Homeમિશન મૂનમિશન મૂન પ્રકરણ ૮૪

મિશન મૂન પ્રકરણ ૮૪

અવકાશયાનનું સીધું લેન્ડિંગ કરવું કે પછી ભ્રમણકક્ષાનું એક ચક્કર લગાવીને યોગ્ય સ્થળે ઉતરાણ કરવું તે નક્કી કરી શકતો નથી અને તેને માટે મારે તમારી મદદની આવશ્યકતા છે, વિક્રમે રંજન કુમારને સવાલ કર્યો

વિપુલ વૈદ્ય

ભારતનું મિશન મૂન અવકાશયાન અત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળી ગયું હતું અને હવે વધારાના રોકેટને બંધ કરી દેવામાં આવ્યા હતા અત્યારે એક જ રોકેટના સહારે વાતાવરણની બહારના શૂન્યાવકાશમાં અવકાશયાન પોતાની ગતિ ચાલુ રાખી રહ્યું હતું.
અવકાશયાન ચંદ્રની નજીક પહોંચે એટલે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ તેને પોતાની તરફ ખેંચવાની શક્યતા હતી અને આવી સ્થિતિમાં અવકાશયાનની ગતિ વધવાની શક્યતા રહેલી હતી. સુરક્ષિત લેન્ડિંગ કરવા માટે ૧૬૦ કિ.મી. પ્રતિ કલાકની ગતિ હોવી આવશ્યક હતી. કેમ કે આનાથી વધુ ઝડપે જો અવકાશયાન ચંદ્ર પર ઉતરે તો હાર્ડ લેન્ડિંગ થવાની શક્યતા રહેલી હતી અને તેમાં અવકાશયાનની સાથે અંદર રહેલા વિજ્ઞાનીઓ અને અન્યોની સુરક્ષા જોખમાય એવી સ્થિતિ હતી.
ડેલ્ટા વી તરીકે ઓળખાતા ચંદ્રના ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળવાનો વેગ ૨.૩૮ કિ.મી. પ્રતિ સેકેન્ડ જેટલો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં પ્રવેશ કરવાનો હતો. અમેરિકાના બે પ્રયત્નોમાં હાર્ડ લેન્ડિંગ થયું હતું તે વાત અત્યારે વિક્રમને યાદ આવી રહી હતી. ચંદ્રયાન-૨માં લેન્ડર વિક્રમનું હાર્ડ લેન્ડિંગ થયું હોવાને કારણે જે નુકસાની થઈ હતી તે વિક્રમને યાદ આવી.
આ બધાની વચ્ચે કેવી રીતે સુરક્ષિત લેન્ડિંગ કરી શકાશે તેનો વિચાર કરી રહ્યો હતો. અત્યારે તેની પાસે પાછા ફરવા માટેનું પૂરતું ઈંધણ હતું.
સામાન્ય સંજોગોમાં અવકાશયાનને પૃથ્વી પર ઉતરાણ કરવાનું હોય ત્યારે તેની ગતિને નિયંત્રિત કરવામાં વાતાવરણ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે, પરંતુ ચંદ્ર પર વાતાવરણ અત્યંત નહીંવત્ હોવાથી આ સમસ્યા થવાની હતી.
અવકાશયાન જે ઝડપે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે તેનાથી ત્રણ કે ચાર ગણી ઝડપે તે ચંદ્રની સપાટી તરફ ખેંચાશે. બીજી તરફ ચંદ્ર પર જીપીએસ નથી એટલે ભૌતિક નજરે કેમેરા પર જોવું પડશે કે ક્યાં ડુંગરા/ખાઈ છે કે પછી ક્યાં સપાટ જમીન છે અને ક્યાં રેતીનું રણ છે તે જોઈને ઉતરાણ કરવું પડશે. આ બધાને કારણે ચંદ્ર પરનું ઉતરાણ હજી પણ અત્યંત જોખમી માનવામાં આવી રહ્યું હતું અને પાંચ દાયકા બાદ ભારત સમાનવ અવકાશયાનને ચંદ્ર પર ઉતારવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
ચંદ્ર પર અવકાશયાનનું સીધું ઉતરાણ કરવું કે ચંદ્રની ભ્રમણકક્ષામાં એક ચક્કર લગાવીને યોગ્ય સ્થાન જોયા પછી ઉતરાણ કરવું તેની ગડમથલમાં વિક્રમ હતો એટલામાં ભારતના સ્પેસ સેન્ટર સાથે તેમનો સંપર્ક સ્થાપિત થયો.
સેટેલાઈટના માધ્યમથી સંપર્ક સ્થાપિત થયો એટલે તેમને સ્ક્રિન પર રંજન કુમાર અને જયંત સિન્હા દેખાયા. રંજન કુમાર અને જયંત સિન્હાએ આખી ટીમને અભિનંદન આપ્યા અને આવી રહેલા કામ માટે શુભેચ્છા આપી.
‘સર, અવકાશયાનનું સીધું લેન્ડિંગ કરવું કે પછી ભ્રમણકક્ષાનું એક ચક્કર લગાવીને યોગ્ય સ્થળે ઉતરાણ કરવું તે નક્કી કરી શકતો નથી અને તેને માટે મારે તમારી મદદની આવશ્યકતા છે,’ વિક્રમે રંજન કુમારને સવાલ કર્યો.
રંજન કુમારે તરત જ જયંત સિન્હા સામે જોયું એટલે સમજી ગયેલા જયંત સિન્હાએ કહેવાનું ચાલુ કર્યું.
‘અત્યારે તમે શૂન્યાવકાશમાં છો અત્યારે ઈંધણની બચત કરી શકો છો. ચારેય રોકેટને બદલે એક જ રોકેટ વાપરજો. તમારી પાસે પૂરતું ઈંધણ હોય તો સીધું ઉતરાણ કરવાને બદલે ચંદ્રની ભ્રમણકક્ષામાં ચક્કર લગાવીને ગતિ ઘટાડવાનો પહેલા પ્રયાસ કરજો અને પછી ઉતરાણ કરજો,’ જયંત સિન્હાએ અનુભવને આધારે કહ્યું.
‘સર, અત્યારે અમે એક જ રોકેટ પર ગતિ કરી રહ્યા છીએ. ઈંધણ મારી પાસે છે ઘણું. આમેય ચંદ્ર પર ઉતરાણ કર્યા બાદ પાછા ફરવા માટે જે ઈંધણ રાખ્યું છે તે ચંદ્ર પર પણ નિર્માણ કરી શકાય એમ છે,’ વિક્રમે કહ્યું.
‘સરસ, હવે જેવા ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં પ્રવેશો કે તરત જ તમારું અવકાશયાન ઉત્તર ધ્રુવ તરફ વાળી નાખજો. એક ચક્કર લગાવીને પાછા દક્ષિણ ધ્રુવ તરફ આવશો ત્યાં સુધીમાં તમારી ઊંચાઈ ૨૦,૦૦૦ મીટરથી ઘટીને ૧૫૦૦-૧૮૦૦ મીટર સુધી પહોંચી ગઈ હશે. આ સમયે તમારા અવકાશયાનના એન્જિનને બંધ રાખજો. હવે બધી તમારી ચાલાકી નેવિગેશનને લઈને રહેશે,’ જયંત સિન્હાએ કહ્યું.
****
જયંત સિન્હા દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી હતી ત્યાં અચાનક અવકાશયાને ખેંચાણ અનુભવ્યું.
વિક્રમે તરત જ જયંત સિન્હાને સંબોધીને કહ્યું ‘સર, અવકાશયાન ખેંચાણ અનુભવી રહ્યુ છે.’
એનો અર્થ એવો થયો કે તમારું અવકાશયાન ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરી ગયું છે. હવે અચાનક અવકાશયાન ચંદ્રની સપાટી તરફ ખેંચાશે, પરંતુ હવે આપણું ક્રેશ લેન્ડિંગ ન થાય તે માટે અવકાશયાનની દિશા બદલવાની છે.
અત્યારે ક્ધટ્રોલ અહીં અમારી પાસે છે એટલે હું તેની દિશા બદલી રહ્યો છું. તારે નજર રાખવાની છે કે ચંદ્રનું એક ચક્કર લગાવવાનું છે. અત્યારે જ્યાં છો તે જગ્યા ધ્યાનમાં રાખો, અહીં જ તમારે ઉતરાણ કરવાનું છે,’ જયંત સિન્હાએ કહ્યું અને તરત તેઓ કામે લાગી ગયા.
અવકાશયાનના રડાર પર નજર રાખીને બેઠેલા વિક્રમ અને અનુપમે નોંધ્યું કે તેમનું અવકાશયાન નીચે જવાને બદલે ચંદ્રને સમાંતર ફરવા લાગ્યું.
તેમને હવે હાશ થઈ.
ક્રેશ લેન્ડિંગની આશંકા હવે ટળી ગઈ હતી. હવે એક પરિભ્રમણ કરવાનું હતું અને ત્યાં સુધીમાં આગળની યોજના ઘડી કાઢવાની હતી. અવકાશયાનના ઉતરાણ માટે પ્લેનની જેમ પૈડાં બહાર કાઢવાના હતા અને અવકાશયાન તૈયાર કરનારી ટીમના રામ શર્માની સાથે અત્યારે વિક્રમ અને અનુપમ ચર્ચા કરી રહ્યા હતા. અબ્દુલ કલામ ટાપુ પર રિહર્સલ વખતે પૈડાં ખૂલ્યા હતા કે નહીં તેની જાણકારી મેળવવામાં આવી અને પછી ત્રણેય અલગ મુદ્દા પર ચર્ચા કરવા લાગ્યા.
‘વિક્રમ, મને લાગે છે કે અહીં આપણને રન-વે મળવાનો નથી. પૈડાંનો ઉપયોગ કરવાનો કોઈ ફાયદો નથી. એના કરતાં આપણે ફ્લોટનો ઉપયોગ કરીએ તો વધુ સારું રહેશે,’ અનુપમે પોતાનો મત વ્યક્ત કર્યો.
‘અનુપમ, આપણા પૈડાં એ રીતના છે કે રણમાં પણ ઉતરાણ કરી શકે,’ વિક્રમે કહ્યું અને પછી સહમતી માટે રામ શર્મા સામે જોયું.
‘હા સર, આપણા પૈડાં રણમાં પણ ઉતરી શકાય એવા અને પથરાળ જમીન પર પણ ચાલી શકે એવાં છે,’ રામ શર્માએ પોતાનું અનુમોદન આપ્યું.
‘રસ્તામાં ખડકો અને શિલાઓ વચ્ચે આવશે તો?,’ અનુપમે પૂછ્યું.
‘એવી સ્થિતિમાં અવકાશયાનને નુકસાન થઈ શકે છે,’ રામ શર્માએ પોતાનો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો.
રામ શર્માના નિવેદન બાદ હવે બંને જણા નીચેની જમીન પર નજર રાખવા લાગ્યા જેથી ઉતરાણ માટે યોગ્ય જગ્યા પસંદ કરી શકાય.
અવકાશયાન ફરતું ફરતું ચંદ્રના ઉત્તર ધ્રુવ સુધી પહોંચ્યું, ત્યાં કેટલાક ખડકો અને મોટા મોટા પથ્થરો તેમને દેખાયા અને તેમની ચિંતામાં વધારો થયો. ત્યાંથી આગળ વધતા ચંદ્રના પૃથ્વી સામે ન આવતા અંધકારમય વિસ્તાર પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન નીચે ગયું. સ્પષ્ટ તો કશું દેખાતું નહોતું, પરંતુ સફેદ રાખ જેવું જોવા મળી રહ્યું હતું. ચંદ્રના વિષુવવૃત્ત પાસેથી પસાર થયા કે તરત જ સ્પીકર ફોન પર જયંત સિન્હાનો અવાજ આવ્યો.
‘સાવધાન, આપણું અવકાશયાન પાંચ કલાકમાં ચંદ્ર પર ઉતરી જશે. હું મારી રીતે બધા જ પ્રયાસ કરી રહ્યો છું કે આપણું ઉતરાણ અત્યંત સામાન્ય રીતે થાય. આમ છતાં બધા લોકો પોતાની જાતને સુરક્ષિત રાખજો. જોરથી ઉતરાણ થશે તો ઝટકો જોરદાર લાગશે.’
‘તમારું ઉતરાણ દક્ષિણ ધ્રુવ પર કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ વિસ્તારમાં બરફ જેવું દેખાઈ રહ્યું છે. ત્યાં તમારું લેન્ડિંગ થોડું હાર્ડ થશે તો પણ ખાસ વાંધો નહીં આવે. જો બરફ હશે તો ત્યાં પાણી પણ હોવું જોઈએ. તમારે રહેવા માટે પણ સારું પડશે,’ જયંત સિન્હા બોલ્યા. (ક્રમશ:)
————-
હવે શું?…
પ્રેસિડેન્ટ સર, ભારતે દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત ઉતરાણ કર્યું છે અને હવે ત્યાં તેમના થાંભલા ઊભા કરી રહ્યા હોવાનું સેટેલાઈટના ચિત્રોમાં દેખાઈ રહ્યું છે. હવે આપણા સ્પેસ શટલને ક્યાં લેન્ડિંગ કરાવવાનું છે? અવકાશવિજ્ઞાની એલેકઝાંડર રૂમાન્ટેસેવે રશિયાના પ્રમુખ વોલેરન બાઈનને સવાલ કર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular