Homeમિશન મૂનમિશન મૂન - પ્રકરણ ૯૦

મિશન મૂન – પ્રકરણ ૯૦

લેખક – વિપુલ વૈદ્ય

સપાટ જમીન દેખાતાં ચાલકે ઉતરાણ કર્યું, પરંતુ ઉતરાણ કરીને ગતિમાં શટલ થોડું આગળ વધ્યું ત્યાં ૫૦ મીટર દૂર એક ખાડામાં શટલનું ટાયર ફસાયું અને વાંકું વળ્યું અને સ્પેસ શટલ ચંદ્ર પરના ખાડાઓમાં ફસાઈ ગયું

રશિયાના સ્પેસ સ્ટેશનમાં અત્યારે ભારે ભાગદોડ ચાલી રહી હતી. ચાર સ્પેસ શટલ ચંદ્ર પર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. આ ચારેય સ્પેસ શટલનો ક્રમ કેવી રીતનો રહેશે. ક્યા સ્પેસ શટલમાં ટ્રક મૂકવામાં આવશે એ બધી બાબતો અત્યારે પાર્થો ઈવાનોવિચ બધાને સમજાવી રહ્યો હતો.
પાર્થો પોતાની તૈયારીમાં વ્યસ્ત હતો ત્યારે બીજી તરફ રશિયાની રાજધાનીમાં રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈન અને તેમના ખાસ વિશ્ર્વાસુ વેલેરી અત્યંત ચિંતામાં જણાઈ રહ્યા હતા. જે રીતના અહેવાલ ભારતીય અવકાશયાનના મળ્યા હતા તેનાથી તેઓ ચિંતીત હતા. ભારતનું અવકાશયાન જે સફેદ રંગની પાવડર જેવી રેતીમાં ફસાયું હતું તે કિરણોત્સારી હોવાની શંકા હતી અને રશિયાનું ઉતરાણ પણ જો આવી જ સફેદ રેતીમાં થશે તો સમસ્યા સર્જાઈ શકે તેમ હતી.
વોલેરન બાઈને તરત જ પાર્થો સાથે સંપર્ક સાધ્યો અને તેને તાકીદ કરી કે ‘ગમે તે પરિસ્થિતિમા સફેદ રેતીના પ્રદેશમાં લેન્ડિંગ કરતા નહીં. નક્કર જમીન દેખાય ત્યાં જ લેન્ડિંગ કરજો. ભલે થોડું દૂર લેન્ડિંગ કરવું પડે.’
‘યસ સર, એમ જ થશે,’ પાર્થોએ જવાબ આપ્યો.
****
પાર્થો ઈવાનોવિચ સૌથી પહેલાં સ્પેસ શટલમાં બેઠો. તેણે સ્પેસ સ્ટેશનમાં બેઠેલા કમ્પ્યુટર અને કેમેરા સંચાલનના નિષ્ણાત રોબર્ટ નીમોને પંદરમી વખત કહ્યું ‘મારી સાથે સતત સંપર્ક જાળવી રાખજે અને જમીન નક્કર હોય ત્યાં જ અમારું લેન્ડિંગ થાય તેને માટે સચોટ માર્ગદર્શન આપતો રહેજે.’
પાર્થો સર, તમે ચિંતા નહીં કરો. જ્યાં સુધી રોબર્ટ બેઠો છે ત્યાં સુધી તમારા અવકાશયાનને ફસાવા દઈશ નહીં.
તારી પાસેથી આ જ અપેક્ષા હતી, પાર્થોએ કહ્યું અને તે પોતાના કામની યાદી પર નજર મારવા લાગ્યો.
****
રામ શર્માના કામમાં મદદ કરવા માટે અત્યારે વિક્રમ, અનુપમ, મનોજ બધા જ બહાર આવ્યા હતા અને તેઓ પારને નાખવાના કામ કરી રહ્યા હતા ત્યારે તેમને સ્પેસ શટલની ઘરઘરાટીનો અવાજ સંભળાયો. તેમને થોડી નવાઈ લાગી કે અત્યારે અહીં આ કોણ આવ્યું હશે?
****
પાર્થોનું સ્પેસ શટલ ચંદ્રની નજીક પહોંચ્યું એટલે તેણે કેમેરા પર નજર રાખવાનું ચાલુ કર્યું. તેમને દક્ષિણ ધ્રુવ સુધી જવાનું હતું. પસાર થતી વખતે તેમણે જોયું કે નીચે એક અવકાશયાન સફેદ રેતીના ઢગલામાં ફસાયેલું છે. આ જોઈને પાર્થોને પ્રેસિડેન્ટ વોલેરન બાઈનની વાત યાદ આવી અને તેણે અંદાજો બાંધી લીધો કે આ ચોક્કસ ભારતનું અવકાશયાન હોવું જોઈએ.
હવે તેણે ધ્યાનથી જોવાનો પ્રયાસ કર્યો કે કેટલી હદે અવકાશયાન રેતીમાં દટાયેલું છે. તેના અંદાજ મુજબ ૭૫ ટકા અવકાશયાન રેતીમાં દટાયેલું હતું.
આ બાબતને ધ્યાનમાં લેતાં હવે સફેદ રેતીથી દૂર રહેવાનું તેણે નક્કી કર્યું. એટલામાં તેને રોબર્ટ નીમોનો અવાજ સંભળાયો.
‘તમારી નીચે બધે જ સફેદ રેતી જોવા મળી રહી છે એટલે તમારે થોડા આગળ જવું પડશે. આગળ લગભગ વીસ કિલોમીટર દૂર થોડી નક્કર જમીન દેખાઈ રહી છે.’
સ્પેસ શટલમાંથી હવે પાર્થોએ નીચેની સ્થિતિ જોવાનું ચાલુ કર્યું.
રોબર્ટે જ્યાં કહ્યું હતું ત્યાં સફેદ રેતી પૂરી થતી હતી અને કાળી જમીન દેખાઈ રહી હતી, જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તે કાળાને બદલે ચંદેરી ગ્રે રંગ હોવાનું જણાઈ રહ્યું હતું. નજીક જતાં જણાયું કે સપાટી સમાન નહોતી, તેને બદલે અનેક ખાડાઓ જોવા મળી રહ્યા હતા. જમીન દેખાવે તો કડક લાગી રહી હતી, પરંતુ તેનો કેટલો ભરોસો કરવો તે સમજી શકાતું નહોતું. આવી સ્થિતિમાં કેવી રીતે ઉતરાણ કરવું તેના પર વિચાર કરી રહ્યો હતો.
તેણે સ્પેસ શટલના ચાલકને ચંદ્રની સપાટીની નજીક લેવા જણાવ્યું અને ધ્યાનથી જોવાનું ચાલુ કર્યું.
ફરીથી રોબર્ટ નીમોનો અવાજ ગુંજ્યો.
‘તમે અત્યારે જ્યાંથી પસાર થઈ રહ્યા છો તે નક્કર જમીન છે, થોડા તેમાં ખાડા ટેકરા છે એટલે ઉતરાણ વખતે થોડી સાવચેતી રાખવી પડશે, પણ તે રેતીનું રણ હોવાની શક્યતા નથી. તમે ઉતરાણ કરી શકો છો.’
હવે પાર્થોએ સ્પેસ શટલના ચાલકને ઉતરાણ કરવાનો આદેશ આપ્યો. થોડેે દુરથી ઊંધુ ચક્કર મારીને પાછા ફરતાં ચાલકે જ્યાં કહ્યું હતું ત્યાં ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો. સપાટીથી લગભગ ૨૦ મીટર દૂર હતા ત્યાં ચાલકના ધ્યાનમાં આવ્યું કે ખાડા ઘણા મોટા આકારના છે. તેણે પાર્થોને બૂમ પાડી.
‘પાર્થો સર, આના પર ઉતરાણ નહીં કરી શકાય. આપણા સ્પેસ શટલના ટાયર કરતાં મોટા ખાડા છે. શું કરવું છે?’
જમીનથી આટલે જ ઊંચે ચાલ્યા કર, સારી જગ્યા દેખાય ત્યાં ઉતરાણ કરીશું, પાર્થોએ જવાબ આપ્યો. લગભગ થોડે દૂર ગયા ત્યાં થોડી સપાટ જમીન દેખાતાં ચાલકે ઉતરાણ કર્યું, પરંતુ ઉતરાણ કરીને ગતિમાં શટલ થોડું આગળ વધ્યું ત્યાં ૫૦ મીટર દૂર એક ખાડામાં શટલનું ટાયર ફસાયું અને વાંકું વળ્યું કે તરત ઈમરજન્સી બલૂન ખૂલી ગયું. બલૂન ખૂલી જવાને કારણે શટલની અંદર રહેલા લોકોનો જીવ અને સામાન બચી ગયો, પરંતુ પાર્થો અને શટલના ચાલકનો જીવ અધ્ધર થઈ ગયો. સ્પેસ શટલને કેટલું નુકસાન થયું હશે એની ચિંતા તેમને સતાવી રહી હતી. આ જ સ્પેસ શટલને લઈને તેમણે પાછા સ્પેસ સ્ટેશન પર પણ જવાનું હતું.
બલૂનમાંથી હવા નીકળી જવાની રાહ જોઈને બંનેએ બહાર નીકળવાનો રસ્તો જોયો, સદ્નસીબે પ્રવેશદ્વાર ખૂલી શકે તેવી રીતે શટલ બેઠું હતું. દ્વાર ખોલીને એટીવી સીધું જમીન પર ઉતરી શકે એવી રીતે ગોઠવાઈ ગયું હતું. પાર્થોએ એટીવી લીધું અને સીધો શટલમાંથી બહાર નીકળ્યો.
આજુબાજુ ચારે તરફ પથરાળ જમીન હતી અને તેમાં મોટા મોટા ખાડા પડેલા હતા. તેના પર એટીવી ફેરવીને તેણે એક ચક્કર લગાવ્યું થોડે દૂર ગયા બાદ તેને મોટું મેદાન જેવું દેખાયું જેના પર ખાડા અત્યંત નાની સાઈઝના એટલે કે બે ઈંચ જેટલા જ ઊંડા હતા. આ સ્થળે બાકીના શટલ ઉતારવામાં આવશે તો કોઈ વાંધો નહીં આવે એવું લાગતાં તેણે સ્પેસ શટલનો સંપર્ક કર્યો અને ચાલકને સૂચના આપી.
‘રોબર્ટ નીમોને કહો કે બધાને મારું અત્યારનું લોકેશન આપે. આ મેદાન પર બાકીના ત્રણેય સ્પેસ શટલને ઉતારવાના છે.’
પોતાનું લોકેશન સ્પેસ શટલને આપી દીધા બાદ બે મિનિટ માટે પાર્થો વિચારે ચડ્યો. રાષ્ટ્રપ્રમુખે કહેલું કામ તેને યાદ આવ્યું. અત્યારે જ જઈને એ લોકોને મળી આવું તો સારું રહેશે એવું તેને લાગ્યું.
બે મિનિટ માટે આંખો બંધ કરીને તેણે સ્પેસ શટલ કેવી રીતે આવ્યું હતું તે યાદ કરીને ભારતીય અવકાશયાનની દિશા નક્કી કરવાનો પ્રયાસ કર્યો અને પછી એટીવીનું સ્ટિયરિંગ વ્હીલ ઘુમાવ્યું.
હવે તે ભારતીય અવકાશયાનની દિશામાં આગળ વધી રહ્યો હતો. લગભગ એક કલાક એટીવી ચલાવ્યા બાદ સફેદ રેતીનું રણ ચાલુ થયું. ત્યાંથી આગળ વધતાં તે બીજા કલાકે ભારતીય અવકાશયાન જ્યાં પડ્યું હતું ત્યાં પહોંચ્યો.
પાંચેક વિજ્ઞાનીઓ અને લગભગ એટલા જ મજૂરોને તેણે અવકાશયાનની આસપાસ કામ કરતા જોયા. પહેલાં ઔપચારિક ઓળખ કરવામાં આવી અને પછી તેણે વિક્રમ નાણાવટી, અનુપમ વૈદ્ય, રામ શર્મા અને મનોજ રાય સહિતની આખી ટીમને સંબોધતાં કહ્યું કે ‘તમારું અવકાશયાન તો અત્યંત ખરાબ રીતે રેતીમાં ફસાઈ ગયું છે તેને બહાર કાઢવા માટે મદદની આવશ્યકતા હોય તો તમે મને કહી શકો છો.’
‘આને રેતી ન સમજશો, આ અત્યંત કિરણોત્સારી પ્લુટોનિયમનું ઓક્સિડાઈઝ્ડ સ્વરૂપ હોવાની અમારા બોસને શંકા છે અને તેથી પહેલાં તમે કિરણોત્સર્ગથી રક્ષણ કરે તેવો સૂટ ધારણ કરીને જ આ તરફ આવજો,’ વિક્રમે કહ્યું. (ક્રમશ:)ઉ

હવે શું?
અહીંની રેતી ખરેખર કિરણોત્સારી છે કે નહીં તેની તપાસ કરવા માટેના મશીનો અમે લઈને આવ્યાં છીએ. આવી જ રીતે આ રેતીમાં કઈ ધાતુ છે તેની પણ તપાસ કરી શકાય એટલાં અદ્યતન અમારાં મશીન છે. તમે ચિંતા કરવાની આવશ્યકતા નથી. તમારા અવકાશયાનને પણ બહાર કાઢી આપીશું, પાર્થો ઈવાનોવિચે ભારતીય વિજ્ઞાની વિક્રમ નાણાવટીને આશ્ર્વાસન આપ્યું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular