– વિપુલ વૈદ્ય
પ્રેસિડેન્ટ સર, નિયંત્રિત કરેલી વીજળી તો મિસાઈલ અને અણુબોમ્બ કરતાં પણ વધુ ઘાતક હથિયાર સિદ્ધ થઈ શકે છે, કેમ કે તેને કોઈ રોકી નથી શકતું અને તે ફક્ત પોતાના લક્ષ્યને ભસ્મીભૂત કરી શકે છે
—
અમેરિકાના વ્હાઈટ હાઉસમાં અત્યારે રાષ્ટ્રપતિ જોન લાઈગર પોતાની કેબિનમાં બેઠા હતા અને સામેની તરફ ઉપરાષ્ટ્રપતિ મોનિકા હેરિસ બેઠાં હતાં. સેમ્યુઅલ યંગ પ્રેસિડેન્ટની જમણી તરફ અટેન્શનમાં ઊભો હતો અને સામે લોકહીડ માર્ટીન કંપનીના માલિક મિ. માર્ટીન અને તેમના ટોચના વિજ્ઞાની ઊભા હતા.
જોન લાઈગર તેમની પાસેથી વીજળીને આકાશમાંથી પૃથ્વી પર લાવી શકવાની યોગ્યતા વિશે સવાલ કરી રહ્યા હતા અને તેમાં કેટલું જોખમ હોય તેની જાણકારી મેળવી રહ્યા હતા.
તેમણે વિજ્ઞાનીને સવાલ કર્યો કે ‘આકાશમાંથી વીજળી ધરતી પર આવી રહી હોય તેને નિયંત્રિત કરીને મોકલવામાં આવતી હોય તો પણ તે જોખમી બની શકે છે?’
વાદળોમાંથી પડતી વીજળીની જેટલી જ કોઈપણ રીતે આવતી વીજળી જોખમી બની શકે છે. એમાંય અવકાશી વીજળી તો ફક્ત અમુક સેકેન્ડ માટે હોય છે, જ્યારે નિયંત્રિત કરીને સતત મોકલવામાં આવતી વીજળી તો વધુ જોખમી હોય છે. તે પોતાની આસપાસના વાતાવરણનું ધ્રુવીકરણ કરી નાખે તો સજીવસૃષ્ટિ જોખમમાં આવી શકે છે.
આ વીજળી કોઈ શસ્ત્ર કરતાં ઓછી નથી, વિજ્ઞાનીએ કહ્યું.
ક્યારથી આ શબ્દોની રાહ જોઈ રહ્યા હોય તેમ જોન લાઈગરે તરત જ શબ્દો પકડ્યા અને વિજ્ઞાનીને સવાલ કર્યો કે ‘ખરેખર, આ વીજળી શસ્ત્ર બની શકે?’
‘પ્રેસિડેન્ટ સર, નિયંત્રિત કરેલી વીજળી તો મિસાઈલ અને અણુબોમ્બ કરતાં પણ વધુ ઘાતક હથિયાર સિદ્ધ થઈ શકે છે, કેમ કે તેને કોઈ રોકી નથી શકતું અને તે ફક્ત પોતાના લક્ષ્યને ભસ્મીભૂત કરી શકે છે.’
‘અચ્છા આવી રીતે આવી રહેલી વીજળીની દિશા બદલવાનું શક્ય છે?’
‘ખોટું નહીં બોલું, હમણાં થોડા દિવસ પહેલાં જ સ્વિટ્ઝર્લેન્ડના વિજ્ઞાનીઓએ આ અંગેનો સફળ પ્રયોગ કર્યો છે, જેમાં તેમણે લેઝર કિરણોનો ઉપયોગ કરીને વીજળીની દિશા બદલી નાખી હતી.’
આ વાત સાંભળીને જોન લાઈગરના મનમાં શેતાની વિચારો ફરતા થયા હોય એમ તેમની આંખો ચકળવકળ થવા લાગી. માથાની ચામડી પર કરચલીઓ પડતી હતી અને ગાયબ થઈ રહી હતી. સામે બેઠેલી મોનિકા હેરિસે આખો સંવાદ સાંભળ્યો હતો અને અત્યારે જે રીતે જોન લાઈગરનું મોં પ્રતિક્રિયા આપી રહ્યું હતું તેને જોઈને તેને કશાક અમંગળના એંધાણ વર્તાયા. લાઈગરની આ પ્રતિક્રિયા સામાન્ય નહોતી. તેમના મનમાં ચાલી રહેલી ગણતરી કેવું રૂપ ધારણ કરશે તે કહી શકાય એમ નહોતું. આ બધું જોઈને તેના મનમાં ઉત્પાત અને ઉચાટ થવા લાગ્યો હતો.
લાઈગર વીજળીનાં કિરણોને વાળીને કોને નુકસાન પહોંચાડવા માગતા હતા? આટલું શક્તિશાળી શસ્ત્ર તેમને શા માટે જોઈતું હતું? તેઓ ભારતને નુકસાન પહોંચાડવા માગતા હતા? શું આ યોગ્ય હતું? એવા વિચારો તેમના મગજમાં ચાલી રહ્યા હતા. અત્યારે બળવો કરવાનો વિચાર તેને આવી રહ્યો હતો. જોકે લાઈગરને ખબર ન પડે તે રીતે આ બળવો કરવાનો હતો અને તેને માટે શું કરવું તેનો વિચાર કરી રહેલી મોનિકાને જોન સ્વીપરમાં પોતાની આશા પૂરી થતી દેખાઈ.
****
લાઈગરે ચંદ્ર પર રહેલા પોતાના ખબરીનો સંપર્ક કરીને સૂચના આપતાં કહ્યું કે જ્યારે ભારતનું વીજળીનું ઉત્પાદન થઈ ગયા બાદ વીજળીને પૃથ્વી પર મોકલવાનું ચાલુ કરવામાં આવે તે પહેલાં જાણકારી આપજે જેથી તેને કાપી શકાય. સામેથી સકારાત્મક જવાબ આવ્યો. હવે અત્યંત આનંદમાં આવેલા લાઈગર વ્હાઈટ હાઉસના સંકુલમાં ચાલવા માટે નીકળી ગયા.
લાઈગર ચાલવા નીકળ્યા હોવાથી ઓછામાં ઓછું અડધો કલાક પાછા ફરશે નહીં તેની ખાતરી હતી મોનિકાને અને તેથી જ તેણે તરત અવકાશયાનનો સંપર્ક કર્યો. અવકાશયાનમાં અપેક્ષા મુજબ જોન સ્વીપર બેઠો હતો. મોનિકાએ તેને હેડફોન લગાવવાની સૂચના આપી જેથી અન્ય કોઈ વ્યક્તિ તેમની વાત સાંભળી ન શકે.
જોન, મને પ્રેસિડેન્ટની નિયત પર શંકા જઈ રહી છે. ભારતના વીજળીના પ્રોગ્રામ વિશેની માહિતી તેમને મળી ગઈ છે અને તેઓ ભારતની વીજળીનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા માટે લેઝર કિરણો દ્વારા વીજળીને આંતરવાનો પ્રયાસ કરવાના છે.
મને ભારત પ્રત્યે કોઈ ખાસ પ્રેમ નથી, પરંતુ જે કરવામાં આવી રહ્યું છે તે અત્યંત ખરાબ છે. આવા કુકૃત્ય સાથે અમેરિકા જેવા ગૌરવશાળી દેશનું નામ જોડાય એવી મારી ઈચ્છા નથી અને તેથી તારે એક કામ કરવાનું છે. ભારતીયોને આ ષડ્યંત્રની માહિતી આગોતરી આપી દેવાની છે. તેમને જે કરવું હોય તે કરે પછી.
****
અનુપમ વૈદ્ય અને વિક્રમ નાણાવટી બંને અત્યારે ગંભીર ચિંતામાં જણાઈ રહ્યા હતા, તેમના ચહેરા પરની ચિંતાના કારણો રામ શર્મા કે પછી મનોજ રાય પણ જાણી શક્યા નહોતા.
તેઓ પોતાના કામ રોકીને શાંતિથી એક જગ્યાએ બેસી ગયા હતા. આ બધાની વચ્ચે પાર્થો ઈવાનોવિચ અચાનક પોતાના એટીવી સાથે પ્રગટ થઈ ગયો. બંનેને ગંભીર ચિંતામાં જોઈને તેણે રામ શર્માને કારણ પૂછ્યું.
‘સર, થોડા સમય પહેલાં કોઈ અમેરિકને આવીને તેમને કશુંક કહ્યું અને ત્યારથી બંને ચિંતામાં છે. બધા કામ રોકીને બેઠા છે,’ રામ શર્માએ ઈવાનોવિચને માહિતી આપી.
પાર્થો હવે સીધો વિક્રમ પાસે પહોંચ્યો અને તેને સવાલ કર્યો.
‘શું થયું? કેમ બધું કામ રોકીને બેઠા છો? અમેરિકને કોઈ ધમકી આપી છે? શું વાત છે કહો તો ખરા?’
‘પાર્થો, અહીં થોડા સમય પહેલાં જોન સ્વીપર આવ્યો હતો. ગઈકાલે આવ્યો ત્યારે તેણે અમારી ઘણી પ્રશંસા કરી હતી અમારી ચંદ્ર પર વીજળી બનાવીને પૃથ્વી પર મોકલવાની યોજનાને તેણે ઐતિહાસિક ગણાવી હતી, પરંતુ આજે તેણે અમને એવા સમાચાર આપ્યા છે કે તેના જ દેશના પ્રેસિડેન્ટ અમારી વીજળીનો દુરુપયોગ કરવા માટે લેઝર કિરણો દ્વારા તેને આંતરીને શસ્ત્ર તરીકે વાપરવા માગે છે.’
વીજળીનાં કિરણોની તાકાત અમે જાણીએ છીએ અને તેથી જ અમને ચિંતા થઈ રહી છે. માનવજાતિના ઉત્થાન માટે ઘડવામાં આવેલી આ યોજનાનો ફાયદો માનવજાતિના નાશ માટે થાય એ સાંભળીને મારું મગજ બહેર મારી ગયું છે. હવે શું કરવું તે મને સમજાતું નથી. આ ચારમાંથી બે ન્યુક્લિયર બેટરી ભરાઈ ગઈ છે. બીજી બે ભરાય એટલે મારે ભ્રમણકક્ષામાં જઈને પૃથ્વી પર વીજળી પહોંચાડવાની છે. હવે શું કરું તે ન સમજાતાં બધું બંધ કરી દીધું છે. મારા દેશમાં જાણ કરીશ તો પૃથ્વી પર દેશો વચ્ચે રમખાણો થઈ શકે છે. શું કરું?, અનુપમે પોતાની દ્વિધા વ્યક્ત કરી.
‘માનવજાતને લાભદાયક અનેક સંશોધનોનો ઉપયોગ છેવટે માનવજાતિના નાશ માટે કરવામાં આવ્યો છે અને તમારી શોધનો પણ એમાં નંબર લાગે એવું લાગી રહ્યું છે,’ પાર્થોએ સહાનુભૂતિપૂર્વક કહ્યું.
‘જોન ફરી મળવા આવવાનો છે આવતીકાલે સવારે, તમે પણ હાજર રહો તો વધુ સારું રહેશે. અમારી સમસ્યાના ઉકેલ વિશે આપણે ચર્ચાથી કોઈ રસ્તો કાઢી શકીએ,’ વિક્રમે પાર્થોને વિનંતી કરી.
‘આપણે ત્રણેય આવતીકાલે ચર્ચા કરીને આનો રસ્તો ન કાઢીએ ત્યાં સુધી કોઈએ પોતાના દેશ સુધી આ વાત પહોંચાડવાની નથી, ડીલ?,’ પાર્થોએ કહ્યું અને બંનેએ તેને તાળી આપીને કબૂલ કર્યું.
****
‘મારો દેશ અહીંથી કિરણોત્સારી ધાતુ લઈ જઈને મહાવિનાશક શસ્ત્રો બનાવવાની યોજના ઘડી રહ્યો છે. આને માટે અમારી અવકાશયાત્રાને માનવજાતની શત્રુ કંપનીઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે,’ જોન સ્વીપરે પોતાની નારાજી વ્યક્ત કરી.
‘મારો દેશ તો યુરેનિયમની સાથે અહીં રહેલું પ્લુટોનિયમ પણ સાથે લઈ જવા માગે છે અને મહાવિનાશક શસ્ત્રોનું નિર્માણ કરવા માગે છે, જે માનવજાતિને માટે સૌથી વધુ ઘાતક હશે,’ ચીનની ટીમમાં રહેલા વાંગ ડાહેંગે પોતાના દેશની યોજના વિશે માહિતી આપી.
‘અમારા રાષ્ટ્રપ્રમુખે ભારતને બધી સહાય કરવા જણાવ્યું છે અને તેથી તારે જે મદદ જોઈતી હોય તે બધી માગી લેજે. હું તારી સાથે છું,’ પાર્થોએ અનુપમને સધિયારો આપ્યો.
‘મને સમજાતું નથી કે શું કરું. માનવજાતના કલ્યાણ કરવાનો હેતુ હવે માનવજાતના કલ્યાણને ધ્યાનમાં રાખીને જ ખતમ કરી નાખવો પડશે,’ અનુપમે હતાશા વ્યક્ત કરી. (ક્રમશ:)
—
હવે શું?…
ચંદ્ર પર રહેલા યુરેનિયમ અને પ્લુટોનિયમના ભંડાર જ બધી સમસ્યાનું મૂળ છે. આ યુરેનિયમ અને પ્લુટોનિયમના વિશાળ જથ્થા નહીં હોત તો કોઈ દેશ માનવજાતિના દુશ્મન બનવાનું વિચારત પણ નહીં. આટલા મોટા જથ્થામાં આ વિનાશક ધાતુ મળી એટલે બધા દેશોની નિયત બગડી છે, જોન સ્વીપરે મુદ્દાની વાત કરી