભળો… હજુ પણ સમય છે, ગુજરાતીઓ સમજો!’ જેમાં બાળાસાહેબ ઠાકરે કહેતા સાંભળવા મળે છે કે, ‘ નરેન્દ્ર મોદી ગયા તો સમજો કે ગુજરાત ગયું’.
જાડેજાના પત્ની રીવાબા જાડેજા ઉત્તર જામનગરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે લોકોમાં ઉત્સુકતા છે કે રવિન્દ્ર જાડેજા આ વીડિયો જાહેર કરીને શું સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. વીડિયોમાં બાળાસાહેબ ઠાકરે શું કહી રહ્યા છે, કઈ પૃષ્ઠભૂમિમાં તેમણે આ કહ્યું અને શા માટે આમ કહ્યું?
આ વીડિયોમાં બાળાસાહેબ ઠાકરે કહી રહ્યા છે કે, ‘મારી વાત ફક્ત એટલી છે…. જો નરેન્દ્ર મોદી ગયા તો ગુજરાત ગયું. આ મારું માનવું છે કે જો તમે નરેન્દ્ર મોદીને સાઇડલાઇન કર્યા તો સમજી લો તમારું ગુજરાત પણ ગયું. મેં અડવાણીને આ વાત કરી છે.’
બાળાસાહેબ ઠાકરેને નરેન્દ્ર મોદીના સમર્થનમાં પોતાની જ પાર્ટીના લોકોને આવું કહેવાની જરૂર પડી? આ વાતનો ખુલાસો ઉદ્ધવ ઠાકરેએ ટૂંક સમય બાદ કર્યો હતો.
Abhi bhi time hai samaj jao gujaratiyo🙏🏻 #respect #balasahebthackeray pic.twitter.com/bwjO3Jj7iq
— Ravindrasinh jadeja (@imjadeja) November 30, 2022
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ગુજરાતમાં ગોધરાકાંડ થયો ત્યારે બાળાસાહેબ ઠાકરેએ આ વાત કહી હતી. ગુજરાત સળગી રહ્યું હતું. તે સમયે દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. લાલકૃષ્ણ અડવાણી ગૃહ પ્રધાન હતા અને બાળાસાહેબ ઠાકરેની શિવસેના ભાજપની સાથી હતી. ત્યારે ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી હતા. તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટે ચારે બાજુથી દબાણ બનાવવામાં આવી રહ્યું હતું. આવી સ્થિતિમાં લાલકૃષ્ણ અડવાણી મુંબઈમાં એક રેલીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે કહે છે કે આ દરમિયાન અડવાણીએ તેમને કહ્યું કે તેઓ બાળાસાહેબ ઠાકરે સાથે કંઈક ખાસ વાત કરવા માગે છે. આ પછી તે અને પ્રમોદ મહાજન ત્યાંથી ચાલ્યા ગયા. બાદમાં બાળાસાહેબ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે અને અન્ય લોકોને તે બેઠકમાં શું બન્યું હતું તે જણાવ્યું. આ સમયે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ મોદીને હટાવવાનું મન બનાવી લીધું હતું. અડવાણીએ સાથી તરીકે બાળાસાહેબને તેમનો અભિપ્રાય પૂછ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ત્યારે જ બાળાસાહેબ ઠાકરેએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને હાથ પણ ન લગાડવો જોઈએ. તેઓ જશે તો ગુજરાત હાથમાંથી જતું રહેશે.
ઉદ્ધવ ઠાકરેએ આગળ જણાવ્યું હતું કે વર્ષ 2012માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે બાળાસાહેબ ઠાકરેએ પણ કહ્યું હતું કે ગુજરાતમાં જે પ્રગતિ થઈ છે તેની પાછળ નરેન્દ્ર મોદીનો હાથ છે. તેમણે મોદી સરકારની રચનાની આગાહી પહેલા જ કરી દીધી હતી. સોનિયા ગાંધીની ગુજરાત રેલીને ટાંકીને તેમણે કહ્યું કે તેમણે તેમના ભાષણમાં મોદીનો ઉલ્લેખ પણ કર્યો ન હતો, જેનો અર્થ છે કે કોંગ્રેસે ચૂંટણી પહેલા જ હાર સ્વીકારી લીધી હતી.