ભારતનું મિશન મૂનનું અંતરીક્ષયાન શનિવારે સવારે રવાના થવાનું છે, તો આપણું અવકાશયાન શનિવારે રાતે રવાના કરીશું. આપણે તેમની આગળ નથી જવું અને બીજી વાત આપણે સીધા ચંદ્ર પર નથી જવું, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈને કહ્યું
વિપુલ વૈદ્ય
અમેરિકાના વ્હાઈટ હાઉસમાં અત્યારે પ્રમુખ જોન લાઈગર ચિંતામાં બેઠા હતા. ભારતના મિશન મૂન પર ત્રિપાંખિયો હુમલો કર્યો હતો અને આમ છતાં ભારતના મિશન મૂનના રદ થવાના કે અન્ય કોઈ સમાચાર મળતા નહોતા. ત્રણેય હુમલા નિષ્ફળ ગયા હતા.
લેઝર હુમલો કરવા છતાં અવકાશયાન કે લોન્ચિંગ પેડને કોઈ નુકસાન થયું નહોતું, પરંતુ ટાપુ પર તારાજી ફેલાઈ હોવાથી હુમલો કરવામાં આવ્યો હોવાનું સિદ્ધ થઈ ગયું હતું અને આના કેવા પ્રત્યાઘાત પડે છે તેની ચિંતા તેમને સતાવી રહી હતી. બીજી તરફ માલવેરને ભારતીય સિસ્ટમમાં મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે પણ ભારતીય ફાયરવોલને ભેદીને સિસ્ટમને નુકસાન પહોંચાડી શકી નહોતી.
જોન લાઈગર આવો વિચાર કરી રહ્યા હતા એટલી વારમાં સેમ્યુઅલ યંગ કચેરીમાં દાખલ થયો. ત્યારે ઉપરાષ્ટ્રપતિ મોનિકા હેરિસ કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી.
‘તમને એક નાનું કામ સોંપ્યું હતું. કામ તો તમારા જ સમાજના હિતનું હતું.’
‘તમારા સંગઠનને ફાળવવામાં આવતાં નાણાં હવે મળશે નહીં, તમારાથી આટલું નાનું કામ થઈ શકતું નથી તો પર્યાવરણ રક્ષણના બીજા શું કામ તમે કરશો?’
‘તમારા પર ભરોસો કરવો મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. તમારી નિષ્ફળતાને કારણે મારું નામ ખરાબ થઈ રહ્યું છે,’ એવા શબ્દોમાં મોનિકા કોઈની ઝાટકણી કાઢી રહી હતી.
સેમ્યુઅલ સમજી ગયો કે અબ્દુલ કલામ ટાપુ પર આદિવાસીઓના દેખાવ અંગેની જે યોજના ઘડવામાં આવી હતી તે પણ નિષ્ફળ ગઈ છે.
હવે આ બધી નિષ્ફળતાઓને કારણે જોન લાઈગરના ગુસ્સામાં વધારો થઈ રહ્યો હતો અને તેણે બધો જ ગુસ્સો નાસાના મિશન મૂનના ઈન્ચાર્જ જોન સ્વીપર પર ઉતાર્યો.
‘જોન, તને કહ્યું હતું કે મારે અમેરિકાને સફળ બનાવવું છે. જરાય કોઈ જાતની મદદ કરવા તૈયાર નથી. પોતાની જાતને શું સમજી બેઠો છે? તું અત્યારે જ્યાં બેઠો છે ત્યાં તને મેં બેસાડ્યો છે. મારી મહેરબાની સમજ કે તું હજી મિશન મૂન પર કામ કરી રહ્યો છે અને ચંદ્ર પર જવાનો છે.’
‘મારે ભારતનું મિશન મૂન રોકવું છે અને તારે મારું કામ કરવાનું છે.’
‘પ્રેસિડેન્ટ સર, તમે અમારા પ્રમુખ છો એટલે તમારી વાત સર આંખો પર. દેશને માટે જાન આપવો પડે તો હું તૈયાર છું, પરંતુ લાંબા સમયથી હું અનેક મૂલ્યોનું જતન કરી રહ્યો છું અને તેમાં માનવતાનો સમાવેશ થાય છે. તમે જે ઈચ્છો છો તે માનવતાના મૂલ્યોની વિરુદ્ધ છે. ભારત જેવો દેશ જે કોઈનું બૂરું નથી ઈચ્છતો તેને નુકસાન પહોંચાડવાનું ઘાતકી કાવતરું તમે ઘડ્યું હતું અને તેમાં મને સહભાગી બનાવવા માગતા હતા. તમે તમારી રીતે પ્રયાસ કરી લીધાને? યાદ રાખો ભગવાન બધું જોઈ રહ્યો છે. આ કામમાં કોઈ મૂલ્યે હું તમારી મદદ નહીં કરી શકું, પછી ભલે તમે મને ઘરે બેસાડી દો,’ જોન સ્વીપરે અત્યંત સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.
***
‘કોમરેડ સર, આપણે ભારતીય સિસ્ટમમાં પ્રવેશ કરી નાખ્યો છે અને તેમની આખી સિસ્ટમને હૅક કરી લીધી છે.’
‘અબ્દુલ કલામ ટાપુ પર મિશન મૂન સાથે સંલગ્ન તેમની સિસ્ટમ પર આપણે કબજો જમાવી લીધો છે.’
‘હવે ત્યાં આખું નવેસરથી કામ કરવામાં તેમને ઓછામાં ઓછું અઠવાડિયું લાગશે.’ ‘આપણે જ્યાં સુધી તેમની સિસ્ટમ મુક્ત નહીં કરીએ ત્યાં સુધી તેઓ મિશન મૂન લૉન્ચ કરી શકશે નહીં,’ જાસૂસી સંસ્થાના વડા લીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગને અત્યંત ઉત્સાહભેર સારો સંદેશો આપ્યો.
ઘણા સમયથી સારા સમાચારની રાહ જોઈ રહેલા લ્યાન ઝિન પિંગ માટે ચારે બાજુથી સારા સમાચાર આવી રહ્યા હતા. અવકાશયાનની ડિઝાઈન ફાઈનલ થઈ ગઈ હતી, તેમાં રહેલી ક્ષતિઓ દૂર કરી નાખવામાં આવી હતી.
લાઉઝાઉથી જે ‘પ્લાન્ટ’ આવ્યા હતા તે પણ હવે તૈયાર થઈ ગયા હતા.
ઈંધણ પણ ગોબી ડેઝર્ટ પર પહોંચી ગયું હતું. ઈંધણને કોઈ નુકસાન પણ પહોંચ્યું નહોતું.
હવે મિશન મૂન આડેના બધા જ અવરોધો દૂર થઈ ગયા હતા અને તેમાં ભારતના મિશન મૂનને રોકી પાડવામાં સફળતા મળી હતી. અત્યારે સાતમા આસમાન પર હતા લ્યાન ઝિન પિંગ.
***
રશિયામાં અત્યારે મિશન મૂનની તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી અને તેની માહિતી લીધા બાદ જ્યારે યેવગેનીએ રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈનને પૂછ્યું કે આપણે અવકાશયાન ક્યારે રવાના કરવું છે, ત્યારે તેમણે કહ્યું ‘ભારતનું મિશન મૂનનું અંતરિક્ષયાન શનિવારે સવારે રવાના થવાનું છે, તો આપણું અવકાશયાન શનિવારે રાતે રવાના કરીશું.’
‘આપણે તેમની આગળ નથી જવું અને બીજી વાત આપણે સીધા ચંદ્ર પર નથી જવું.’
‘આપણું અવકાશયાન પહેલાં આપણા સ્પેસ સ્ટેશન પર જશે અને ત્યાંથી સ્પેસ શટલમાં આપણા સાધન સામગ્રી ચંદ્ર પર જશે.’
‘આપણે ભારતને થોડો સમય આપીએ.’
જેવું તેમણે બોલવાનું પૂરું કર્યું કે બરાબર તે જ સમયે કુર્ચાટોવનો પ્રવેશ થયો.
‘કોમરેડ સર, આપણા શુદ્ધીકરણ અને સંવર્ધન પ્લાન્ટ તૈયાર છે. ચંદ્ર પર જવા માટે આપણી ૨૦ વિજ્ઞાનીઓની ટીમ તૈયાર છે’ કુર્ચાટોવે કહ્યું.
‘ચંદ્ર પર ૨૦ નહીં, ૫૦ લોકોની ટીમ મોકલવાની છે, કદાચ ત્યાં જરૂર પડશે,’ વોલેરન બાઈને કહ્યું.
***
અબ્દુલ કલામ ટાપુ પર અત્યારે રંજન કુમારનું માથું ભમી રહ્યું હતું અને સેન્ટ્રલ વિસ્ટામાં અનુપ રોયનું.
રાજીવ ડોવાલે એક અઠવાડિયા પહેલાં જે ચેતવણીઓ આપી હતી તે બધી જ સાચી પડી રહી હતી. સ્પેસ સેન્ટર પર લેઝર કિરણોનો હુમલો કરવામાં આવ્યો હતો. સ્પેસ સેન્ટરના નેટવર્ક પર આકરા માલવેરના અનેક હુમલા કરવામાં આવ્યા હતા. અનેક હુમલાઓ બાદ આખરે સિસ્ટમ નેટવર્ક માલવેર સામે હારી ગયું હતું અને અત્યારે આખી સિસ્ટમ બંધ કરી હતી. રાજીવ ડોવાલની વાત સાંભળીને મિશન મૂનનું બધું કામ શેડો નેટવર્ક પર શિફ્ટ કરવામાં આવ્યું હોવાથી કોઈ સંકટ આવ્યું નહોતું અન્યથા અત્યારે હાથ ઘસતા બેસવાનો વારો આવ્યો હોત.
આ શું ચાલી રહ્યું છે તેની સમજ બંનેને પડતી નહોતી.
બીજી તરફ રાજીવ ડોવાલને જેમ જેમ અહેવાલ મળતા જતા હતા તેમ અદૃષ્ય હાથ માટેનું સન્માન વધતું જતું હતું. જો સમયસર ચેતવણી આપવામાં આવી ન હોત તો આ બધામાંથી ઓછામાં ઓછા એક હુમલામાં મિશન મૂન અટવાઈ જાત.
આવું કશું થયું નહોતું. અત્યારે મિશન મૂન ચાલી રહ્યું હતું અને ૨૪ કલાકમાં તો અવકાશયાન રવાના થવાનું હતું. તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. આ ૨૪ કલાક જેમ તેમ નીકળી જાય તો સારું એવો વિચાર અત્યારે રાજીવ ડોવાલના મનમાં ચાલી રહ્યો હતો.
***
અબ્દુલ કલામ ટાપુ પર અત્યારે અનુપમ, વિક્રમ સહિત બધા લોકોને ૨૪ કલાક માટે વાતાવરણ વિહિન અવસ્થામાં રાખવાની ટ્રેનિંગ ચાલી રહી હતી. એક અઠવાડિયાની અંદર બધા વિજ્ઞાનીઓને ક્રમશ: ૨૪ કલાક સુધી વાતાવરણ વિહિન રહેવાની તાલીમ આપી હતી. વિજ્ઞાનીઓ માટે આ અનુભવ નવો હતો અને તેનાથી તેમને અનેક શારીરિક તકલીફો થઈ રહી હતી. આજે શું થાય છે તે જોયા પછી કેટલા વિજ્ઞાનીને લઈ જવાના છે તે નક્કી કરવાનું હતું.(ક્રમશ:)
————–
હવે શું?…
અમેરિકાનું મિશન મૂન હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આપણે રવિવારે અવકાશયાન રવાના કરી શકીશું અને તે અવકાશયાન ભારતની પહેલાં રવાના થઈ જશે. આપણે હવે ચિંતા કરવાની આવશ્યકતા નથી. આપણે આગળ જ રહીશું, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગર અત્યંત આનંદભેર બોલી રહ્યા હતા