નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોને કોવિડ-૧૯ના વધી રહેલા દરદીઓ અને ભાવિ સંબંધિત કપરી પરિસ્થિતિને પહોંચી વળવા હૉસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડર્સ, વેન્ટિલેટર્સ, જરૂરી દવા, સ્ટાફ સહિતની આંતરિક સુવિધા તૈયાર રાખવા ગુરુવારે સૂચના આપી હતી.
મોદીએ વૃદ્ધો, બીમાર લોકોને કોરોનાવાઈરસ સામે વધુ સતર્ક રહેવાની સલાહ આપી હતી અને તેમણે રસીનો પ્રિકોશન (બૂસ્ટર) ડૉઝ આપવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વિમાનમથક સહિતના સ્થળે કોવિડ-૧૯નું ટેસ્ટિંગ વધારવા, ભીડ-ગિરદી ટાળવા, માસ્ક પહેરવા જરૂરી છે.
કોરોના હજુ પણ સક્રિય હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વિમાનમથકો પર ચાંપતી નજર રાખવાની જરૂર છે. નાતાલ અને નવા વરસના તહેવારની ઉજવણી દરમિયાન કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાની તેમણે લોકોને સલાહ આપી હતી.
જીવન આવશ્યક દવાઓની
કિંમત પર ચાંપતી નજર રાખવાનું પણ તેમણે કહ્યું હતું.
વિશ્ર્વના અનેક દેશોમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી હોવા વચ્ચે મોદીએ લોકોને સાવધ રહેવાનું અને સંબંધિત અધિકારીઓને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાનું તેમ જ સાવચેતીનાં જરૂરી તમામ પગલાં લેવાં જણાવ્યું હતું.
વિશ્ર્વના અનેક દેશોમાં કોરોનાના કેસની વધી રહેલી સંખ્યાને પગલે દેશમાં નિર્માણ પામનારી સ્થિતિની સમીક્ષા કરવા તેમના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મોદીએ દેશના આરોગ્ય માળખા, યંત્રણા, રસીકરણ ઝુંબેશની સ્થિતિ તેમ જ કોરોનાના નવા વેરિઅન્ટની જાહેર આરોગ્ય પર પડનારી અસર અંગે માહિતી મેળવી હતી.
વડા પ્રધાને તમામ દેશવાસીઓને કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાની વિનંતી કરી હતી.
રાજ્યોને સંબંધિત લેબોરેટરીમાં દૈનિક ધોરણે મોટા પ્રમાણમાં સેમ્પલ આપવાનું જણાવી દેવામાં આવ્યું છે, જેથી કરીને નવા વેરિઅન્ટને સમયસર ઓળખી કાઢવામાં મદદ મળે.
ઉપકરણ, પ્રક્રિયા અને માનવસંસાધનની દૃષ્ટિએ તમામ સ્તરે કોવિડનો સામનો કરવાની ઉચ્ચસ્તરીય તૈયારીની ખાતરી કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.
છેલ્લાં છ અઠવાડિયાંથી વૈશ્ર્વિક સ્તરે દૈનિક સરેરાશ ૫.૯ લાખ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે તેવા સમયે ભારતમાં દૈનિક સરેરાશ ૧૫૩ નવા કેસ નોંધાઈ રહ્યા છે.
બાવીસ ડિસેમ્બરના પૂરા થયેલા અઠવાડિયાં દરમિયાન ભારતમાં કોરોનાનો પૉઝિટિવિટી દર ૦.૧૪ ટકા રહ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, નાગરિકી ઉડ્ડયન ખાતાના પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, વિદેશ પ્રધાન એસ. જયશંકર, માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતાનાં રાજ્ય કક્ષાનાં પ્રધાન ભારતી પ્રવીણ પવાર, વડા પ્રધાનના મુખ્ય સચિવ પી. કે. મિશ્રા, નીતિ આયોગના સીઈઓ પરમેશ્ર્વરન અય્યર, નીતિ આયોગ (હેલ્થ)ના સભ્ય વી. કે. પૉલ, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પીએમઓ એડવાઈઝર અમિત ખારે, ગૃહસચિવ એ. કે. ભલ્લા, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ વગેરેએ હાજરી આપી હતી. (એજન્સી)
—
…તો દેશમાં આવતા બધા માટે કોવિડ
ટેસ્ટ ફરજિયાત બનાવીશું: માંડવિયા
નવી દિલ્હી: આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકારે હાલમાં વિદેશથી આવતા લોકોની આંતરરાષ્ટ્રીય વિમાનમથકે કોવિડ-૧૯ની રેન્ડમ ટેસ્ટ શરૂ કરી છે અને આગામી દિવસોમાં દેશમાં આવતા બધા માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત બનાવવા વિચારી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે નાતાલ સહિતના આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કોવિડ-૧૯ની સામે વધુ સતર્ક રહેવાની જરૂર છે. કોવિડ-૧૯ને કારણે નિર્માણ પામનારી પરિસ્થિતિને પહોંચી વળવા ભારત કેટલો સજ્જ છે? એ પ્રકારના વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલનો ઉત્તર આપતાં માંડવિયાએ ઉપરોક્ત નિવેદન કર્યું હતું. શું ભારત ચીનથી આવતી સીધી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકશે એ પ્રકારના ‘આપ’ના નેતા રાઘવ ચઢ્ઢાએ કરેલા પ્રશ્ર્નનો ઉત્તર આપતાં માંડવિયાએ
કહ્યું હતું કે પરિસ્થિતિ પર અમે સતત નજર રાખી રહ્યા છીએ અને હાલને તબક્કે ભારત અને ચીન વચ્ચે સીધી વિમાનસેવા ચાલુ નથી.
જોકે, લોકો અન્ય માર્ગે ભારત આવી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
સાવચેતીના ક્યાં પ્રકારનાં પગલાં લેવાની જરૂર છે એ અંગે અમે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને અન્ય દેશો સાથે ચર્ચાવિચારણા કરી છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે પ્રાથમિક રીતે અમે વિદેશથી આવતા પ્રવાસીઓમાંથી બે ટકા લોકોનાં નમૂના રેન્ડમલી લેવાનું શરૂ કર્યું છે અને જો જરૂરી જણાશે તો આવનારા દિવસોમાં આ ટકાવારી વધારવામાં આવશે.
જરૂરી જણાશે તો વિદેશથી આવતા તમામ લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
દેશના તમામ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત હોવાની ખાતરી આપતાં તેમણે કહ્યું હતું કે દવાની ઉપલબ્ધાની પણ સમીક્ષા કરી લેવામાં આવી છે.
દેશમાં કોરોનાની દવા અને રસી આપવા અમે સજ્જ છીએ, એમ તેમણે કહ્યું હતું.
વાઈરસને અંકુશમાં લેવા નાક વાટે અપાતી વેક્સિનને પણ નિષ્ણાતોની સમિતિએ મંજૂરી આપી દીધી હોવાનું તેમણે કહ્યું હતું.
કોરોના સામેની લડત માટે અમે સંપૂર્ણપણે સજ્જ છીએ, એમ તેમણે કહ્યું હતું.
વિશ્ર્વના અમુક ભાગમાં કોરોના વાઈરસ નવેસરથી ફેલાઈ રહ્યો હોવા વચ્ચે દેશના તમામ રાજ્યોને સાવધ કરી દેવામાં આવ્યા છે અને સાવચેતીનાં જરૂરી પગલાં લેવાનું તેમ જ કોરોનાનાં રસીકરણનો વ્યાપ વધારી વધુમાં વધુ લોકોને તે અંતર્ગત આવરી લેવા જણાવી દેવામાં આવ્યું છે, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે કહ્યું હતું.
સંસદના બંને ગૃહમાં આપેલાં નિવેદનમાં તેમણે કહ્યું હતું કે દેશમાં કોરોનાના નવા વાઈરસને પ્રવેશતા અટકાવવા સાવચેતીના ભાગરૂપ ગુરુવારથી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓમાંથી બે ટકા લોકોનાં સેમ્પલ પરીક્ષણ માટે લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.
સમય સાથે આપણા દુશ્મનો બદલાઈ રહ્યા છે અને એટલે જ દેશના તમામ લોકોએ સામૂહિક રીતે દૃઢતાપૂર્વક કોરોના વિરુદ્ધની લડાઈ ચાલુ રાખવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
વિશ્ર્વમાં દૈનિક ધોરણે કોરોનાના નવા ૫.૮૭ લાખ કેસ નોંધાઈ રહ્યા હોવા વચ્ચે ભારતમાં દૈનિક સરેરાશ ૧૫૩ નવા કેસ નોંધાઈ રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે દેશનું આરોગ્ય ખાતું પરિસ્થિતિ પર નિયમિત ધોરણે નજર રાખી રહી છે અને આકાર લઈ રહેલી વર્તમાન પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા દરમિયાનગીરી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
તહેવારો અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજ્યોએ કોરોનાને નિયંત્રણ લેવા જરૂરી અને અસરકારક પગલાં લેવાં પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેમાં માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથની સ્વચ્છતાની જાળવણી સહિતની બાબતોનો સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)