સૈદ્ધાંતિક રીતે આ શક્ય છે. અવાજ અને પ્રકાશ જે રીતે તરંગોમાં પ્રયાણ કરે છે તે જ રીતે વીજળી પણ તરંગોના સ્વરૂપમાં જ પ્રયાણ કરે છે અને તે પૃથ્વી સુધી આ જ રીતે પહોંચી શકે છે
લેખક – વિપુલ વૈદ્ય
અમેરિકાના રાષ્ટ્રપતિ જોન લાઈગર અત્યારે વ્હાઈટ હાઉસની પોતાની કેબિનમાં અત્યંત ચિંતાગ્રસ્ત મુદ્રામાં બેઠાં હતાં. તેમની સામે ઉપરાષ્ટ્રપતિ મોનિકા હેરિસ
પણ બેઠા હતા અને બંને મિશન મૂન અંગેની કશી ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે જ સેમ્યુઅલ યંગ અંદર
આવ્યો.
તેને જોઈને રાષ્ટ્રપતિએ સવાલ કર્યો કે ‘તને જે જાણકારી મેળવવાનું કહ્યું હતું તે જાણકારી મેળવી છે?’
‘કેનેડી સ્પેસ સેન્ટરની સિસ્ટમ હૅક કરનાર કોણ છે?’
‘સિસ્ટમ રિસ્ટોર કરવાનું કામ ક્યાં સુધી પહોંચ્યું?’ જોન લાઈગરે પૂછ્યું.
‘પ્રેસિડેન્ટ સર, જે સિસ્ટમ હૅક થઈ હતી તે હજી સુધી રિસ્ટોર થઈ શકી નથી.’
‘આ હૅકર કોઈ ચાઈનીઝ છે અને તેનું લોકેશન ચીનનું કે અન્ય કોઈ દેશનું નથી…’
‘અહીં ન્યૂ યોર્કનું છે.’
‘તેને શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.’
‘તેણે આપણી સિસ્ટમ હૅક કરી હતી અને આખી સિસ્ટમમાં
મેન્ડરિન અને અંગ્રેજીમાં ગાળો ભાંડી હતી.’
‘અમેરિકાની સરકારને ગાળો ભાંડતા એમાં એવું કહેવામાં આવ્યું છે કે ચીનના મિશન મૂનમાં અવરોધ ઊભો કરવાનો બદલો લેવામાં આવ્યો છે,’ સેમ્યુઅલે પોતાની પાસે રહેલી વિગતો આપી.
‘આનો અર્થ એવો થયો કે આપણે ચીનના ઈંધણ ભરેલા ક્ધટેનરને ગેરમાર્ગે દોર્યું તેની જાણકારી આ લોકોને મળી ગઈ છે,’ જોન લાઈગરે કહ્યું.
‘હા સર, એટલું જ નહીં જે રીતે તેમણે સિસ્ટમ હૅક કરી છે તેને સમજવાનું આપણા કમ્પ્યુટર નિષ્ણાતોને પણ મુશ્કેલ થઈ ગયું છે.’
‘તેણે પોતાના મેસેજમાં કહ્યું છે કે ૪૮ કલાક સુધી આ સિસ્ટમ બંધ રાખવામાં આવશે પછી તેને મુક્ત કરી દેવામાં આવશે.’
‘આ જાણે આપણી સિસ્ટમને નાગચૂડ લેવામાં આવી હોય એવું લાગી રહ્યું છે, સેમ્યુઅલ યંગે પોતાની પાસે રહેલી માહિતી આપી.’
‘આપણા કમ્પ્યુટરના નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ બોટનેટ માલવેર છે. આપણી સિસ્ટમ અત્યારે ચાઈનીઝ હૅકરના કબજામાં છે,’ સેમ્યુઅલે કહ્યું.
‘ડ્રેગનની પકડ છે આ, તેમાંથી છૂટવા માટે ઘણી કવાયત કરવી પડશે, કાં તો પછી તેમણે આપેલી સમયમર્યાદાની રાહ જોઈએ,’
મોનિકા હેરિસે અચાનક વચ્ચે ઝંપલાવ્યું.
‘ડ્રેગનની પકડમાંથી બચાવી શકે એવા કોઈ વિજ્ઞાની નથી આપણી પાસે?,’ રાષ્ટ્રપતિ જોન લાઈગરે સવાલ કર્યો.
‘સર, મેં ફૂગલ કંપનીના રમેશ મથાઈની સાથે હમણાં જ વાત કરી અને તેમણે કહ્યું કે તેમની પાસે પણ આ બોટનેટનો તોડ હોય એવો કોઈ સોફ્ટવેર એન્જિનિયર નથી,’ સેમ્યુઅલ યંગે કહ્યું.
‘આને માટે આપણને ભારતના એક એન્જિનિયરનું નામ આપવામાં આવ્યું છે, પરંતુ એને માટે આપણે આપણી સિસ્ટમનું તેને રિમોટ એસેસ આપવું પડશે.’
‘જો આપણે આવું એસેસ આપીશું તો ફક્ત મિશન મૂન જ નહીં બધા જ પ્રોજેક્ટ વિશેની માહિતી તેની
પાસે પહોંચવાની શક્યતા છે અને તે વ્યક્તિ તેનો દુરુપયોગ પણ કરી
શકે છે.’
‘આ ચિંતાને કારણે આપણે તેમને આપણી કમ્પ્યુટર સિસ્ટમનું એસેસ આપી શકતા નથી,’ સેમ્યુઅલે કહ્યું.
અચ્છા, અત્યાર સુધી જે થયું તે જવા દો.
‘આપણું ઈંધણ હજી પહોંચ્યું નથી ત્યાં સુધી આપણે બીજી કોઈ ચિંતા નથી.’
‘બેક-અપની વ્યવસ્થા કેવી છે,’ જોન લાઈગરે સવાલ કર્યો.
‘બેક-અપ આપવામાં આવ્યું છે અને તેના પર અવકાશયાનની તૈયારીઓ કરવામાં આવી રહી છે,’ એમ સેમ્યુઅલે કહ્યું.
‘આપણું ઈંધણ ક્યાં સુધી પહોંચ્યું છે?’
‘સર આપણું ઈંધણનું ક્ધટેનર મેક્સિકોના અખાતમાં દાખલ થઈ ગયું છે અને ૨૪ કલાકમાં સારાસોટા બંદરે પહોંચી જશે,’ સેમ્યુઅલે રાષ્ટ્રપતિને માહિતી આપી.
****
‘મિશન મૂનની તૈયારી ક્યાં સુધી પહોંચી છે?’ વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતાએ અનુપ રોયને સવાલ કર્યો.
સેન્ટ્રલ વિસ્ટાની વડા પ્રધાનની કચેરીની બાજુમાં આવેલા હોલમાં અત્યારે વડા પ્રધાન, ગૃહ પ્રધાન અમિતાભ શેઠ, વડા પ્રધાનના વિશ્ર્વાસુ રાજીવ ડોવાલ, ભારતની સર્વોચ્ચ જાસૂસી સંસ્થાના વડા આદેશ રાજપાલ, રાજેશ તિવારી પણ હાજર હતા.
અનુપ રોયે એક નજર બધા સામે જોયું અને માહિતી આપી.
‘પ્રાઈમ મિનિસ્ટર સર, અત્યારે આપણી મિશન મૂનની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.’
‘અવકાશયાનની ચકાસણી થઈ ગઈ છે. એન્જિનની પણ ચકાસણી થઈ ગઈ છે.’
‘અવકાશયાનમાં બધી સામગ્રી ચડાવી દેવામાં આવી છે અને તેને લોન્ચ પેડ પર પણ ચડાવી દેવામાં આવ્યું છે.’
‘આજથી આઠ દિવસ પછી આપણું અવકાશયાન ચંદ્ર પર જવા માટે તૈયાર છે,’ અનુપ રોયે પોતાના તરફથી જાણકારી આપી.
‘અનુપમની યોજના સફળ થવાની તમને કેટલી શક્યતા લાગે છે?’
‘મને તમારો સ્પષ્ટ અભિપ્રાય જોઈએ છે.’
‘શું ખરેખર આપણે ચંદ્ર પરથી આપણા દેશ સુધી વીજળી પહોંચાડી શકીશું?,’ વડા પ્રધાને સવાલ કર્યો.
‘પ્રાઈમ મિનિસ્ટર સર, આપણે અત્યાર સુધી અનેક બાબતો એવી કરી છે જેની આપણને પોતાને પણ ખાતરી નહોતી, પરંતુ આપણે એમાં સફળ થયા હતા અને આખી દુનિયામાં આ બાબતે આપણું ગૌરવ થયું હતું.’
‘અત્યારે આ બાબત પણ કેટલેક અંશે આવી જ છે.’
‘સૈદ્ધાંતિક રીતે આ વસ્તુ શક્ય છે, કેમ કે ચોમાસામાં વાદળોના અથડાવાથી નિર્માણ થતી વીજળી સીધી જમીન સુધી આવી શકતી હોય તો આપણે પણ વીજળી મોકલવા સક્ષમ થઈ શકીએ છીએ.’
‘અવાજ અને પ્રકાશ જે રીતે તરંગોમાં પ્રયાણ કરે છે તે જ રીતે વીજળી પણ તરંગોના સ્વરૂપમાં જ પ્રયાણ કરે છે અને તે પૃથ્વી સુધી આ જ રીતે પહોંચી શકે છે.’
‘હવે રહ્યો સવાલ આપણે તેને ઝીલી શકવાનું જે કામ અહીં બે પર્વતો પર કરેલા પ્રયોગમાં કર્યું તે શક્ય છે કે નહીં?’
‘જ્યાં સુધી મારું માનવું છે કે આપણા રિસેપ્ટર માટે જે લેસર ઈન્ડ્યૂસ્ડ પ્લાસમા ચેનલ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ તે વીજળીને ઝીલવા માટે સક્ષમ છે.’
‘પ્લાસમા ચેનલમાં પ્રવાહીમાં આપણે સામાન્ય ધાતુને સ્થાને સોનાની પ્લેટનો ઉપયોગ કરી રહ્યા છીએ, જે વીજળીને આકર્ષવા માટે શ્રેષ્ઠ ગણાય છે. આવી સ્થિતિમાં આપણું લક્ષ્ય સાધ્ય થવાની સંભાવનાઓ વધી જાય છે,’ અનુપ રોયે અત્યંત સાદી ભાષામાં વડા પ્રધાનને અનુપમ પર વીજળીને માધ્યમ વગર ચંદ્રથી પૃથ્વી સુધી પહોંચાડવાનું જે કામ સોંપવામાં આવ્યું હતું તેની વિગતો આપીને સમજાવ્યું અને વિશ્ર્વાસ અપાવ્યો.
‘તમને વિશ્ર્વાસ છે તો આપણે ચોક્કસ આ દિશામાં આગળ વધીશું,’ વડા પ્રધાને અનુપ રોયને કહ્યું. (ક્રમશ:)
————
હવે શું?
ભારતના મિશન મૂન પ્રોગ્રામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને મારી એવી ઈચ્છા છે કે આ યોજનાને નિષ્ફળ કરવામાં આવે. તમારી પાસે એવી કોઈ યોજના છે, જેનાથી ભારતના મિશન મૂન પરનો ઘા આપણે નિષ્ફળ કરી શકાય? રશિયાના રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈને પોતાના ખાસ વિશ્ર્વાસુઓ સમક્ષ પોતાના મનની વાત કરી