સમુદ્ર કિનારાની ખારી હવા સતત અવકાશયાનને લાગવાની હતી અને આવી જ રીતે ખારી હવા લાગવાને કારણે એક વખત એલન જસ્ટની કંપનીનું અવકાશયાન તૂટી પડ્યું હતું તે બાબત અત્યારે અનુપ રોયને સતાવી રહી હતી
લેખક – વિપુલ વૈદ્ય
સેન્ટ્રલ વિસ્ટામાં અત્યારે અબ્દુલ કલામ ટાપુ પર ચાલી રહેલી તૈયારીઓની માહિતી આપવામાં આવી રહી હતી અને અનુપ રોય દરેક માહિતીની ઝીણી ઝીણી વિગતો તપાસી રહ્યા હતા. ખાસ કરીને અવકાશયાનના ઉડ્ડયન માટે અણુ ઈંધણ સંચાલિત એન્જિનની માહિતી તેમણે મેળવી હતી. અત્યારે એન્જિન બરાબર ચાલે તે અત્યંત મહત્ત્વની આવશ્યકતા હતી.
અત્યાર સુધીમાં સોલીડ ફ્યૂઅલનો ઉપયોગ કરતી વખતે અને પ્રવાહી ઈંધણનો ઉપયોગ કરતી વખતે નાની-નાની ભૂલમાં મોટી હોનારતો થઈ હતી. આને કારણે આખું અવકાશયાન બ્લાસ્ટ થઈને લોકોના પ્રાણ ગયા હોવાના કિસ્સા નોંધાયેલા હોવાથી અનુપ રોય અત્યારે અત્યંત સાવધાની રાખી રહ્યા હતા. ઈસરો દ્વારા વાપરવામાં આવતું ડર્ટી ફ્યૂઅલ ભલે આખી દુનિયા માટે ડર્ટી હોય, પરંતુ ભારતીય વિજ્ઞાનીઓને આની આદત પડી ગઈ હતી અને તેથી જ તેને સારી પેઠે વાપરી શકતા હતા. છેલ્લાં અનેક વર્ષોમાં આ ફ્યૂઅલ વાપરવાને કારણે ભારતને કોઈ નુકસાનનો સામનો કરવો પડ્યો નહોતો.
આ વખતે ભારત પહેલી વખત અણુ ઈંધણનો ઉપયોગ કરી રહ્યું હતું. જો ઈંધણની ઊર્જાનું નિયંત્રણ બરાબર ન થાય તો હોનારતની શક્યતા રહેલી હતી.
આ બધી બાબતોને ધ્યાનમાં લઈને અત્યારે અનુપ રોય અત્યંત ચોકસાઈપૂર્વક અભ્યાસ કરી રહ્યા હતા.
સમુદ્ર કિનારાની ખારી હવા સતત અવકાશયાનને લાગવાની હતી અને આવી જ રીતે ખારી હવા લાગવાને કારણે એક વખત એલન જસ્ટની કંપનીનું અવકાશયાન તૂટી પડ્યું હતું તે બાબત અત્યારે અનુપ રોયને સતાવી રહી હતી.
અવકાશયાનને લોન્ચ કરવા માટે બાંધવામાં આવેલા લોન્ચ પેડને કાટરોધક પેઈન્ટના બે હાથ વધુ મારવાની સૂચના આપી. ત્યારબાદ અવકાશયાન પર લગાવવામાં આવેલા વાતાવરણ પ્રતિરોધક પેઈન્ટ વિશેની પણ જાણકારી મેળવી.
અવકાશયાન કેટલું તૈયાર થયું છે તેની પણ જાણકારી અનુપ રોયે મેળવી હતી.
****
રંજન કુમાર અત્યારે ભારે દોડાદોડી કરી રહ્યા હતા. એક તરફ અબ્દુલ કલામ ટાપુ પર રામ શર્મા અને તેની ટીમે અવકાશયાનને આખરી સ્વરૂપ આપ્યું હતું ત્યારે બીજી તરફ ટાપુના એન્જિનિયરોએ લોન્ચ પેડનો ટાવર ઊભો કરી નાખ્યો હતો. અનુપ રોયની સૂચનાને ધ્યાનમાં રાખીને લોન્ચ પેડ પર લાગેલા બધા જ ક્લેમ્પ ખોલ-બંધ કરીને ચકાસી લેવામાં આવ્યા હતા. રંજન કુમારે પોતાની સામે વધુ એક વખત ક્લેમ્પનું પરીક્ષણ કરાવ્યું અને ખાતરી કરી કે ચારેય ક્લેમ્પ એક સાથે ખૂલે.
અવકાશયાન પર લગાવવામાં આવેલા વાતાવરણ પ્રતિરોધક પેઈન્ટની જાડાઈ વિશેની જાણકારી જાતે હાજર રહીને મેળવી અને આખા અવકાશયાન પર પેઈન્ટનું કોટિંગ એકસરખું હોય તે સુનિશ્ર્ચિત કરવા જણાવ્યું.
ત્યાંથી રંજન કુમાર વિક્રમ પાસે પહોંચ્યા.
વિક્રમ, તારું એન્જિનનું કામ પતી ગયું? રંજન કુમારે પૂછ્યું.
સર, આમ તો બધું કામ પતી ગયું છે, પરંતુ હજી એક વખત હું તેની ચકાસણી કરી રહ્યો છું, વિક્રમે કહ્યું.
આજની સાંજ પહેલાં બધું ચોક્સાઈપૂર્વક તૈયાર કરી લેજે, રાતે તેને અવકાશયાનમાં ફિટ કરવાનું છે. આવતીકાલે તો ડ્રેસ રિહર્સલ છે, રંજન કુમારે તાકીદ કરી.
રામ, અવકાશયાનમાં એન્જિનના ફિટિંગ માટે કેટલા લોકોની આવશ્યકતા પડશે? રંજન કુમારે હવે રામને સવાલ કર્યો.
સર, અમારી ટીમ અત્યારે તૈયાર છે. જેવું એન્જિનની લીલી ઝંડી મળશે એટલે તરત જ તેનું ફિટિંગ કરી નાખવામાં આવશે. વધુમાં વધુ પાંચ કલાકમાં તમારું કામ પૂર્ણ થઈ જશે, રામ શર્માએ રંજન કુમારને જવાબ આપ્યો.
અહીંથી સંતોષકારક જવાબ મળ્યા બાદ રંજન કુમાર દોડીને અનુપમ પાસે પહોંચ્યા.
અનુપમ, તારા જનરેટર, ટ્રાન્સમીટર, મેટલ પ્લેટ, યુવી લાઈટ ડિસ્પેન્સર વગેરે યાનમાં ચડી ગયા?
હા સર, હમણાં જ અવકાશયાનમાં ચડાવીને આવ્યો છું.
સરસ, આટલું બોલીને રંજન કુમાર ત્યાંથી શ્રુતિ પાસે પહોંચ્યા.
શ્રુતિ, તારા શુદ્ધીકરણ અને સંવર્ધનના પ્લાન્ટની શું સ્થિતિ છે?
સર મારા ચારેય પ્લાન્ટને ટેસ્ટિંગ કર્યા પછી અવકાશયાનમાં ચડાવી દીધા છે.
મારા પ્લાન્ટનું વજન વધુ હોવાથી તેને નીચે રાખ્યા છે અને અનુપમના ઉપકરણો હળવા હોવાથી તેને ઉપર રાખ્યા છે, શ્રુતિએ કહ્યું.
પેકિંગનું શું કર્યું છે? આ ઉપકરણો અવકાશમાં પહોંચવા પહેલાં બગડવા ન જોઈએ, રંજન કુમારે તાકીદ કરી અને તરત જ અમોલ પાઠક પાસે પહોંચ્યા. તારા મશીનોની હાલત શું છે? બધાની ચકાસણી કરીને ચડાવી દીધા?
હા સર, બધા મશીનો ચડાવી દીધા છે, ચકાસણી કરીને. પેકિંગ પણ બરાબર કર્યું છે, અમોલ પાઠકે સમજીને પૂરો જવાબ આપી દીધો.
****
એક તરફ અબ્દુલ કલામ ટાપુ પર મિશન મૂનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી ત્યારે બીજી તરફ અમેરિકામાં વાતાવરણ અત્યંત ગંભીર હતું.
વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ જોન લાઈગર ચિંતામાં હતા. તેની સામે ઉપરાષ્ટ્રપતિ મોનિકા હેરિસ બેઠા હતા. એક તરફ સેમ્યુઅલ યંગ અને બીજી તરફ નાસાના વિજ્ઞાની જોન સ્વીપર ઊભો હતો.
‘આવું કેવી રીતે થઈ શકે?’
‘પ્રેસિડેન્ટ સર, શું કેવી રીતે થઈ શકે?,’ સેમ્યુઅલ યંગે સવાલ કર્યો.
‘આપણા મિશન મૂન માટેનું ઈંધણ ક્યારે પહોંચવાનું હતું?,’ જોન લાઈગરે પૂછ્યું.
‘સર, આજે સવારે જ પહોંચી જવાનું હતું,’ સેમ્યુઅલે જવાબ આપ્યો.
‘અત્યારે રાત પડી ગઈ, હજી સુધી ઈંધણ પહોંચ્યું નથી.’
‘જે ક્ધટેનરમાં આ કેમિકલ ફ્યૂઅલ આવી રહ્યું હતું તે ક્ધટેનર પણ સંપર્ક ગુમાવી બેઠું છે.’
‘અત્યાર સુધીના ઘટનાક્રમને ધ્યાનમાં લેવામાં આવે તો આ એક ચોક્કસ રીતે આપણા મિશન મૂનને ખોરવી નાખવાનું કાવતરૂં લાગી રહ્યું છે,’ જોન લાઈગરે પોતાની આશંકા વ્યક્ત કરી.
‘સર, સમુદ્ર માર્ગમાં આવું થયા કરતું હોય છે એકાદ દિવસનો વિલંબ મોટો ન કહેવાય.’
‘શક્ય છે કે તેમના હોકાયંત્રમાં કશી ગડબડ થઈ હોય અથવા તેઓ તોફાનમાં સપડાઈ ગયા હોય એટલે ઊભા રહી ગયા હોય. સમુદ્રમાં પાકી દિશા મળતી નથી, પણ એકાદ દિવસમાં તેઓ પહોંચી જશે,’ સેમ્યુઅલ યંગે આશાવાદ વ્યક્ત કર્યો.
****
રશિયાના ડુમા હાઉસમાં અત્યારે વેલેરી રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈનને પોતાની કાર્યસિદ્ધિનો અહેવાલ આપી રહ્યો હતો.
‘સર, ન્યૂ ઝીલેન્ડથી ફ્લોરિડા જનારા કેમિકલ ફ્યૂઅલ ભરેલા ક્ધટેનરને માર્ગ ભટકાવી દેવામાં આવ્યો છે. હવે તે કેપ કેનાવુરલ ક્યારેય નહીં પહોંચે. તેને અન્ય રસ્તે ચડાવી દેવામાં આવ્યું છે, ’ વેલેરીએ કહ્યું.
આમાં આટલા ઉત્સાહિત થવાની આવશ્યકતા નથી. અત્યારે તે ફક્ત ચાર દિવસનો વિલંબ કર્યો છે, પરંતુ મિશન મૂન પડતું મૂકાયું નથી.
આપણા મિશન મૂનની વિગતો લઈ આવો, વોલેરન બાઈને જે રીતે આ વાત કહી તેના પરથી વેલેરીનો બધો જ જુસ્સો ઓગળી ગયો. તેને લાગ્યું કે કોઈ અન્ય ગંભીર બાબત છે જેને લઈને પ્રૅસિડેન્ટ ગુસ્સામાં લાગે છે. (ક્રમશ:)
———-
હવે શું?
આપણું કેમિકલ ફ્યૂઅલ હજી સુધી કેમ ગોબી ડેઝર્ટ પર પહોંચ્યું નથી? અત્યારે આપણી પાસે સમય નથી ત્યારે આવી ગંભીર ભૂલ તમે કેમ કરી શકો છો? વહેલામાં વહેલી તકે ખબર કાઢો કે તે વિશાળ ક્ધટેનર કેમિકલ ફ્યૂઅલ લઈને ક્યાં ગયું, ચીનના રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગ અત્યારે ગુસ્સામાં રાતાપીળા થઈ રહ્યા હતા