(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દહીસર અને ડી. એન. નગર મેટ્રો-ટૂએ અને દહીસર-અંધેરી મેટ્રો સાત લાઈનનું નિર્માણ કાર્ય પૂરું થયા પછી સમગ્ર કોરિડોરમાં મેટ્રો ટ્રેન દોડાવવા અંગેના વિવિધ પરીક્ષણો ચાલી રહ્યા છે, ત્યારે તેના સંબંધિત મેટ્રો કમિશનર અને મેટ્રો રેલવે સુરક્ષા (સીએમઆરએસ) દ્વારા ટૂંક સમયમાં પરીક્ષણનું કામકાજ પાર પાડવામાં આવશે. કમિશનર વતીથી સેફ્ટી સર્ટિફિકેટ મળ્યા પછી નવા વર્ષથી બીજા તબક્કામાં મેટ્રો ટ્રેન ચાલુ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મેટ્રો-ટૂએ અને મેટ્રો-સેવન લાઈનમાં દહીસર-આરે વચ્ચેના ૨૦ કિલોમીટરના કોરિડોરમાં એપ્રિલ મહિના દરમિયાન મેટ્રો ટ્રેન ચાલુ કરવામાં આવી હતી, જ્યારે બીજા તબક્કાની ટ્રેનસેવા ચાલુ કરવાની લોકોમાં ઈંતજારી છે. મેટ્રો-ટૂએ લાઈનમાં દહાણુકરવાડીથી ડીએનનગર અને મેટ્રોસેવનમાં અંધેરી પૂર્વ એમ બીજા તબક્કાનું કામકાજ પંદરમી ઑગસ્ટમાં ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વિલંબને કારણે કામકાજ ખોટકાયું છે. હવે બીજા તબક્કાનું કામકાજ પૂરું થયું છે, પરંતુ વિવિધ પરીક્ષણના કામકાજ ચાલુ છે. અગાઉ રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (આરડીએસઓ) દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યા પછી એમએમઆરડીએ દ્વારા તેનું પ્રમાણપત્ર પણ પૂરું પાડવામાં આવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પરીક્ષણ કરવામાં આવ્યા પછી મેટ્રો કમિશનર, મેટ્રો રેલવે સુરક્ષા (સેફ્ટી કમિશનર) દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યા પછી ફાઈનલ સર્ટિફિકેટ લેવાનું બાકી છે, પરંતુ હાલના તબક્કે અંતિમ કામગીરી ચાલી રહી છે. બે દિવસ પૂર્વે સીએમઆરએસની ટીમ મુંબઈ પહોંચી ગઈ છે તથા પરીક્ષણ ચાલુ છે, એમ એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના અધિકારીએ જણાવ્યું હતું. આ પરીક્ષણનું કામકાજ પૂરું થવામાં દસેક દિવસનો સમય લાગી શકે છે, ત્યાર બાદ ટેક્નિકલ ફેક્ટરની ચકાસણી કરવામાં આવશે. ત્યાર બાદ બીજા તબક્કાની મેટ્રો ટ્રેન ચાલુ કરવા માટે સેફ્ટી સર્ટિફિકેટ આપવામાં આપવાનું ગ્રીન સિગ્નલ મળશે. સેફ્ટી સર્ટિફિકેટ મળ્યા પછી નવા વર્ષમાં જાન્યુઆરી મહિનામાં મેટ્રો-ટૂએ અને મેટ્રો-સેવનનું બીજા તબક્કામાં મેટ્રો ચાલુ થશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.