આધુનિક જાદુગર

મેટિની

સ્ટારના ગ્લેમર અને કથાના કૌવત ઉપરાંત હવે વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પણ ફિલ્મ જોનાર દર્શકોને જલસા કરાવે છે, હેરત પમાડે છે

‘આરઆરઆર’ના શૂટિંગ વખતનું દ્રશ્ય (ઉપર) અને વીએફએક્સના વાઘા પહેરાવ્યા પછી પડદા પર જે જોયું એ દ્રશ્ય (નીચે)

કવર સ્ટોરી-હેન્રી શાસ્ત્રી

‘કથા નબળી, માવજત સારી’ના દોરથી ઘણી આગળ વધી ગયેલી હિન્દી ફિલ્મોએ આજે ‘કથા ઓછી, વીએફએક્સ ઝાઝું’ સુધીની મજલ કાપી લીધી છે. બાહુબલીવાળા રાજામૌલીની ‘આરઆરઆર’ કે પછી તાજેતરની રણબીર – આલિયાની ‘બ્રહ્માસ્ત્ર’માં પણ કથા કરતા આંખોને આંજી દેતી એની વીએફએક્સ ટૅક્નિક દર્શકોની આંખો પહોળી કરવા માટે જવાબદાર હોવાની દલીલ કરવામાં આવે છે. કોઈ પણ સીનનું શૂટિંગ થયું હોય એમાં કલ્પનાના ઈચ્છો એવા અને એટલા રંગ ઉમેરી પડદા પર રજૂ કરવા ટૅકનોલૉજીની જે પદ્ધતિ અપનાવાય છે એ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અથવા વીએફએક્સ તરીકે ઓળખાય છે. અહીં આપેલા ‘આરઆરઆર’ના ફોટોગ્રાફ્સ જોશો એટલે વાસ્તવિકતામાં કલ્પનાના રંગ પૂર્યા પછી ચિત્ર કેવું આંજી નાખે છે એનો ખ્યાલ આવે છે. અલબત્ત દર્શક તરીકે છેતરાયા હોવાની લાગણી તમને થઈ શકે છે કે રાઈનું શૂટિંગ કરીને પર્વત દેખાડ્યો, પણ ફિલ્મ છેવટે કલ્પનાની, ધારણાની કે ભ્રમણાની જ દુનિયા છે ને. ક્યારેક છેતરાઈ જવામાં મજા આવતી હોય છે, કારણ કે એ છેતરામણી પછી અંજાઈ ગયેલું મન હરખમાં પલટાઈ જતું હોય છે. અસત્ય સામે સત્યના વિજયમાં અતિશયોક્તિ આવકારદાયક જ ઠરે. વીએફએક્સ વર્લ્ડની આ ખાસિયત છે. રાઈનો પર્વત કરવાની એની પાસે તાકાત છે. ભવ્યતાની વાતો આવે ત્યારે રાઈ સત્વશીલ છે કે પર્વત સત્વહીન છે એનું મહત્ત્વ નથી રહેતું. વીએફએક્સ ટેક્નિકનો વપરાશ છેલ્લા બે દાયકામાં વધ્યો છે. શાહરુખની ‘રા વન’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ’ એના ગાજેલા ઉદાહરણ છે. ‘બાહુબલી’ને ભવ્ય બનાવવામાં વીએફએક્સનો ભરપૂર ઉપયોગ થયો અને એ માટે વીએફએક્સની કરામત કરતી ૧૫ કંપનીઓની મદદ લેવામાં આવી હતી. આધારભૂત અહેવાલ અનુસાર ‘બાહુબલી’ના કુલ બજેટના ૬૫ ટકા વીએફએક્સ પાછળ ખર્ચવામાં આવ્યા હતા. ‘આરઆરઆર’ અને ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મો એમાં એક ડગલું આગળ વધી હોવાની સંભાવના નકારી ન શકાય.
ચાર વર્ષ પહેલાં ‘પદમાવત’ રિલીઝ થઈ એ પહેલા કેટલાક વિવાદમાં સપડાઈ હતી. મર્યાદા જાળવી રહેનારાં રાણી પદ્મિનીએ ક્યારેય પેટનો ભાગ દેખાવા નહોતો દીધો એવી દલીલ કરી રાજપૂત કરણી સેનાએ એક ગીતમાં દીપિકા પાદુકોણને જે રીતે દર્શાવી હતી એ સામે વિરોધ કરી એ બદલવાનો આગ્રહ રાખ્યો હતો. દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ આખા ગીતનું નવેસરથી શૂટિંગ કરવાને બદલે ગીતના જે ભાગમાં પેટ કે કમરનો ભાગ દેખાય છે એ હિસ્સો વીએફએક્સની મદદથી ઢાંકી દીધો હતો. વિરોધ શમી ગયો અને સમય તેમ જ પૈસાની બચત થઈ. આ દસકામાં પૌરાણિક ફિલ્મો બનાવવાની તાલાવેલી જોવા મળી રહી છે તો ગયા દસકામાં ઐતિહાસિક ફિલ્મો તરફ ઝુકાવ હતો. આ બંને પ્રકારની ફિલ્મમાં ભવ્ય રજૂઆત ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આજના દર્શકને પડદા પર વાસ્તવિકતાના ચિત્રણમાં રસ નથી બલકે એને એવું નિહાળવું છે જેની એ કલ્પના પણ નથી કરી શકતો. કલ્પના બહારનું ચિત્ર પડદા પર દેખાય એ માટે વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (વીએફએક્સ) તરીકે ઓળખાતી ટૅકનોલૉજી બહુ મોટો ભાગ ભજવે છે.
હિન્દી ફિલ્મમાં સ્પેશ્યલ ઈફેક્ટ્સની શરૂઆત છેક ૧૯૩૬માં થઈ હોવાની નોંધ છે (જુઓ બોક્સ). અલબત્ત સ્પેશ્યલ ઈફેક્ટ્સ અને વિઝ્યુઅલ ઈફેક્ટ્સ વચ્ચેનો ફરક સમજી લેવો જોઈએ. સ્પેશ્યલ ઈફેક્ટ્સનું નિર્માણ સેટ પર થાય (એક્શન સીનમાં નિયંત્રિત બોમ્બધડાકો) જ્યારે વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પોસ્ટ પ્રોડક્શન દરમિયાન કે પછી એડિટિંગ ટેબલ પર જોવા મળે. હેરત પમાડનારા ‘બાહુબલી’ના શૂટિંગ થયેલા દ્રશ્ય અને વીએફએક્સના વાઘા પહેરાવ્યા પછીના દ્રશ્ય જોવાથી વીએફએક્સને જાદુગરની પદવી આપવી પડે. અલબત્ત બાબુભાઈ મિસ્ત્રી પણ જાદુગર જ હતા, ફરક એ છે કે વીએફએક્સ મોડર્ન મેજિશિયન છે.
‘બાહુબલી’ને મળેલી ભવ્ય સફળતામાં વીએફએક્સનો સિંહફાળો છે. આંખો આંજી દેતી એન્ટ્રી, ભવ્ય વિશેષણ વાપરવું પડે એવા યુદ્ધના દ્રશ્ય અને બીજા અનેક સીનનો
‘બાહુબલી’ને અદ્ભુત બનાવવામાં ભવ્ય ફાળો છે. સલમાનની ‘ટાઈગર ઝિંદા હૈ’ જોઈ છે? વરુ અને સલમાનની લડાઈ જોઈને રૂંવાડા ઊભાં થયાં હશે. એનો શ્રેય વીએફએક્સને જાય છે. આવાં બીજાં ઘણાં ઉદાહરણ છેલ્લા બે દાયકામાં જોવા મળ્યા છે. વીએફએક્સ ટૅક્નિક હવે ફિલ્મનો અનિવાર્ય હિસ્સો બની રહી છે.
હિન્દી ફિલ્મમાં સ્પેશ્યલ ઈફેક્ટ્સની શરૂઆતને ૮૫ વર્ષ ભલે થયાં, પણ એની કદર કરવાનો વિચાર છેક ૧૯૯૧માં આવ્યો જ્યારે એ વિભાગમાં નેશનલ એવોર્ડની ઘોષણા થઈ હતી. પહેલે વર્ષે કોઈ ફિલ્મ પાત્ર નહોતી ઠરી અને ૧૯૯૨માં શશીલાલ નાયરની ‘અંગાર’ને એવોર્ડ મળ્યો હતો. ૧૯૯૧થી ૨૦૨૧ દરમિયાન સાત હિન્દી ફિલ્મને આ નેશનલ એવોર્ડ મળ્યો છે. રજત કમળ અને પચાસ હજાર રૂપિયા વિજેતાને મળે છે. ફિલ્મફેર દ્વારા તો સ્પેશ્યલ ઈફેક્ટ્સ એવોર્ડ આપવાની શરૂઆત ૨૦૦૭માં થઈ હતી અને પહેલે વર્ષે ’ક્રિશ’ને સન્માનિત કરવામાં આવી હતી. ગયા વર્ષે અજય દેવગનની ‘તાનાજી’ને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
———————-
સ્પેશ્યલ ઈફેક્ટ્સના પિતાશ્રી બાબુભાઈ મિસ્ત્રી
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિકાસમાં વિવિધ ક્ષેત્રે ગુજરાતીઓનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. ફિલ્મમાં સ્પેશ્યલ ઈફેક્ટ્સનો સૌ પ્રથમ સફળ અખતરો ‘ફાધર ઓફ ટ્રીક ફોટોગ્રાફી’ તરીકે ઓળખાતા બાબુભાઈ મિસ્ત્રીએ કર્યો હોવાની નોંધ છે. કેટલીક ફિલ્મના લેખન – નિર્માણ સાથે સંકળાયા પછી ‘ખ્વાબ કી દુનિયા’ (૧૯૩૬) સાથે શ્રી વિજય ભટ્ટ દિગ્દર્શન તરફ વળ્યા. ફિલ્મ ઈતિહાસના અભ્યાસુઓએ આપેલી માહિતી અનુસાર ૮૫ વર્ષ પહેલાંની આ ફિલ્મથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્પેશ્યલ ઈફેક્ટ્સના શ્રી ગણેશ થયા. આમ થવા પાછળ એક અંગ્રેજી ફિલ્મ નિમિત્ત બની હતી. કઈ અને કેવી રીતે એ આપણે બાબુભાઈ મિસ્ત્રીના શબ્દોમાં જ જાણીએ. કેટલાંક વર્ષ પહેલા એક ઈન્ટરવ્યૂમાં ’કાલા ધાગા’ તરીકે પંકાયેલા શ્રી બાબુભાઈએ જણાવ્યું હતું કે ’૧૯૩૪ની આસપાસ મુંબઈમાં ‘ધ ઇન્વિઝિબલ મેન’ નામની અંગ્રેજી ફિલ્મમાં અનેક કેમેરા ટ્રિક હોવાથી એ દર્શકોમાં આકર્ષણ બની હતી. એક સીનમાં સિગારેટનો કશ ખેંચવામાં આવી રહ્યો છે અને ધુમ્રસેર નીકળી રહી છે એવું દેખાય છે પણ સિગારેટ પીતી વ્યક્તિ નજરે નથી પડતી.
એક સીનમાં કોઈની હાજરી ન હોવા છતાં પિયાનો પોતાની મેળે વાગતો દેખાડવામાં આવ્યો હતો. ટેલિફોનનું રિસીવર ઊંચકવામાં આવે, નંબર સુધ્ધાં ડાયલ થાય, પણ કોઈની હાજરી ન હોય. પીણું જાણે હવા પી જતી હોય એવું લાગે. કોઈ અદ્રશ્ય માનવી આ બધું કરી રહ્યો હોય એવું દર્શકોને લાગે. બીજી કેટલીક ટ્રિકનો ઉપયોગ પણ આ ફિલ્મમાં કરવામાં આવ્યો હતો. વિજય ભટ્ટે આ ફિલ્મ જોઈ અને મને પણ થિયેટરમાં જોઈ ફિલ્મ જોવા કહ્યું. ફિલ્મ જોયા પછી ટ્રિક સીન કેવી રીતે કરવામાં આવ્યા હતા એ મને ન સમજાયું, પણ એમાંના કેટલાક સીન હું કરી શકું છું એમ મેં એમને કહ્યું. કાળા જાળીદાર કપડાની મદદથી કાળા બેકગ્રાઉન્ડ પર ‘અદ્રશ્ય’ માનવીને સિગારેટ ફૂંકતો બતાવી શક્યો. વિજુભાઈને મારી કરામત ગમી ગઈ અને તેમણે મારું નામ ‘કાલા ધાગા’ પાડી દીધું. વિજય ભટ્ટ મૂળે લેખક અને ‘ઈન્વિઝિબલ મેન’થી પ્રભાવિત થઈ તેમણે હિન્દીમાં ‘ખ્વાબ કી દુનિયા’ લખી અને દિગ્દર્શનની શરૂઆત કરી. ફિલ્મ સફળ સાબિત થઈ અને પડદા પર ‘ટ્રિક – બાબુભાઈ મિસ્ત્રી’ એવી ક્રેડિટ પણ મળી.’ આ સાથે હિન્દી ફિલ્મોમાં સ્પેશ્યલ ઈફેક્ટ્સની શરૂઆત થઈ જેનો શ્રેય બે ગુજરાતીઓને (વિજય ભટ્ટ અને બાબુભાઈ મિસ્ત્રી) જાય છે.

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.