– વિપુલ વૈદ્ય
—
એક ઝટકા સાથે અવકાશયાન જમીનને સ્પર્શ્યું. બરફ જેવું લાગી રહ્યું હતું તે સફેદ રાખ જેવું નીકળ્યું અને રાખ ઊડતાં બધું અંધકારમય બની ગયું. અવકાશયાનમાંથી બહાર જોવાની વિન્ડ સ્ક્રીન પર, કેમેરા પર બધે જ સફેદ રાખ ફેલાઈ ગઈ
—
જયંત સિન્હા સતત સ્પીકર ફોન પર સૂચનાઓ આપી રહ્યા હતા અને હવે અવકાશયાન ચંદ્રની ભૂમિની અત્યંત નજીક આવી ગયું હતું.
‘તમારી ગતિ અત્યારે ૩૦૦ કિ.મી.ની આસપાસ છે, ગતિ ઘટાડવા માટે એન્જિન બંધ કરી નાખો.’
હવે તમારી ગતિ ઘટીને ૨૨૦ કિ.મી પ્રતિ કલાક થઈ ગઈ છે. હવે તમે બરાબર ૧૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પહોંચ્યા છો. હવે તમારા હાથમાં જે નેવિગેશન છે તેનો ઉપયોગ કરીને ચંદ્રની ભૂમિની નજીક પહોંચો. હવે તમારી ગતિ ઘટીને ૧૨૦ કિ.મી. થઈ ગઈ છે પાછું એન્જિન ચાલુ કરો.
વિક્રમ અત્યારે હાથમાં નેવિગેશન લઈને બેઠો હતો અને અત્યારે તેને અવકાશયાનને કાબૂમાં રાખવાનું મુશ્કેલ પડી રહ્યું હતું.
જયંત સિન્હાનો અવાજ ફરી ગૂંજ્યો. તમારી ઝડપ ૧૬૦ કિ.મી. પ્રતિકલાક રહે તેનું ધ્યાન રાખજો.
હવે તમે ચંદ્રની ભૂમિથી ૫૦ મીટર દૂર લાગી રહ્યા છો, તમને શું દેખાય છે?
સર, અહીં મને પણ ૫૦ મીટરનું અંતર દેખાડી રહ્યું છે. સામે થોડા પથ્થરો જેવું દેખાઈ રહ્યું છે તે પસાર કરીને નીચે ઉતારું છુંં, એમ વિક્રમે કહ્યું.
સારું, તમારું અવકાશયાન ૧૦ મીટર દૂર રહે ત્યારે પાછળના ચારેય પેરેશૂટ ખોલી નાખજે અને પછી જમીન પર પૈડાં ઉતારજે. ધ્યાન રાખજે વિક્રમ તારા માથે ઘણી જવાબદારી છે, જયંત સિન્હા બોલ્યા.
અનુપમ, રામ શર્મા અને મનોજ રાય બધા આસપાસની ખુરશીઓ પર પેટી બાંધીને વિક્રમને જોઈ રહ્યા હતા અને તેની મહેનતને બિરદાવી રહ્યા હતા.
અચાનક થડ કરતો અવાજ આવ્યો અને અવકાશયાન થોડું ઉછળ્યું. રામ શર્માને અંદાજ આવ્યો કે કોઈ ખડકની સાથે અવકાશયાન થોડું અથડાયું
અને પછી ઉંચકાયું. હવે સામે ખુલ્લું સફેદ રંગનું મેદાન જોવા મળી રહ્યું હતું જાણે બરફની નદી હોય. અનુપમે જોરથી બૂમ પાડી, ‘વિક્રમ, લેન્ડ કરી નાખ.’
વિક્રમે તરત જ અવકાશયાનને નીચૂં લીધું, પાછળ રાખેલા ચારેય પેરેશૂટ ખોલી નાખ્યા અને પૈડાં પણ ખોલી નાખ્યા.
એક ઝટકા સાથે અવકાશયાન જમીનને સ્પર્શ્યું.
બરફ જેવું લાગી રહ્યું હતું તે સફેદ રાખ જેવું નીકળ્યું અને રાખ ઉડતાં બધું અંધકારમય બની ગયું. અવકાશયાનમાંથી બહાર જોવાની વિન્ડ સ્ક્રિન પર, કેમેરા પર બધે જ સફેદ રાખ ફેલાઈ ગઈ.
અવકાશયાન હજી આગળ વધી રહ્યું હતું એટલે હવે આગળ શું થાય તેની ચિંતા બધાને થવા લાગી. બધા ભગવાનનું નામ લેવા માંડ્યા. થોડે જઈને અવકાશયાન અટકી ગયું એટલે બધાના જીવને શાંતી થઈ કે ક્યાંય અથડાયા નથી.
***
આ લૅન્ડિંગ પર અબ્દુલ કલામ ટાપુથી સીધી નજર રાખી રહેલા જયંત સિન્હા, રંજન કુમાર અને અન્ય સભ્યોએ અવકાશયાનનો ભૂમિ-સ્પર્શ જોયો અને પછી પડદા પર ફક્ત સફેદ રંગ છવાઈ ગયો. આ બરફ હતો કે અન્ય કશી વસ્તુ તે તત્કાળ તેમના ધ્યાનમાં આવ્યું નહીં એટલું જ નહીં અવકાશયાનનું શું થયું તેની પણ જાણકારી મળી નહીં.
થોડો સમય માટે બધા સ્ક્રીન પર જોઈ રહ્યા. આગની જ્વાળા કે અન્ય કશું નુકસાન થયું હોવાનું ન દેખાતાં બધાએ હાશ અનુભવી. હવે કેમેરા સ્થિર થઈ ગયો હતો, પરંતુ કશું દેખીતું નુકસાન જણાતું નહોતું. એટલે બધાએ હાશકારો અનુભવ્યો.
અવકાશયાન સાથેનો કેમેરા આગળનું દૃષ્ય દેખાડવા માટે સક્ષમ ન હોવાથી રંજન કુમારે હોટલાઈન પર વાત કરી રહેલા અનુપ રોયને કહ્યું કે ‘સર, આપણા સેટેલાઈટને કહો કે કેમેરા ચંદ્ર તરફ ફેરવે જેનાથી આપણે અવકાશયાનની સ્થિતિ જાણી શકીએ.’
અનુપ રોયે તરત કેટલાક આદેશ આપ્યા અને બીજી સ્ક્રીન પર અવકાશયાન દેખાયું. રેતીના રણમાં અવકાશયાન ઊંડે સુધી ખૂંપી ગયું હતું.
તરત જયંત સિન્હાએ સ્પીકર ફોન પર વિક્રમને અવાજ આપ્યો.
‘વિક્રમ, તમે લોકો સુરક્ષિત છો?’
‘હા સર, અમે બધા સુરક્ષિત છીએ,’ વિક્રમે જવાબ આપ્યો.
‘સાંભળો, તમે બધા રેતીમાં અડધે સુધી અંદર ખૂંપી ગયા છો એટલે સાચવીને બહાર નીકળજો.’
‘સારું સર, પણ હજી અમને અમારી પોઝિશન ખબર પડી નથી.’
‘તમે આપણા અપેક્ષિત ઉતરાણ સ્થળ કરતાં લગભગ ૧૦૦ મીટર જેટલા પાછળ રહી ગયા છો અને મને લાગે છે કે તમારી આસપાસ સફેદ રેતીનું રણ છે.’
‘અચ્છા સર, હવે અમે બહાર નીકળવાની તૈયારીઓ કરીએ છીએ, વિક્રમે જવાબ આપ્યો.’
****
ભારતના મિશન મૂન અવકાશયાનનું જિવંત પ્રસારણ રશિયામાં પણ જોવાઈ રહ્યું હતું અને ત્યાં રશિયાના પ્રમુખ વોલેરન બાઈનની સાથે અન્ય લોકો પણ હાજર હતા.
લેન્ડિંગ થઈ ગયા બાદ અવકાશવિજ્ઞાની એલેકઝાંડર રૂમાન્ટેસેવે બોલવાનું ચાલુ કર્યું.
‘કોમરેડ સર, ભારતનું અવકાશયાન દક્ષિણ ધ્રુવના રેતાળ પ્રદેશમાં ઉતરી ગયું છે. હજી સુધી અવકાશયાનમાંથી કોઈ નીકળ્યું નથી.’
એટલામાં તેમની સામે અવકાશયાનમાંથી ૧૫ જેટલા લોકો બહાર નીકળ્યા.
એક જણાના હાથમાં તિરંગો હતો તે જઈને પહેલાં ચંદ્રની સપાટી પર લગાવી દેવામાં આવ્યો.
‘કોમરેડ સર, ભારતનું ચંદ્રયાન સુરક્ષિત છે અને તેમાંથી નીકળીને કર્મચારીઓએ ટાવર ઊભા કરવાનું કામ ચાલુ કરી દીધાનું દેખાઈ રહ્યું છે,’ એલેકઝાંડર રૂમાન્ટેસેવે કહ્યું.
‘હવે આ લોકોએ દક્ષિણ ધ્રુવમાં ઉતરાણ કર્યું છે. આપણે હવે ક્યાં ઉતરાણ કરવાનું છે?’ રૂમાન્ટેસેવે સવાલ કર્યો.
પ્રેસિડેન્ટ વોલેરન બાઈને બે મિનિટ ગંભીરતાથી વિચાર કરીને પછી કહ્યું કે ‘આપણે પણ દક્ષિણ ધ્રુવ પર જ ઉતરાણ કરીશું, ભારત કરતાં ૧૦ કિલોમીટર દૂર.’
‘અત્યારે આપણું અવકાશયાન ક્યાં છે?’ વોલેરન બાઈને પૂછ્યું.
‘સર, આપણું અવકાશયાન અત્યારે સ્પેસ સ્ટેશનના ડોકેટ પર જોડાવાની તૈયારીમાં જ હશે,’ રૂમાન્ટેસેવે માહિતી આપી.
‘પાર્થો સાથે વાત થઈ ગઈ છે? તેમની પાસે આપણા મિશન મૂન વિશેની બધી જાણકારી છે ને? ત્યાંથી તેમણે ૫૦ લોકોને સ્પેસ શટલના માધ્યમથી ચંદ્ર પર મોકલવાની વ્યવસ્થા કરવાની છે,’ વોલેરન બાઈને કહ્યું.
અણુવિજ્ઞાની યેવગેની એડામોવે કહ્યું કે ‘સર, આપણા આખા કાર્યક્રમની જાણકારી પાર્થોને આપી દેવામાં આવી છે. આ ઉપરાંત સ્પેસશીપમાં આપણા વિજ્ઞાની રોસાટેમને મોકલ્યા છે. તેઓ ત્યાં જઈને પાર્થોને બાકીનું કામ સમજાવી દેશે.’
‘સારું કામ કર્યું છે,’ વોલેરન બાઈને પ્રશંસા કરી.
(ક્રમશ:)
—
હવે શું?…
પહેલાં એવું લાગતું હતું કે અવકાશયાનનું ઉતરાણ સારી રીતે થઈ ગયું છે, પરંતુ પરિસ્થિતિ ઘણી આકરી હતી. અવકાશયાન અડધાથી વધુ રેતીમાં ખૂંપી ગયું હતું અને
જો થોડો સમય વધુ અવકાશયાન ચાલ્યું હોત તો ચંદ્ર પર ‘રેતીસમાધિ’ બની ગઈ હોત, આવા વિચાર કરતાં કરતાં વિક્રમ, અનુપમ, રામ શર્મા અને મનોજ રાય અવકાશયાનમાંથી બહાર નીકળવાનો રસ્તો ગોતી રહ્યા હતા