(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાઈરસના કેસ વધતા આખરે રાજય સરકારે આરોગ્ય વિભાગને સાબદું કર્યું છે. રાજયમાં આગામી ૧૦મી અને ૧૧મીએ બે દિવસ તમામ સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં મોકડ્રિલ યોજવામાં આવશે.
રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેેન્દ્ર પટેલે રાજ્યમાં કોવિડ-૧૯ની સ્થિતિ અને તે સામે આરોગ્યતંત્રની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. આગામી ૧૦ અને ૧૧ એપ્રિલના દિવસોએ રાજ્યની તમામ સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવશે.
આ મોકડ્રીલ અંતર્ગત તમામ સાધન સામગ્રી, બેડ, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, ફાયર સેફટી તેમજ દવાઓ, માનવબલ વગેરેની સજ્જતા ચકાસણી કરવામાં આવશે.
રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે, તેની આ બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
ગુજરાતમાં દરરોજ પ્રતિ દસ લાખ ૨૬૮ ટેસ્ટિંગ કરવામાં આવે છે તેમજ કોવિડ -૧૯ પોઝિટિવ દર્દીઓનું જીનોમ સિક્વન્સીંગ પણ કરાય છે.
રાજ્યમાં વહેલા નિદાન અને સારવારને પરિણામે હૉસ્પિટલાઈઝેશન એટલે કે દાખલ કરવા પડે એવા દર્દીઓનું પ્રમાણ ૩ ટકા કરતાં ઓછું છે અને મૃત્યુદર પણ નહિવત્ છે. આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે હૉસ્પિટલોમાં દવા વગેરેના પુરવઠાની પણ સમીક્ષા હાથ ધરી હતી.