– વિપુલ વૈદ્ય
અચાનક આવેલા પાર્થો અને તેણે કરેલી ઓફર પર અત્યારે વિક્રમ અને અનુપમ બંને વિચાર કરી રહ્યા હતા, પરંતુ અત્યારના ક્ષણે આ મદદ અત્યંત આવકાર્ય લાગી રહી હતી
—
એટીવી લઈને ભારતીય અવકાશયાત્રીઓની મદદ માટે આવેલા પાર્થોને વિક્રમની વાતો એકદમ હૃદયમાં ચોટ કરી ગઈ. જે વ્યક્તિ પોતે સંકટમાં છે તે બીજાને પોતાની સુરક્ષા કરવાની સલાહ આપે તે જોઈને પાર્થો અભિભૂત થઈ ગયો. આમ છતાં તેને રાષ્ટ્રપ્રમુખે આપેલી જવાબદારી નીભાવવાની હતી એટલે તેણે કહ્યું.
‘મિશન મૂન પર યુરેનિયમ એકઠું કરવા આવ્યા છો તો રસાયણિક પૃથક્કરણ કરવાનું મશીન તો સાથે લાવ્યા જ હશો ને? તેમાં તપાસ કરી લો કે આ કિરણોત્સારી પદાર્થ છે કે નહીં?’
‘અમારી પાસે જે મશીન છે તેમાં આ રસાયણને શોધવાનો પ્રયાસ કર્યો પણ આ રસાયણ ક્યું છે તેની જાણકારી મળતી નથી.’
‘તમે ચિંતા નહીં કરો, અમે કિરણોત્સર્ગને શોધી શકે એવું અદ્યતન મશીન લાવ્યા છીએ, એટલું જ નહીં એ મશીન એટલું અદ્યતન છે કે આ રેતીમાં કઈ ધાતુ છે તેની પણ તપાસ કરી આપશે.’
‘આ બાબતે તમારે હવે પૃથ્વી પર સેમ્પલ મોકલીને તપાસ કરાવવાની ચિંતા કરવાની આવશ્યકતા નથી.’
‘આટલું જ નહીં, તમારા ફસાયેલા અવકાશયાનને પણ અમે બહાર કાઢી આપીશું. અમારી ૪ બાય ૪ ટ્રકો આવી રહી છે તે સહેલાઈથી તમારા અવકાશયાનને ખેંચીને બહાર કાઢી આપશે. મને થોડો સમય આપો. હું થોડી વારમાં તમારી પાસે પાછો આવું છું.’
આટલું કહીને પાર્થો ઈવાનોવિચે નીચે ઉતરીને પોતાની પાસે રહેલી ડબ્બીમાં રેતીનું સેમ્પલ લીધું અને પાછો એટીવી પર બેસીને રવાના થઈ ગયો.
અચાનક આવેલા પાર્થો અને તેણે કરેલી ઓફર પર અત્યારે વિક્રમ અને અનુપમ બંને વિચાર કરી રહ્યા હતા.
અત્યારે તેમને લૈલા દ્વારા અચાનક તેમની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું તે વાતો ઘુમરાઈ હતી. આ શું ચાલી રહ્યું છે તેમને સમજાતું નહોતું, પરંતુ અત્યારના ક્ષણે આ મદદ અત્યંત આવકાર્ય લાગી રહી હતી.
રામ શર્મા અને મનોજ રાય સહિતના બધા જ લોકો અત્યારે વિક્રમ અને અનુપમની સામે જોઈ રહ્યા હતા. તેઓ રાહ જોઈ રહ્યા હતા કે આ બંને અત્યારે ક્યો આદેશ આપી રહ્યા છે. કામ ચાલુ રાખવાનું હતું કે રાહ જોવાની હતી.
સૌથી પહેલાં વિક્રમની તંદ્રા તુટી અને તે દોડીને અંદર અવકાશયાનમાં ગયો. ત્યાંથી તેણે સીધો પૃથ્વી સાથે સંપર્ક સ્થાપિત કર્યો.
‘રંજન કુમાર સર, હમણાં બે મિનિટ પહેલાં રશિયાના મિશન મૂનના પાર્થો ઈવાનોવિચ આવીને મળી ગયા હતા અને તેમણે કહ્યું હતું કે આપણા અવકાશયાનને બહાર કાઢવામાં તેઓ આપણી મદદ કરશે એટલું જ નહીં અહીં જે સફેદ રેતી છે તેમાં કઈ ધાતુ છે તે શોધીને તેઓ કહેશે. આ ધાતુમાં કેટલો કિરણોત્સર્ગ છે તેની માહિતી પણ આપવાની તૈયારી દાખવી છે.’
રંજન કુમાર આ વાત સમજી શક્યા નહોતા, પરંતુ આદેશ રાજપાલના સમજમાં આખી વાત આવી ગઈ. રશિયા ભારતના મિશન મૂનને સીધી રીતે મદદ કરી રહ્યું હતું. આનું કારણ અમેરિકા સાથેની દુશ્મનાવટ હતી કે પછી ભારત સાથેની દોસ્તી તેની ગડ હજી સુધી બેઠી નહોતી.
જોકે, આ બાબતની જાણકારી રાજીવ ડોવાલને તાકીદે આપવી આવશ્યક જણાયું. તેણે તરત જ રાજીવને ફોન કરીને તેની પાસે રહેલી માહિતી આપી.
સામેથી તેને અત્યંત અનપેક્ષિત જવાબ મળ્યો.
‘આદેશ, તમે અમેરિકામાં જાઓ ત્યારે બીજા ભારતીયને મદદ જોઈતી હોય તો કરો છો કે નહીં? આ પણ એવું જ છે. એક પૃથ્વીવાસીને બીજો પૃથ્વીવાસી મદદ કરી રહ્યો છે. આ બાબતને એવી ગંભીરતાથી લેવાની આવશ્યકતા નથી.’
એકદમ ચોંકી ઉઠ્યો આદેશ. અત્યાર સુધી ભારતના મિશન મૂનમાં અનેક અવરોધો આવ્યા હતા અને દર વખતે અદૃષ્ય હાથ આવીને સમસ્યાનું નિરાકરણ કરી નાખતો હતો. હવે આ અદૃષ્ય હાથ સામે હોવા છતાં રાજીવ ડોવાલ જેવા દરેક વસ્તુમાં કાર્ય-કારણનો સંબંધ જોડવા તૈયાર રહેતા અત્યંત કાબેલ ઓફિસર અત્યારે આ વાતને કેમ આટલી હળવાશથી લઈ રહ્યા છે?
***
પાર્થો હવે પાછો સ્પેસ શટલમાં પહોંચ્યો હતો અને તે અંદરથી મશીનરી કઢાવી રહ્યો હતો. તેણે બે મશીન કઢાવીને ચાર બાય ચાર ટ્રકમાં નાખ્યા. તે પોતે ટ્રક ચલાવવા બેઠો અને ફરી ભારતનું અવકાશયાન જ્યાં હતું ત્યાં આવ્યો. તેના આગમનની રાહ જોઈ રહેલો અનુપમ હવે પાર્થો પાસે પહોંચ્યો અને તેની સાથે વાત કરવા લાગ્યો.
‘મારા સાહેબો સાથે મેં વાત કરી છે અને તમારી મદદ લેવાની મંજૂરી મને મળી ગઈ છે એટલે હું તમારી મદદ લેવા આતુર છું.’
‘અત્યારે પહેલું કામ મારે જાણવું છે કે આ રેતી ખરેખર પ્લુટોનિયમ છે કે નહીં. તમે રસાયણિક પરીક્ષણ કરનારું મશીન લઈને આવ્યા છો?’
‘મારી પાસે મશીન છે, પરંતુ વીજળી નથી અને તમારે મને વીજળીની વ્યવસ્થા કરી આપવી પડશે,’ પાર્થોએ કહ્યું.
‘અમારા અવકાશયાનમાં વીજળી છે અને તમે તેનો ઉપયોગ કરી શકો છો,’ અનુપમે કહ્યું.
પાર્થોને દોરીને તે અવકાશયાનની અંદર લઈ ગયો અને પાર્થોએ અવકાશયાનનું નિરીક્ષણ પણ કરી લીધું તેને જે જવાબદારી સોંપવામાં આવી હતી તે બંને કામ કરી રહ્યો હતો. ભારતીય અવકાશયાત્રીઓની નજીક જવાનો મોકો મેળવી લીધો હતો અને આવી જ રીતે અનુપમે વીજળીની વ્યવસ્થા કેવી રીતે કરી છે તે જાણવાની તક ઝડપી લીધી હતી.
તેને યાદ આવ્યું કે અનુપમ વૈદ્યનું નામ તેને આપવામાં આવ્યું હતું અને તેના અદ્ભૂત પ્રયોગ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. હવે અહીંથી પોતાનું કામ ચાલુ કરે તે દિવસની જ રાહ જોવાઈ રહી હતી.
આ બધી વાતથી અજાણ અને સ્વાભાવિક સ્વભાવ ધરાવતો અનુપમ પાર્થોને અવકાશયાનમાં અંદર લઈ ગયો.
‘આ મશીનને માટે વધુ ઊર્જા જોઈશે, તમારા અવકાશયાનની લાઈટો કદાચ ઝબકશે,’ જાણી જોઈને બોલ્યો પાર્થો.
‘નહીં ઝબૂકે, અમારી પાસે અણુ ઊર્જા જનરેટર છે અને તેમાંથી જોઈએ એટલી વીજળી મળી શકે છે,’ બોલી ગયો અનુપમ.
પાર્થોને જે માહિતી કઢાવવાની હતી તે મળી ગઈ હતી.
પાર્થોએ મશીનને કનેક્ટ કર્યું અને સૌથી પહેલાં રેડિયેશન (કિરણોત્સર્ગ)ની ચકાસણી કરી તો તેને જોવા મળ્યું કે આ પદાર્થમાંથી આલ્ફા, બીટા, ગામા રેડિયેશન ઉપરાંત ન્યૂટ્રોનનું રેડિયેશન થઈ રહ્યું છે.
તેણે અત્યંત આંચકો અનુભવ્યો અને બાજુમાં ઉભેલા અનુપમ અને વિક્રમ સામે જોયું. તે બંને પણ મશીનમાં જોવા મળી રહેલા પરિણામોથી અત્યંત આઘાત પામ્યા હતા. તેમની આસપાસ પડેલી ધાતુ તો અત્યંત જોખમી સ્તરનું રેડિયેશન ધરાવતી હતી.
તેમણે રેડિયેશનનું વિશ્લેષણ કરવાનું ચાલુ કર્યું તો સૌથી વધુ આલ્ફાનું પ્રમાણ સૌથી વધુ હતું અને બીટા અને ન્યૂટ્રોનનું પ્રમાણ તેના કરતાં ઓછું હતું અને ગામા કિરણોનું પ્રમાણ સૌથી ઓછું જોવા મળ્યું. (ક્રમશ:)
—
હવે શું?…
તમે આ કિરણોત્સારી પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકથી વધુ સમય પડી રહ્યા છો. આ વસ્તુ તમારા આરોગ્ય માટે હાનિકારક નીવડી શકે છે. તમે બધા મારી સાથે ચાલો ટ્રકમાં બધાને લઈ જઈ શકીશ. થોડે દૂર અમારું ઉતરાણ કરેલું છે અને ત્યાં અત્યાર સુધીમાં રહેવાની વ્યવસ્થા પણ થઈ ગઈ હશે, પાર્થો ઈવાનોવિચે ભારતીય વિજ્ઞાનીઓ અનુપમ વૈદ્ય, વિક્રમ નાણાવટી અને અન્ય સાથીઓને ઓફર કરી