જોન સ્વીપર નીચે ઊતરીને ચંદ્રની ખરબચડી ભૂમિ પર લંબાઈ ગયો. અત્યારે તેને અનુપમ શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. અમેરિકા, પ્રેસિડેન્ટ જોન લાઈગર, ઉપરાષ્ટ્રપતિ મોનિકા હેરિસ, અણુશસ્ત્રોની ઉત્પાદક કંપનીઓ કોઈ અત્યારે અહીં તેને સ્પર્શી શકે તેમ નહોતી
વિપુલ વૈદ્ય
અમેરિકાની ટીમના જોન સ્વીપર અને ચીનની ટીમના વાંગ ચાંગ અત્યારે ઓલ ટેરેન વેહીકલ (એટીવી) લઈને ખનિજની તપાસ માટે નીકળ્યા હતા. ખાસ્સો મોટો વિસ્તાર શોધી વળ્યા છતાં તેમને ૧૦૦-૧૦૦ કિલોમીટરના વિસ્તારમાં ક્યાંય યુરેનિયમના ખનિજની ખાણ મળી નહીં.
એટીવી ચલાવીને જોન સ્વીપર હવે થાકી ગયો હતો. તેણે થોડો સમય આરામ કરવાનો નિર્ણય લીધો અને નીચે ઊતરીને ચંદ્રની ખરબચડી ભૂમિ પર લંબાઈ ગયો. અત્યારે તેને અનુપમ શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. અમેરિકા, પ્રેસિડેન્ટ જોન લાઈગર, ઉપરાષ્ટ્રપતિ મોનિકા હેરિસ, અણુશસ્ત્રોની ઉત્પાદક કંપનીઓ કોઈ અત્યારે અહીં તેને સ્પર્શી શકે તેમ નહોતી. અત્યારે તે શાંતિ અનુભવી રહ્યો હતો. અત્યારે તેને પોતાની જાત પર ધિક્કાર છૂટી રહ્યો હતો. તે અહીં અણુશસ્ત્રો બનાવનારી ચાર કંપની માટે યુરેનિયમ શોધવા નીકળ્યો હતો. માનવજાતના શત્રુઓ માટે તે કામ કરી રહ્યો હતો.
વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં અચાનક તેને ભારતીયોની યાદ આવી. દુનિયાના અંધારા દેશોમાં પ્રકાશ ફેલાવવાના હેતુથી તેઓ કામ કરી રહ્યા હતા. કેટલી વિશાળ વિચારધારા હતી ભારતીયોની. તેની સામે કેટલી સંકીર્ણ વિચારધારા હતી અમેરિકાની. દુનિયાના ચોકીદાર બનવાની ઘેલછા પૂરી કરવા માટે તેમને યુરેનિયમ જોઈતું હતું. આ યુરેનિયમનો શસ્ત્રો બનાવવા માટે દુરુપયોગ થવાનો હતો.
અચાનક તેને ભારતીય વિજ્ઞાનીઓને મળીને વાતો કરવાની ઈચ્છા જાગી અને તેણે પોતાનું એટીવી ઉઠાવીને ભારતીય અવકાશયાન જે દિશામાં પડ્યું હતું તે દિશામાં પ્રયાણ કર્યું.
****
વાંગ ચાંગે લગભગ ૧૦૦ કિલોમીટરના વિસ્તારમાં જોયું, પરંતુ તેને ક્યાંય યુરેનિયમનું ખનિજ
હોવાનાં લક્ષણો દેખાયાં નહીં. ૧૦૦ કિલોમીટર એટીવી ચલાવ્યા બાદ હવે તે થોડો થાક્યો હતો અને એટીવી ઊભું રાખીને બેઠો. અચાનક તેને વિચાર આવ્યો કે હું શા માટે રખડી રહ્યો છું. મારી પાસે તો આખી ટીમ છે. તેણે પોતાનું એટીવી પાછું વાળ્યું અને અવકાશયાન પર પહોંચી ને વાંગ ડાહેંગ, વાંગ ગાનચાંગ, યાંગ જિયાચી અને ચેન ફેંગ્યુનને કામે લાગવાનો આદેશ આપ્યો. બે અલગ અલગ એટીવી આપીને ચારેયને ચંદ્ર પરથી યુરેનિયમ ખનિજ શોધી કાઢવા જણાવ્યું. સેમ્પલ માટે તેણે ભારતીય ધ્વજ લગાવીને બંધ કરવામાં આવેલી ખાણમાંથી એક-એક ટુકડો કાઢીને આપ્યો.
****
પાર્થો ઈવાનોવિચને ખબર હતી કે ભારતે પોતાની રીતે ચંદ્ર પર યુરેનિયમની ખાણ શોધી કાઢી છે. હવે તેને પોતાની રીતે બીજી ખાણ શોધવાની હતી અને તેને માટે તૈયારી શરૂ કરી. તેણે જોયું કે ચીનાઓ પૂર્વની દિશામાં લગભગ ૧૦૦ કિલોમીટર દૂર હતા અને અમેરિકનો ચીનાઓથી ઉત્તરે બીજા ૧૦૦ કિલોમીટર દૂર હતા.
આવી સ્થિતિમાં ચીનાઓ અને તેમની વચ્ચે જે વિસ્તાર હતો તેમાં યુરેનિયમની શોધ પ્રાથમિકતા હતી. પાર્થોએ પોતાની સાથે બીજા બે લોકોને એટીવી સોંપ્યા અને ચીનના અવકાશયાનથી ૧૦ કિલોમીટર દૂર સુધી તપાસ કરીને આવવાનો આદેશ આપ્યો.
****
પૃથ્વી-ઉદયના સમયે જોન સ્વીપર ભારતીય અવકાશયાન નજીક પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો ભારતીય વિજ્ઞાનીઓ, એન્જિનિયરો અને મજૂરો ભારે મહેનત કરી રહ્યા હતા. ચચ્ચાર પ્રકારનાં મશીનો જોઈને તે થોડો ગૂંચવાયો. અહીં શું ચાલી રહ્યું છે તે સમજવાની પહેલાં કોશિશ કરી અને પછી હાર માનીને તે વિક્રમની પાસે પહોંચ્યો.
‘તમે લોકો અહીં આટલી બધી મશીનરી કેમ લઈ આવ્યા છો?’
‘આ એક સેન્ટ્રીફ્યુગલ મશીન છે તે કદાચ ધાતુના શુદ્ધીકરણ અને સંવર્ધન માટે હશે, બરાબર?’
‘આ બાકીનાં મશીનો શેને માટે છે? તેની અહીં શું આવશ્યકતા છે?’
‘જોન, તે સાચું અનુમાન લગાવ્યું છે. આ શુદ્ધીકરણ માટેનું મશીન છે.’
‘અહીં આ બીજું લગાવ્યું છે તે યુરેનિયમમાંથી વીજળી નિર્માણ કરવાનું મશીન છે. એ વીજળીને અહીં મૂકવામાં આવેલી ન્યૂક્લિયર બેટરીને ચાર્જ કરવાની છે’
‘અહીં આ તૈયાર કરી રહ્યો છે તે વીજળીને બીમના સ્વરૂપમાં તૈયાર માટેનું જનરેટર છે અને આ છે ટ્રાન્સમીટર.’
‘આ ટ્રાન્સમીટરથી આપણા આ મહાન વિજ્ઞાની અનુપમ વૈદ્ય વીજળીને માધ્યમ વગર રવાના કરશે,’ ભારતીય વિજ્ઞાની વિક્રમ નાણાવટીએ જોન સ્વીપરને વિસ્તારપૂર્વક બધાં મશીનોની માહિતી આપી.
આ બધું સાંભળીને જોન સ્વીપરની આંખો ખુલ્લી રહી ગઈ.
‘શું તમે અહીંથી ફક્ત યુરેનિયમ ઉલેચીને જવાના નથી?’
‘અહીં વીજળીનું ઉત્પાદન કરશો?’
‘પછી એ વીજળીને માધ્યમ વગર પૃથ્વી પર મોકલશો?’
‘શું આ બધું મેં સાંભળ્યું તે સાચું છે? આ બધું મને કલ્પનાતીત લાગી રહ્યું છે.’
‘જોન, મેં જે કહ્યું તે બધું સાવ સાચું છે. અમે અહીં જ વીજળીનું ઉત્પાદન કરીને વીજળીને જ પૃથ્વી પર મોકલીશું.’
આ તો ખરેખર અકલ્પનીય, અદ્ભુત, અદ્વિતીય અને અભૂતપૂર્વ બાબત છે. આને માટે તો તમને નોબલ પ્રાઈસ મળવું જોઈએ, જોન સ્વીપર અત્યારે ખુલ્લા મોંએ ભારતીય વિજ્ઞાનીઓની પ્રશંસા કરી રહ્યો હતો.
આવું કશું નહીં થાય, કેમ કે અમારા કામની ક્યાંય નોંધ લેવાવાની નથી.
અમને કોઈ નોબેલ પ્રાઈઝ કે એવું કશું મળવાનું નથી. આખી દુનિયાથી ખાનગી રાખીને આ કામ કરવામાં આવી રહ્યું છે. અમારી સિદ્ધિની ક્યાંય નોંધ નહીં લેવાય.
વિક્રમ, આ તો અન્યાય છે. આટલું સારું કામ કરી રહ્યા છો છતાં તમારી નોંધ નહીં અને અહીં આ માનવજાતના શત્રુઓ આટલાં ઘાતક શસ્ત્રો બનાવીને અનેક પ્રકારની માન્યતાઓ અને ઈલકાબો અને પ્રશંસા મેળવી જાય છે.
જોન, અત્યારે ન્યાય અન્યાયની વાત પર વિચાર કરવાનો કોઈ સમય નથી. અમારે ફક્ત અમારું લક્ષ્ય સાધ્ય કરવાનું છે. જો અમે અમારી ઝુંબેશમાં સફળ થયા તો ત્રીજા વિશ્ર્વના અનેક દેશોના ઘરોમાં રહેલું અંધારું ઉલેચાશે. આ અમારા માટે કોઈ ઍવોર્ડથી ઓછું નથી.
****
પાર્થોની ટીમે પોતાની તપાસ હાથ ધરી અને રસ્તામાં એક જગ્યાએ તેમને યુરેનિયમની ધાતુ જેવી જગ્યા દેખાઈ. તેમણે ત્યાંથી સેમ્પલ લીધું અને ટેસ્ટિંગ માટે સેમ્પલ લઈને તેઓ પોતાના અવકાશયાનની દિશામાં આગળ વધ્યા. (ક્રમશ:)
—————
હવે શું?…
ભારતના વિજ્ઞાનીઓ અહીંથી યુરેનિયમ ઉલેચવા માટે નહીં, વીજળીનું ઉત્પાદન કરીને અહીંથી વીજળી વગર માધ્યમે પૃથ્વી સુધી મોકલવાની યોજના લઈને આવ્યા છે અને તેમની આ માટેની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે, જોન લાઈગરને ફોન પર તેના ખબરીએ જ્યારે આ માહિતી આપી ત્યારે તેના હોઠ વંકાયા અને મગજમાં એક વિકૃત વિચાર આવી ગયો