અમેરિકન પ્રેસિડેન્ટ તમારી શોધનો દુરુપયોગ કરવા માગે છે. વીજળીના કિરણોને લેઝર કિરણોથી આંતરીને શસ્ત્ર તરીકે વાપરવા માગે છે. કેમ કે આમ કરવાથી અમારા દેશનું ક્યાંય નામ આવશે નહીં, જોન સ્વીપર બોલી ગયો
વિપુલ વૈદ્ય
પૃથ્વીની ત્રણ મહાસત્તાના પ્રતિનિધિઓ ભારતીય વિજ્ઞાનીઓ અનુપમ વૈદ્ય અને વિક્રમ નાણાવટી સાથે બેસીને ચર્ચા કરી રહ્યા હતા. બધાના મનમાં સામાન્ય લોકોનું હિત હતું. જોન સ્વીપર પાસેથી ભારતની માનવ કલ્યાણ અંગેની યોજનાની માહિતી હવે પાર્થો ઈવાનોવિચ અને વાંગ ડાહેંગને મળી હતી અને તેઓ પણ અભિભૂત થઈ ગયા હતા. ભારતના હેતુ કેટલા ઉદાર હતા, માનવનું કલ્યાણ કરવા માટે ચંદ્ર પર વીજળીનું ઉત્પાદન કરીને વીજળી પહોંચાડવાની વાત હતી.
દરેકને પોતાના દેશના સત્તાધીશોની ઈચ્છાની જાણકારી હતી.
માનવ જાતના કલ્યાણ માટે ભારત જેવો સુપર પાવર ન ગણાતો દેશ આટલું મોટું મિશન ઘડી કાઢે છે તે બાબત બધાને માટે ગર્વ લેવા જેવી લાગી રહી હતી. જોકે, વાંગ ડાહેંગને હજી વાત પર પૂરો વિશ્ર્વાસ બેઠો નહોતો એટલે તેણે સવાલ કર્યો કે ‘તમે ભારતને વીજળી પહોંચાડી શકો એ વાત તો હું માની જાઉં પણ દુનિયાના અંધારા દેશો સુધી કેવી રીતે પહોંચવાના હતા? કોઈ યોજના હતી કે ખાલી એમ જ દુનિયાને ઉલ્લુ બનાવવાની વાત હતી?’
‘જેવી રીતે તમારા અને અમારા દેશમાં નેશનલ ગ્રીડ છે એવી જ રીતે ઈન્ટરનેશનલ ગ્રીડ બનાવીને ત્રીજા વિશ્ર્વના જે દેશોમાં હજી સુધી વીજળી પહોંચી નથી ત્યાં સુધી વીજળી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની હતી.’
‘આને માટે પહેલી શરત એ હતી કે વીજળી સસ્તી હોવી જોઈએ અને મબલખ હોવી જોઈએ.’
‘ચંદ્ર પર વીજળી બનાવવામાં આવે તો તેનો ખર્ચ ઘણો ઓછો આવે છે અને જો અહીંથી સીધી પૃથ્વી સુધી વીજળી પહોંચી શકે તો તો બહુ જ સસ્તી પડે વીજળી, પરંતુ ભ્રમણ કક્ષામાં જઈને અત્યારે વીજળી પહોંચાડવી પડશે.’
‘આવી જ રીતે એક ખંડમાંથી બીજા ખંડમાં વીજળી પહોંચાડવા માટે કેબલ કે વાયર મુક્ત વીજ પરિવહન કરી શકાય તો ઘણો ખર્ચ બચી શકે અને સસ્તી વીજળી ગરીબોને પરવડી શકે. તેમને અંધારામાં રહેવું ન પડે.’
‘આવી જ રીતે મબલખ વીજળી હોય અને બધા વાહનો જો વીજળી પર ચલાવવામાં આવે તો પ્રદૂષણ અને ગ્રીનહાઉસ ઈફેક્ટથી પણ પૃથ્વીને બચાવી શકાય.’
‘અનુપમ, આટલું બધું વિચારવાનો સમય તને કેવી રીતે મળી રહે છે? આ બધું સાંભળીને મને એવું થાય છે કે મારી નોકરીને લાત મારીને તારા પ્રોજેક્ટમાં જોડાઈ જાઉં.’
‘જોન, અમારા પ્રોજેક્ટમાં ન નામ છે ન દામ. ફક્ત ઝનૂનને કારણે અમે આ કામ કરી રહ્યા છીએ.’
‘અનુપમ, મારા દેશમાં મને જે લાખો ડોલર મળે છે તેની સામે સંતુષ્ટી કોઈ નથી. કામ કરવાનો ઉત્સાહ પણ નથી. મારું કામ મને બોજ લાગે છે. અત્યારે અહીં ચંદ્ર પર હું કોના માટે કામ કરી રહ્યો છું, જેમને હું પોતે ધિક્કારું છું. તને ખબર છે હું અણુશસ્ત્રો બનાવનારી કંપનીઓને શું નામે બોલાવું છું? હું આ કંપનીઓને વિનાશ વેપારીઓ તરીકે સંબોધું છું. કેમ કે આ લોકો માનવતાના શત્રુ છે. અણુશસ્ત્રોનું નિર્માણ કરીને લાખો લોકોના જીવ લઈ નાખે છે. હવે એ જ લોકો માટે હું અહીં યુરેનિયમ એકઠું કરવા માટે આવ્યો છું.’
‘જોન, તારી તો સ્થિતિ સારી છે કે તારે ફક્ત યુરેનિયમ લઈ જવાનું છે. મારા રાષ્ટ્રપ્રમુખ તો ઈચ્છે છે કે અત્યંત ઘાતકી પ્લુટોનિયમ પણ લઈ જવામાં આવે અને તેઓ યુરેનિયમ અને પ્લુટોનિયમનું પેલું શું કહે છે મોક્સ (મિક્સ્ડ ઓક્સાઈડ) બનાવીને આખા વિશ્ર્વના અત્યંત ઘાતક શસ્ત્રો બનાવવા માગે છે. આ મહાવિનાશક શસ્ત્રોની પૃથ્વી પર શું અસર થાય એનાથી તેમને કોઈ લેવા-દેવા નથી.’
‘જોન અને વાંગ, તમારી વાત સાચી છે. અમારા રાષ્ટ્રપ્રમુખને ભલે અણુશસ્ત્રોનો એટલો મોહ નથી, પરંતુ સ્પર્ધામાં પાછળ રહેવા માગતા નથી. તેમનો થોડો માનવીય અભિગમ છે એટલે જ તેમણે મને સ્પષ્ટ શબ્દોમાં ભારતીયોને મદદ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આમ તો આ વસ્તુ ગુપ્ત રાખવાની હતી, પરંતુ અત્યારે મારા મન પર બોજ વધી રહ્યો છે એટલે બધું કહી દીધું.’
‘વાસ્તવમાં ભારતના વીજળીના પ્રયોગ સફળ થયા બાદ આખા પ્રોજેક્ટને જ હાઈજેક કરી લેવાનો હતો.’
‘આને માટે એક ડમી વિજ્ઞાની અત્યારે સ્પેસ સ્ટેશનમાં બેઠો જ છે. આખરે તો અહીં પણ સત્તા અને શક્તિને માટેની બધી રમત છે.’
‘ચંદ્ર પર રહેલા આ યુરેનિયમ અને પ્લુટોનિયમમાં વિશાળ ભંડારો જ ખરેખર તો બધી સમસ્યાનું મૂળ છે. આટલા મોટા પ્રમાણમાં આ કિરણોત્સારી ધાતુઓ અહીં હોત નહીં તો કોઈ દેશ માનવજાતીના દુશ્મન બનવાનું વિચારત પણ નહીં. અહીં આટલા મોટા પ્રમાણમાં આ વિનાશક ધાતુ મળી એટલે બધા જ દેશોની નિયત બગડી છે. બધાને પોતાની તાકાત વધારીને આખી દુનિયા પર રાજ કરવું છે. ભલેને પછી એ લ્હાયમાં માનવજાતીને માટે કેટલુંય સંકટ કેમ ન આવે,’ જોન સ્વીપર અત્યારે ગુસ્સામાં ધ્રુજી રહ્યો હતો.
‘હવે તો પાછા અમારા પ્રેસિડેન્ટ તમારી આટલી મહેનતથી કરાયેલી શોધનો દુરુપયોગ કરવા માગે છે. તમારા વીજળીના કિરણોને લેઝર કિરણોથી આંતરીને શસ્ત્ર તરીકે વાપરવા માગે છે. કેમ કે આમ કરવાથી દેશનું ક્યાંય નામ આવશે નહીં.
કેટલી મેલી મથરાવટી છે તેમની.’
‘સત્તાની લ્હાયમાં ભૂલી જાય છે કે તમે જે કામ કરી રહ્યા છો તે માનવજાતીના કલ્યાણ માટે કરી રહ્યા છો અને આમાં તમારો અંગત કોઈ સ્વાર્થ નથી. તમારા દેશના સામાન્ય લોકોને લાભ થવાનો છે, પરંતુ વિજ્ઞાનીઓ કે રાષ્ટ્રપ્રમુખ કે પ્રાઈમ મિનિસ્ટરનો કોઈ અંગત લાભ નથી. તેમને તો પોતાનો લાભ દેખાય છે. આ વિનાશ વેપારીઓ પાસેથી
તેમને પાર્ટી ફંડના નામે મોટું ભંડોળ મળશે.’
‘જવા દો એ બધી વાતો હવે તમે ત્રણેય મને એક વસ્તુ કહો કે આ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ?,’ વિક્રમ હવે મૂળ વાત પર વિષય લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
‘આપણે શું કરી શકીએ છીએ? આપણે તો રાષ્ટ્રપ્રમુખો દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવું પડશે.’
‘અનુપમ, તને મારી એક સલાહ છે કે લેઝર કિરણો દ્વારા તારા વીજળીના કિરણોને પરાવૃત્ત કરવાના પ્રયાસો કરવામાં આવે ત્યારે તેને કાપવા માટે શું કરી શકાય તે વિચારી જો.’
‘લેઝર કિરણોનો કોઈ તોડ નથી. તે જો વીજળીના કિરણોને આંતરવામાં સફળ થયા તો તેને કાપી નહીં શકાય,’ જોન સ્વીપરે કહ્યું.
‘જોન, શું અલ્ટ્રા- વાયોલેટ કિરણોના વલયને લેઝર ભેદી શકે? કેમ કે અમારી વીજળી તો અલ્ટ્રા વાયોલેટ કિરણોના વલયમાં જશે, જેથી સજિવ સૃષ્ટિને નુકસાન ન પહોંચે.’
‘અચ્છા, તમે સજીવ સૃષ્ટિનું પણ ધ્યાન રાખ્યું છે,’ જોન સ્વીપર પ્રશંસાભરી નજરે અનુપમને જોઈ રહ્યો.
‘મેં એકલાએ નહીં, અમારી આખી ટીમે બધું નક્કી કર્યું છે,’ અનુપમે કહ્યું.
‘આઈ મસ્ટ એપ્રિસિયેટ, તમે લોકો ઘણું ઊંડું વિચારો છો,’ જોન અને પાર્થો એક સાથે બોલ્યા.
‘નો વન્ડર કે મારા કોમરેડ સરે તમને બધી શક્ય મદદ કરવા કહ્યું હતું,’ પાર્થોએ કહયું
અમારે ત્યાં એક વિજ્ઞાની છે હ્યુ રેન્યુ કરીને, તેઓ તમારા અનુપ સરના અને રંજન કુમાર સરના ઘણા વખાણ કરતા હોય છે. અત્યારે તમારી વાતો સાંભળીને મને અનુભવ થઈ રહ્યો છે કે ખરેખર બંને કેટલા વિચક્ષણ બુદ્ધી ધરાવતા હશે. (ક્રમશ:)
————–
હવે શું?
ચંદ્રની સપાટી પરથી યુરેનિયમ અને પ્લુટોનિયમના ભંડારોને ખતમ કરવા હોય તો શું કરી શકાય? જ્યાં સુધી આ ભંડારો ખતમ નહીં થાય ત્યાં સુધી આ સંકટ દૂર નહીં થાય. આને માટે કોઈ રસ્તો શોધી કાઢવાનો છે અને આપણા દેશને જાણ કર્યા વગર એ રસ્તો શોધવાનો છે, જોન સ્વીપરે પોતાના મનની વાત જાહેર કરી નાખી