‘તારી યોજના સાંભળવામાં તો સારી લાગી રહી છે, પરંતુ ગયા વખત જેવું ન થાય. ભારતના ગૃહ પ્રધાને મિશન મૂનને રોકવાનો તારો પહેલો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ વખતે પણ એવું ન થાય તેનું ધ્યાન રાખજે,’ જોન લાઈગરે ટોણો માર્યો
વિપુલ વૈદ્ય
અમેરિકાના વ્હાઈટ હાઉસમાં અત્યારે ભારત વિરોધી કાવતરું ઘડાઈ રહ્યું હતું. આ કાવતરાંના સૂત્રધાર મૂળ ભારતીય વંશના મોનિકા હેરિસ જ હતાં. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ સેમ્યુઅલ યંગ અને જાસૂસી સંસ્થા સીઆઈએના કેટલાક ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.
‘પ્રેસિડેન્ટ સર, મારી યોજના મુજબ અબ્દુલ કલામ ટાપુ પર ભારતે જે સ્પેસ સેન્ટર ઊભું કર્યું છે તેનો વિરોધ કરવા માટે ડાબેરી સંગઠનોની મદદ લેવામાં આવી રહી છે.
એક આદિવાસી નેતાને ટાપુ પર મોકલવામાં આવી રહ્યો છે, જે ટાપુ પર વસવાટ કરનારા મૂળ આદિવાસીઓને ઉશ્કેરીને સ્પેસ સેન્ટરનો વિરોધ કરાવશે.’
‘આપણી યોજના યોગ્ય રીતે પાર પડશે તો અબ્દુલ કલામ ટાપુ પર આદિવાસીઓ આંદોલન કરશે અને ત્યાં બની રહેલા સ્પેસ સેન્ટરનું કામ રદ કરવાની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરશે, બંધ કરશે, અવકાશયાનના મોકલવાને રદ કરવા માટે દબાણ લાવશે અને કદાચ તેઓ સ્પેસ સેન્ટરમાં તોડફોડ પણ કરી શકે છે.’
‘આ બધા માટે સ્પેસ સેન્ટરને કારણે અબ્દુલ કલામ ટાપુને પર્યાવરણની દૃષ્ટિએ ભારે નુકસાન થઈ શકે છે અને અહીંની નૈસર્ગિક સુંદરતા નષ્ટ થઈ શકે છે અને આદિવાસીઓના જીવનને નુકસાન થશે એવો અહેવાલ તૈયાર કરીને પર્યાવરણ સંસ્થાઓ દ્વારા તેમ જ બિનસરકારી સંસ્થા (એનજીઓ) દ્વારા ભારતમાં પહોંચાડી દેવામાં આવશે. મીડિયામાં પણ આ અહેવાલને ખાસ્સી પ્રસિદ્ધિ આપીને આપણી યોજના માટે વાતાવરણ તૈયાર કરવામાં આવશે,’ મોનિકાએ પોતાની યોજના વિસ્તારપૂર્વક સમજાવી.
‘તારી યોજના સાંભળવામાં તો સારી લાગી રહી છે, પરંતુ ગયા વખત જેવું ન થાય. ભારતના ગૃહ પ્રધાને મિશન મૂનને રોકવાનો તારો પહેલો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો આ વખતે પણ એવું ન થાય તેનું ધ્યાન રાખજે,’ જોન લાઈગરે ટોણો માર્યો. મોનિકાને આ વખતે હાડોહાડ લાગી આવ્યું. આ બીજી વખત જોન લાઈગરે તેની સાથે આવું અપમાનજનક વર્તન કર્યું હતું. જોન લાઈગરની તેના તરફ રહેલી ભેદભાવપૂર્ણ વર્તણૂંક તેને કઠી રહી હતી. વારંવાર ભારતીયોને અર્ધનગ્ન અને ભૂખમરાનો દેશ તરીકે ઉલ્લેખ કરવાની આદત તેને અંદર સુધી આઘાત પહોંચાડી રહી હતી. અત્યારે ઉપરાષ્ટ્રપતિ તરીકે અત્યારે તેણે દેશના હિતમાં જે કામ કરવાનું હતું તે કરવું જોઈતું હતું, પરંતુ આને માટે કોઈ બીજા દેશના મોટા પ્રોજેક્ટને નુકસાન પહોંચાડવાનું નકારાત્મક કામ કરવાનું આવશ્યક નહોતું. નાસાનો એક સામાન્ય વિજ્ઞાની જે બોલવાની હિંમત દેખાડી શક્યો હતો પોતે કેમ દેખાડી શકતી નહોતી એવો સવાલ તેને મૂંઝવી રહ્યો હતો.
‘મોનિકા, તને જેટલાં નાણાં જોઈતાં હોય એટલા લઈ લેજે પણ આ વખતે કામ ફતે થવું જોઈએ,’ રાષ્ટ્રપતિ જોન લાઈગરે કહ્યું ત્યારે મોનિકાની તંદ્રા તૂટી અને તે હોશમાં આવી ગઈ.
****
‘હોમ મિનિસ્ટર સર, મારે તમારી એક પરવાનગી જોઈએ છે.’
‘આજનાં અખબારોમાં અબ્દુલ કલામ ટાપુ પરના પર્યાવરણના હ્રાસ અંગેના જે અહેવાલ છપાયા છે તેની પાછળ કેટલાક બેનામી સંપત્તિ ધરાવતાં બિનસરકારી સંગઠનો (એનજીઓ) છે.’
‘આ અહેવાલનો આધાર લઈને આદિવાસી સમાજના એક નેતા આપણા મિશન મૂનને નુકસાન પહોંચાડે એવી શક્યતા છે. તેઓ અબ્દુલ કલામ ટાપુ પર જઈને આદિવાસીઓને ઉશ્કેરી શકે એવી આશંકા છે,’ રાજીવ ડોવાલે ગૃહપ્રધાન અમિતાભ શેઠને કહ્યું.
‘તો, આપણે શું કરી શકીએ છીએ. તારે શેની પરવાનગી જોઈએ છે,’ અમિતાભ શેઠે પૂછ્યું.
‘સર, મારે તેમની ધરપકડ કરવી છે. તે શક્ય ન હોય તો તેમની અટકાયત કરીને ચાર દિવસ માટે કારાવાસમાં ધકેલી દેવા છે,’ રાજીવ ડોવાલે કહ્યું.
‘રાજીવ, બહુ ઉતાવળિયો છે તું. આ કાવતરું વિદેશી છે, બરાબર?’
‘અત્યારે જે રીતે આ બધાં અખબારોએ પર્યાવરણની વાત માંડી છે તે જોઈને નક્કી થઈ જાય કે મીડિયા હાઉસ સુધી તે વિદેશીની પહોંચ છે, બરાબર?’
‘હવે આપણે શાંતીથી વિચારો કે કેવી રીતે તેને અબ્દુલ કલામ ટાપુ પર જતા રોક્યા વગર કેવી રીતે તોફાન કરતાં રોકી શકાય,’ અમિતાભ શેઠે કહ્યું.
‘સર આવું કેવી રીતે થઈ શકે?’ રાજીવનું મગજ બહેર મારી ગયું હતું.
‘આ નેતાને ઝેડ પ્લસની સિક્યોરિટી આપી દો. સિક્યોરિટીમાં આપણા વિશ્ર્વાસુ માણસોને ગોઠવી દો.’
‘બીજી તરફ તેની પાર્ટી/સંગઠનના જેટલાં તોફાની તત્ત્વો છે તેને છેલ્લી ઘડીએ બોટમાં બેસવા જાય તે પહેલાં જ અટકાયતમાં લઈ લેજો. તેને સમય મળવો ન જોઈએ. ટાપુ પર આપણે જે કમાન્ડોને મોકલી આપ્યા છે તેને કહેજો કે તેઓ છદ્મવેશમાં આદિવાસીઓની વચ્ચે પહોંચી જાય અને તોફાની તત્ત્વોને નિયંત્રણમાં રાખે.’
‘સ્પેસ સેન્ટરની આસપાસ કલમ ૧૪૪ લાગુ કરી દો, સીઆરપીએફનો બંદોબસ્ત ગોઠવી દો અને એવી હવા ફેલાવી દો કે સ્પેસ સેન્ટરની આસપાસ કોઈ આવશે તો તેને જોતાં જ ગોળી મારી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે,’ ગૃહપ્રધાને વિસ્તારમાં પોતાની આખી યોજના સમજાવી.
રાજીવને અત્યારે તેની સામે બેઠેલા ગૃહપ્રધાનને સેલ્યુટ મારવાની ઈચ્છા થઈ. અત્યંત ચાલાકીથી આદિવાસી નેતાને ઝેડ-પ્લસ સિક્યોરિટીમાં બાંધી દેવાથી તે કોઈની સાથે ખાનગીમાં બેઠકો કરી શકે એવી શક્યતા બચતી નહોતી. ફોન પણ ટેપ થવાના હોવાથી ત્યાંથી પણ સંદેશા આપી શકે તેમ નહોતું. બંગાળ અને ઓરિસાના નક્સલવાદી વિસ્તારોમાંથી એકઠા કરેલાં તેનાં તોફાની તત્ત્વો તેની સાથે ટાપુ પર જઈ શકવાના નહોતા તેથી જોખમ
પચાસ ટકા જેટલું ઘટી જવાનું હતું. ટાપુ પર તો આદિવાસીઓની વચ્ચે કમાન્ડો હાજર જ હતા. ક્યાંય એકેય પથરો માર્યા વગર બધા કાવતરાંને
ફૂસ્સ કરવાનો પ્લાન તૈયાર થઈ ગયો હતો.
‘રાજીવ, બીજું એક કામ કરજે. ઈસરોમાં મિ. રાયચૂરાને કહી દેજે કે આજનાં અખબારોમાં છપાયેલા અહેવાલોને રદિયો આપતો અહેવાલ તૈયાર કરીને બધાં અખબારોને મોકલી આપે,’ અમિતાભ શેઠે કહ્યું.
****
‘કોમરેડ સર, આપણાં અવકાશયાનમાં થોડી સમસ્યા આવી રહી છે,’ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈનને યેવગેનીએ કહ્યું.
‘પ્રવાહી ઈંધણ અને ઘન ઈંધણની ટાંકીને જોડાણ પર મૂકવામાં આવેલું કપલિંગ બરાબર નથી. લૉન્ચ વખતે તૂટી જવાની શક્યતા જણાઈ રહી છે. આવું થશે તો આપણું અવકાશયાન સળગીને રાખ થઈ જશે,’ યેવગેનીએ વિગતો આપી. આવું કપલિંગ ક્યાંથી મળી શકે? બાઈને પૂછ્યું.
‘કેનેડા, ચીન, ઓસ્ટ્રેલિયા, યુક્રેન અને ભારતમાંથી મળી શકે તેમ છે,’ યેવગેનીએ કહ્યું.
‘એક મિનિટ.’ કહીને બાઈને ફોન ઉઠાવ્યો અને એક મિનિટ સુધી કોઈની સાથે વાત કરી અને પછી યેવગેનીને કહ્યું કે ‘તારે અત્યારે ઓ-રિંગ કેટલી જોઈશે, કપલિંગ અને ફ્રેટર કેટલા જોઈશે?’
‘સર, એક-એક ડઝન પૂરતા થઈ રહેશે.’
‘૨૪ કલાકમાં તને મળી જશે, હવે બીજું કશું બાકી રહે છે આપણા મિશન મૂન આડે?,’ બાઈને સવાલ કર્યો.
‘ના સર, આપણે તૈયાર છીએ. ચૌદમા દિવસે આપણું અવકાશયાન રવાના થઈ જશે,’ યેવગેનીએ જણાવ્યું.
(ક્રમશ:)
————–
હવે શું?
‘મોનિકા, આ શું થઈ રહ્યું છે. આપણા સ્પેસ સ્ટેશનમાંથી ઓછામાં ઓછા ચાર વખત લેઝર હુમલો કરવામાં આવ્યો હોવા છતાં ભારતના લોન્ચિંગ પેડને કોઈ અસર થઈ નથી. લેઝર હુમલાની ટિપ તેમને મળી ગઈ હતી? કેવી રીતે મળી? શું ચાલી રહ્યું છે મને ખબર પડી શકે?,’ અમેરિકાના રાષ્ટ્રપતિ જોન લાઈગર રીતસર ગુસ્સાથી ધ્રૂજી રહ્યા હતા