(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને હરિયાળી બનાવવાના ઉદ્દેશ્ય સાથે મુંબઈ મહાનગરપાલિકાએ ૧૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ આકારના પ્લોટ માટે ‘મિયાવાકી પ્લાન્ટેશન’ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે સોમવારે તેનેે લગતો નિર્ણય લીધો હતો. તે મુજબ બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટ હવે નવા બાંધકામોમાં ‘અર્બન ફોરેસ્ટ’ વિકસાવવા માટે ઈન્ટિમેશન ફોર ડીસઅપ્રુવલ (આઈ.ઓ.ડી.)માં આ શરતનો સમાવેશ કરશે.
મુંબઈ ધીમે ધીમે સિમેન્ટ-કૉંંક્રીટનું જંગલ બની ગયું છે. ત્યારે છેલ્લાં ત્રણ વર્ષથી મુંબઈ મહાનગરપાલિકાની હદમાં પર્યાવરણનું જતન કરવા અને મુંબઈમાં લીલોતરી પટ્ટો વધારવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં જાપાની કલ્પનાને આધારે ‘મિયાવાકી વન’નો વિકાસ કરવાનો એક નવો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. પાલિકાએ મુંબઈમાં ૬૪ સ્થળોએ અર્બન ફોરેસ્ટ હેઠળ ચાર લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. મોટા ભાગે ફૂલોના, સંદિગ્ધ વૃક્ષો, વાંસ, પામ્સ, ગાઉન્ડ કવર, ઘાસ વગેરે વાવવામાં
આવે છે. પાલિકાના ઉદ્યાન વિભાગના સુપરિન્ટેન્ટ ડૉ. જિતેન્દ્ર પરદેશીના જણાવ્યા મુજબ મુંબઈ મહાનગરપાલિકાના વિસ્તારમાં ૧૦,૦૦૦ ચોરસ મીટર કરતા વધુ આકારના પ્લોટ પર બાંધકામ કરતા સમયે ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ્સ સંબંધિત નિયમ અનુસાર નિર્ધારિત ક્ષેત્રફળની જગ્યા એ ખુલ્લા વિસ્તાર તરીકે હોવો ફરજિયાત છે. તે મુજબ ખુલ્લી જગ્યા માટે જેટલી જગ્યા નિર્ધારિત કરવામાં આવશે, તે જગ્યાના પાંચ ટકા જગ્યામાં ‘મિયાવાકી વન’ ઊભું કરવાનું ફરજિયાત રહેશે. ‘મિયાવાકી વન’ વિકસિત કરવા માટે ટેક્નિકલ માર્ગદર્શનની તમામ માહિતી ઉદ્યાન ખાતા પાસેથી મળશે.
મુંબઈ મહાનગરપાલિકાના બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટને બાંધકામ પરવાનગી (આઈ.ઓ.ડી.) વિષયની શરતોમાં ‘મિયાવાકી વન’ વિકસિત કરવાની શરતનો સમાવેશ કરવાનો આદેશ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલના આદેશ મુજબ આપવામાં આવ્યો છે.
સામાન્ય વનની સરખામણીમાં ‘મિયાવાકી’ પદ્ધતિમાં ઝાડ ઝડપથી વધે છે. સામાન્ય પદ્ધતિએ લગાડેલાં ઝાડને વધવામાં સમય લાગે છે, તેની સરખામણીમાં ઓછા સમયમાં ઝાડની ઊંચાઈ વધે છે. તેમ જ સાધારણ રીતે બે વર્ષમાં વિકસિત થનારા મિયાવાકી પદ્ધતિના વનમાં ઝાડનું અંતર પણ ઓછું રહેતું હોવાથી તે ઘનઘોર જંગલ જેવું બને છે.
મિયાવાકીમાં સામાન્ય રીતે ફક્ત બેથી ત્રણ વર્ષ સુધી જ આ વનની નિયમિત દેખરેખ કરવી પડે છે. ત્યાર બાદ આ વન કુદરતી રીતે વધતું રહે છે અને ઑક્સિજન આપતું રહે છે.
બિલ્ડરો માટે ‘મિયાવાકી’ પ્લાન્ટેશન ફરજિયાત
RELATED ARTICLES