– વિપુલ વૈદ્ય
પ્રકરણ-૭૯
રાષ્ટ્રપતિ બન્યા બાદ કેવી રીતે લોકોમાં પરિવર્તન આવી જાય છે. આવા માણસને મારે શા માટે મારા મૂલ્યોનું પતન કરીને પણ સાથ આપવો જોઈએ? એવો સવાલ મોનિકાના માથામાં ભમી રહ્યો હતો
—
વ્હાઈટ હાઉસમાં અત્યારે પ્રમુખ જોન લાઈગર સમજી ગયા હતા કે ભારતના મિશન મૂન પ્રોગ્રામને રોકવા માટે તેની કોઈ કારી ફાવવાની નથી અને વધુમાં જે વ્યક્તિ આ કામ કરી શકે એમ હતી તે અત્યારે સાથ આપવા માટે તૈયાર નહોતી. આવી સ્થિતિમાં હવે અમેરિકાના મિશન મૂનને ઝડપી બનાવવા સિવાય કોઈ વિકલ્પ ઉપલબ્ધ નહોતો.
સેમ્યુઅલ આપણા ઈંધણની શું સ્થિતિ છે, જોન લાઈગરે સવાલ કર્યો
પ્રેસિડેન્ટ સર, આપણું ઈંધણ ફ્લોરિડાના સારાસોટા બંદરે ઉતરી ગયું છે અને ત્યાંથી તેને આપણા કેનેડી સ્પેસ સેન્ટર માટે રવાના કરી દેવામાં આવ્યું છે. અત્યારે તે અડધા રસ્તે હશે અને અડધા કલાકની અંદર સ્પેસ સેન્ટર પર પહોંચી જશે.
‘સ્પેસ સેન્ટર પરની તૈયારીઓ કેવી છે?’ જોન લાઈગરે સવાલ કર્યો.
‘સ્પેસ સેન્ટર પર અવકાશયાન ચંદ્ર પર જવા માટે સજ્જ છે. તેમાં આપણે આવશ્યક બધી મશીનરી ચડાવી દેવામાં આવી છે.’
‘લોકહીડ માર્ટીનની કંપનીના રોકેટ છે અને ચિલ રેટ કંપનીએ જે યુરેનિયમ શુદ્ધીકરણ અને સંવર્ધનના પ્લાન્ટ મોકલ્યા હતા તે પણ અવકાશયાનમાં ચડાવી દેવામાં આવ્યા છે.’
‘ઈંધણ આવે એટલે રોકેટને સજ્જ કરવાનું કામ હાથ ધરવામાં આવશે. રોકેટ તૈયાર થયા બાદ રોકેટ સાથે અવકાશયાનને લોન્ચિંગ પેડ પર ઊભું કરવા માટે ૨૪ કલાકનો સમય લાગશે,’ સેમ્યુઅલે પોતાની પાસે રહેલી માહિતી આપી.
‘અવકાશયાનને ચંદ્ર માટે ક્યારે રવાના કરી શકાશે?’ જોન લાઈગરે પૂછ્યું.
‘જ્યાં સુધી મને જોન સ્વીપરે માહિતી આપી છે તે પ્રમાણે બુધવાર સુધીમાં આ થઈ શકશે,’ સેમ્યુઅલે કહ્યું.
‘બુધવાર સુધી રાહ જોઈ શકાશે નહીં, એમને કહો સોમવારે આપણું અવકાશયાન રવાના થાય એવી વ્યવસ્થા કરો,’ જોન લાઈગરે કહ્યું.
તેમની વાતો ચાલી રહી હતી ત્યારે જ બરાબર ઉપરાષ્ટ્રપતિ મોનિકા હેરિસ કેબિનમાં આવી. મોનિકા નારાજ છે એ વાત જાણતા હોવાથી હવે રાષ્ટ્રપતિ જોન લાઈગરે અત્યંત સ્વાભાવિક હોવાનો દેખાવ કરતાં તેમને આવકાર આપ્યો.
મોનિકાને રાષ્ટ્રપતિના આવકારમાં કટાક્ષ હોવાનું લાગ્યું.
‘મોનિકા, આપણા મિશન મૂન પ્રોજેક્ટની તારી પાસે શું વિગતો છે,’ જોન લાઈગરે હવે મોનિકાને મહત્ત્વ આપવાનો પ્રયાસ કર્યો.
‘સર, જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી સારાસોટા બંદરે ઉતરેલું આપણું ઈંધણ ત્રણ મોટા ખટારામાં કેનેડી સ્પેસ સેન્ટર જવા રવાના થયું છે અને તેમને માટે સારાસોટાથી લઈને કેનેડી સ્પેસ સેન્ટર સુધીનો રસ્તો ખાલી કરી નાખવામાં આવ્યો હતો અને હમણાં અડધા કલાકમાં આપણું ઈંધણ પહોંચી જશે. બાકીની બધી તૈયારીઓ સ્પેસ સેન્ટર ખાતે થઈ ગઈ છે.’
‘આપણા વિજ્ઞાની જોન સ્વીપર અત્યારે કેનેડી સ્પેસ સેન્ટર પર છે અને તેમણે આખી ટીમને સવારે જ ટ્રેનિંગ આપી હતી. શુન્યાવકાશમાં રહેવાની તાલીમ પૂરી થઈ ગઈ છે.’
‘આપણા અવકાશમાં રહેલા સ્પેસ સ્ટેશનમાં પણ વિજ્ઞાનીઓને નવા પ્રોગ્રામ માટે સજ્જ રહેવાનું જણાવી દેવામાં આવ્યું છે…’ મોનિકા પોતાની પાસેનો અહેવાલ આપી રહી હતી અને રાષ્ટ્રપતિ જોન લાઈગર ખુલ્લા મોંએ તેમની સામે જોઈ રહ્યા હતા. મિશન મૂન માટેના પ્રોજેક્ટની આટલી બધી માહિતી તો પોતાની પાસે પણ નહોતી. ફરી એક વખત તેમને મોનિકા માટે ઉચ્ચારેલા શબ્દો માટે પસ્તાવો થવા લાગ્યો. આટલી તીક્ષ્ણ બુદ્ધી અને સંપર્ક ધરાવતી મોનિકાને કારણ વગર નારાજ કરી નાખી હતી.
બીજી તરફ મોનિકા વારંવારના રાષ્ટ્રપતિના વર્તનથી દુભાઈ હતી અને તેને જોન સ્વીપરના શબ્દો વારંવાર યાદ આવી રહ્યા હતા કે “મેં મારી જીંદગીમાં નૈતિકતા અને મુલ્યોનું જતન કર્યું છે અને તેને માટે તમે મને ઘરે બેસાડી દેશો તો પણ મને વાંધો નથી.
રાષ્ટ્રપતિ જોન લાઈગર સાથે પોતે પહેલી વખત જોડાઈ ત્યારે તેમની નૈતિક મુલ્યો અને નિષ્ઠા જોઈને જ પ્રભાવિત થઈ હતી તે યાદ આવ્યું. અત્યારના તેમના વર્તનને જોઈને કોણ કહી શકે કે આ માણસ નૈતિક મૂલ્યો અને માનવતાના સિદ્ધાંતો પર ચાલનારો હતો. રાષ્ટ્રપતિ બન્યા બાદ કેવી રીતે લોકોમાં પરિવર્તન આવી જાય છે. આવા માણસને મારે શા માટે મારા મૂલ્યોનું પતન કરીને પણ સાથ આપવો જોઈએ? એવો સવાલ તેના માથામાં ભમી રહ્યો હતો.
****
ચીનના રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગ અત્યારે આનંદમાં હતા. અત્યાર સુધીમાં મિશન મૂનની દિશામાં તેમની પ્રગતિ અકલ્પનીય હતી અને હવે તેમનું અવકાશયાન બુધવારે રવાના થવા માટે સજ્જ હતું. ભારતનું અવકાશયાન બુધવાર પહેલાં રવાના ન થાય એની બધી જ સાવચેતીઓ રાખવામાં આવી હતી અને હવે તેઓ નિશ્ર્ચિંત હતા કે મિશન મૂનનો જંગ તો ચીન જ જીતી જશે.
પોતાની કેબિનમાં મુસ્તાક થઈને બેઠેલા લ્યાન ઝિન પિંગ પાસે જાસૂસી સંસ્થાનો લી અચાનક દોડતો આવ્યો અને તેણે કહ્યું કે ‘કોમરેડ સર, મારી પાસે કશીક મહત્ત્વની માહિતી છે જે મારે તમને અત્યારે જ આપવી પડે તેમ છે.’
‘એવું તે શું છે,’ લ્યાન ઝિન પિંગે પૂછ્યું.
‘સર, અમેરિકાનું અવકાશયાન બુધવારે નહીં, સોમવારે રવાના કરવાના આદેશ પ્રેસિડેન્ટ જોન લાઈગરે આપ્યા છે,’ લીએ કહ્યું.
‘શું કહ્યું સોમવારે? તો આપણે પણ સોમવારે જ અવકાશયાન રવાના કરવું પડશે,’ લ્યાન ઝિન પિંગે કહ્યું.
તેમણે તરત જ ગોબી ડેઝર્ટ પર વાત કરવાનો આદેશ આપ્યો અને સીપીસીના ફર્સ્ટ ડેપ્યુટી ઝૂ કિલાંગે સંબંધિતોને આ અંગેની સૂચના આપી.
તાકીદે હ્યુ રેન્યુને બોલાવવામાં આવ્યા અને તેમને પણ આ અંગેની માહિતી આપવામાં આવી.
હ્યુ રેન્યુએ પોતાની ઓફિસમાં જઈને તરત જ ચીનના સ્પેસ સ્ટેશનમાં રહેલા વિજ્ઞાનીઓને મિશન મૂન વહેલું કરવામાં આવ્યાની જાણકારી આપી. બધાને પોતાની તૈયારીઓ ઝડપી કરવાનું કહેવામાં આવ્યું.
હજી તો હ્યુ રેન્યુ સ્પેસ સ્ટેશનના વિજ્ઞાનીઓને જાણકારી આપી રહ્યા હતા ત્યાં ગોબી ડેઝર્ટથી અવકાશ વિજ્ઞાની વાંગ ચાંગનો અને લાઉઝાઉથી અણુવિજ્ઞાની ઝાંગ યાંગનો ફોન આવ્યો.
હ્યુએ બંનેને સાથે કોન્ફરન્સમાં લીધા અને પૂછ્યું કે શું થયું?
સર, અવકાશયાનને બુધવારને બદલે સોમવારે રવાના કરવાની વાત કરવામાં આવી રહી છે. આવું કેવી રીતે થઈ શકશે? આપણે હજી સુધી અવકાશયાનનું ફાઈનલ રિહર્સલ નથી કર્યું. હજી તો ઈંધણ માંડ પહોંચ્યું છે. રોકેટ હજી તૈયાર નથી. કેવી રીતે આ બધું થઈ શકશે. ત્રણ-ચાર દિવસમાં આટલું કરવું શક્ય નથી, વાંગ ચાંગે પોતાની સમસ્યા જણાવી.
સર, મારી સમસ્યા અલગ છે. શૂન્યાવકાશમાં આ મશીન ચલાવવા માટેનો પ્રયોગ હજી બાકી છે. ત્યાં ચંદ્ર પર જઈને મશીન નહીં ચાલ્યા તો શું કરીશું બધું માથે પડશે. હજી તો પૃથ્વી પરની યુરેનિયમ ધાતુ નાખીને કેટલું શુદ્ધીકરણ થાય છે તે પણ ચકાસવાનું બાકી છે. આ બધામાં અવકાશયાન રવાના કરવાની ઉતાવળ કેટલી
યોગ્ય છે, ઝાંગ યાંગે પોતાની સમસ્યા માંડી.
હ્યુ રેન્યુએ બંનેની વાતો શાંતીથી સાંભળી અને પછી ધીરગંભીર સ્વરે કહ્યું કે ‘જો તમે સોમવારે અવકાશયાન રવાના નહીં કરી શકો તો પછી અવકાશયાન રવાના કરવાની કોઈ આવશ્યકતા પડશે નહીં.’
‘ભારત અને અમેરિકાના અવકાશયાન રવાના થઈ જશે તો તમારા અવકાશયાનને મોકલવાનો કોઈ અર્થ પણ નહીં રહે. સમજ્યા,’ હ્યુ રેન્યુએ અત્યંત સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.
‘સારું સર, અમે ઝડપથી બધું કામ પૂરું કરીએ છીએ,’ બંનેએ એકસાથે કહ્યું અને હ્યુ રેન્યુનો આભાર માનીને ફોન મૂકી દીધો. (ક્રમશ:)
—
હવે શું?…
‘આ તેજલિસોટો શેનો છે? ભારતે પોતાનું મિશન મૂન અમલમાં મૂકી દીધું. ભારતનું અવકાશયાન રવાના થઈ ગયું. તમે બધા બણગાં ફૂંકતા હતા કે ભારતનું મિશન મૂન આપણા ગ્રીન સિગ્નલ વગર આગળ નહીં વધે તો આ શું છે?’ ચીનના પ્રમુખ લ્યાન ઝિન પિંગ અત્યારે આકરા થઈ ને અત્યારે પોતાના બધા લોકોને ઝાટકી રહ્યા હતા