Homeમિશન મૂનમિશન મૂન પ્રકરણ ૮૧

મિશન મૂન પ્રકરણ ૮૧

રાજીવ ડોવાલને સો ટકા ખાતરી હતી કે મિશન મૂનનું લોન્ચ ભારતની જેમ જ અમેરિકા, ચીન અને રશિયામાં પણ જોવાઈ રહ્યું હશે. અમેરિકા કે ચીન હજી પણ કોઈ ઉંબાડિયું કરશે એવો ડર તેમને લાગી રહ્યો હતો અને તેથી સતત તેઓ નજર રાખી રહ્યા હતા

વિપુલ વૈદ્ય

ચીનની રાજધાની બીજિંગમાં અત્યારે મહત્ત્વની બેઠક ચાલી રહી હતી. રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગ અત્યારે ભારે ગુસ્સામાં હતા અને તેમણે બધાની ઝાટકણી કાઢી હતી. ભારતના મિશન મૂનનું અવકાશયાન રવાના થયું તેના સેટેલાઈટ ચિત્રો દેખાડીને તેમણે ગઈકાલ સુધી તેમને પ્રોત્સાહિત કરી રહેલા બધા લોકોને સવાલ કર્યા હતા. અત્યારે બધા નીચી મુંડી કરીને બેઠા હતા. આ બધાની વચ્ચે તેમણે અચાનક હળવાશથી પછી તેમણે હ્યુ રેન્યુ સામે જોઈને કહ્યું કે ‘તારી વાત સાચી હતી, જો ભારત જેટલા નિષ્ઠાવાન વિજ્ઞાનીઓ આપણી પાસે હોત તો આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા હોત. આપણી પાસે ભારત જેવા સમર્પિત લોકો નથી.’
આ વાત સાંભળીને ચોંકી ગયા હ્યુ રેન્યુ. તે દિવસે મનમાં બોલ્યા હતા તે વાત પણ રાષ્ટ્રપ્રમુખને સંભળાઈ ગઈ હતી. આખરે પોતાની વાત સાથે સહમત થયા તે બદ્દલ ગર્વ અનુભવ્યો રેન્યુએ અને હવે મિશન મૂન પ્રોજેક્ટને સફળ કરવા માટે મનોમન નિર્ધાર કર્યો.
‘કોમરેડ સર, તેઓ ભલે રવાના થઈ ગયા. આપણે આપણું મિશન મૂન ચાલુ રાખીશું. ૪૮ કલાકનો સવાલ છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે આપણે ચંદ્રના મધ્ય ભાગમાં ઉતરીશું. આપણે પહેલાં માટીના સેમ્પલ લેવા પડશે, લઈને કામ કરીશું. આપણે હવે પીછેહઠ કરવી નથી. તેમના કરતાં વધુ યુરેનિયમ આપણે દેશમાં લાવીશું, રેન્યુએ પોતાના પ્રમુખને વિશ્ર્વાસ આપ્યો.’
રેન્યુનો આ જોશ જોઈને બાકીના લોકોમાં પણ ઉત્સાહનો સંચાર થયો અને તેમણે પણ રાષ્ટ્રપ્રમુખને ખાતરી આપી કે હવે મિશન મૂનમાં તેઓ પોતાનો પ્રાણ રેડી દેશે, પરંતુ તેને નિષ્ફળ થવા દેશે નહીં.
સીપીસીના વાઈસ-પ્રેસિડેન્ટ ઝૂ કિલાંગે હ્યુ રેન્યુના મુદ્દાને આગળ વધારતાં કહ્યું કે ‘કોમરેડ સર, તેઓ અત્યારે રવાના થયા છે અને તેમને ત્રણ દિવસ ચંદ્ર પર પહોંચતા લાગશે. આ પહેલાં હું આપણા સ્પેસ સ્ટેશનમાંથી એક ટીમને ચંદ્રના મધ્યભાગ પર સ્પેસ શટલ લઈને પહોંચવા કહું છું અને ત્યાં ચીનનો ઝંડો સ્થાપિત કરી દેવામાં આવશે.’
લ્યાન ઝિન પિંગે ઝૂ કિલાંગની વાત પર બે મિનિટ માટે વિચાર કર્યો અને પછી કહ્યું ‘એવી કોઈ જરૂર નથી. આપણે આપણું મિશન મૂન બે-ત્રણ દિવસ મોડું કરીએ તો કશું બગડી જવાનું નથી.’
‘ભારતનું મિશન મૂન ચંદ્રના દક્ષિણ ભાગમાં ઉતરવાનું હોય તો આપણે તેમનાથી બે-ચાર કિલોમીટર દૂર ઉતરાણ કરવામાં કશું બગડી જવાનું નથી. આપણે કોઈ શેહ-શરમમાં રહેવાનું નથી. કેમ કે અત્યારે જે અહેવાલ છે તે દક્ષિણ ધ્રુવ પાસેનો છે. ત્યાં યુરેનિયમનો મોટો જથ્થો છે તે સિદ્ધ થઈ ગયું છે તો આપણે ત્યાં જ યુરેનિયમ લેવા માટે જઈએ.’
‘આપણા અવકાશયાનમાં ચંદ્ર પર સૂર્યપ્રકાશ પર ચાલનારું એક વાહન પણ મોકલી આપો. જેમાં બેસીને આપણા વિજ્ઞાનીઓ ચંદ્રના વિવિધ વિસ્તારોમાં ફરી શકશે.’
***
ભારતના સેન્ટ્રલ વિસ્ટામાં બેઠા બેઠા વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતા, ગૃહ પ્રધાન અમિતાભ શેઠ, વડા પ્રધાનના સલાહકાર રાજીવ ડોવાલ, મિશન મૂનના ઈન્ચાર્જ અનુપ રોય અને અવકાશ વિજ્ઞાની એમજેપી અકબર મિશન મૂનના લૉન્ચિંગનું જિવંત પ્રસારણ જોઈ રહ્યા હતા.
આખરે અવકાશયાન ઉડ્ડયન ભરી રહ્યું હતું અને અનુપ રોયની આંખમાંથી હર્ષાશ્રુ નીકળી રહ્યા હતા. એમજેપી અકબર પણ અવકાશયાનને સ્થિર ગતિએ આગળ વધતું જોઈને અત્યંત લાગણીમય બની રહ્યા હતા.
વડા પ્રધાનના મુખ પરથી તેમની લાગણીઓ જાણી શકાતી નહોતી, તેઓ અત્યંત નિર્લેપ ભાવ ધારણ કરીને બેઠા હતા. અમિતાભ શેઠ પણ શાંતમુદ્રામાં દેખાઈ રહ્યા હતા.
આ બધાની વચ્ચે રાજીવ ડોવાલ હજી સ્ક્રીન પર ચાંપતી નજર રાખીને બેઠા હતા. કશું અમંગળ થાય નહીં તેની આશા રાખતા હતા. અત્યાર સુધીમાં આવેલા સંકટોને ધ્યાનમાં લેતાં તેમને આ મિશન મૂન આટલું સહેલાઈથી પાર પડશે એવી અપેક્ષા નહોતી. તેમને સો ટકા ખાતરી હતી કે મિશન મૂનનું લોન્ચ ભારતની જેમ જ અમેરિકા, ચીન અને રશિયામાં પણ જોવાઈ રહ્યું હશે.
અમેરિકા કે ચીન હજી પણ કોઈ ઉંબાડિયું કરશે એવો ડર તેમને લાગી રહ્યો હતો અને તેથી સતત તેઓ નજર રાખી રહ્યા હતા.
***
દિલ્હીથી ૧૪૦૦ કિલોમીટર દૂર રંજન કુમાર હર્ષથી અવકાશયાનને જતા જોઈ રહ્યા હતા અને અપેક્ષા રાખી રહ્યા હતા કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર શાંતિથી અવકાશયાન નીકળી જાય. ચંદ્ર પર જવામાંથી છેલ્લી ઘડીએ બાકાત રહી ગયેલા મીના, શ્રુતિ અને વિશાલ પોતાના કમનસીબને રડી રહ્યા હતા. આટલી મહત્વાકાંક્ષી ઝુંબેશ પર જવાની તક તેમને મળી નહોતી.
આ બધાની વચ્ચે રાજેશ તિવારી અને આદેશ રાજપાલ ચારે તરફ નજર ફેરવી રહ્યા હતા. રાજીવ ડોવાલના નિર્દેશ મુજબ હજી ઓછામાં ઓછું આઠ કલાક તેમણે અવકાશયાન પર નજર રાખવાની હતી.
***
ભારતના અવકાશયાન પર રશિયાના રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈનની પણ નજર હતી. તેમણે તરત જ પોતાના ખાસ સાથી વેલેરી ગેરાસિમોવને બોલાવ્યો અને કહ્યું કે ‘આપણા સેટેલાઈટના બધા જ કેમેરા ભારતના અવકાશયાન પર ફોકસ કરો અને જેમ તે આગળ વધતું જાય તેમ તેમ આપણી નજર તેમના પર જ રહેવી જોઈએ.’
‘મને લાગે છે કે અમેરિકા ફરી કશું ઉંબાડિયું કરશે.’ બાઈને ચિંતા વ્યક્ત કરી.
‘સર, આપણે ભારતને આપણાથી બનતી મદદ કરી છે, પરંતુ હવે કશું થાય તો આપણે શું કરી શકીએ?’ વેલેરીએ કહ્યું.
‘વેલેરી, દોસ્તી નિભાવવી હોય તો છેલ્લે સુધી નિભાવવી જોઈએ એવું ભારતના લોકો કહે છે. અત્યારે આપણે દોસ્તી નિભાવવાની છે.’
‘જવા દે, મને કહે કે આપણા મિશન મૂનની તૈયારી કેવી છે?’
***
અમેરિકાના વ્હાઈટ હાઉસમાં અત્યારે ચિંતાનું વાતાવરણ હતું. અમેરિકામાં પણ સેટેલાઈટની તસવીરો પર બધાની આંખ ખોડાયેલી હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગર અત્યારે ભારે ગુસ્સામાં હતા. તેમનો ગુસ્સો અત્યારે આસપાસના લોકો પર નીકળી રહ્યો હતો.
‘જોયું? આ દેખાય છે તમને? આ તેજલિસોટો ભારતનું અવકાશયાન છે જે ચંદ્ર પર જવા માટે રવાના થઈ ગયું છે.’
‘તેમના અવકાશયાનને રોકવાની આપણી કોઈપણ કારી ફાવી નથી. આખરે તેમનું અવકાશયાન આપણી પહેલાં રવાના થઈ ગયું છે. આપણા અવકાશયાનને રવાના કરવા માટે હજી ૪૮ કલાક લાગવાના છે.’
‘આપણે આ દુનિયાના સુપર પાવર છીએ અને મિશન મૂનનું અવકાશયાન કોનું પહેલાં જઈ રહ્યું છે. એક અર્ધનગ્ન લોકો, સાપને નચાવતા મદારીઓ અને અર્ધવિકસિત દેશનું અવકાશયાન આપણી પહેલાં ચંદ્ર પર જવા માટે રવાના થઈ ગયું છે.’
‘આપણે માટે અત્યારની ક્ષણો પાણીમાં ડૂબીને મરી જવા જેવી લાગી રહી છે,’ જોન લાઈગરે કહ્યું.(ક્રમશ:)
————
હવે શું?
કોમરેડ સર, મને કશુંક સંકટ દેખાઈ રહ્યું છે. ભારતના અવકાશયાનની દિશામાં એક સ્પેસ શટલ ભારે ગતિએ દોડતું આવી રહ્યું છે અને જો બંનેની ટક્કર થશે તો ભારતનું મિશન મૂન સમાપ્ત થઈ જશે. રડાર પર નજર રાખીને બેઠેલા વેલેરીએ પ્રમુખ વોલેરન બાઈનને ચેતવણીના સૂરમાં કહ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular