શિંદે જૂથ અને વિપક્ષના ધારાસભ્યો વિધાન ભવનમાં બાખડ્યા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

શું મળ્યું?
કેન્દ્રમાં ભાજપની સરકારને ‘ગાજરની સરકાર’ ગણાવતા બુધવારે વિધાનસભાના પ્રાંગણમાં સત્તાધારી પક્ષના વિધાનસભ્યો અને વિરોધ પક્ષના વિધાનસભ્યોની વચ્ચે જોરદાર ધાંધલ-ધમાલ થઈ હતી, જ્યારે અમલનેરનો એનસીપીનો વિધાનસભ્ય અનિલ પાટીલે ગાજરનો હાર પહેરીને રાજ્ય સરકારનો આગવી રીતે વિરોધ કર્યો હતો. (જયપ્રકાશ કેળકર)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને સમર્થન આપતા શિવસેનાના ધારાસભ્યો અને કેટલાક વિપક્ષી ધારાસભ્યોએ બુધવારે મુંબઈમાં વિધાન ભવનનાં પગથિયાં પર એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ધારાસભ્યો શિવસેના-ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ગઠબંધન સરકાર પર કટાક્ષ કરવા ગાજર લાવ્યા હતા. શિંદે જૂથના ધારાસભ્યોએ એનસીપીના ધારાસભ્યો પાસેથી ગાજર છીનવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સ્થિતિ તંગ બની ગઈ. બંને પક્ષના કેટલાક ધારાસભ્યોએ દરમિયાનગીરી કરી અને તણાવને શાંત કર્યો. બંને પક્ષના ધારાસભ્યો થોડી વાર એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં રહ્યાં અને પછી કાર્યવાહીમાં જોડાવા માટે ગૃહમાં ગયા. રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર ગુરુવારે પૂર્ણ થશે. શિંદે અને શિવસેનાના ૩૯ ધારાસભ્યોએ જૂનમાં પાર્ટી નેતૃત્વ સામે બળવો કર્યો હતો. આ પછી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહાવિકાસ આઘાડી ગઠબંધન સરકાર પડી ગઈ. આ પછી શિંદેએ ૩૦ જૂને મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા.
——–
અજિત પવારે સત્તાધારીઓના
જખમ પર નમક ચોપડ્યું
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનભવનનાં પગથિયાં પર બુધવારે સત્તાધારી અને વિરોધીઓમાં અભૂતપૂર્વ બાથંબાથી જોવા મળી હતી. અત્યાર સુધી અધિવેશનમાં વિરોધી પક્ષના વિધાનસભ્ય શાસક વિરુદ્ધ નારાઓ લગાવતા હતા, સરકાર વિરુદ્ધ રોષ અને પોતાની માગણીઓને નારાનું સ્વરૂપ આપીને ઝેર પણ ઓકતા હતા, પણ બુધવારે મહારાષ્ટ્ર વિધાનભવનનાં પગથિયાં પર સત્તાધારી પક્ષના વિધાનસભ્યોએ વિરોધીઓને ઘેરાવ કરવાનો જ પ્લાન બનાવ્યો હતો. સત્તાધારી અને વિરોધીઓ એક જ સમયે નારાઓ લગાવી રહ્યા હતા. આ જ સમયે મામલો બીચકતાં બંને તરફના વિધાનસભ્યો બાખડી પડ્યા હતા. અમોલ મિટકરી અને મહેશ શિંદે વચ્ચે તો છુટ્ટા હાથની મારામારી થઇ હતી. આ તમામ બાબતે વિરોધ પક્ષના નેતા અજિત પવારે તીવ્ર નારાજગી વ્યક્ત કરીને સત્તાધારીઓને વધુ ઉશ્કેર્યા હતા અને શિંદે જૂથના જખમ પર નમક ચોપડ્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભાના અધિવેશનનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને બુધવારે કામકાજનો પાંચમો દિવસ હતો. અમે વિરોધી પક્ષના મોટા ભાગના વિધાનસભ્યો દરરોજ સવારે વિધાનભવનનાં પગથિયાં પર નારા લગાવીએ છીએ, પણ સત્તાધારીઓથી આ સહન ન થયું. સત્તાધારીઓને અમે જે પણ નારાબાજી કરી કે આરોપ કર્યા એ ખટક્યું હતું. આને કારણે તેઓ જાણીજોઇને આક્રમક બન્યા હતા. તેઓએ અમારી સાથે ધક્કામુક્કી કરી હતી, એવું અજિત પવારે જણાવ્યું હતું.
આ સમયે વિધાનસભ્ય અમોલ મિટકરી અને મહેશ શિંદેની છુટ્ટા હાથની મારામારી પણ થઇ હતી. વિરોધી પક્ષના વિધાનસભ્યો દરરોજ વિધાનભવનનાં પગથિયાં પર નારાબાજી કરતા હોય છે, પણ સાતારાના કોરેગાંવના વિધાનસભ્ય મહેશ શિંદેએ મિટકરીને ગાળો આપી હતી. બંને વચ્ચે વિવાદ થયો હતો. એ સમયે પત્રકારો સાથે પણ ધક્કામુક્કી થઇ હતી. જે કંઇ પણ થયું એ યોગ્ય નહોતું, એવું અજિત પવારે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.