Homeમિશન મૂનમિશન મૂન પ્રકરણ ૬૯

મિશન મૂન પ્રકરણ ૬૯

એક નટ સમુદ્રની ખારી હવાને કારણે કટાઈ ગયો હતો અને ઉડ્ડયન વખતે તૂટી ગયો હતો. આ નાની ભૂલને કારણે આખું અવકાશયાન બરબાદ થઈ ગયું હતું. આને નાની ભૂલો ન કહી શકાય. વાસ્તવમાં આ તો પાપ છે

વિપુલ વૈદ્ય

એક તરફ ચીન અને અમેરિકામાં મિશન મૂનની તૈયારીઓ સામે મોટો અવરોધ ઊભો થયો હતો, ત્યારે બીજી તરફ રશિયાની મિશન મૂનની તૈયારીઓ અત્યંત જોરશોરથી ચાલી રહી હતી. બાઈકાનૂર ખાતેના અવકાશમથક પરથી પહેલા ભારી અવકાશયાનને મોકલવાની તૈયારીઓ ચાલી રહી હતી અને તેને માટે પોર્ટેબલ પ્લાન્ટ આવી ગયા હતા.
ટાવર ઊભો કરી દેવામાં આવ્યો હતો અને તેના પર અવકાશયાનને ગોઠવવાની તૈયારી ચાલી રહી હતી.
અવકાશયાનના બધા જ ભાગોનું ઝીણવટપૂર્વક અધ્યયન ચાલી રહ્યું હતું.
અવકાશવિજ્ઞાની એલેકઝાંડર રૂમાન્ટેસેવ અત્યારે બાઈકાનૂરના સ્પેસ સ્ટેશન પર હાજર હતા અને તેઓ બધા જ ભાગની તપાસ કરી રહ્યા હતા. ક્ધટ્રોલ રૂમમાં બેસીને તેઓ દરેક ભાગના જોડાણ, એક-એક નટબોલ્ટનું જોડાણ અત્યંત ઝીણવટપૂર્વક જોતા હતા તે જોઈને યેવગેની એડામોવે કહ્યું કે ‘આ શું કરી રહ્યા છો?’
‘યેવગેની, તને ખબર છે કે ફાલ્કન-૯ અવકાશયાન તૂટી પડ્યું તેનું કારણ શું હતું?’
‘એક નટ જરાક ઢીલો રહી ગયો હતો અને તે ઉડ્ડયન વખતે નીકળી ગયો હતો તેને કારણે આખું અવકાશયાન તૂટી પડ્યું હતું.’
‘આવી જ રીતે ફાલ્કન-૧એ એલન જસ્ટનું સપનું હતું અને તેના તૂટી પડવાનું કારણ શું હતું તે ખબર છે? એક નટ સમુદ્રની ખારી હવાને કારણે કટાઈ ગયો હતો અને ઉડ્ડયન વખતે તૂટી ગયો હતો. આ નાની ભૂલને કારણે આખું અવકાશયાન બરબાદ થઈ ગયું હતું.’
‘આને નાની ભૂલો ન કહી શકાય વાસ્તવમાં આ તો પાપ છે જેની ભરપાઈ અવકાશયાનને કરવી પડે છે.’
‘અવકાશવિજ્ઞાન ક્ષેત્રમાં એન્જિનિયરિંગ બધા જ પરીક્ષણ, નિષ્ફળતામાંથી શીખીને નવનિર્માણ કરવા માટેની પ્રક્રિયા છે.’
‘અવકાશયાનના સંપૂર્ણ પ્રક્ષેપણ માટે અનેક પ્રયાસો થયા તેમાંથી અનેક નિષ્ફળ ગયા અને પછી હવે આપણે સંપૂર્ણ રીતે પ્રવાહી ઈંધણયુક્ત અવકાશયાનને ભ્રમણકક્ષા સુધી પહોંચાડવામાં સક્ષમ બન્યા છીએ.’
‘આજે તને એક વાત કહું છું, ધ્યાનથી સાંભળ.’
‘ચેલેન્જર અવકાશયાનની હોનારત યાદ છે ને?’
‘આ કિસ્સો તને બધે જાણવા નહીં મળે. ૧૭ જાન્યુઆરી ૧૯૮૬ના દિવસે એલન મેકડોનાલ્ડ જે તે વખતે એક જવાબદાર અધિકારી હતા, તેમની પાસે એક કાગળ સહી કરવા માટે આવ્યો હતો. જેમાં એવું લખ્યું હતું કે ચેલેન્જર ઉડ્ડયન માટે તૈયાર છે. મેકડોનાલ્ડે તેના પર સહી કરી નહોતી, કેમ કે તેની કંપની મોર્ટન થિયોકોલે નાસાને એવી ભલામણ કરી હતી કે તાપમાન ૫૩ ફેરનહીટથી ઓછું હોય તો કોઈપણ શટલને લોન્ચ કરવું નહીં. સ્થાનિક હવામાન ખાતા દ્વારા તાપમાન ૨૫ ફેરનહીટ હોવાનું કહેવામાં આવ્યું હતું આથી તેણે સહી કરી નહોતી.’
‘મેકડોનાલ્ડની ચિંતાનું કારણ હતું એક ઓ-રિંગ જે અન્ય વસ્તુઓની સાથે અંદરના ગેસને સીલ કરવા માટે રોકેટ બૂસ્ટરને વર્તુળાકાર બાંધી રાખે છે. મેકડોનાલ્ડે એવી આગાહી કરી હતી કે આટલા ઓછા તાપમાનમાં લોન્ચ વખતે ઓ-રિંગ નિષ્ફળ જશે અને સંભવત: લોન્ચ પેડ પર જ શટલનો વિસ્ફોટ થઈ જશે.
હવે લોન્ચના દિવસે શું થયું હતું તે કહું?
હા સર, મને જાણવામાં રસ પડ્યો છે, યેવગેનીએ કહ્યું.
તો સાંભળ, જ્યારે લોન્ચનો સમય આવ્યો ત્યારે લોન્ચપેડ પરથી ચેલેન્જર ઊંચું થયું પણ ઊડ્યું નહીં. થોડો સમય માટે તે બૂસ્ટ મેળવવાનો પ્રયાસ કરતું હતું ત્યારે ૩૬ ફેરનહીટનું તાપમાન હતું અને ઓ-રિંગ નિષ્ફળ ગઈ. આ ઉડ્ડયનની રાહ જોઈ રહેલા લોકોએ સીલ તૂટીને તેમાંથી ધુમાડો નીકળતો જોયો. શટલના નક્કર રોકેટ એકસોઝ્ટમાંથી નીકળતા એલ્યુમિનિયમ ઓક્સાઈડ દ્વારા ઓ-રિંગને કારણે થયેલું છિદ્ર થોડો સમય માટે બંધ થઈ જાય છે અને થોડો સમય માટે સંકટ ટળી જાય છે.
નીચેથી આવેલા જેટના ધક્કાને કારણે ચેલેન્જર ઊંચે ઉડે છે, પરંતુ લગભગ એક મિનિટના ઉડ્ડયન બાદ નક્કર રોકેટ બૂસ્ટરમાંથી નીકળતી જ્વાળાઓ ફરી છિદ્રને ખોલી નાખે છે અને નુકસાન ફેલાય છે. એરોડાયનેમિક બળ ટાંકી અને અવકાશયાનને તોડી નાખે છે અને અવકાશયાનમાં બેઠેલા બધા લોકો માર્યા જાય છે.
ચેલેન્જર દુર્ઘટનાનો પાઠ જેટલો સ્પષ્ટ છે તેટલો જ પીડાદાયક છે. રોકેટ જેવા ઉચ્ચ-ચોક્સાઈ ધરાવતાં મશીનો ચોક્કસ વાતાવરણ અને પરિસ્થિતિમાં કામ કરવા માટે ઘડાયેલા હોય છે. આની સાથે જે કેટલીક શરતો છે તેનું પાલન કરવું આવશ્યક છે. શરતો પૂરી કરવામાં નિષ્ફળતાનો અર્થ હોનારતને આમંત્રણ છે.
આના પરથી એક વસ્તુ સમજી લેવી કે જો પરિસ્થિતિઓ આદર્શ ન હોય તો રોકેટ પ્રક્ષેપણ પાછળ ઠેલવું આદર્શ રસ્તો છે.
****
વ્હાઈટ હાઉસમાં અત્યારે જોન લાઈગર ભારે ચિંતા અને ઉચાટમાં બેઠા હતા. તેમની સામે મોનિકા પણ ચિંતામાં ગરકાવ હતી. છેલ્લા કેટલાક સમયથી જે ઘટનાઓ ઘટી રહી હતી તેમાં તેને પોતાનું મહત્ત્વ ઓછું થઈ રહ્યાના સંકેત મળી રહ્યા હોવાથી તે કશું બોલતી નહોતી, પરંતુ અંદરથી ધૂંધવાઈ રહી હતી.
આજકાલ રાષ્ટ્રપતિ કોઈપણ મહત્ત્વની બાબતોમાં મોનિકાને સાથે લેતા નહોતા.
અત્યારે આ ઈંધણની અને ફ્લોરિડામાં લોન્ચની તૈયારીઓ વિશે તેને કોઈ વાત જ કરવામાં આવી નહોતી.
આવી જ રીતે ચીનના મિશન મૂનને ખોરવવા માટે જે કાવતરું ઘડવામાં આવ્યું હતું તેમાં પણ તેને વિશ્ર્વાસમાં લેવામાં આવી નહોતી. આ બધી બાબતોથી તે અત્યારે ગૂંચવાયેલી હતી. અત્યારે બેઠા બેઠા આ બધા વિચારો તેના મનમાં ચાલી રહ્યા હતા એટલી વારમાં સેમ્યુઅલ યંગ આવ્યો.
‘પ્રેસિડેન્ટ સર, આપણા જહાજનું લોકેશન મળી ગયું છે. તેનું જીપીએસ ફેઈલ થઈ ગયું છે. એરફોર્સનાં વિમાનોએ તેને સમુદ્રમાં શોધી કાઢ્યું છે.’
‘ન્યૂ ઝીલેન્ડથી આવતી વખતે તેણે કેપ કેનાવુરલની દિશામાં આગળ વધવા માટે વાયવ્ય દિશામાં આગળ વધવાનું હતું તેને બદલે તેઓ પશ્ર્ચિમ અને પછી નૈઋત્ય દિશામાં આગળ વળી ગયા અને તેને કારણે હવે તેઓ અખાત તરફ આગળ વધી રહ્યા છે.’
‘આ જહાજને હવે મધદરિયે ઊંધું વાળવાનું જોખમ લઈ શકાય એવું નથી.’
‘આ જહાજને હવે આગળ વધવા દઈએ છીએ અને તેને ફ્લોરિડા રાજ્યના સારાસોટા બંદર તરફ વાળવું પડશે.’
‘સારાસોટા બંદર પરથી બધું ફ્યૂઅલ રોડ રસ્તે કેનેડી સ્પેસ સેન્ટર સુધી લઈ જવું પડશે,’ સેમ્યુઅલ યંગે રાષ્ટ્રપતિ જોન લાઈગરને ગુમ થયેલા જહાજની સંપૂર્ણ વિગતો આપી.
‘ઠીક છે, પરંતુ સારાસોટાથી કેનેડી સ્પેસ સેન્ટર સુધીના રસ્તાની ચકાસણી કરી લેજો અને તેમને ગ્રીન કોરિડોર આપજો. વહેલામાં વહેલી તકે ઈંધણ કેનેડી સ્પેસ સેન્ટર સુધી પહોંચવું જોઈએ,’ એવી તાકીદ જોન લાઈગરે કરી. (ક્રમશ:)
———–
હવે શું?
પ્રેસિડેન્ટ સર, આપણાં બંને અવકાશયાન ઉડ્ડયન માટે તૈયાર છે. પહેલાં સમાનવ યાન રવાના કરવું છે કે અમાનવ યાન તે કહી દો એટલે તે પ્રમાણે કામ કરી શકાય, અવકાશવિજ્ઞાની એલેકઝાંડર રૂમાન્ટેસેવે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈનને કહ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular