વિક્રમના ધ્યાનમાં આવ્યું કે ત્રણેય કહેવાતી મહાસત્તાઓમાંથી એકેય દેશના અવકાશયાત્રીઓએ ભારતીય તિરંગા દ્વારા બાંધવામાં આવેલા વિસ્તારનું ઉલ્લંઘન કર્યું નહોતું. ભારતીય ધ્વજને માટે તેણે ગર્વ અનુભવ્યો
વિપુલ વૈદ્ય
વિક્રમ સેમ્પલ લઈને ઝડપથી પાછો અવકાશયાન પર આવ્યો અને રસાયણિક પરીક્ષણ માટે રાખવામાં આવેલા મશીનમાં લાવેલું સેમ્પલ મૂકીને પોતાની તપાસ ચાલુ કરી.
સેમ્પલમાં જે પદાર્થો હતા તેનું વિવરણ થોડી જ વારમાં મોનિટર પર દેખાવા લાગ્યું. વિક્રમ તેનો અભ્યાસ કરવા બેઠો તો ચોંકી ઊઠ્યો. આ ખનિજ-ધાતુમાં તો યુરેનિયમનું પ્રમાણ વીસ ટકા જેટલું ઊંચું હતું.
તેણે તરત જ આ જાણકારી આપવા માટે રંજન કુમાર સાથે સંપર્ક સ્થાપિત કર્યો.
‘સર, આપણું અવકાશયાન જ્યાં છે ત્યાંથી થોડે દૂર યુરેનિયમની મોટી ખાણ મળી છે. આ ખાણ લગભગ ૫૦ કિલોમીટરમાં ફેલાયેલી છે. તમે કહ્યું તે પ્રકારની નરમ ચંદેરી-કાળી ધાતુ જોઈને તેનું પરિક્ષણ કર્યું હતું. તેમાં લગભગ ૨૦ ટકા જેટલું યુરેનિયમ છે.’
‘બહુ સરસ,’ રંજન કુમારે કહ્યું.
સર, સમસ્યા એ છે કે અહીં જે વિસ્તારમાં આપણે છીએ તે જ વિસ્તારમાં રશિયા, ચીન અને અમેરિકાના અવકાશયાન પણ આવ્યા છે અને બધા કદાચ યુરેનિયમની શોધમાં જ આવ્યા હશે.
હવે અહીં યુરેનિયમની ખાણ પર કબજો જમાવવાને લઈને સંઘર્ષ થાય તો શું કરવું તેની જાણકારી નથી મારી પાસે એટલે જ તમને પૂછી રહ્યો છું કે આ સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? વિક્રમે સવાલ કર્યો.
આ બાબતે રંજન કુમાર કશો જવાબ આપે તે પહેલાં જ દિલ્હીથી રાજીવ ડોવાલ લાઈન પર જોડાઈ ગયા અને તેમણે કહ્યું કે ‘પ્રાઈમ મિનિસ્ટર સરનું કહેવું છે કે તમારે ખાણની ચાર તરફ ભારતીય તિરંગો લગાવી દેવાનો છે. તમારું જ્યાં કામ ચાલે છે ત્યાં પણ તિરંગો લગાવી દેવાનો છે તમારી નજીક કોઈ નહીં આવે.’
****
વિક્રમ અને તેની ટીમ યુરેનિયમને લાવીને તેનું શુદ્ધીકરણ અને સંવર્ધનમાં લાગી ગઈ જ્યારે બીજી તરફ અનુપમ અને તેની ટીમ યુરેનિયમમાંથી વીજળી ઉત્પાદન કરવા માટેનો જે પોર્ટેબલ પ્લાન્ટ લાવવામાં આવ્યો હતો તેને તૈયાર કરવામાં લાગ્યા. વીજળીનું ઉત્પાદન કર્યા બાદ તેને સીધી પૃથ્વી પર મોકલવી શક્ય નહોતી એટલે તેનો સંગ્રહ કરવા માટે પૃથ્વી પરથી ખાસ લાવવામાં આવેલી સોડિયમ આયન બેટરી બહાર કાઢવામાં આવી અને તેને સાફસફાઈ કરીને કનેક્શનનું જોડાણ કરીને રાખવામાં આવ્યું. અનુપમને ખબર હતી કે આ સોડિયમ આયન બેટરીને લઈને અવકાશયાન સાથે ભારતની ભ્રમણકક્ષામાં જવાનું છે એટલે તેણે બેટરીના બે સેટ તૈયાર રાખ્યા.
અવકાશયાનમાંથી બધા મશીનો બહાર કાઢી રાખ્યા જેથી પોતે જવાનું થાય ત્યારે બીજા કામ અટકે નહીં. બધા મશીનો ચલાવવા માટે વીજળીનું ઉત્પાદન થાય ત્યાંથી સીધી ન્યુક્લિયર બેટરીમાં તેનો સંગ્રહ કરવાનું રાખ્યું. અવકાશયાન રવાના પહેલાં આ બેટરીઓ માટે ખાસ્સી જહેમત ઉઠાવવામાં આવી હતી.
ભારતનું બધું સેટ-અપ હજી પૂરું થયું હતું ત્યાં તો પાર્થો ફરી એક વખત પોતાનું એટીવી લઈને આવી પહોંચ્યો.
આવતાંવેત તેણે વિક્રમને પૂછ્યું ‘તમારા ઝંડા લગાવ્યા છે એટલો વિસ્તાર પર કબજો કરેલો છે?’
‘પ્રાઈમ મિનિસ્ટરના આદેશથી તિરંગા લગાવ્યા છે,’ વિક્રમે કહ્યું.
‘અચ્છા તો ત્યાં યુરેનિયમ હોવું જોઈએ,’ પાર્થોએ અંદાજ લગાવ્યો.
‘હા,’ વિક્રમે એકાક્ષરી જવાબ આપ્યો.
****
હજી તો પાર્થો ગયો નથી ત્યાં થોડી વારમાં બીજું એક એટીવી આવીને ભારતીય અવકાશયાનની નજીક ઊભું રહ્યું. એમાંથી એક વ્યક્તિએ બહાર આવીને પોતાની ઓળખ જોન સ્વીપર તરીકે આપી અને ભારતીય અવકાશયાત્રીઓની ઓળખ પૂછી.
અનુપમે વિક્રમ તરફ અંગુલિનિર્દેશ કરતાં કહ્યું કે ‘આ અમારો પ્રોજેક્ટ હેડ છે જેનું નામ છે વિક્રમ નાણાવટી.’
તેમણે સવાલ કર્યો કે ‘ચાર ઝંડા લગાવવામાં આવ્યા છે તે વિસ્તાર તમે બ્લોક કરેલો છે?’
‘અમારા પ્રાઈમ મિનિસ્ટરના આદેશથી ઝંડા લગાવવામાં આવ્યા છે,’ વિક્રમે જવાબ આપ્યો.
‘એનો અર્થ એવો થયો કે ત્યાં યુરેનિયમ છે, બરાબર?’
‘હા,’ ફરી એકાક્ષરી જવાબ આપ્યો વિક્રમે અને પોતાના કામમાં લાગી ગયો.
જોન સ્વીપર રવાના થયાના લગભગ પાંચ મિનિટ બાદ વિક્રમ ફરીથી ખાણ પાસે જવા રવાના થયો. ખાણ પાસે પહોંચીને રામ શર્મા અને અન્યો ધાતુ ઉલેચવામાં પડ્યા હતા ત્યારે વિક્રમનું ધ્યાન ગયું કે ચીનનો ઝંડો ધરાવતું એક એટીવી સામેની દિશામાંથી અર્ધ ચક્કર લગાવીને રવાના થઈ ગયું.
અહીં તેના ધ્યાનમાં આવ્યું કે ત્રણેય કહેવાતી મહાસત્તાઓમાંથી એકેય દેશના અવકાશયાત્રીઓએ ભારતીય તિરંગા દ્વારા બાંધવામાં આવેલા વિસ્તારનું ઉલ્લંઘન કર્યું નહોતું. ભારતીય ધ્વજને માટે તેણે ગર્વ અનુભવ્યો અને પોતાના વડા પ્રધાનને માટે માન ઉપજ્યું.
****
પ્રેસિડેન્ટ સર, ભારતે ૫૦ કિલોમીટર જેટલા વિસ્તારમાં પોતાના ઝંડા લગાવી દીધા છે અને એક વિશાળ ખાણ પોતાના કબજામાં લઈ લીધી છે. આપણે હવે બીજા સ્થળે યુરેનિયમ શોધવું પડશે, જોન સ્વીપરે જાણકારી આપી
આ જાણકારી મળતાંની સાથે જ રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગરને આગ લાગી. ભારતે તિરંગો લગાવીને પોતાનો અધિકાર ચંદ્ર પર જમાવી દીધો? આવું કેવી રીતે થવા દઈ શકાય? તે ગુસ્સામાં કશું બોલે તે પહેલાં મોનિકા હેરિસે બાજી પોતાના હાથમાં લઈ લેતાં કહ્યું કે ‘ચંદ્ર ઘણો વિશાળ છે. તેમણે ૫૦ કિલોમીટર પર કબજો જમાવ્યો છે તો તમે ૫૦૦ કિલોમીટર પર કબજો કરજો. વહેલા પહોંચીને તેમણે મહેનત કરી છે.’
‘એટલું સહેલું નથી મેડમ, અહીં ચીન અને રશિયાના અવકાશયાન પણ ઉતર્યા છે અને બધા દક્ષિણ ધ્રુવ પર જ ઉતર્યા છે,’ જોન સ્વીપરે કહ્યું.
‘તો પછી વાતો કરવામાં સમય શું વેડફી રહ્યા છો. જઈને યુરેનિયમ શોધો,’ મોનિકાએ કહ્યું.
****
જોન સ્વીપરે માહિતી આપ્યા બાદ જોન લાઈગરે તરત જ કોઈની સાથે ફોન પર કશીક અત્યંત ખાનગી ગૂફતેગો કરી અને હસતા હસતાં ફોન મૂકી દીધો
****
લ્યાન ઝિન પિંગે હ્યુ રેન્યુને બોલાવ્યા અને તેમની સાથે વાત ચાલુ કરી. ભારતે ચંદ્ર પર પોતાના ઝંડા લગાવીને યુરેનિયમની વિશાળ ખાણ પર પોતાનો કબજો જમાવ્યો છે. આપણે શું કરવું જોઈએ?
કોમરેડ સર, આપણે બીજી ખાણ શોધી કાઢવી જોઈએ. આજની તારીખે એવી સ્થિતિ છે કે ભારતનો ઝંડો લાગી ગયા બાદ કોઈપણ મહાસત્તા તેનું ઉલ્લંઘન કરવાની હિંમત ધરાવતી નથી તો આપણે શા માટે ખરાબ થવું જોઈએ? હ્યુ રેન્યુએ કહ્યું.
તારી વાત સાચી છે અને મેં
આપણી ટીમને એમ જ કરવાની સલાહ આપી છે. (ક્રમશ:)
—————–
હવે શું?
તમે યુરેનિયમનું ફક્ત શુદ્ધીકરણ કરીને તેને પૃથ્વી પર નથી લઈ જવાના? અહીં વીજળીનું ઉત્પાદન કરીને પૃથ્વી પર મોકલશો? આ તો અકલ્પનીય, અદ્ભુત અને અભૂતપૂર્વ બાબત છે. આને માટે તો તમને નોબલ પ્રાઈસ મળવું જોઈએ, જોન સ્વીપર અત્યારે ખુલ્લા મોંએ ભારતીય વિજ્ઞાનીઓની પ્રશંસા કરી રહ્યો હતો