ભારતની વીરાંગનાઓ-ટીના દોશી
માયજી તરીકે જાણીતાં થયેલાં એક એવાં સ્વાતંત્ર્ય સેનાની જેનાં અંગે વાદળી રંગની જાડી ખાદીની સાડી શોભતી હોય, ગળામાં રુદ્રાક્ષના મણકાની માળા ઝૂલતી હોય અને ગોરા તેજસ્વી મુખડા પર કાળા ચશ્માં પહેરેલાં હોય….આ સ્ત્રીને ઓળખી શકો છો?
જવાબ છે: મીઠુબહેન પિટીટ… મુંબઈના સાધનસંપન્ન પારસી પરિવારનાં મીઠુબહેને આઝાદી આંદોલનમાં જોરશોરથી ભાગ લીધેલો. ખાદીનો પ્રચાર-પ્રસાર કરેલો, બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધેલો અને સુરત જિલ્લામાં મરોલી ખાતે કસ્તૂરબા સેવાશ્રમનું સંચાલન કર્યું.
મીઠુબહેનનો જન્મ ૧૧ એપ્રિલ ૧૮૯૨ના મુંબઈમાં થયો. પિતા હોરમસજી અને માતા પીરોજબાઈ. નામાંકિત ઉદ્યોગપતિ સર દિનશા માણેકજી પિટીટનાં પ્રપૌત્રી હતાં મીઠુબહેન. દિનશા પિટીટ પરિવારના પહેલા બેરોનેટ હતાં. એક સમયે દિનશા માણેકજીની સત્તર તો મિલો હતી. રૂપિયાની રેલમછેલ હતી. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં તોય પિટીટ પરિવારની છાબડીમાં માય… ભૌતિક સુખસુવિધાઓના વાતાવરણમાં મીઠુબહેનનો ઉછેર થયેલો. સોનાના ઘૂઘરે રમેલાં. ચાંદીની થાળીમાં જમેલાં. એશોઆરામનું જીવન જીવેલાં એ. સેન્ટ જિસસ અને મેરી કોન્વેન્ટ જેવી શાળામાં અંગ્રેજી શિક્ષણ લઈને મીઠુબહેન વિલાયતી ગોરી મેમ જેવાં જ થયેલાં. સાજશણગારનાં શોખીન પણ ખરાં. શ્રીમંત કુટુંબના રિવાજ મુજબ મખમલનાં બૂટ, રેશમી મોજાં, વિલાયતી સાડી, સોનાનાં બટન અને ગળામાં સાચા મોતીની માળાથી સજ્જ થતાં.
શૃંગારપ્રિય મીઠુબહેનનાં માસી જાયજીબહેન અને માસા જહાંગીરભાઈ. બેયની સાથે મીઠુબહેનને ગોઠતું. માસી અને માસા મહાત્મા ગાંધીના પરમ ભક્ત હતા. એ બન્ને ગાંધીજીના સેવાકાર્યોમાં જોડાયેલાં. જાયજીમાસીને કારણે મીઠુબહેનનો મેળાપ ગાંધીજી સાથે થયો. ગાંધીજીનાં પ્રથમ દર્શનથી જ મીઠુબહેન પ્રભાવિત થયાં. ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને એમની કાયાપલટ થઇ ગઈ. એમણે બધા વૈભવ અને વિલાસનો ત્યાગ કર્યો. સાદગીભર્યું જીવન જીવવાં લાગ્યાં. ગાંધીજી સાથે સ્વરાજની લડતમાં જોડાતાં ગયાં. વિદેશી વસ્ત્રોને ઠેકાણે આંદોલનના પ્રતીકસમી સ્વદેશી ખાદી અપનાવી લીધી. મીઠુબહેન ચરખો ચલાવવા લાગ્યાં. કાંતણકળા અને વણાટકામ શીખ્યાં. ખાદી પોતે જ કાંતતાં. ગામડે ગામડે ખાદીની ફેરી કરવા લાગ્યાં. તે સમયમાં ખાદી એટલે જાડું અને ખરબચડું કાપડ ગણાતું. વળી ટૂંકા પનાનું. એટલે ગરીબો જ ખાદી પહેરતાં. શ્રીમંતો પણ ખાદી પહેરે એવી ગાંધીજીની ઈચ્છા હતી. મીઠુબહેન એ કામમાં મચી પડ્યાં. કોઈ પણ કામમાં જીવ રેડી દેવો એ મીઠુબહેનની આગવી વિશેષતા હતી. એક વાર કામ હાથમાં લીધું એટલે પૂરું કર્યે જ છૂટકો!
મીઠુબહેને આંધ્ર પ્રદેશના ઝીણા સૂતરમાંથી મુલાયમ લાંબા પનાવાળી ખાદી વણીને તૈયાર કરી. એમણે એવી સુંદર ખાદીનું નિર્માણ કર્યું કે સ્ત્રીઓ ખાદીની સાડી પહેરવા લાગી. મોતીલાલ નેહરુ, જવાહરલાલ નેહરુ અને સરોજિની નાયડુ પણ લાંબા પનાની ખાદી પ્રત્યે આકર્ષાયાં.
દરમિયાન, ૧૯૨૭માં ગુજરાતમાં અતિવૃષ્ટિ થઇ. ખેડા જિલ્લામાં વિઠ્ઠલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાહતકાર્યો ચાલી રહેલાં. મીઠુબહેન પણ એમાં જોડાયાં. મહીકાંઠાના કાદવકીચડ ભરેલાં કોતરોમાં ઘૂમતાં. દિવસે વીસેક માઈલ ચાલી નાખે અને રાત્રે કોઈની ઓસરીમાં શેતરંજી પાથરીને સૂઈ જાય. કોઈ દિ’ શીરોપૂરી તો કોઈ દિ’ ભૂખ્યાં ય રહેતાં. કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં. રામ રાખે એમ રહીએ…
એકાદ વર્ષ પછી ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ થયો. એવો સત્યાગ્રહ જેણે વલ્લભભાઈને સરદાર બનાવ્યા. અંગ્રેજ સરકાર દ્વારા મહેસૂલવધારો કરાયેલો એના વિરોધમાં બારડોલી સત્યાગ્રહ થયેલો. આ સત્યાગ્રહમાં શરૂઆતમાં બહેનો જોડાઈ નહોતી. સભામાં માત્ર પુરુષો આવેલા. એ જોઇને સરદારે ગર્જના કરેલી:
“બારડોલીમાં આજે હું એક નવી સ્થિતિ જોઉં છું. અગાઉના દિવસો મને યાદ છે. તે કાળે આવી સભાઓમાં પુરુષો જેટલી બહેનો પણ આવતી. હવે તમે પુરુષો એકલા જ સભામાં આવો છો. તમે કહેવાતા મોટાઓનું જોઇને મલાજો શીખતા જતા દેખાઓ છો. પણ હું કહું છું કે જો આપણી બહેનો, માતાઓ, સ્ત્રીઓ આપણી સાથે નહીં હોય તો આપણે આગળ ચાલી શકવાના નથી. કાલ સવારે જપ્તીઓ આવશે. આપણી ચીજો, વાસણો, ઢોરઢાંખર લઇ જવા જપ્તીદારો આવશે. જો આપણે બહેનોને આ લડતથી વાકેફગાર નહીં રાખી હોય, તેમને આપણી જોડે જ તૈયાર કરી નહીં હોય, આ લડતમાં પુરુષોના જેટલો જ રસ લેતી નહીં કરી હોય, તો તે વખતે તેઓ શું કરશે? ખેડા જિલ્લાના મારા આવા અનુભવોમાં મેં જોયું છે કે ઘરનું ઢોર છોડી જવામાં આવે ત્યારે સ્ત્રીઓને લડતમાં કેળવવામાં ન આવી હોય તો મોટો આઘાત પહોંચે છે. માટે તમે બહેનોને લડતમાં બરાબર કેળવો. ગમે તેટલી હાડમારી આવે, ગમે તેટલાં દુ:ખ પડે, બધું સહન કરીને પણ આવી લડતો લડવી રહી…!
સરદારના જોશભર્યા શબ્દોએ બહેનોમાં નવા જ જોમનો સંચાર કર્યો. બહેનો ઘરમાંથી નીકળી પડી. સત્યાગ્રહમાં જોડાઈ. મીઠુબહેન પણ એમાં જોડાયાં. બારડોલી સત્યાગ્રહ સફળ થયો. જોકે મીઠુબહેનનાં પરિવારજનોએ એમની આ પ્રવૃત્તિનો વિરોધ કર્યો. બાપદાદાની મિલકતમાંથી
હિસ્સો નહીં આપવાની ધમકી પણ આપી. પણ મીઠુબહેન મક્કમ હતાં. ખરેખર સંપત્તિમાંથી એમનો અધિકાર
છીનવી લેવાયો. છતાં મીઠુબહેન આઝાદી આંદોલન સાથે જોડાયેલાં રહ્યાં.
એ પછી ૧૯૩૦ના નમક સત્યાગ્રહમાં મીઠુબહેન જોડાયાં. ગાંધીજીએ તેમને વિદેશી કાપડનો બહિષ્કાર અને દારૂબંધીનું કામ સોંપ્યું. એ સમયે સુરત જિલ્લાનો કાંઠાનો વિસ્તાર તાડીપ્રદેશ ગણાતો. તાડીનું વ્યસન દૂષણ બની ગયેલું.
મીઠુબહેને તાડીનાં વૃક્ષોનો નાશ કરવાનો સાહસિક નિર્ણય કર્યો. સુરત જિલ્લાના મરોલીથી દસેક માઈલ દૂર દરિયાકાંઠે છાવણી બાંધીને તાડીના વૃક્ષોનું નિકંદન કઢાવવા માંડ્યું. કામ પાર પાડીને જ એ જંપ્યાં. એ સ્થળે ૧ ડિસેમ્બર ૧૯૩૦ના ‘કસ્તૂરબા વણાટ શાળા’ની સ્થાપના થઇ, જે પાછળથી ‘કસ્તૂરબા ગાંધી હોલીડે હોમ’ બન્યું. તેની બાજુમાં જ મીઠુબહેને કસ્તૂરબા સેવાશ્રમ સ્થાપ્યો. આશ્રમનું ખાતમુહૂર્ત ગાંધીજીએ કર્યું. એમણે મીઠુબહેનને પૂછ્યું: “મારે હાથે આશ્રમનો પાયો નખાવો છો તેની જવાબદારી સમજો છો? મીઠુબહેને તરત જ ઉત્તર વળ્યો: “હા, બાપુ… મારે હવે અહીં જ દટાવાનું છે.
બોલ્યું પાળ્યું મીઠુબહેને. આશ્રમ સાથે એકાકાર થઇ ગયાં. પણ એક વાર નાણાંભીડ ઊભી થઇ. કેટલાક લોકો સાથે મીઠુબહેન ગાંધીજીને મળવા ગયાં. પૂછ્યું: “બાપુ, આશ્રમની આર્થિક કટોકટી દૂર કરવા સિનેમાના કે નાટકના એકાદ ખેલનું આયોજન કરવા મંજૂરી આપશો કે? ગાંધીજીને આ પ્રશ્ર્નથી જ આઘાત લાગ્યો. એમણે કહ્યું: “સાધન સાધ્ય જેટલાં જ મહત્વનાં હોય છે. જો તમે સારું કામ કરતાં હશો તો ધનનો અભાવ એમાં ક્યારેય અવરોધ ઊભો નહીં કરી શકે, પરંતુ સાધ્યને સિદ્ધ કરવાની લ્હાયમાં સાધનોને મામલે ક્યારેય સમાધાન ન કરવું જોઈએ.
આ ગાંધીસિદ્ધાંતને મીઠુબહેન આજીવન વરેલાં રહ્યાં. કોષસંગ્રહ માટે એ પ્રકારનાં સાધનોનો ઉપયોગ કરવાનું એમણે ત્યાર પછી વિચાર્યું સુધ્ધાં નહીં. ચાર દાયકા સુધી તેઓ વંચિતોની સેવા કરતાં રહ્યાં. ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી એમનું સન્માન કર્યું. ૧૬ જુલાઈ ૧૯૭૩ના મરોલી આશ્રમમાં જ એમનું મૃત્યુ થયું.
દેશની આઝાદી ખાતર સમૃદ્ધિ અને સંપત્તિ છોડનાર મીઠુબહેનનાં જીવનને બે પંક્તિમાં વર્ણવવું હોય તો એમ કહી શકાય કે,
હીરો પહેલ પડે દીપે, ટીપે ઘાટ ઘડાય
ધૂપ જલે દીપક બળે, જીવન એમ જીવાય
મીઠુબહેન સાચા અર્થમાં પહેલ પડેલો હીરો હતાં, ટીપાયેલું સુવર્ણ હતાં, સુગંધ પ્રસરાવતી ધૂપ હતાં અને પ્રકાશ રેલાવતાં દીપક પણ હતાં, કેમ ખરુંને?