આપણા મિશન મૂનને અત્યાર સુધી કોઈ વાંધો આવ્યો નથી. હવે મારે ફક્ત ૨૪ કલાક સાવચેતી રાખવાની છે. આપણા મિશન મૂન તરફ ઉઠનારી કોઈપણ બૂરી નજરને હું સફળ થવા દઈશ નહીં,’ રાજીવ ડોવાલે વડા પ્રધાનને ખાતરી આપી
વિપુલ વૈદ્ય
સેન્ટ્રલ વિસ્ટામાં મહત્ત્વની બેઠક ચાલી રહી હતી. વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતા, ગૃહ પ્રધાન અમિતાભ શેઠ, સુરક્ષા સલાહકાર રાજીવ ડોવાલ, મિશન મૂન પ્રોજેક્ટના વડા અનુપ રોય, અવકાશયાન ક્ષેત્રના નિષ્ણાત એમજેપી અકબર વગેરે હાજર હતા.
‘મિશન મૂન પ્રોજેક્ટ અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. આવતીકાલે સવારે સાત વાગ્યે આપણું અવકાશયાન જવા માટે સજ્જ છે અને તમને હાજરી આપવી હોય તો તે પ્રકારની વ્યવસ્થા કરી શકાશે,’ અનુપ રોયે વડા પ્રધાનને આમંત્રણ આપ્યું.
‘આ આપણું હાઈ-પ્રોફાઈલ મિશન છે એટલે મારે હાજરી આપવી હતી, પરંતુ આપણે તેને જે રીતે ગુપ્ત રાખ્યું છે તેને ધ્યાનમાં લેતાં મારી હાજરી અનિચ્છનીય બની રહેશે. આખી દુનિયાને આપણા પ્રોજેક્ટને તેની જાણ થઈ જશે,’ વડા પ્રધાને કહ્યું.
અકબર, તમારી તૈયારીઓ શું કહે છે? વડા પ્રધાને સવાલ કર્યો.
‘પ્રાઈમ મિનિસ્ટર સર, અમારી અવકાશયાન સંબંધી બધી જ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. આ વખતે આપણે થોડું અલગ પ્રકારનું ઈંધણ અને એન્જિન વાપરી રહ્યા છીએ. અવકાશયાનનો આકાર પણ અલગ પ્રકારનો છે એટલે હું ખાતરીપુર્વક કશું કહી શકું એવી અવસ્થામાં નથી, પરંતુ જ્યાં સુધી જયંત સિન્હા સાથે મારી વાત થઈ છે ત્યાં સુધી અવકાશયાન ઉડ્ડયન માટે બધી જ રીતે સજ્જ છે અને અત્યાર સુધીના બધા જ પરીક્ષણોમાં ઉડ્ડયન માટે સક્ષમ પુરવાર થયું છે. આપણું મિશન મૂન સફળ થવાની મને પૂર્ણ આશા છે,’ અકબરે વડા પ્રધાનને લંબાણથી જવાબ આપ્યો.
‘રાજીવ, આપણા મિશન મૂન સામે અત્યારે કોઈ અવરોધ?,’ વડા પ્રધાને પૂછ્યું.
સર, આપણા મિશન મૂન આડે થોડાં જોખમો ઊભાં થયાં હતાં, એ બધા જોખમોને યોગ્ય રીતે સંભાળી લેવામાં આવ્યા છે. આપણા મિશન મૂનને અત્યાર સુધી કોઈ વાંધો આવ્યો નથી. હવે મારે ફક્ત ૨૪ કલાક સાવચેતી રાખવાની છે. મેં આદેશ રાજપાલ અને રાજેશ તિવારીને અબ્દુલ કલામ ટાપુ પર મોકલી આપ્યા છે, જેઓ ત્યાં ચાંપતી નજર રાખી રહ્યા છે અને મારું પણ ધ્યાન છે. આપણા મિશન મૂન તરફ ઉઠનારી કોઈપણ બૂરી નજરને હું સફળ થવા દઈશ નહીં,’ રાજીવ ડોવાલે વડા પ્રધાનને ખાતરી આપી.
‘અમિતાભ, તારે કશું કહેવાનું છે?,’ વડા પ્રધાને પૂછ્યું.
‘સર, મારે એક કબૂલાત કરવાની છે. અનુપમને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને તેને આટલો લાંબો સમય માટે સસ્પેન્ડ રાખવામાં આવ્યો તેમાં કાચું કપાયું હતું અને આ મિશન પૂર્ણ થાય એટલે મારે તેની માફી માગવી છે. અમારા ખાતાએ તેણે લખીને આપેલી છ-છ અરજીઓ પર ધ્યાન આપ્યું નહોતું,’ અમિતાભે કહ્યું.
‘આ અમારા તરફથી થયેલી ક્ષતી હતી. મને મળેલા કેટલાક પુરાવા પરથી સિદ્ધ થયું છે કે બે સાચા માણસોને જાણી જોઈને અન્યાય કરવામાં આવ્યો હતો અને આ બંનેની બઢતી માટે તમને અમારા ખાતા તરફથી ભલામણ કરવામાં આવશે,’ અમિતાભે કહ્યું.
‘ક્ષતિ તમારા ખાતાની નહીં, અમારા ખાતાની હતી અને હું જાણું છું કે તમે ક્યા બે માણસોની વાત કરો છો. બંનેને અન્યાય કરવામાં આવ્યો હતો અને કોણે કર્યો હતો તે મને ખબર છે. શું કામ કર્યો છે તેની જાણકારી મારી પાસે નથી. આ જાણકારી મળશે એટલે હું તમને સામેથી આપીશ,’
***
અબ્દુલ કલામ ટાપુ પર અત્યારે મિશન મૂનના રવાના થવાની અંંતિમ તૈયારીઓ ચાલી રહી હતી. રંજન કુમારે બધાને પોતાની સામે બોલાવ્યા હતા.
‘આવતીકાલે આપણું અવકાશયાન રવાના થવાનું છે, પરંતુ અત્યારે અહીં હાજર વિજ્ઞાનીઓમાંથી કેટલાક વિજ્ઞાનીઓ અવકાશમાં જવા માટેની પ્રાથમિક તૈયારીઓમાં નિષ્ફળ નીવડ્યા છે અને તેથી તેમની પસંદગી રદ કરવામાં આવે છે. વિશાલ અને મીના અવકાશયાનમાં જઈ શકશે નહીં. શ્રુતિને પણ મોકલી શકાય એવું નથી. આથી અવકાશયાનમાં જનારા બધા જ પુરુષો હશે. વિક્રમ અને અનુપમ આખી ટીમનું નેતૃત્વ કરશે. કોઈને સવાલ કે શંકા?’ રંજન કુમારે કહ્યું.
‘સર, ટીમમાં આટલા ઓછા લોકો હશે તો કામ કેવી રીતે થશે?,’ મનોજ રાયે સવાલ કર્યો.
‘અનુપમ, તમને લાગે છે કે આટલા માણસો ઓછા પડશે?’ રંજન કુમારે પૂછ્યું.
‘ના સર, મને લાગે છે કે અમે પહોંચી વળીશું. આમેય અમારે બીજું શું કામ છે? ત્યાં તો વાંસળી પણ નહીં વગાડી શકાય,’ અનુપમ બોલ્યો અને આખા ઓરડામાં હાસ્યનું મોજું ફરી વળ્યું.
ટીમમાં છેલ્લી ઘડીએ પસંદ થયેલા રામ શર્મા અને તેમના બીજા ત્રણ એન્જિનિયરોએ શું કામ કરવાનું છે તેની જાણકારી માગી હતી અને વિક્રમે તેમને કહ્યું હતું કે તે સમજાવી દેશે.
અત્યારે આખી ટીમ તૈયાર થઈ ગઈ હતી અને હવે તેમને અવકાશયાનમાં સવારે પાંચ વાગ્યે બેસવાનું જણાવી દેવામાં આવ્યું હતું.
***
અવકાશયાન રવાના થવા આડે ગણતરીના કલાકો બાકી હતા અને આદેશ રાજપાલ અને રાજેશ તિવારી અભૂતપૂર્વ દબાણ અનુભવી રહ્યા હતા. અત્યાર સુધીના બધા જ હુમલા નાકામ કરવામાં સફળતા મળી હતી, પરંતુ સવારે પાંચ વાગ્યે અવકાશયાનમાં ટીમ દાખલ થાય તે પહેલાં ચાર વાગ્યે પોલીવિનાઈલ બ્યુટીરોલનું આવરણ હટાવી લેવાનું હતું. ત્યારથી લઈને સવારે સાત વાગ્યા સુધી તેના પર ચાંપતી નજર રાખવી પડશે.
રાજેશને ઈન્ફ્રા-રેડ બાઈનોક્યુલર આપીને નજર રાખવા કહ્યું હતું. અવકાશમાંથી કોઈપણ તેજલિસોટો આવીને અવકાશયાનને નુકસાન ન પહોંચાડે તેનું ધ્યાન રાખવાનું હતું. આ અંતિમ પળો અત્યંત ચિંતાની ક્ષણો હતી.
આજની રાત બેમાંથી એકેયને સુવા મળવાનું નહોતું તે બંને સ્પષ્ટ રીતે જાણતા હતા. આદિવાસીઓના હુમલામાંથી અવકાશયાનને બચાવવું જેટલું સરળ હતું તેટલું અવકાશયાનને અન્ય કોઈ હુમલાથી બચાવવું સરળ નહોતું એ વાત બંને જણા જાણતા હતા.
જોકે, આ બંને કરતાં પણ વધુ ચાંપતી નજરે ભારતના મિશન મૂન પર કોઈ આંખ રાખીને બેઠું હતું તેની જાણ બંનેને નહોતી.
***
ચીનના પ્રમુખ અત્યારે અત્યંત ઉશ્કેરાટમાં હતા અને તેમણે બધાને જે રીતે તાકીદે બોલાવ્યા હતા તેના પરથી બધાને કશુંક અજુગતું થયાના એંધાણ વર્તાઈ રહ્યા હતા.
સેન્ટ્રલ હોલમાં બધા એકઠા થયા એટલે પ્રમુખ લ્યાન ઝિન પિંગે સેટેલાઈટમાંથી આવેલો વિડિયો ચલાવ્યો અને સવાલ કર્યો કે ‘આ તેજલિસોટો શેનો છે?’
બધા ફાટી આંખે જોઈને સમજવાનો પ્રયાસ કરતા હતા ત્યારે તેમણે પોતે જ કહ્યું. ‘આ તેજલિસોટો ભારતનું મિશન મૂનનું અવકાશયાન રવાના થયું છે. ભારત આપણા કરતાં આગળ નીકળી ગયું છે.’
જાસૂસી સંસ્થાના લી સામે જોઈને તેમણે કહ્યું કે ‘તમે કહેતા હતાને આપણે તેમની સિસ્ટમ હૅક કરી નાખી છે. આપણા ગ્રીન સિગ્નલ વગર તેઓ અવકાશયાન રવાના નહીં કરી શકે. જોઈ લો, તમારી નજરની સામે તેનું અવકાશયાન આકાશમાં જઈ રહ્યું છે. તમારી સામે હસી રહ્યા છે એ લોકો. શરમ આવવી જોઈએ તમને. તમારી કોઈ કારી તેમને રોકી શકી નથી.’
પ્રમુખના ગુસ્સાને જોઈને અત્યારે બધા લોકો નીચી મૂંડી કરીને બેઠા હતા. સૌથી કફોડી હાલત સીપીસીના વાઈસ પ્રેસિડેન્ટ ઝૂ કિલાંગ અને લીની હતી.
————-
હવે શું?…
ભારતે પોતાનું મિશન મૂન આકાશમાં રવાના કરી નાખ્યું છે અને આપણું અવકાશયાન પૂરા ૪૮ કલાક પછી જવાનું છે. આખી દુનિયામાં સુપર પાવર આપણે છીએ અને એક અર્ધવિકસિત દેશ આપણને પાછળ મૂકીને ચંદ્ર પર અવકાશયાન લઈને જઈ રહ્યો છે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગર અત્યારે પૂરા ધુંધવાયેલા હતા અને પોતાનો ગુસ્સો આસપાસના લોકો પર કાઢી રહ્યા હતા.