રંજન કુમાર અબ્દુલ કલામ ટાપુ પર વિવિધ પાસાંની જાણકારી મેળવવા માટે દોડાદોડી કરી રહ્યા હતા. આજે અત્યંત મહત્ત્વનો દિવસ હતો. અવકાશયાન તૈયાર થઈ ગયું હતું અને તેને ઊંચકીને હવે લોન્ચપેડ પર લગાવવાનું હતું
વિપુલ વૈદ્ય
સેન્ટ્રલ વિસ્ટામાં બેઠા બેઠા અનુપ રોય અત્યારે એમજેપી અકબર અને અન્યો સાથે બેસીને મિશન મૂનની પ્રગતિની માહિતી મેળવી રહ્યા હતા અને તેમને વિવિધ તૈયારીઓ વિશે પૃચ્છા કરી રહ્યા હતા.
બીજી તરફ રંજન કુમાર અબ્દુલ કલામ ટાપુ પર વિવિધ પાસાંની જાણકારી મેળવવા માટે દોડાદોડી કરી રહ્યા હતા. આજે અત્યંત મહત્ત્વનો દિવસ હતો. અવકાશયાન તૈયાર થઈ ગયું હતું અને તેને ઊંચકીને હવે લોન્ચપેડ પર લગાવવાનું હતું. આમ કરતી વખતે અંદર મૂકવામાં આવેલા સામાનની તૂટફૂટ ન થાય તેમ જ અવકાશયાનને કોઈ નુકસાન ન થાય એની સાવચેતી રાખવાની હતી.
ડીઆરડીઓના એન્જિનિયરો અને ઈસરોના એન્જિનિયરો અત્યારે ખડેપગે કામ કરી રહ્યા હોવા છતાં તેમને જેટલી ચિંતા નહોતી એટલી ચિંતા રંજન કુમાર કરી રહ્યા હતા.
અનુપમ પાસે આજનો દિવસ ખાલી પડ્યો હતો, તેની પાસે કોઈ કામ નહોતું એટલે તે પોતાની ધૂનકીમાં થેલો ખભે ભરાવીને ચાલી નીકળ્યો હતો રખડવા માટે. ફરતાં ફરતાં તે દરિયા કિનારે પહોંચી ગયો. કિનારાની નજીક એક નાની ટેકરી પરથી નાળિયેરીનું આડું ઝાડ ઊગ્યું હતું.
તેને જોઈને શું સૂઝ્યું કે અનુપમ તેના પર જઈને બેસી ગયો.
અહીં તેને પોતાના ગામની યાદ આવી. નદી કિનારે આવી જ રીતે ઝાડના થડ પર બેસીને તે વાંસળી વગાડતો હતો. અનાયાસે તેનો હાથ થેલામાં ગયો અને વાંસળી હાથમાં આવી ગઈ.
વાંસળી મોંએ લગાવતાં જ અનુપમ જાણે ધ્યાનમગ્ન થઈ ગયો. વાંસળીના સૂર રેલાવા લાગ્યા. સામાન્ય સંજોગોમાં અત્યંત શુષ્ક વાતાવરણમાં વાંસળીના સૂરોએ જાણે કે જાદુ કરી નાખ્યું.
વેરાન ટાપુ પર સમુદ્ર કિનારા પર વાગતી વાંસળીના સૂરો દોઢ-બે કિલોમીટર દૂર આવેલા સ્પેસ સેન્ટર સુધી ઝીણા ઝીણા પહોંચતા હતા. વિક્રમને વાંસળીના સૂર સંભળાયા, મીનાને પણ સંભળાયા, શ્રુતિને પણ સંભળાયા અને આ સૂરો પહેલાં પણ એકવખત સાંભળી ચૂકેલા મનોજ રાયને પણ સંભળાયા.
એન્જિન ગોઠવાઈ ગયું હતું એટલે વિક્રમને પણ કોઈ કામ નહોતું તે વાંસળીના સૂરે દોરાઈને સમુદ્રકિનારે પહોંચ્યો.
મીના તો આ વાંસળીના સૂરોની ઘેલી જ હતી એટલે તે પણ પોતાનું બધું કામ પડતું મૂકીને વાંસળીના સૂરે ખેંચાઈ.
મનોજ રાયે પોતાની સાથે કામ કરનારા રામ શર્મા અને અન્ય ડીઆરડીઓ અને ઈસરોના એન્જિનિયરો અને કામગારોને વાંસળી વગાડનારા વિશેની માહિતી આપી.
કોણ જાણે કેમ પણ અચાનક બધાના શરીરમાં શક્તિનો સંચાર થયો અને અવકાશયાન ઊભું કરીને લોન્ચ પેડ પર ગોઠવી દેવામાં આવ્યું. હવે ક્લેમ્પ્સ લગાવીને અવકાશયાન બંધાઈ ગયું હતું અને સાંજ થવા આવી હોવાથી બીજું કશું કામ થઈ શકે એમ નહોતું એટલે બધા જ વાંસળીના સૂરે દોરાઈને સમુદ્રકિનારે પહોંચ્યા.
અનુપમ તો કોણ જાણે કઈ દુનિયામાં ખોવાઈ ગયો હતો તેનું ધ્યાન આજુબાજુ ક્યાંય નહોતું. તે નારિયેળીના થડ પર બેસીને પોતાની મસ્તીમાં વાંસળી વગાડી રહ્યો હતો અને વાંસળીના સૂરોને કારણે જે સાત્વિક વાતાવરણ તૈયાર થઈ રહ્યું હતું તેને જોઈને સૃષ્ટિને પણ જાણે કાન્હાની ગોપીકા બનવાનું મન થયું હોય તેમ આકાશના રંગો પલટાયા. ધીરે-ધીરે આખા આકાશ પર જાણે પ્રેમિકાના ગાલ પર પડે એવા શરમના લાલ શેરડા પડ્યા હોય એવા પટ્ટાઓ દેખાવા લાગ્યા. અસ્તાંચળથી ખાસ્સા દૂર હોવા છતાં જાણે સૂરજદાદાએ પોતાનું તેજ ઓછું કરી દીધું હોય એવું લાગી રહ્યું હતું. કાન્હાની વાંસળીનો આનંદ લેતાં જાણે સૂરજદાદાએ સસ્મિત નારંગી રંગ ધારણ કર્યો. રંગોના પલટાવા સાથે જે વાતાવરણ તૈયાર થયું હતું તેની અસર સમુદ્ર પર પણ જોવા મળી રહી હતી. વાંસળીના સૂરોમાં અવરોધ ઊભો કરવાની ઈચ્છા ન હોય તેમ સમુદ્રે પોતાના ઘૂઘવાટા ઓછા કરી નાખ્યા. તેના હળવાં નાનાં મોજાં પર નારંગી સૂર્યનાં કિરણો ચમકીને અનેરી આભા ઊભી કરી રહ્યા હતા. સમુદ્ર કિનારાની આખી સૃષ્ટિ આટલી મનમોહક બની ગઈ હતી, પરંતુ વાંસળીના સૂરોથી ખેંચાઈને આવેલા લોકોનું ધ્યાન આમાંથી એકેય વસ્તુ પર નહોતું તેઓ તો ફક્ત વાંસળીના સૂરોમાં ખોવાઈ ગયા હતા. જેને જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા. મીના ચાલતી ચાલતી ઠેઠ નાળિયેરીના ઝાડ સુધી પહોંચી અને તેને અઢેલીને ઊભી રહીને કોઈ મુગ્ધાની જેમ સંપૂર્ણ રીતે અભિભૂત થઈને અનુપમની વાંસળીને સાંભળી રહી. શ્રુતિની હાલત પણ અલગ નહોતી. તે પણ અનુપમના પગથી ફક્ત એક ફૂટ દૂર ઊભી રહીને વાંસળી સાંભળી રહી હતી.
બીજી તરફ રંજન કુમાર પોતાના કામમાં વ્યસ્ત હતા અને અચાનક તેમના ધ્યાનમાં આવ્યું કે તેમની આસપાસ કોઈ નથી. થોડો ગુસ્સો આવ્યો તેમને અને તેઓ બધાની શોધમાં નીકળ્યા. બહાર આવતાં જ તેમને વાંસળીના સૂર સંભળાયા અને તેઓ સમજી ગયા કે આ શું ચાલી રહ્યું છે.
વાંસળીના સૂરોથી દોરવાઈને તેઓ સમુદ્ર કિનારે પહોંચ્યા અને ત્યાંનું દૃશ્ય જોઈને તેઓ પણ એક પળ માટે અભિભૂત થઈ ગયા. કેવું સુંદર વાતાવરણ અને તેમાં વાંસળીના સૂરોને કારણે રેલાઈ રહેલી સાત્વિકતા જાણે તેમને ખેંચી રહી હતી, પરંતુ રંજન કુમાર જેવો કર્મઠ માણસ આવી રીતે લહેરાઈ જાય એવો કાચો નહોતો. તેમણે જોરથી બરાડો પાડ્યો.
‘અનુપમ, આ શું ચાલી રહ્યું છે?’
તેમના અવાજે એકસાથે બધાને તંદ્રામાંથી જગાડી નાખ્યા. રંજન કુમારને ગુસ્સામાં જોઈને રામ શર્મા, મનોજ રાય અને અન્ય એન્જિનિયરો/કામગારો ત્યાંથી એક એક કરીને ભાગવા લાગ્યા અને પોતાના સાથીઓને પણ સંકેત કરીને ભગાવવા લાગ્યા. હજી સુધી અનુપમના કાન સુધી રંજન કુમારનો અવાજ પહોંચ્યો નહોતો, તે હજી પણ વાંસળી વગાડી રહ્યો હતો. થોડા નજીક પહોંચ્યા પછી રંજન કુમારે ફરી કહ્યું કે, ‘અનુપમ, આ શું ચાલી રહ્યું છે?’
અનુપમ જાણે પોતાની ધ્યાન નિંદ્રામાંથી જાગૃત થયો. સામે રંજન કુમારને જોઈને ગભરાયો, બીજી તરફ સંધ્યાકાળ થઈ ગયો હોવાનું જોઈને તેને ફાળ પડી. પોતાની સામે મીના અને શ્રુતિને તંદ્રામાં ખોવાયેલા જોઈને અને બાકીના બધા લોકોને ભાગતા જોઈને તેને અંદાજ આવ્યો કે હવે શું થવા જવાનું છે અને તેનાં જાણે ગાત્રો ગળી રહ્યાં હતાં. જેમ તેમ થોડી હિંમત એકઠી કરીને તેણે કહ્યું ‘સર, મારું કશું કામ બાકી નહોતું એટલે હું અહીં આવ્યો હતો અને વાતાવરણની રમણીયતા જોઈને વાંસળી વગાડવાનું મન થયું.’
‘ચંદ્ર પર જવાની તૈયારીઓ ચાલી રહી છે અને હજી તું વાંસળીમાં પડ્યો છે?
‘મને લાગે છે કે ચંદ્ર પર તને વાંસળી લઈ જવા દઈશ તો ત્યાં તું પોતે પણ કામ નહીં કરે અને બીજાને પણ નહીં કરવા દે,’ રંજન કુમારે કહ્યું.
‘સર, પ્લીઝ મારું કામ તો થઈ ગયું હતું.’
‘ચાલ ઠીક છે. રડવાની જરૂર નથી, પરંતુ અત્યારે મને કહે કે આપણા કામનું શું થયું?’
‘જતાં પહેલાં તારે મને મળવાનું છે અને તારું કામ કેટલું સમજ્યો છે તે કહેવાનું છે.
સમજ્યો?’ રંજન કુમારે કહ્યું.
‘ચોક્કસ સર,’ અનુપમે કહ્યું.
****
રશિયાના મોસ્કોમાં આવેલા ડુમા હાઉસમાં અત્યારે વોલેરન બાઈનને અવકાશ વિજ્ઞાનીઓ અને અણુવિજ્ઞાનીઓ પોતાનો અહેવાલ આપી રહ્યા હતા.
‘મિશન મૂન પ્રોજેક્ટની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે.’
‘આપણા બંને અવકાશયાન રવાના થવા માટે સજ્જ છે.’
‘અત્યારે બંનેમાં આવશ્યક સામગ્રી લોડ કરવામાં આવી રહી છે. તમે કહેશો ત્યારે બંને અવકાશયાન રવાના થઈ શકે છે.’
‘પહેલાં સમાનવ યાન મોકલવાનું છે કે માનવરહિત અવકાશયાન પહેલાં મોકલવાનું છે તે તમે કહેશો તે રીતે આજથી બરાબર દસમા દિવસે રવાના કરી દેવામાં આવશે, અવકાશવિજ્ઞાની એલેકઝાંડર રૂમાન્ટેસેવે રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈનને માહિતી આપી. (ક્રમશ:)
———-
હવે શું?
કોમરેડ સર, આ કાવતરું ચોક્કસ અમેરિકાનું જ છે. આપણા ઈંધણના ક્ધટેનરને જાણી જોઈને ખોટા માર્ગે ચડાવી દેવામાં આવ્યાનું લાગી રહ્યું છે. આપણા ક્ધટેનરની સિસ્ટમને હેક કરીને તેને જી-૨૪૨ને બદલે હાઈવે જી-૭ પર ચડાવી દીધું છે, એસએમએસના વડા લીએ રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગને માહિતી આપી