Homeદેશ વિદેશમોદીને રેલી માટે નનૈયો

મોદીને રેલી માટે નનૈયો

મેઘાલય સરકાર સામે ભાજપ લાલચોળ

શિલૉંગ/નવી દિલ્હી: મેઘાલયની રાજ્ય સરકારે મુખ્ય પ્રધાન કૉન્રાડ સંગમાના મતવિસ્તાર સાઉથ તુરાના પી.એ. સંગમા સ્ટેડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલી યોજવાની પરવાનગી નકારી હતી. આ ઘટનાને પગલે મેઘાલયની રાજ્ય સરકાર અને ભારતીય જનતા પક્ષ વચ્ચે ઘર્ષણની શક્યતાઓ ઊભી થઈ
છે. ભાજપના કાર્યાલયે મેઘાલય વિધાનસભાની આગામી ચૂંટણીના અનુસંધાનમાં વેસ્ટ ગારો હિલ્સ જિલ્લાના સાઉથ તુરા શહેરમાં ૨૪ ફેબ્રુઆરીએ પ્રચારસભા યોજવાની પરવાનગી માગી હતી. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે સંગમા સ્ટેડિયમમાં હાલ કામ ચાલતું હોવાથી પ્રચારસભાની પરવાનગી આપી શકાય એમ નથી.
આ બાબતે ભાજપના નેતાઓ અને કાર્યકરોનું કહેવું છે કે મેઘાલયની સરકાર ડરી ગઈ હોવાથી ઉક્ત સ્ટેડિયમમાં પ્રચારસભા માટે પરવાનગી આપતી નથી. મેઘાલયની જનતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેઘાલય આવે એવું ઇચ્છતી હોય તો તેઓ જરૂર આવશે અને જનતાને સંબોધશે. ભાજપના ઇશાનના રાજ્યોનો અખત્યાર સંભાળતા રાષ્ટ્રીય સચિવ રિતુરાજ સિંહાએ જણાવ્યું હતું કે કાર્યક્રમ સ્થળની નક્કર રૂપે નિર્ધારિત ન હોવા છતાં એ દિવસે રેલી યોજાશે. વડા પ્રધાને મેઘાલયની જનતા જોડે સંવાદનો નિર્ધાર કર્યા પછી તેમને કોઈ રોકી ન શકે.
મેઘાલયના આ સ્ટેડિયમનું વહીવટી નિયંત્રણ રાજ્ય સરકારના ખેલકૂદ મંત્રાલય હસ્તક છે. તેથી એ સ્ટેડિયમમાં મોદીની જાહેરસભા યોજવાની પરવાનગી માટે ભાજપની અરજીના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે સ્ટેડિયમમાં હજુ બાંધકામ-સમારકામ ચાલે છે. તેથી ત્યાં રેલી યોજી શકાય એમ નથી. ગયા વર્ષના ડિસેમ્બર મહિનાની ૧૬ તારીખે મુખ્ય પ્રધાન કૉન્રાડ સંગમાએ ૧૨૭ કરોડ રૂપિયાના ખર્ચે બંધાયેલા એ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. ભાજપના નેતાઓ કહે છે કે જો સ્ટેડિયમ પૂરેપરું તૈયાર ન હોય તો મુખ્ય પ્રધાને તેનું ઉદ્ઘાટન શા માટે કર્યું? રાજ્ય સરકાર મોદીજી અને ભાજપથી ડરી ગઈ હોવાથી આ પરવાનગી નકારી છે.
અગાઉ ૧૭ ફેબ્રુઆરીએ ગૃહપ્રધાન અમિત શાહ સ્થાનિક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે રંગસાકોનામાં યોજેલી પ્રચારસભામાં મેઘાલયના મુખ્ય પ્રધાન કૉન્રાડ સંગમા અને પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની આકરી ટીકા કરી હતી. એ સભામાં ઘણી ભીડ થઈ હોવાથી ભાજપની વધતી લોકપ્રિયતાથી નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ની રાજ્ય સરકાર ભયભીત થઈ છે. એનપીપી, તૃણમૂલ કૉંગ્રેસ તથા અન્ય વિરોધ પક્ષો ભાજપનો ધસમસતો પ્રવાહ રોકવા પ્રયત્નશીલ છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular