મિશન મૂન પ્રકરણ ૮૯

333

અમેરિકાનું આ મિશન મૂન છે, આમાં અમેરિકા ક્યાં છે? પાંચ ખાનગી કંપનીઓનું આ મિશન મૂન છે અને તેમાંથી ફાયદો પણ પાંચ કંપનીને થવાનો છે. આપણે નાસાના વિજ્ઞાનીઓ ગધેડા છીએ, જોન સ્વીપર બોલ્યો

વિપુલ વૈદ્ય

ચીનના રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગ પોતાની કચેરીમાં બેઠા હતા અને તેમની સામે હ્યુ રેન્યુ, સીપીસીના વાઈસ પ્રેસિડેન્ટ ઝૂ કિલાંગ અને ઝાંગ યુઓઆ બેઠા હતા. હ્યુ રેન્યુએ વાતનો પ્રારંભ કરતાં જણાવ્યું કે ‘કોમરેડ સર, આપણું અવકાશયાન આજે રવાના થઈ રહ્યું છે. ભારતનું અવકાશયાન દક્ષિણ ધ્રુવ પર છે અને રશિયાએ ચંદ્ર પર અવકાશયાન મોકલવાને બદલે સ્પેસ શટલ મોકલ્યા છે.’
તેમના સ્પેસ શટલ પણ દક્ષિણ ધ્રુવ પર જ ભારતના અવકાશયાનથી થોડા કિલોમીટર દૂર ઉતર્યું છે. હવે આપણું અવકાશયાન ક્યાં ઉતારવાનું છે?
ભારતે ચંદ્રના મિશનમાં આપણને પાછળ રાખી દીધા હોવાથી મને લાગતું હતું કે આપણે આપણું અવકાશયાન બીજી તરફ ઉતારીએ, પરંતુ હવે મને લાગે છે કે આપણે પણ અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ ઉતારવું જોઈએ અને તે ભારત અને રશિયાના અવકાશયાન જે દિશામાં છે તેનાથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર આપણે ચંદ્ર પર જઈએ. આપણી પાસે પાક્કી માહિતી છે અને આપણી પાસે સક્ષમ યંત્રણા છે. બરાબર કામ કરીશું તો આપણે યોગ્ય સ્થળે ઉતરાણ કરી શકીશું.
આટલું બોલીને તેઓ પોતાના ઓરડામાં એક જગ્યાએ રાખેલા ચંદ્રના નકશા પાસે પહોંચ્યા અને હાથમાં લાકડી લઈને નકશા પર મૂકીને કહ્યું.
‘ભારતનું અવકાશયાન ચંદ્ર પર આ સ્થળે ઉતર્યું છે અને રશિયાએ પોતાનું સ્પેસ શટલ અહીં ભારતના અવકાશયાનથી દક્ષિણ તરફ ૫૦ કિલોમીટર દૂર મોકલ્યું છે. તેમનું બાંધકામ આ બાજુ પૂર્વ દિશામાં થઈ રહ્યું છે.’
‘આ બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તો આપણે અત્યારે આ તરફ ભારતના અવકાશયાનની ૧૦૦ કિલોમીટર પૂર્વે અને રશિયાના બાંધકામથી ૧૨૦ કિલોમીટર દૂર અહીં ઉતરાણ કરવાનું છે.’
‘બધા સમાનવ પ્લાન્ટ આસપાસમાં હશે તો સંકટની ઘડીમાં બધા એકબીજાને કામમાં આવી શકીશું, શું માનવું છે તમારું હ્યુ રેન્યુ?,’ લ્યાન ઝિન પિંગે હવે બોલ રેન્યુની કોર્ટમાં નાખ્યો.
કોમરેડ સર, તમે એકદમ યોગ્ય વિચાર માંડ્યો છે. અત્યાર સુધી હું પણ એવું જ માનતો હતો કે આપણે બંનેના અવકાશયાનથી હજારો કિલોમીટર દૂર વિષુવવૃત્ત પર કે પછી ઉત્તર ધ્રુવ પર જવું જોઈએ, પરંતુ તમારી વાત સાંભળ્યા પછી મને પણ એમ લાગે છે કે સાથે હોઈશું તો વધુ સારું રહેશે, હ્યુ રેન્યુએ લ્યાન ઝિન પિંગના સૂચન સાથે સહમતી દર્શાવી એટલે સીપીસીના બંને વાઈસ પ્રેસિડેન્ટે પણ સહમતીસૂચક ડોકું ધુણાવ્યું.
****
વ્હાઈટ હાઉસમાં અત્યારે સેમ્યુઅલ યંગ રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગરને અમેરિકાના મિશન મૂનની વિગતો આપી રહ્યો હતો.
બોઈંગ કંપનીનું રોકેટ ઉડ્ડયન માટે તૈયાર છે અને તેને માટેનું ઈંધણ કેનેડી સ્પેસ સેન્ટર સુધી પહોંચી ગયું છે. ચિલ રેટની કંપની પાસેથી મળેલો યુરેનિયમના શુદ્ધીકરણ અને સંવર્ધનનો પોર્ટેબલ પ્લાન્ટ અવકાશયાનમાં ચડાવી દેવામાં આવ્યો છે. લોકહીડ માર્ટીન કંપની, હનીવેલ ઈન્ટરનેશનલ કંપની અને નોથોર્પ દ્વારા સંયુક્ત રીતે ૨૦ વિજ્ઞાનીઓની ટીમ તૈયાર કરીને સાથે મોકલવામાં આવી રહી છે અને આપણા નાસાના વિજ્ઞાની જોન સ્વીપરના નેતૃત્વ હેઠળ ફક્ત પાંચ વિજ્ઞાનીઓની ટીમ છે જે મિશન મૂનને અમલમાં મૂકશે.
જોન સ્વીપરે ઈંધણ પહોંચી ગયા બાદ અવકાશયાનનું ફક્ત એક જ ડ્રાય રન લીધું છે અને તેની ઈચ્છા એવી છે કે વધુ એક ડ્રાય રન લેવામાં આવે, પરંતુ અત્યારે આપણી પાસે તેને માટે ટાઈમ ન હોવાથી કરી શકાતું નથી.
****
કેનેડી સ્પેસ સેન્ટરમાં અત્યારે મિશન મૂનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. ફ્લોરિડાના પૂર્વ કિનારા પર ૧,૪૦,૦૦૦ એકર જમીન પર પથરાયેલું અમેરિકાનું આ ભવ્ય સ્પેસ સ્ટેશન સરકારી સંપત્તિ નહોતી. ૯૦થી વધુ ખાનગી ક્ષેત્ર સહિત કુલ ૨૫૦ ભાગીદારોએ સાથે મળીને આ ભવ્ય સ્પેસ સ્ટેશનને ઊભું કર્યું હતું. જોકે, ભારતના જ નહીં આખી દુનિયાના સ્પેસ સ્ટેશનોથી વિપરિત અહીં પ્રકૃતિ અને ટેકનોલોજીનું સહ-અસ્તિત્વ જોવા મળી રહ્યું હતું. ચારે તરફ હરિયાળી સુંદર સમુદ્રનો કિનારો. નાસાનું આ મુખ્ય અવકાશમથક હોવા છતાં અહીં બીજી અનેક અન્ય પ્રવૃત્તિઓ પણ ફૂલી ફાલી હતી અને તેમાં વિજ્ઞાનમાં રૂચિ ધરાવતા બાળકો માટેના તાલીમ કેન્દ્રોનો સમાવેશ થતો હતો. આવી જ રીતે પૈસાપાત્ર લોકોના શોખ પૂરા કરવા માટેની અનેક પ્રવૃત્તિઓ જેમ કે અવકાશયાનમાં બેસીને ફોટો પડાવવો, અવકાશયાત્રી સાથે આકાશમાં ફોટો પડાવવો વગેરે પણ ચાલી રહ્યા હતા. સ્પેસ સ્ટેશનના એકદમ અંતરિયાળ ભાગમાં અત્યારે મિશન મૂન માટેનું લૉન્ચ પેડ તૈયાર રાખવામાં આવ્યું હતું અને તેની સામે બનાવવામાં આવેલા ‘હટ-હાઉસ’માં જોન સ્વીપર મિશન મૂનની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યો હતો.
કહેવા માટે આ હટ-હાઉસ હતું, પરંતુ અંદર આખી દુનિયાની બધી જ સુવિધાઓ ઉપલબ્ધ હતી. સોલાર પાવર સંચાલિત આ ઝૂંપડીમાં કમ્યુટર, વાઈ-ફાઈ, એસી, હીટર, ફોલ્ડિંગ બેડ, કામ કરવા માટે વર્કિંગ ટેબલ, ચેર, ટીવી, ફ્રિજ, ફ્રિજમાં દુનિયા ભરનો ખાવા-પીવાનો સામાન ઉપલબ્ધ હતો.
જોન સ્વીપરને અત્યારે આ બધામાંથી કોઈ વસ્તુમાં રસ નહોતો. તેણે એક વેજ બર્ગર લીધું અને ફ્રિજમાંથી દૂધ લઈને તેને કિટલીમાં ગરમ કરવા મૂક્યું. બે મિનિટમાં દૂધ ગરમ થઈ જતાં એક હાથમાં દૂધનો ગ્લાસ અને બીજા હાથમાં બર્ગર લઈને ખાવા બેઠો.
થોડો રિલેક્સ થવા ગયો તેમાં રિવોલ્વિંગ ચેર થોડી ફરી અને તેની નજર બારીમાંથી બહાર સામે ઊભા કરવામાં આવેલા લોન્ચ પેડ પર પડી અને તેને હસવું આવી ગયું.
બરાબર એ જ સમયે સ્વીપરના આસિસ્ટન્ટ બેઈલીનું આગમન થયું. અવકાશયાનની સામે જોઈને હસી રહેલા જોન સ્વીપર થોડા સમજાયા નહીં એટલે તેણે તરત જ આને માટેનું કારણ પૂછ્યું.
‘બેઈલી, કહેવા માટે આ અમેરિકાનું મિશન મૂન છે, બરાબર?
‘આમાં અમેરિકા ક્યાં છે? પાંચ ખાનગી કંપનીઓનું આ મિશન મૂન છે અને તેમાંથી ફાયદો પણ પાંચ કંપનીને થવાનો છે. નાસાના વિજ્ઞાનીઓ આપણે ગધેડા છીએ. અવકાશયાન બોઈંગનું, પ્લાન્ટ ચિલ રેટની કંપનીના, પૈસા ત્રણ મોટી કંપનીના. યુરેનિયમ આવશે તો તે ચારેય કંપનીઓ વહેંચી લેશે. આમાં આપણે શું કરી રહ્યા છીએ તે વિચારીને મને હસવું આવી ગયું હતું.’
‘આપણે તો આપણી ફરજ બજાવી રહ્યા છીએ ને?’
‘આપણી ફરજ અમેરિકા પ્રત્યે છે, ખાનગી કંપનીઓ પ્રત્યે નહીં.’
‘અચ્છા એ વાત જવા દે, તને ખબર છે કે આ અવકાશયાનનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું છે?’
‘૩૫મા રાષ્ટ્રપ્રમુખ જોન એફ. કેનેડીના નામ પરથી તેમણે વિશ્ર્વને સમાનતાનો સંદેશ આપ્યો હતો. લોકોને જવાબદારી સ્વીકારતાં શીખવ્યું હતું. અમેરિકનોને શ્ર્વેત-શ્યામના ભેદભાવને ફગાવી દેવાની પ્રેરણા આપી હતી. આખી દુનિયામાં નબળા દેશો અને લોકોને મદદ કરવાની ઉદાત્ત ભાવના તેઓ ધરાવતા હતા અને અત્યારે તેમના નામે બંધાયેલા આ અવકાશમથકમાંથી ભારત જેવા અન્ય ગરીબ દેશોના લાભાર્થે કામ કરી રહેલા દેશના વિરુદ્ધ ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું છે.’
આપણી કરુણતા છે કે આપણે આ ષડયંત્રનો હિસ્સો બની રહ્યા છીએ, જોન સ્વીપર બોલી રહ્યો હતો અને બેઈલી તેમને અભિભૂત થઈને જોઈ રહ્યો હતો.
અત્યારે બેઈલીને જોન સ્વીપર માટે અહોભાવ જાગી રહ્યો હતો. આ માણસ કેટલો સાફ હતો. હજાર લાલચો, ધાકધમકીને વશ થયા વગર પોતાના નૈતિક મૂલ્યોનું જતન કરવા માટે લડી રહ્યો હતો. (ક્રમશ:)
————–
હવે શું?…
તમારું અવકાશયાન તો ઘણી ખરાબ રીતે આ રેતીમાં ફસાઈ ગયું છે. આને બહાર કાઢવા માટે મદદની આવશ્યકતા પડશે. તમે કહો તો મારી ટીમ તમારી મદદ કરી શકે છે, પાર્થો ઈવાનોવિચે અવકાશયાનને બહાર કાઢવા માટે અનુપમ વૈદ્ય, વિક્રમ નાણાવટી, રામ શર્મા અને આખી ટીમને મહેનત કરતાં જોઈને પોતાના તરફથી ઓફર કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!