Homeધર્મતેજમિશન મૂન પ્રકરણ ૭

મિશન મૂન પ્રકરણ ૭

‘આપણે રોજની ચાર લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરશું તો આપણા આખા દેશને વીજળી આપ્યા પછી પણ આપણી પાસે સરપ્લસ વીજળી હશે જેનાથી આપણે દુનિયામાં જ્યાં અંધકાર છે તે વિસ્તારો સુધી વીજળી પહોંચાડીશું’

લેખક – વિપુલ વૈદ્ય

સેન્ટ્રલ વિસ્ટાના અંડરગ્રાઉન્ડ બંકરમાં અત્યારે ત્રણ લોકો બેઠા હતા. વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતાની જમણી તરફ રાજીવ ડોવાલ અને ડાબી તરફ આદેશ રાજપાલ બેઠા હતા અને આદેશ રાજપાલ વડા પ્રધાનને જણાવી રહ્યા હતા કે રંજન કુમારની વાત સાચી પડી છે અને હજી સુધી અમેરિકા કે અમેરિકાની કોઈપણ એજન્સીએ માટીના સેમ્પલનો અહેવાલ જાહેર કર્યો નથી.
‘અહેવાલ અંગેની રંજન કુમારની વાત સાચી હોવા છતાં ચંદ્ર પર રહેલા યુરેનિયમનો ઉપયોગ કરવા માટેની કોઈ વ્યવહારુ યોજના વિચારવી પડશે. ચંદ્ર પરથી યુરેનિયમ લાવવું એ કોઈ દૃષ્ટિએ વ્યવહારુ વિકલ્પ નથી.’
‘તમારા ધ્યાનમાં છે કોઈ એવી યોજના?,’ ડોવાલે આદેશ રાજપાલને પ્રશ્ર્ન કર્યો.
‘અત્યારે કોઈ યોજના તો નથી પણ મને વિશ્ર્વાસ છે કે આપણે આવું કશું શોધી કાઢીશું એવો મને વિશ્ર્વાસ છે,’ આદેશે જવાબ આપ્યો.
‘રાજીવ, તમને કોઈ એવી વ્યક્તિ ધ્યાનમાં આવે છે જેની પાસે આપણી સમસ્યાનો ઉકેલ મળી શકે?,’ વડા પ્રધાને પોતાના હુકમના પત્તાંને સવાલ કર્યો?
‘સર, અત્યારે રશિયામાં કુર્ચાટોવ, ચીનમાં હ્યુ રેન્યુ અને ભારતમાં રંજનકુમાર આ બાબતને સમજી શકે એવી શ્રેષ્ઠ વ્યક્તિઓ છે. જ્યાં સુધી મારી ગટ-ફીલિંગ કહે છે ત્યાં સુધી રંજન કુમાર પાસે ચોક્કસ કોઈ નક્કર યોજના છે અને આપણે આપણી આ બેઠકમાં તેમને બોલાવવા જોઈએ,’ રાજીવે કહ્યું.
તેમની વાત સાંભળીને વડા પ્રધાને પોતાની ડેસ્ક નીચેનું એક બટન દબાવ્યું, તરત જ એક પ્યુન અંદર આવ્યો. આદેશ રાજપાલે તેમને કહ્યું કે, ‘રાજેશ તિવારીને મોકલો.’
રાજેશ તિવારી આવ્યા બાદ રાજીવ ડોવાલે તેમને પહેલો સવાલ કર્યો કે, ‘અનુપ રોય, રંજન કુમાર અને વિશાલ માથુર શું કરી રહ્યા છે? તેમણે અન્ય કોઈ વિજ્ઞાનીને બોલાવવાની વાત કરી હતી?’
‘સર, છેલ્લા ચોવીસ કલાકમાંથી ઓછામાં ઓછા ૨૦ કલાક આ ત્રણેય વિજ્ઞાનીઓએ પોતાના કમ્પ્યુટર પર વિતાવ્યા છે. રંજન કુમારે લગભગ ૨૦૦ જેટલા કોરા કાગળો પર અલગ અલગ ચિતરામણ કર્યા હતા,’ રાજેશ તિવારીએ કહ્યું.
‘વિશાલ માથુરે પોતાના કમ્પ્યુટર પર લગભગ ૨૪ જેટલી ફાઈલો બનાવી છે. અનુપ રોયે લગભગ ૨૨ જેટલા અણુવિજ્ઞાનીઓની વિશે કમ્પ્યુટર પર સર્ચ કર્યું હતું, આ બધા જ ભારતીય વિજ્ઞાનીઓ અલગ અલગ સંસ્થાનોમાં કામ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે આપણા ‘બાહુબલી’ મિશનના રોકેટની વિગતો પર અભ્યાસ કર્યો હતો અને તેમણે પણ પોતાના કમ્પ્યુટર પર પાંચેક પીડીએફ ફાઈલ સેવ કરી છે.’
રૂમમાં બેઠેલા દરેક વિજ્ઞાની શું કામ કરી રહ્યા છે તેના પર તેમની જાણ બહાર કેટલી હદે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તેનો તેમને કદાચ અંદાજ પણ નહીં હોય, પરંતુ પળેપળની માહિતી વડા પ્રધાન સુધી પહોંચી રહી હતી.
‘બાહુબલી મિશન સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓને સેન્ટ્રલ વિસ્ટામાં બોલાવવામાં આવ્યા છે?’ વડા પ્રધાને રાજીવને સવાલ કર્યો
‘સર, બાહુબલી મિશન સાથે સંકળાયેલા બધા જ મોટા વિજ્ઞાનીઓને સેન્ટ્રલ વિસ્ટામાં જ નોર્થ-એન્ડમાં રાખવામાં આવ્યા છે,’ રાજીવે વડા પ્રધાનને માહિતી આપી.
‘શું તેમને ખબર છે કે તેમને કેમ બોલાવવામાં આવ્યા છે?’ વડાપ્રધાનનો બીજો સવાલ.
‘સર, હજી સુધી તેમને કોઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ તેમને ૧૦ ટનનો પે-લોડ લઈને જઈ શકે તેમ જ પાછું ફરી શકે એવું મિશન હાથ ધરવાનું છે એમ કહેવામાં આવ્યું છે અને તે માટે પ્રેઝન્ટેશન તૈયાર કરવા સમય આપવામાં આવ્યો છે,’ આ વખતે રાજીવને બદલે આદેશે વડા પ્રધાનને માહિતી આપી.
‘રાજેશ ત્યાં શું ચાલી રહ્યું હતું?,’ રાજીવે સવાલ કર્યો.
‘સર, નોર્થ-એન્ડમાં કુલ પાંચ વિજ્ઞાનીઓ છે, જેમાંથી ત્રણ વિજ્ઞાનીઓ સબ-ઓર્ડિનેટ છે અને તેઓ અન્ય બે વિજ્ઞાનીના કહેવા મુજબ કેટલાંક ચિત્રો કમ્પ્યુટર પર બનાવી રહ્યા હતા. જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી તેમના બે અલગ અલગ પ્રેઝન્ટેશન તૈયાર છે.’
‘રંજન કુમારને બોલાવી લાવો,’ રાજીવ ડોવાલે વડા પ્રધાનની નજરનો ઈશારો સમજીને રાજેશ તિવારીને આદેશ આપ્યો.
દસ મિનિટ સુધી રાજેશ તિવારીએ આપેલી માહિતીનું ત્રણેય મહાનુભાવો પોતાના મનમાં પૃથક્કરણ કરી રહ્યા હતા. રાજીવ ડોવાલ બધા જ ઘટનાક્રમને ગોઠવી રહ્યા હતા અને બીજી તરફ આદેશ રાજપાલ પોતાની રીતે દરેક વિજ્ઞાનીઓની તુલના કરી રહ્યા હતા. વડા પ્રધાન વિચારી રહ્યા હતા કે આ બધાનો કેવી રીતે ઉપયોગ કરી શકાશે.
રંજન કુમાર આવીને ટેબલની સામેની તરફ રાખવામાં આવેલી એકમાત્ર ખાલી બેઠક પર બેઠા બાદ આદેશ રાજપાલે તેમને સીધો સવાલ કર્યો કે ‘તમારી યોજના શું છે?’
‘સર, આખી દુનિયાને વીજળીની ઘણી આવશ્યકતા છે. દુનિયાના ઘણા વિસ્તારો આજની તારીખે અંધારામાં છે. તેમને પ્રકાશ આપવો હોય તો ઊર્જાના ઉત્પાદન પાછળ ધ્યાન આપવું પડશે. આવી જ રીતે જો ભારતે ઈંધણ પાછળ વેડફાતું મૂલ્યવાન વિદેશી હૂંડિયામણ રોકવું હોય તો તેમને આવશ્યકતા છે ઈંધણ પરનો ખર્ચ સંપૂર્ણ રીતે બંધ કરવાની. આને માટે એક રસ્તો છે વીજળીથી સંચાલિત વાહનો, પરંતુ અત્યારે જે વાહનો છે તે પર્યાવરણને હાનિકારક છે, કેમ કે તે બેટરી પર ચાલે છે. ભવિષ્યમાં એવા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ કે રસ્તા પર દોડતાં વાહનો વીજળી પર દોડી શકે અને તેને માટે કેબલ કાર જેવી કે અન્ય કોઈ વ્યવસ્થા વિકસાવી શકાય.’
‘આ બધું અત્યારે સંશોધનના એડવાન્સ તબક્કામાં છે અને કદાચ પહેલો એવો રોડ તૈયાર થવા જઈ રહ્યો છે જે તેના પરથી પસાર થનારા વાહનને ઊર્જા આપશે. અત્યારે સાધારણ આપણા દેશનો ઊર્જા વપરાશ બે લાખ યુનિટ છે, પરંતુ જો બધું વીજળી પર ચલાવવાનું હોય તો ઊર્જાનો વપરાશ ચાર લાખ યુનિટ થવાની તૈયારી હોવી જોઈએ. ચાર લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન કરવા માટે આપણી પાસે વિશાળ ભંડારો જોઈએ. આ ઊર્જા થર્મલ કે સોલાર કે પછી વિન્ડ પાવરથી તૈયાર જ ન થઈ શકે અને તેથી આપણી પાસે ફક્ત એક જ વિકલ્પ છે કે અણુઊર્જા તૈયાર કરવામાં આવે. આટલી બધી વિજળીનું ઉત્પાદન કરવા માટે આપણી પાસે ઈંધણનો સ્રોત હોવો જોઈએ અને તે ફક્ત ચંદ્ર પર ઉપલબ્ધ છે.’
‘આપણે રોજની ચાર લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરશું તો આપણા આખા દેશને વીજળી આપ્યા પછી પણ આપણી પાસે સરપ્લસ વીજળી હશે જેનાથી આપણે દુનિયામાં જ્યાં અંધકાર છે તે વિસ્તારો સુધી વીજળી પહોંચાડીશું. જેવી રીતે અત્યારે નેશનલ ગ્રીડથી આખા દેશને વીજળી પહોંચાડી છે તેવી જ રીતે ઈન્ટરનેશનલ ગ્રીડના માધ્યમથી આફ્રિકા, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, બંગલાદેશ, ઈન્ડોનેશિયા, મલેશિયા, અફઘાનિસ્તાન જેવા દેશના અંધારા ગામ સુધી વીજળી પહોંચાડી શકીશું.’ રંજન કુમાર સડસડાટ બોલ્યે જતા હતા.
તેમને રોકતાં રાજીવ ડોવાલે તરત જ બીજો સવાલ કર્યો કે, ‘ચંદ્ર પર યુરેનિયમ કે થોરિયમ તમે જે કહો છો તે છે, તેનાથી આપણને શો ફાયદો થવાનો છે? તમે ઈંધણ પરના વિદેશી હૂંડિયામણની વાત કરો છો, પરંતુ રોકેટના સોલિડ ઈંધણ પાછળના વિદેશી હૂંડિયામણનું શું? તમારી પાસે કોઈ નક્કર યોજના છે?’
‘સર, આપણી પાસે પોર્ટેબલ થોરિયમ રિફાઈનિંગ પ્લાન્ટ છે અને આવો યુરેનિયમ માટે પણ પોર્ટેબલ પ્લાન્ટ આપણે વિકસાવી શકાશે. મહિનામાં ફક્ત એક જ વખત અમને જોઈતું યુરેનિયમ કે થોરિયમ લાવી આપશે તો આખા દેશને અલ્ટ્રા ફિશન ટેકનોલોજી દ્વારા રોજના ચાર લાખ યુનિટ વીજળી અમે આપી શકીશું,’ રંજન કુમારે આત્મવિશ્ર્વાસ સાથે પોતાની યોજના રજૂ કરી.
‘તમને આ યોજનામાં કોઈની મદદની આવશ્યકતા છે?’ રાજીવ ડોવાલે વડાપ્રધાનની આંખમાં રહેલો પ્રશ્ર્ન રંજનકુમારને કર્યો. (ક્રમશ:)
———
હવે શું?
‘હજી સુધી કેમ રિપોર્ટ તમારા હાથમાં આવ્યો નથી?’ વોલેરન બાઈન અત્યારે કેજીબીના અધિકારીઓ પર ભારે અકળાયા હતા. ‘આપણા કેટલા અન્ડર કવર એજન્ટો અમેરિકામાં અને ભારતમાં છે? કેમ કોઈનો રિપોર્ટ નથી? શું ચાલી રહ્યું છે? બધા જ અત્યંત બેજવાબદાર બની ગયા છો, કોઈ જાતની શરમ નથી.’

 

RELATED ARTICLES

Most Popular