ધાતુમાં છૂટાછવાયા કામકાજે મિશ્ર વલણ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે મિશ્ર વલણ રહ્યું હોવાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ પાંખાં કામકાજો વચ્ચે કોપરની અમુક વેરાઈટીઓમાં માગને ટેકે કિલોદીઠ રૂ. ૧નો અને બ્રાસ યુટેન્સિલ્સમાં કિલોદીઠ રૂ. ૩નો સુધારો આવ્યો હતો, જ્યારે બ્રાસ શીટ કટિંગ્સ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩નો ઘટાડો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
ગત જુલાઈ મહિનાના અમેરિકાના પેરોલ ડેટા અપેક્ષા કરતાં મજબૂત આવતાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપરમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી નીકળી હતી, પરંતુ સાથે સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી ભીતિને કારણે કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ આગલા બંધથી સાધારણ ૦.૧ ટકા ઘટીને ટનદીઠ ૭૮૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય નિકલના ભાવ ૨.૩ ટકા, ઝિન્કના ભાવ ૨.૧ ટકા અને ટીનના ભાવ ૦.૫ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે એલ્યુમિનિયમ અને લીડ ઈન્ગોટ્સના ભાવ અનુક્રમે ૦.૭ ટકા અને ૧.૮ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
વૈશ્ર્વિક મિશ્ર અહેવાલ સાથે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં એકંદરે કામકાજો નિરસ રહ્યા હતા. જેમાં મુખ્યત્વે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટો અને વપરાશકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને રૂ. ૪૬૮ અને કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર અને કોપર વાયરબારમાં ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને અનુક્રમે રૂ. ૬૫૩, રૂ. ૬૪૮ અને રૂ. ૬૭૯ના મથાળે રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.