‘કૃષિક ગોંડા, તમે આદિવાસી સમાજના મોટા નેતા છો અને તમારા પ્રાણ પર કોઈ સંકટ આવે તે ઈચ્છનીય નથી એટલે જ તમને સુરક્ષા આપવામાં આવી છે. ગેરસમજ કરશો નહીં. અબ્દુલ કલામ ટાપુ પર જવા માટે તમને કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી’ રાજીવ
ડોવાલે કહ્યું
વિપુલ વૈદ્ય
અબ્દુલ કલામ ટાપુ પર સવારે બધા ઊઠીને બહાર આવ્યા તો અચરજ જોવા મળ્યું હતું. અવકાશમાં મોકલવા માટે જે લોન્ચ પેડ બનાવવામાં આવ્યું હતું તેનાથી થોડે દૂર એક ઝાડ તૂટીને પડ્યું હતું અને વિજ્ઞાનીઓને બેસવા માટે જે શેડ બનાવ્યો હતો તે ધરાશાયી થઈ ગયો હતો. રાતે જાણે કોઈ વાવાઝોડું આવીને ગયું હોય એવું લાગતું હતું, પરંતુ અવકાશયાન કે પછી લોન્ચિંગ પેડને કશું જ થયું નહોતું.
રંજન કુમારે તત્કાળ આ માહિતી અનુપ રોયને આપી.
અનુપ રોય હવે ખરેખર ગૂંચવાયા. ૨૪ કલાક પહેલાં જ રાજીવ ડોવાલે લોન્ચિંગ પેડને પોલીવિનાઈલ બ્યુટીરલથી ઢાંકી દેવા જણાવ્યું હતું અને સદ્બુદ્ધિ વાપરીને ફક્ત લોન્ચિંગ પેડને બદલે રાતે અવકાશયાનને પણ આનું આવરણ ચડાવી દીધું હતું અને રાતે જ હુમલો થયો હતો. તે પણ લેઝર કિરણોથી.
તેમણે રંજન કુમારને કહ્યું કે આ કોઈ વાવાઝોડાને કારણે નથી થયું. સ્પેસ સેન્ટર પર લેઝર કિરણોનો હુમલો થયો હતો.
રંજન કુમાર આ વાત સાંભળીને ચોંકી ગયા.
અનુપ રોય હુમલાની વિગતો લઈને રાજીવ ડોવાલ પાસે પહોંચ્યા ત્યાં કોઈનો ફોન ચાલી રહ્યો હતો.
રાજીવ ડોવાલે સામેની વ્યક્તિને કહ્યું ‘કૃષિક ગોંડા, તમારી સુરક્ષા સામે સંકટ હોવાથી તમને વધારાની સુરક્ષા આપવામાં આવી રહી છે. તમે આદિવાસી સમાજના મોટા નેતા છો અને તમારા પ્રાણ પર કોઈ સંકટ આવે તે ઈચ્છનીય નથી. સરકારની છબી માટે પણ તે સારું નહીં ગણાય એટલે જ તમને સુરક્ષા આપવામાં આવી છે.’
‘ના સાહેબ ના, એવી ગેરસમજ કરશો નહીં. અબ્દુલ કલામ ટાપુ પર જવા માટે તમારા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. તમે ગમે ત્યારે જઈ શકો છો, પરંતુ સુરક્ષા તો સાથે જ રહેશે,’ રાજીવ ડોવાલે કહ્યું અને ફોન મૂકી દીધો.
અનુપ રોયની સામે જોઈને તેમણે પૂછ્યું ‘શું થયું?’
‘તમારો ડર સાચો પડ્યો. કાલે રાતે જ ટાપુ પર લેઝર બીમથી હુમલો કરવામાં આવ્યો હતો. એક ઝાડ કપાઈને પડ્યું હતું અને વિજ્ઞાનીઓ માટે બનાવેલો શેડ પણ કપાઈને પડ્યો હતો.’
‘આપણા અવકાશયાનને કે લોન્ચિંગ પેડને કોઈ નુકસાન થયું છે?,’ રાજીવે પૂછ્યું.
‘ના સર, બંને પર પોલીવિનાઈલ બ્યુટીરલનું આવરણ ચડાવવામાં આવ્યું હોવાથી કશું થયું નથી, પરંતુ આ આવરણની સાથે એન્જિન ચાલુ નહીં કરી શકાય. ગરમીથી તેને નુકસાન થઈ શકે છે. તેમ જ આગ લાગવાની શક્યતા રહેલી છે,’ અનુપ રોયે પોતાની ચિંતા વ્યક્ત કરી.
‘મને ખબર છે, આપણે લૉન્ચના સમયે આવરણ હટાવી લેવાના છે ત્યાં સુધી રાખી મૂકવાના છે. દિવસના ભાગમાં આવરણ કાઢીને પરીક્ષણ ચકાસણી કરશો તો પણ વાંધો નથી, પરંતુ અંધારું થતાં જ આવરણ ચડાવી દેવાના છે,’ રાજીવ ડોવાલે કહ્યું.
****
વ્હાઈટ હાઉસમાં અત્યારે રાષ્ટ્રપતિ જોન લાઈગર ભારે ગુસ્સામાં હતા. તેમની માથાની ચામડી ઊંચી-નીચી થઈ રહી હતી, ચહેરો લાલચોળ થઈ ગયો હતો. આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. મોનિકાએ બરાબર એ જ વખતે પ્રવેશ કર્યો.
મોનિકાને જોઈને જાણે લાઈગરના ગુસ્સામાં વધારો થયો.
મોનિકા, આ શું થઈ રહ્યું છે. આજે વહેલી સવારે આપણા સ્પેસ સ્ટેશનમાંથી ચાર-ચાર વખત અબ્દુલ કલામ ટાપુ પર લેઝર હુમલો કરવામાં આવ્યો હતો.
ભારતના લૉન્ચિંગ પેડ પર આપણા હુમલાની કોઈ અસર થઈ નહોતી.
લેઝરથી ઝાડ કપાઈ ગયાં, પણ લૉન્ચિંગ પેડને કશું કેમ ન થયું?
શું આપણા હુમલાની માહિતી તેમને પહેલેથી મળી ગઈ હતી અને તેઓ આવા હુમલાથી લૉન્ચિંગ પેડને બચાવવા માટે તૈયાર હતા?
આપણી આવી ગુપ્ત માહિતી તેમના સુધી કેવી રીતે પહોંચી? આપણી ઓફિસમાં આ બધું શું ચાલી રહ્યું છે? ગુસ્સામાં લાલઘુમ થતાં જોન લાઈગરે સવાલ કર્યો.
હું કેવી રીતે કહી શકું, મોનિકાએ પહેલી વખત જોન લાઈગરને સામે જવાબ આપ્યો.
જોન લાઈગરે જે રીતે મોનિકાને આ સવાલ પૂછ્યો હતો તેનાથી મોનિકાનું આત્મસન્માન ઘવાયું હતું. લાઈગરે ભલે સવાલ જ પૂછ્યો હતો, પરંતુ જે રીતે પૂછ્યો હતો તેની જે રીત હતી તે સવાલ કરતાં આક્ષેપ જેવી વધારે હતી અને આ વસ્તુ તેને અંદર સુધી ચોટ પહોંચાડી ગઈ હતી.
મોનિકાનો આક્રમક અવતાર જોઈને જોન લાઈગરને પણ લાગ્યું કે તેમણે કશું વધારે કહી નાખ્યું છે.
તેમણે તરત જ વાતને બદલી નાખતાં કહ્યું કે ‘હું તમારા પર આક્ષેપ નથી કરી રહ્યો. હું જાણકારી મેળવવાની વાત કરી રહ્યો છું કે આપણી કચેરીમાંથી વાત બહાર ગઈ કેવી રીતે?’
‘એ કામ મારું નથી, સેમ્યુઅલનું અને તમારા સીઆઈએના એજન્ટોનું છે,’ મોનિકાએ કહ્યું.
કામ તો એ લોકોનું જ છે, પરંતુ તારી વધુ એક યોજના નિષ્ફળ નીવડી છે. હવે આપણે ભારતના મિશન મૂનને રોકવા માટે શું કરવું છે?
હજી આપણું બીજું તીર ચાલવાનું બાકી છે. મારી જાણ બહાર તમે જે ત્રીજું તીર ચલાવ્યું છે તેના પરિણામની પણ આપણે રાહ જોઈએ, મોનિકાએ કહ્યું.
મોનિકાથી ખાનગીમાં ઘડેલા કાવતરાંની પણ તેને જાણ થઈ ગઈ હોવાનું જાણીને જોન લાઈગરને થોડો ધક્કો લાગ્યો અને તેઓ પોતાની જાતને ક્ધટ્રોલ કરીને જવાબ આપે તે પહેલાં તો મોનિકા પગ પટકતી બહાર નીકળી ગઈ.
અત્યારે જોન લાઈગરને લાગ્યું કે આજે થોડું વધારે થઈ ગયું છે. અત્યાર સુધી અનેક વખત મોનિકા પ્રત્યે અવિશ્ર્વાસ દાખવ્યો હોવાથી તે નારાજ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું હતું.
આમ તો મોનિકા પ્રત્યે અવિશ્ર્વાસ કરવાનો કોઈ અર્થ નહોતો. લગભગ બે દાયકાથી મોનિકા તેમની સાથે પાર્ટીમાં કામ કરી રહી હતી. તેની સૂઝબૂઝ અને તીક્ષ્ણ બુદ્ધિને કારણે જ પોતાની સાથે રાખી હતી.અત્યાર સુધી તેની બુદ્ધિના ભરોસે અનેક જંગ જીત્યા હતા અને ચૂંટણીનો જંગ પણ મોનિકાની ચાલને આધારે જ જીત્યા હતા.
હવે મોનિકા બગડી હતી અને તેને ફરી પોતાની તરફ કરવાનું ઘણું મુશ્કેલ બનવાનું હતું, પરંતુ હવે અત્યારે બીજા જે બે તીર છોડ્યાં હતાં તેનાં પરિણામોની રાહ જોવાની હતી.
****
રશિયાની રાજધાની ડુમા હાઉસમાં અત્યારે વોલેરન બાઈન થોડા સંતુષ્ટ જણાતા હતા. તેમણે જે રીતે ભારતને પરોક્ષ રીતે મદદ કરી હતી તે વાત જાણીને બે લોકોને સૌથી વધુ સારું લાગ્યું હતું. એક હતા કુર્ચાટોવ અને બીજા હતા રોસાટેમ તેમના મનમાં વોલેરન બાઈન માટેનું માન ઘણું વધી ગયું હતું. (ક્રમશ:)
———-
હવે શું?
‘આપણાં ઈંધણ પહોંચી ગયાં? ક્યાં સુધી આપણે બીજાના મિશન મૂન પ્રોજેક્ટની માહિતી લઈ લઈને ઈર્ષ્યા કરવાની છે. આપણા મિશન મૂનને હવે થોડું ઝડપથી આગળ વધારો. અવકાશયાનમાં લઈ જવાના પ્લાન્ટ પણ હજી સુધી પહોંચ્યા નથી, કામે લાગો બધા’ ચીનના રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગે પોતાની સામે હાજર બધા લોકોને અત્યંત આકરા શબ્દોમાં સુણાવ્યું