Homeમિશન મૂનમિશન મૂન  પ્રકરણ ૮૨

મિશન મૂન  પ્રકરણ ૮૨

‘જમણી તરફથી સ્પેસ શટલ જેવું કશું આવી રહ્યું છે અને તે આપણા અવકાશયાનને ટકરાઈ શકે એવું લાગે છે,’ રંજન કુમારે ગભરાટભર્યા સ્વરે કહ્યું

વિપુલ વૈદ્ય

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગર નારાજ હતા. ભારતનું મિશન મૂન રવાના થઈ ગયું તેનાથી તેઓ દુ:ખી હતા અને તેને કારણે ગુસ્સામાં પણ હતા. તેમને અત્યારે જોન સ્વીપર પર ગુસ્સો આવી રહ્યો હતો. જો તેણે મદદ કરી હોત તો ભારતના મિશન મૂનને નુકસાન પહોંચાડી શકાયું હોત, પરંતુ તેણે ઘસીને ના પાડી દીધી હતી.
પોતાના તરફથી ત્રણ અલગ અલગ પ્રકારના પ્રયત્ન કર્યા હતા, પરંતુ તેમાંથી એકેય સફળ થયો નહોતો. મોનિકા જેવું અમોઘ શસ્ત્ર પણ આ વખતે નિષ્ફળ ગયું હતું. ભારતની સામે કોઈ કારી ફાવી નહોતી. હવે તેમનું અવકાશયાન આકાશમાં જતું દેખાઈ રહ્યું હતું અને જેટલી વખત આ જોતા હતા તેટલી વખત તેમનો ગુસ્સો વધી રહ્યો હતો.
જોન સ્વીપરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સોમવાર પહેલાં અવકાશયાન રવાના કરી નહીં શકાય અને જીદ્દી તો તે હતો જ. હવે શું કરવું? એનો વિચાર જોન લાઈગર કરી રહ્યા હતા.
તેમણે પાંચેય કંપનીના પ્રતિનિધિઓને ફરી બોલાવ્યા. આ પ્રતિનિધિઓ આવ્યા બાદ તેમણે સવાલ કર્યો કે, ભારતનું મિશન મૂન રવાના થઈ ગયું છે. આપણે હવે મિશન મૂનનું સાહસ ખેડવું છે? યુરેનિયમ હાથ આવશે તે વાત તો છે, પરંતુ આપણે એકલા કે પહેલા નહીં હોઈએ.
આમેય ભારતે આપણી પહેલાં અવકાશયાન રવાના કરીને આપણું નાક કાપી નાખ્યું છે, તો આપણે મિશન મૂન પડતું મૂકીએ?
પ્રેસિડેન્ટ સર, યુરેનિયમને માટે અમે બધી કંપનીઓએ આટલું બધું દાવ પર લગાવ્યું છે. આપણે ભારત સાથે ક્યારેય સ્પર્ધા નહોતી. આપણે યુરેનિયમ હાથ કરવા માટે આ કામ કર્યું છે અને હજી પણ આપણે ચંદ્ર પરથી યુરેનિયમ લાવી શકીએ છીએ. ત્યાં આપણો ઝંડો તો પહેલેથી લાગેલો છે.
બીજો રસ્તો છે, સ્પેસ સ્ટેશનમાંથી શટલ મોકલીને અત્યારે નવો ઝંડો ભારત પહેલાં લગાવી દેવામાં આવે.
આ સારો વિચાર છે, ચાલો હું સૂચના આપી દઉં છું કે સ્પેસ સ્ટેશનમાંથી સ્પેસ શટલને રવાના કરીને ચંદ્ર પર પહોંચાડી દેવામાં આવે.
****
સેન્ટ્રલ વિસ્ટામાં અનુપ રોય અને અબ્દુલ કલામ ટાપુ પર રંજન કુમાર ભારતના અવકાશયાનને આગળ વધતું રડાર પર જોઈ રહ્યા હતા અને અચાનક બંને ચમક્યા. રંજન કુમારે તરત અનુપ રોયને હોટલાઈન પર ફોન લગાવ્યો.
‘સર, તમે રડાર પર જોઈ રહ્યા છો?’
‘હા, બોલ શું કહેવા માગે છે?’
‘જમણી તરફથી સ્પેસ શટલ જેવું કશું આવી રહ્યું છે અને તે આપણા અવકાશયાનને ટકરાઈ શકે એવું લાગે છે,’ રંજન કુમારે ગભરાટભર્યા સ્વરે કહ્યું.
****
બરાબર એ જ સમયે રાજીવ ડોવાલ અને આદેશ રાજપાલનું ધ્યાન પણ રડારમાં દેખાઈ રહેલા એક નાના બિંદુ પર હતું. આદેશે રાજીવ ડોવાલને હોટલાઈન પર સંપર્ક સાધતાં કહ્યું કે ‘સર, આપણા અવકાશયાનની દિશામાં કશું જોખમ આવી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. બંનેની દિશા, ગતિ અને ધરીને ધ્યાનમાં લેવામાં આવે તો બંનેની ટક્કર ચોક્કસ લાગી રહી છે,’ આદેશ રાજપાલે ચિંતાના સ્વરે રાજીવને માહિતી આપી.
‘હા, મારું પણ ધ્યાન છે, પરંતુ તે શું છે તેની તપાસ કરી રહ્યો છું. મને વિચારવાનો થોડો સમય આપ. આપણી પાસે હજી બે કલાકનો સમય છે. ત્યાં સુધીમાં કશું વિચારું છું,’ રાજીવે આશ્ર્વાસન આપ્યું.
****
‘અનુપ રોય સર, આપણા અવકાશયાનની દિશા બદલી શકાય એમ છે?,’ રાજીવ ડોવાલે સવાલ કર્યો.
‘ના સર, આપણે એવું કરવા જશું તો પછી અવકાશમાં ભટકી જઈશું. અત્યારે ચંદ્રને ધ્યાનમાં રાખીને આપણી દિશા નક્કી કરવામાં આવી છે. જો ભ્રમણકક્ષામાં ખોવાઈ જશું તો પછી ઉતરાણમાં મુશ્કેલી નડી શકે છે,’ અનુપ રોયે પોતાની લાચારી દર્શાવી.
****
ગણતરીના કલાકોમાં અવકાશયાન રવાના કરવાનું હતું એટલે રડારના માધ્યમથી આકાશને જોઈ રહેલા યેવગેની એડામોવના ધ્યાનમાં આવ્યું કે ભારતના સીધા જઈ રહેલા અવકાશયાન અને જમણી તરફથી આવી રહેલા સ્પેસ શટલ વચ્ચે અથડામણ થઈ શકે છે. તેણે તરત જ દોડીને પ્રમુખ વોલેરન બાઈનને આની માહિતી આપી. પ્રમુખે તરત જ વેલેરી ગેરાસિમોવ, ઈવાનોવિચ ફ્લ્યુસ્ટિકોવ વગેરેને બોલાવી લીધા અને સાથે કુર્ચાટોવને પણ લાવવાનું કહ્યું.
બધા આવ્યા એટલે તેમણે બોલવાનું ચાલુ કર્યું.
‘મારી શંકા સાચી પડતી દેખાઈ રહી છે. આ રડારનું દૃશ્ય છે અને તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ સ્પેસ શટલ બરાબર અવકાશયાનને ટકરાવા માટે જઈ રહ્યું છે.’
‘આપણા મિત્ર પાસે આ સમસ્યાનો કદાચ ઈલાજ નહીં હોય, પરંતુ આપણી પાસે હશે, બરાબર?’ બાઈને સવાલ કર્યો.
‘આપણા સ્પેસ સ્ટેશનમાંથી હુમલો કરીને આ સ્પેસ શટલને ખતમ કરી નાખીએ,’ વેલેરીએ કહ્યું.
‘વેલેરી, આ એટલું સહેલું નથી. ધ્યાનથી જુઓ આ અમેરિકાનું સ્પેસ શટલ છે. આપણે હુમલો કરીશું તો સીધું યુદ્ધ થશે.’
‘બીજો કોઈ રસ્તો હોય તો દેખાડો.’
બધા માથું ખંજવાળવા લાગ્યા. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને ભારતના અવકાશયાન સામેનું સંકટ ક્ષણેક્ષણે ગંભીર થઈ રહ્યું હતું.
એટલામાં કુર્ચાટોવે કહ્યું કે ‘કોમરેડ સર, મારી પાસે એક રસ્તો છે. સ્પેસ શટલની સમાંતર એક એસ્ટેરોઈડ (લઘુગ્રહ) ફરી રહ્યો છે. આપણે લઘુગ્રહ પર એવી રીતે હુમલો કરીએ કે તે જઈને શટલને અથડાય તો આપણું નામ નહીં આવે અને સ્પેસ શટલ પોતાનો માર્ગ બદલી નાખશે અને ભારતનું અવકાશયાન બચી જશે, પરંતુ તે અવકાશયાન નજીક આવે તે પહેલાં કરવું પડશે નહીં તો અવકાશયાનને પણ લઘુગ્રહના ટુકડા અથડાઈ શકે છે.’
‘ઓછામાં ઓછું એક કલાકનું અંતર રહેવું જોઈશે. અત્યારે આપણી પાસે બે કલાક જેટલો સમય છે અત્યારે કરીશું તો બધું સુરક્ષિત રહેશે,’ કુર્ચાટોવે પોતાના વિચાર વ્યક્ત કર્યા.
અત્યારના સમયે કુર્ચાટોવ સિવાય કોઈને બીજો રસ્તો જડતો નહોતો અને સમય મહત્ત્વનો હતો એટલે સ્પેસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો અને આવશ્યક સૂચના આપવામાં આવી કે વધુમાં વધુ ૧૫ મિનિટમાં એસ્ટેરોઈડના ભૂક્કા બોલાવતો હુમલો થવો જોઈએ. આ હુમલો ૪૫ ડિગ્રીથી થવો જોઈએ એટલે એસ્ટેરોઈડ બરાબર જઈને શટલને અથડાય.
હવે બધાની આંખો રડાર પર જામેલી હતી.
****
રાજીવ ડોવાલના ધ્યાનમાં આવ્યું કે અચાનક ક્યાંકથી આગની જ્વાળાઓ આવી અને લઘુગ્રહને અથડાઈ. આગની જ્વાળાઓ અથડાવાને કારણે લઘુગ્રહના ચાર ટુકડા થઈ ગયા અને બે ટુકડા ભારતના અવકાશયાનને અથડાવા આવી રહેલા શટલને અથડાયા. આ અથડામણ એટલી જોરની હતી કે સ્પેસ શટલની દિશા બદલાઈ ગઈ અને તે દક્ષિણ તરફ નીચું વળી ગયું.
ભારતના બધા જ વિજ્ઞાનીઓને ફક્ત શટલની દિશા બદલાઈ અને ભારતના અવકાશયાનના માર્ગ પરથી હટીને અન્યત્ર વળી ગઈ એટલું જ ધ્યાનમાં આવ્યું. બધાને લાગ્યું કે આ મોટો ચમત્કાર થયો છે.
રાજીવ ડોવાલે ફરી એક વખત અદૃશ્ય હાથનો આભાર માન્યો. (ક્રમશ:)
————–
હવે શું?
ભારતના અવકાશયાનને ખતમ કરવાનો રાક્ષસી પ્રયાસ કરનારા અમેરિકાના પ્રેસિડેન્ટ જોન લાઈગર પ્રત્યે અત્યારે ફક્ત જોન સ્વીપરને જ નહીં ઉપરાષ્ટ્રપતિ મોનિકા હેરિસને પણ ધિક્કાર થઈ રહ્યો હતો. આ વ્યક્તિ નિષ્ફળતા પચાવી ન શકે એટલી હલકી છે એ જાણ્યા પછી બંનેનાં મોં કડવાં થઈ ગયાં. નીચતાની આટલી હદ પર જઈ શકે એવી કલ્પના પણ તેમણે કરી નહોતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular