લેઝર હુમલામાં ભારતના અવકાશયાન કે લૉન્ચિંગ પેડને કોઈ નુકસાન થયું નથી. આનો અર્થ એવો થાય કે તેમણે આવા હુમલાની આગોતરી તૈયારી કરી રાખી હતી. આપણો હુમલો હજી બાકી છે, જોઈએ આપણને સફળતા મળે છે કે નહીં?’ લીએ રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગને કહ્યું
વિપુલ વૈદ્ય
રશિયાની રાજધાની મોસ્કોના મધ્યવર્તી સ્થળે આવેલા ડુમા હાઉસમાં અત્યારે બેઠક ચાલી રહી હતી. પ્રમુખ વોલેરન બાઈન અધ્યક્ષસ્થાને બેઠા હતા અને તેમની જમણી તરફ તેમનો ખાસ વિશ્ર્વાસુ મેજર જનરલ વેલેરી ગેરાસિમોવ બેઠો હતો. બીજી તરફ કેજીબીના વડા ઈવાનોવિચ ફ્લ્યુસ્ટિકોવ બેઠા હતા. સામે ફર્સ્ટ ડેપ્યુટી રૂમા નોમાટોવ બેઠો હતો અને બાકીના બધા પોતાના હોદ્દા પ્રમાણે અલગ અલગ ખુરશીઓ પર ગોઠવાઈ ગયા હતા.
બધા બેસી ગયા એટલે વોલેરન બાઈને મિશન મૂન અંગેની માહિતી માગવાનું ચાલુ કર્યું.
એલેકઝાંડર, તમારા બધા અવરોધો દૂર થઈ ગયા? તારી ઓ-રિંગ, કપલિંગ અને ફ્રેટરનો પુરવઠો મળી ગયો? બાઈને સવાલ કર્યો.
હા સર, આ વખતે જે આવેલી છે તે ઓ-રિંગ અને કપલિંગની ગુણવત્તા પણ ઘણી સારી છે. આપણું કામ ચાલુ કરાવી નાખ્યું છે, એલેકઝાંડરે જવાબ આપ્યો.
બીજા કોઈને કશો અવરોધ છે?
સર, આપણે જે પોર્ટેબલ શુદ્ધીકરણ અને સંવર્ધન માટેનો પ્લાન્ટ લઈ જઈ રહ્યા છીએ તેમાં આપણે પાંચ ચેમ્બર રાખી છે, પરંતુ ચંદ્ર પર જે યુરેનિયમની ધાતુ છે તેનું પ્રમાણ ૧૨ ટકા જેટલું છે. આ બાબતને ધ્યાનમાં રાખીએ તો આપણે તેમાંથી બે ચેમ્બર ઓછી કરી શકીએ છીએ, તેનાથી પ્લાન્ટનું વજન ઘટી જશે, એમ એટમિક રિએક્ટરના એન્જિનિયર રોસાટેમે કહ્યું.
રોસાટેમની વાત સાંભળ્યા પછી જાણે તેની વાત પર સમર્થન મેળવવા માટે પ્રેસિડેન્ટ વોલેરન બાઈને અણુવિજ્ઞાની યેવગેની એડામોવ અને ખગોળશાસ્ત્રી કુર્ચાટોવ સામે જોયું. બંને જણા તેમની નજરને સમજી ગયા અને તરત જ યેવગેનીએ જવાબ આપ્યો.
‘રોસાટેમની વાત સાચી છે. આ રીતે આપણે આપણા પ્લાન્ટનું વજન ઘટાડી શકીએ છીએ અને બેની જગ્યાએ ત્રણ પ્લાન્ટ લઈ જઈ શકીએ છીએ.’
‘તો પછી રાહ શું જોવાની? ચેમ્બર ઓછી કરી નાખો,’ બાઈને કહ્યું.
‘બીજા કોઈને કશું કહેવાનું છે?’ બાઈને પૂછ્યું.
****
ચીનની રાજધાની બીજિંગમાં અત્યારે મિશન મૂનને લઈને વાતાવરણ અત્યંત ગંભીર હતું. હજી સુધી ઈંધણ ગોબી ડેઝર્ટમાં પહોંચ્યું નહોતું. ગોબી ડેઝર્ટના પૂર્વી ખૂણામાં સ્પેસ સેન્ટર આવ્યું હતું અને જે રીતે ઈંધણ જી-૭ હાઈવે પર ચડાવી દેવામાં આવ્યું હતુું તેને કારણે હવે આ ઈંધણ ગોબી ડેઝર્ટના પશ્ર્ચિમી ખૂણે પહોંચવાનું હતું. ત્યાંથી ઈંધણને રણના રસ્તે સ્પેસ સેન્ટર સુધી લાવવામાં બીજા બે દિવસ લાગી જવાના હતા.
ઈંધણની રામાયણ ચાલી રહી હતી તો બીજી તરફ ડુઆંગઝાંગથી અવકાશયાન આવવાનું હતુું તેની ડિઝાઈનમાં કશી મુશ્કેલી ઊભી થઈ હતી.
બાઉટાઉથી યુરેનિયમ શુદ્ધીકરણ અને સંવર્ધન માટેના જે ત્રણ પ્લાન્ટ આવવાના હતા તેમાંથી એક પ્લાન્ટને અવરજવરમાં નુકસાન થયું હતું અને હવે તેનું સમારકામ તાકીદે હાથ ધરવામાં આવી રહ્યું હતું.
અવકાશયાન માટે લૉન્ચિંગ પેડ ઊભું કરી દેવામાં આવ્યું હતું.
ગોબી ડેઝર્ટમાં બધા વિજ્ઞાનીઓને તાલીમ આપવા માટે વિશેષ વાતાવરણ રહિત કક્ષ બનાવવામાં આવ્યો હતો તેમાં અત્યારે ૨૦ વિજ્ઞાનીઓની તાલીમ ચાલી રહી હતી.
વાંગ ઝાંગ અત્યારે બધા વિજ્ઞાનીઓની તાલીમ પર ધ્યાન આપી રહ્યો હતો કેમ કે જ્યાં સુધી અવકાશયાન અને ઈંધણ ન પહોેંચે ત્યાં સુધી તેણે બીજું કશું જ કરવાનું નહોતું. આજની બેઠક માટે ખાસ તે ગોબી ડેઝર્ટથી બીજિંગ સુધી લાંબો થયો હતો. ‘આપણા મિશન મૂનની તૈયારીઓ ક્યાં સુધી પહોંચી છે?’ રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગ અત્યારે થોડા ઉશ્કેરાટમાં હતા. ‘આપણે ક્યાં સુધી બીજા દેશોની મિશન મૂનની તૈયારીઓ જોઈને ઈર્ષ્યા કરવાની છે? આપણા ઈંધણનું શું થયું?’
રાષ્ટ્રપ્રમુખે કરેલા સવાલોનો જવાબ કોણ આપે તેનો ગૂંચવાડો સર્જાયો આખરે સરના અત્યંત નજીકી અને સીપીસીના વાઈસ પ્રેસિડેન્ટ ઝૂ કિલાંગે માહિતી આપવાની શરૂઆત કરી.
‘કોમરેડ સર, આપણું ઈંધણ ગોબી ડેઝર્ટના પશ્ર્ચિમી ભાગ પર આજે પહોંચી જશે. ત્યાંથી તેને રણના રસ્તે જ સ્પેસ સેન્ટર સુધી લઈ જવા જણાવ્યું છે.’
‘અવકાશયાન પહોંચી ગયું છે, પરંતુ અવકાશવિજ્ઞાની વાંગ ચાંગને લાગ્યું છે કે તેની ડિઝાઈનમાં થોડો સુધારો કરવાની આવશ્યકતા છે એટલે તેનું કામ ચાલી રહ્યું છે.’
‘સર, આપણે જે કેમિકલ ઈંધણનો વપરાશ કરી રહ્યા છીએ તે ઘન સ્વરૂપ અને પ્રવાહી સ્વરૂપ બે અલગ અલગ પ્રકારમાં વાપરવાનું છે અને તેને માટે બે અલગ અલગ ચેમ્બર બનાવવાની હતી તેને બદલે આપણે જે ફક્ત ઘન ઈંધણ વાપરતા હતા તેવી રીતે ફક્ત સિંગલ ચેમ્બર બનાવી છે,’ વાંગ ચાંગે પોતાની વાત સ્પષ્ટ કરી.
‘અચ્છા બે દિવસમાં બધું થાળે પડી જશે ને?’ લ્યાન ઝિન પિંગે સવાલ કર્યો. તેમની સામે બેઠેલા બધા લોકોએ હકારાત્મક માથું ધુણાવ્યું.અચ્છા ભારતના મિશન મૂનની શી સ્થિતિ છે? સેટેલાઈટનાં ચિત્રો શું કહે છે?
સર, સમાચાર સારા નથી. સેટેલાઈટનાં ચિત્રોમાં અબ્દુલ કલામ ટાપુ પર તોફાન આવ્યું હોય એવું દૃશ્ય દેખાઈ રહ્યું છે. ઝાડ ઊખડી પડ્યાં છે. વિજ્ઞાનીઓ માટે જે શેડ બનાવ્યા હતા તે બધા તૂટી ફૂટી ગયા છે, ઝૂ કિલાંગે માહિતી આપી.
‘તોફાન? અત્યારે તો તોફાનના કોઈ અહેવાલ નથી. ક્યાંથી આવ્યું તોફાન?’ હ્યુ રેન્યુએ જિજ્ઞાસા વ્યક્ત કરી.
જાસૂસી સંસ્થાના લીએ તેમની વાતનો જવાબ આપતાં કહ્યું કે ‘તોફાન નથી. આપણી જેમ બીજું પણ કોઈ ભારતના મિશન મૂનને ખોરવી નાખવા માટે પાછળ પડ્યું છે. સેટેલાઈટનાં ચિત્રોમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે લેઝરનાં કિરણો દ્વારા અબ્દુલ કલામ ટાપુ પર હુમલો કરવામાં આવ્યો હતો.’
‘જોકે, આ હુમલામાં ભારતના અવકાશયાન કે લૉન્ચિંગ પેડને કોઈ નુકસાન થયું નથી. આનો અર્થ એવો થાય કે તેમણે આવા હુમલાની આગોતરી તૈયારી કરી રાખી હતી. આપણો હુમલો હજી બાકી છે, જોઈએ આપણને સફળતા મળે છે કે નહીં?’ લીએ પોતાનું બોલવાનું પૂર્ણ કર્યું.
****
અબ્દુલ કલામ ટાપુ પર અત્યારે આદેશ રાજપાલ અને રાજેશ તિવારી અત્યંત ચિંતામાં હતા. તેમને ચિંતા હતી કે કૃષિક ગોંડા પોતાના હેતુમાં સફળ ન થઈ જાય અને એટલે તેઓ સતત છદ્મવેશમાં આદિવાસીઓમાં ગોઠવાઈ ગયેલા કમાન્ડો સાથે સતત સંપર્કમાં રહેતા હતા.
સ્પેસ સેન્ટરની આજુબાજુમાં સીઆરપીએફની વધારાની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી હતી. તેમને સખત નિર્દેશ આપવામાં આવ્યા હતા કે કોઈપણ અજાણી વ્યક્તિ, પંખી કે ડ્રોનને સ્પેસ સેન્ટરની નજીક પણ ફરકવા દેવાના નથી.
બીજી તરફ ટાપુ પર સ્પેસ સેન્ટરની આસપાસના બંદોબસ્તની વાતો કરીને કમાન્ડોએ એવી દહેશત આદિવાસીઓમાં ફેલાવી હતી કે સ્પેસ સેન્ટરની નજીક જનારા પર સીધા ગોળીબારના આદેશ આપવામાં આવ્યા છે.
આવા વાતાવરણમાં કૃષિક ગોંડા અબ્દુલ કલામ ટાપુ પર પહોંચ્યો હતો. તેની સાથે સતત બંદૂકધારી છ કમાન્ડો ફરી રહ્યા હતા. તેને ક્યાંય એકલો પડવા દેતા નહોતા. પોતાની યોજના મુજબ તે આદિવાસી વિસ્તારોમાં ઉમળકાભર્યો આવકાર મળ્યો નહીં. સ્થાનિક લોકોની આદિવાસી બોલીમાં તે ભાષણ આપવા લાગ્યો, પરંતુ જેવું કશુંક ઉશ્કેરણીજનક બોલવા ગયો ત્યાં બે કમાન્ડોએ તેની સામે જોયું એટલે તે સમજી ગયો કે આ કમાન્ડોને આદિવાસી બોલી આવડે છે અને અત્યારે કારી ફાવશે નહીં. ભાષણ ઝડપથી પતાવીને તે તંબુમાં ભાગી ગયો. તેણે મોટું કામ કરવાની ખાતરી આપી હતી, પરંતુ અબ્દુલ કલામ ટાપુ પર આવવા માટે નીકળ્યો અને બરાબર બંદર પર આવીને જહાજમાંથી તેની સાથેના નક્સલવાદી તત્વોને ઉઠાવી લેવામાં આવ્યા તેનાથી હવે તેને ફડકો પડી ગયો હતો. આનો અર્થ સ્પષ્ટ રીતે થતો હતો કે તેના પર નજર રાખવામાં આવી રહી હતી. (ક્રમશ:)
————–
હવે શું?
કોમરેડ સર, આપણે આપણી યોજનામાં સફળ થયા છીએ. ભારતના મિશન મૂનની આખી સિસ્ટમ પર આપણે કબજો જમાવી દીધો છે અને હવે આ આખું નેટવર્ક જામ થઈ ગયું છે. ભારત પોતાનું અવકાશયાન કોઈ પણ રીતે રવાના કરી શકશે નહીં, ચીનની જાસૂસી સંસ્થાના વડા લીએ રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગને ખુશખબર આપી