Homeઈન્ટરવલમોબાઈલનો ઉપયોગ@શરતોને આધીન...!

મોબાઈલનો ઉપયોગ@શરતોને આધીન…!

મગજ મંથન-વિઠ્ઠલ વઘાસિયા

આજથી ત્રીસેક વર્ષ પહેલાં મેં એક અખબારમાં સમાચાર વાંચેલા કે આવનારા ત્રીસેક વર્ષ પછી રોડ પર લોકોની અવરજવર ઘટી જશે. આ સમાચાર વાંચીને હું ખૂબ જ નવાઈ પામ્યો હતો. એટલા માટે કે એ સમયમાં જે વસ્તી હતી, તેના પ્રમાણમાં પણ રોડ ઉપરની અવર જવર તો હતી જ. મારા નાનકડા મગજમાં એવો વિચાર આવતો હતો કે અત્યારે આ પરિસ્થિતિ છે, તો પછી ત્રીસેક વર્ષ પછી તો વસ્તી વધારાને લીધે રોડ ઉપરની અવર જવર અત્યારે છે એનાં કરતાં અનેક ગણી વધી નહીં જાય?!
આજે જ્યારે ટેકનોલોજીએ વિશ્ર્વને એક ગામડા જેવું બનાવી દીધું છે. બધો જ વ્યવહાર ઓનલાઇન થઈ રહ્યો છે. લોકોના મોટા ભાગના વ્યવહાર ઘરમાં કે ઑફિસમાં બેઠા બેઠા થઈ રહ્યા છે. લોકોને અવર જવર કરવાની જરૂર ખૂબ જ ઘટી ગઈ છે. ત્યારે અખબારમાં વાંચેલા સમાચાર સાચા સાબિત થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
ઇન્ટરનેટનો ઉપયોગ દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે તેના ઉપયોગ વિશે મતમતાંતર જોવા મળી રહ્યા છે. આમ જોઈએ તો ઈન્ટરનેટની બે બાજુ છે. રચનાત્મક બાજુ અને ખંડનાત્મક બાજુ. ઉપયોગિતાની દ્રષ્ટિએ તેની પ્રથમ બાજુનો વિચાર કરીએ તો ઇન્ટરનેટ એ અકલ્પનીય માહિતીઓનો અઘાત મહાસાગર છે. ઇન્ટરનેટ બહુહેતુક તરીકે ઉપયોગમાં આવનારું માધ્યમ છે. એના સર્ચ એન્જિનમાં આપણો પ્રશ્ર્ન મૂકવાથી તુરતજ જવાબ શોધી આપે છે. આ અર્થમાં ઇન્ટરનેટ જાદુઈ ચિરાગ જેવું લાગે છે. ૨૧ મી સદીએ ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી છે. છેલ્લાં પાંચ વર્ષોમાં ડિજિટલ મીડિયા પર થયેલા સંશોધન અનુસાર દર વર્ષે ૨૦ થી ૨૫ ટકા ડિજિટલ સાધનોનો ઉપયોગ કરનારા વધ્યા છે. વર્ષ ૨૦૧૫માં ગ્રામીણ ક્ષેત્રોમાં ફક્ત ૯ ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા. તેમની સંખ્યા વધીને ૨૦૧૮માં ૨૫ ટકાએ પહોંચી ગઈ છે. આજે તો તેમની સંખ્યા ૫૬ ટકા જેટલી માનવામાં આવે છે. એક અનુમાન પ્રમાણે વર્ષ ૨૦૨૬ સુધીમાં દેશના એક અબજ કરતાં વધારે લોકો આ સાધનોનો ઉપયોગ કરતા હશે.
વૈશ્ર્વિકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં ઇન્ટરનેટ અગત્યનો ભાગ ભજવે છે. કોમ્પ્યુટર, લેપટોપ અને સ્માર્ટફોન જેવાં સાધનો દ્વારા વિશ્ર્વની કોઈપણ માહિતી સરળતાથી પ્રાપ્ત થાય છે.
સમગ્ર વિશ્ર્વના લોકો દ્વારા સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કોઈ સાધન હોય તો તે સ્માર્ટફોન છે. એક જ ઘરમાં વ્યક્તિઓની સંખ્યા કરતાં મોબાઈલ ફોનની સંખ્યા વધુ હોય છે. દોઢથી બે વર્ષના બાળકથી માંડીને વયસ્ક લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે. માતા-પિતા પણ જો બાળક હેરાન કરે તો તેને મોબાઈલ ફોન આપી દેતા હોય છે. અરે, નાનું બાળક રડતું હોય કે જમતું ન હોય તો તેની મમ્મી પણ મોબાઈલ ફોન આપીને બાળકને રડતું બંધ કરે છે. બાળકને મોબાઈલ ફોન આપીને જમવા બેસાડે છે.
યુવાનો પોતાની જરૂરી માહિતી આસાનીથી મેળવી શકે છે. પસંદગીના પાત્ર શોધવામાં ઉપયોગી થાય છે. પોતાની આંતરિક શક્તિ ફેસ બુક બ્લોગના માધ્યમથી આકર્ષક રીતે રજૂ કરી શકે છે. પોતાની વિશિષ્ટ કળાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ મૂકી શકાય છે. સામાજિક સ્થાન ઊંચું કરવામાં ફાયદાકારક છે. યાદગાર પ્રવાસોના ફોટા શેર કરી શકાય છે. એકલવાયા જીવનમાં સોશિયલ મીડિયા એક હમસફર જેવું કામ કરે છે.ખાલીપો પૂરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિદેશમાં રહેતા સગાં સંબંધીઓ સાથે રોજબરોજ સંપર્કમાં રહી શકાય છે. રોજે રોજ વીડિયો દ્વારા રૂબરૂ મળવા જેવો અહેસાસ થઈ શકે છે. વિદેશોમાં ઉજવાતા પ્રસંગો કે દેશમાં ઉજવાતા પ્રસંગો અન્યોન્ય જોઈ શકાય છે. હાજર રહ્યા હોવાનો અહેસાસ કરી શકાય છે. સોશિયલ મીડિયા એકબીજા દેશના સંસ્કાર અને સંસ્કૃતિથી બાળકોને જોડી રાખે છે. દેશના આદર્શરૂપ વ્યક્તિઓના આદર્શો, પ્રવૃત્તિઓ અને વિચારોથી આજના યુવાનો માહિતગાર રહી, પ્રેરણા મેળવે છે. સમાજના દરેક પ્રસંગો કે કરંટ ટોપિક ઉપર પોતાના વિચારો બિન્દાસ રીતે રજૂ કરી શકાય છે. જ્ઞાનનો વિશાળ ભંડાર મળી રહે છે.
સરકારી તંત્ર કે સરકાર દ્વારા રજૂ થતી અવનવી યોજનાનો ચિતાર અને અહેવાલ જીવંત રીતે દેશના નાગરિકો સમક્ષ મૂકી શકાય છે. આ અર્થમાં વિજ્ઞાપનનું કાર્ય પણ ખૂબ અસરકારક રીતે થઈ શકે છે. સરકારી કચેરીઓ પોતાનો પત્ર વ્યવહાર પણ ઓનલાઈન કરી શકે છે. એટલું જ નહીં બલકે કોરોના કાળમાં તો કોર્ટ દ્વારા ચુકાદાઓ પણ ઓનલાઇન અપાઈ રહ્યા હતા.
વિશ્ર્વ ભરમાં ડિજિટલ યુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભારતમાં ૨૦૧૬થી નોટ બંધી પછી ડિજિટલ વ્યવહાર શરૂ થયા. આ દિવાળી સમય દરમિયાન ચલણમાં ૭૬૦૦ કરોડનો ઘટાડો થયો છે. છેલ્લા બે દાયકામાં આ પહેલી વાર બન્યું છે. લોકો ચુકવણી માટે ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરતા હોવાથી આમ બન્યું છે. એક અહેવાલ અનુસાર ડિજિટલ લેણદેણની હિસ્સેદારી ૨૦૧૬ના નાણાંકીય વર્ષમાં ૧૧.૨૬ ટકા હતી. ૨૦૨૨માં વધીને ૮૦.૪ થઈ ગઈ. ૨૦૨૭ના નાણાકીય વર્ષમાં ૮૮ ટકા થઈ જવાની શક્યતા છે. જેના માટે નારાજગી હતી,તે ઓનલાઇન પેમેન્ટ હવે રોજિંદુ થઈ ગયું છે. ગૂગલ પે,ફોન પે, પેટીએમ જેવી એપ્લિકેશન ફિલ્મની ટિકિટથી લઈને હોટેલના બિલ સુધી બધે કામ આવે છે. બધો જ નાણાંકીય વ્યવહાર કેશલેસ થઈ રહ્યો છે. નેટ બૅન્કિંગના માધ્યમે ગમે ત્યારે રકમની લેવડદેવડ થઈ શકે છે. આ અર્થમાં બૅંકોની કામગીરી ખૂબ જ ઘટી ગઈ છે. લોકોની રોજબરોજની જરૂરિયાત જેવી કે ગેસ, વીજળી, પાણી, ટેક્સ, વીમો કે ફોનના બિલનું ચૂકવણું પણ ઓનલાઇન થઈ જવાથી, કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવાનો સમય અને શક્તિ બચી જાય છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ દવા કે એવી કોઈ અન્ય જરૂરિયાતો ઓનલાઇન મંગાવી શકાય છે.આ અર્થમાં લોકોની મોટા ભાગની જરૂરિયાતો ખૂબ જ ઝડપથી સંતોષાઈ રહી છે.
ઇન્ટરનેટની આ ચમત્કારી અને બહુવિધ ઉપયોગિતાની સાથે સાથે તેના વિવેક વગરના ઉપયોગથી ગંભીર પરિણામો પણ જોવા મળે છે. એ પણ હકીકત છે. ખૂબ જ ઉપયોગી હોવા છતાં જો તેનો વિવેક પૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો ઘણી બધી ગંભીરતા નોતરી શકે છે. બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય ઉપર ભારે વિપરીત અસર પડી રહેલી જોવા મળે છે. ઇન્ટરનેટના દુરુપયોગથી આપણું યુવા ધન અશિસ્ત અને અસંયમના ગેરમાર્ગે દોરવાઇ રહ્યું છે. ઇન્ટરનેટની લતથી ગ્રસ્ત બાળકો તથા કિશોરોના કાઉન્સેલિંગ માટે બેંગ્લોરમાં આવેલ નીમહાન્સ (રાષ્ટ્રીય માનસિક તપાસ તથા તંત્રિકાતંત્ર વિજ્ઞાન સંસ્થાન)દેશનું આવું પહેલું ક્લિનિક છે. આની સાથે સાથે દિલ્હીની એમ્સ,પુણે તથા યુપીના ત્રણ જિલ્લામાં અને અમૃતસરમાં પણ આવા કેન્દ્ર શરૂ થયાં છે. શહેરોમાં સ્માર્ટફોન નશા મુક્તિ કેન્દ્રના રૂપમાં ડી-એડીકશન કેન્દ્રો ખૂલી રહ્યાં છે. હવે ગામડાઓમાં પણ તેમની જરૂર લાગવા માંડી છે. આ સમસ્યાની ભયંકરતાને જોઈને વિશેષજ્ઞોનું માનવું છે કે દરેક જિલ્લામાં ઇન્ટરનેટ નશા મુક્તિ કેન્દ્ર ખોલવાની જરૂર છે. મળેલા આંકડાઓ અનુસાર ૩૮ ટકા બાળકોએ ફેસ બુક એકાઉન્ટ બનાવ્યા છે. તથા ૨૪ ટકા બાળકો ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છે. દેશના ૭૩ ટકા બાળકો મોબાઈલનો ઉપયોગ કરે છે. એમાંનાં૩૦ ટકા બાળકો મનોરોગથી પીડાય છે.
ઓનલાઇન ગેમ, સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર કલાકો સુધી વળગી રહેવાને કારણે બાળકો તથા કિશોરોમાં હિંસકવૃત્તિ વધી રહી છે. એક અધ્યયન અનુસાર સોશિયલ મીડિયા પર સક્રિય દસમાંથી ત્રણ બાળકો અવસાદ, ભય, તણાવ, ચિંતા અને ચીડિયાપણું વગેરેનો ભોગ બની જાય છે. ભણવામાં તેમનું મન લાગતું નથી. કેટલાક બાળકો તો જો ફોન ના આપે તો તે જમતા નથી. રાષ્ટ્રીય બાલ અધિકાર કમિશનના અહેવાલ અનુસાર દેશમાં દસ વર્ષથી નાની ઉંમરનાં બાળકો પણ સોશિયલ મીડિયા પર સક્રિય છે.
શિક્ષણમાં ઇન્ટરનેટનો પ્રવેશ થવાથી ગુરુ શિષ્ય વચ્ચેના પવિત્ર સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ ગયો છે. ઇમેલ, વોટ્સઅપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર, ટેલીગ્રામ જેવી સુવિધા મળવાથી વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સામાજિક સંબંધો ઘટ્યા છે. પ્રત્યક્ષ મળવાની પ્રક્રિયા બંધ થવાના આરે છે. નેટવર્ક ન્યૂઝ સેવાના કારણે વર્તમાન પત્ર ઉપર માઠી અસર જોવા મળે છે. મોબાઇલ ફોનમાંથી હાનિકારક રેડિયો એક્ટિવ વિકિરણો ઉદભવે છે. આ વિકિરણ નાના બાળકોને ખૂબ જ નુકસાન કરે છે.આ કારણે આજે ચાર પાંચ વર્ષના બાળકને પણ ચશ્માં હોય છે. કેટલાંક બાળકો તો કેન્સર જેવી હાનિકારક બીમારીઓનો ભોગ બને છે. બાળકમાં એકલવાયું જીવવાની ટેવ પડી જાય છે. આ ઉંમરે શેરીમાં કે મેદાનમાં રમવા જવાને બદલે બાળકો મોબાઇલમાં વ્યસ્ત રહેવાથી જરૂરી શારીરિક વિકાસ પણ થતો નથી.ભૂતકાળમાં એક ડોકિયું કરીએ તો બાળકો અવનવી શેરી રમતો રમતા, જેથી શરીર કસાયેલા જોવા મળતા.રોગપ્રતિકારક શક્તિ પણ બૂસ્ટ થતી. બીમાર તો ભાગ્યે જ પડતા. દાદા-દાદી અને વડીલો પાસે બોધ કથાઓ, વાર્તાઓ, ધાર્મિક કથાઓ સાંભળતા. આથી જીવનમાં મૂલ્યોનું ઘડતર થતું. તેઓની કલ્પના શક્તિ વિકસતી. પોતાનું બાળક ખૂબ જ હોશિયાર અને સ્માર્ટ છે, એવું સમાજમાં સાબિત કરવાની ઘેલછામાં મા-બાપ બાળકના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના તેના હાથમાં સ્માર્ટફોન પકડાવી દે છે. સામે ચાલીને બાળકને રોગનો ભોગ બનાવે છે.
મોબાઈલના વધુ પડતા ઉપયોગના વ્યસનને લીધે લોકો કામ કરતા કરતા મોબાઈલનો ઉપયોગ કરે છે. જેથી કામ કરવામાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. આથી કામની ગુણવત્તાને પણ અસર થાય છે. આથી જ તો ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓને મોબાઈલનો ઉપયોગ કરવા ઉપર સખત પ્રતિબંધ રાખ્યો છે. વાહન ચલાવનારાઓ માટે કાનૂની રીતે મોબાઈલ વાપરવો એ ગુનો ગણાતો હોવા છતાં આજે આપણે બાઈક ઉપર જતા લોકોને મોબાઈલ ઉપર વાત કરતા જોઈ રહ્યા છીએ. કાર ચલાવતા ચલાવતા પણ મોબાઈલ પર વાત કરતા લોકોને આપણે જોઈ રહ્યા છીએ.આમ થવાથી ઘણાં ગંભીર અકસ્માતો સર્જાય છે, તે આપણે સૌ જાણીએ છીએ. કોરોના કાળ પછી શાળામાં મોબાઇલ લઇ જવાની છૂટ મળવાથી બાળકો સતત મોબાઇલમાં વ્યસ્ત રહેવા લાગ્યા છે. અરે કેટલીક મમ્મીઓ બાળકને સ્કૂલે મૂકવા જતી હોય ત્યારે તેમના સ્કૂટર પાછળ બેઠેલું પોતાનું બાળક મોબાઇલમાં વ્યસ્ત જોવા મળે છે.ક્યારે બ્રેક લાગશે કે પછી બમ્પર ઉપર થડકો લાગશે અને પડી જવાશે, તેની ગંભીરતા પણ બાળકમાં જોવા નથી મળતી. સેલ્ફી લેવાની લ્હાયમાં ઘણા યુવાનો સમુદ્ર, નદી કે તળાવમાં ડૂબી જઈને મોતને ભેટે છે. ઊંચી ઇમારતો કે પહાડો પરથી પડી જવાની ઘટનાઓ પણ બને છે. ડિજિટલ ફાયદાની સાથે સાથે ડિજિટલ ગુનાઓ પણ વધી રહ્યા છે. સાઈટ હેકિંગ કરવી કે ફ્રોડ ડિજિટલ મની ટ્રાન્સફર જેવા ગુના વધી રહ્યા છે. સાઈબર ક્રાઇમના ગુન્હા રોજબરોજ વધી રહ્યા છે. સાઇબર સેલમાં દરરોજ સરેરાશ ૧૯૦ જેટલી ફરિયાદ આવે છે. દરરોજ સરેરાશ ૮૩ લાખ જેટલી રકમ ફ્રોડ બનનાર વ્યક્તિઓ ગુમાવે છે. યુવાનો સારા નરસા બિન્દાસ સંદેશા મોકલે છે. ખોટા એકાઉન્ટ બનાવીને કોઈને માયાજાળમાં ફસાવે છે. યુવતીઓને બદનામ કરે છે. કોમી રમખાણો આંદોલનોમાં અફવાઓ ફેલાવવામાં શાંતિનું વાતાવરણ ડહોળવામાં મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે. સમયનું ભાન રાખ્યા વિના રાત દિવસ ચેટિંગ કર્યા કરે છે.યુવાનો ખોટી માહિતી રજૂ કરી યુવતીઓને ફસાવે છે.મોટાભાગના યુવાનો દરરોજ ચારથી સાત કલાક મોબાઇલમાં વિતાવે છે. અરે ઘણી વખત મા બાપ દ્વારા મોબાઈલનો ઉપયોગ કરવાની ના પાડવામાં આવે કે પછી મોબાઈલ ન આપવાથી ઘણા યુવક યુવતીઓ આપઘાત કરી લેતા હોવાના પ્રસંગો પણ બને છે.
સોશિયલ મીડિયાના ઉપયોગથી હતાશા, દમન,ક્રોધ, ભય, ચીડિયાપણું,અંતર્મુખી જેવા માનસિક રોગોથી આજનું યુવા ધન પીડાઈ રહ્યું છે. હૃદય અને લાગણીના સંબંધો વિખેરાવા લાગ્યા છે. ક્યારેક બાળકો બેહૂદુ વર્તન કરતાં પણ જોવા મળે છે.યુવાધનને શારીરિક અને માનસિક રીતે બચાવવું હશે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ વિવેક પૂર્વક કરવો પડશે.કસરત અને યોગની ટેવ પાડવી પડશે.
મોબાઈલના ઉપયોગના અતિરેકને લીધે ઘણા યુવક યુવતીઓ માનસિક અસ્વસ્થ બનવા લાગ્યા છે. ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે.આ પરિસ્થિતિમાં ક્યારે સુધાર આવશે,એ તો આવનાર સમય જ કહેશે.
મોબાઇલનો ઉપયોગ વિવેક પૂર્વક કરવો જ રહ્યો. ટેકનોલોજીને કેવી રીતે વખોડી શકીએ ? આ સંદર્ભે જાણીતા ચિંતક,લેખક અને વક્તા ભદ્રાયુ વછરાજાનીને ટાંકીને આ લેખ પૂરો કરું :
“બાળક મેચ્યોર થાય એ પહેલા એના હાથમાં અમુક રમકડાં આપી દો તો એ રમકડાંની જે વેલ્યૂ છે,જે મૂલ્ય છે એ એની બાળકની પુખ્તતા ન હોવાથી ન સમજાય અને બાળક એનો દુરુપયોગ કરી નાખે તો એમાં વાંક રમકડાનો નથી. બાળકના હાથમાં પકડાવી દેનાર આ રમકડાના માલિક એવા મા બાપનો વાંક છે.
ટેકનોલોજીને ક્યારે ય દોષ દેવાની જરૂર નથી. હું બેઝિકલી વિજ્ઞાનનો માણસ છું.વિજ્ઞાનનો માણસ હોવાથી તમને હું સાબિત કરી આપી શકું એમ છું કે, મને જો છૂટ આપવામાં આવે,જે છૂટ મારા ઘરમાં મારા રૂમમાં લઈ શકતો હોઉં તો હું ઈશ્ર્વરના કોઈ પણ ફોટાને બદલે આ મોબાઈલનો ફોટો ખાલી રાખું અને રોજ સવારે એને હારતોરા કરીને એને પ્રણામ કરું.

RELATED ARTICLES

Most Popular