‘ચંદ્રની સપાટી પર અમુક પ્રકારની વનસ્પતિ ઉગાડવામાં સફળતા મળી શકે છે તે બાબતે મીના તારે પ્રયોગ કરવાના છે. આ બધાની ખાવા-પીવાની વ્યવસ્થા તારે સંભાળવાની છે અત્યારે તને ૧૫ દિવસનો સ્ટોક સાથે આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તારે વીજળીના ઉત્પાદનની જવાબદારી પણ સંભાળવાની છે,’ રંજન કુમારે કહ્યું
વિપુલ વૈદ્ય
ઓરિસાના સમુદ્રકિનારા પર વસેલા અબ્દુલ કલામ ટાપુ પર અત્યારે વાતાવરણ અત્યંત રમણીય હતું. એક તરફ સુંદર હરિયાળી અને બીજી તરફ ઘુઘવતો સમુદ્ર જોઈને અનુપમનું મન પ્રફુલ્લિત થઈ ગયું, અત્યારે તેને પોતાના વતનની યાદ આવી રહી હતી અને નદી કિનારે બેસીને જે રીતે વાંસળી વગાડતો હતો તેવી રીતે વાંસળી વગાડવાની ઈચ્છા થઈ રહી હતી, પરંતુ અત્યારે તે શક્ય નહોતું.
અત્યારે મિશન મૂનની તૈયારી જોરશોરથી ચાલી રહી હતી. સામાન્ય દિવસોમાં દૈવી વાતાવરણનો અનુભવ થાય એવી શાંતિ ધરાવતા ટાપુમાં અત્યારે ભારે ધમાલ હતી. હેલિકોપ્ટરો ઉતરી રહ્યા હતા. મોટા મોટા મશીનો ઉતારવામાં આવી રહ્યા હતા.
બીજી તરફ અવકાશયાનના ઉડ્ડયન માટેની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો હતો. વિવિધ માળખાં ઊભા કરવામાં આવી રહ્યા હતા. એક તરફ એન્જિનિયરો અને વિજ્ઞાનીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા અને બીજી તરફ કામગારો અલગ અલગ કામમાં વ્યસ્ત હતા. કોઈ વેલ્ડિંગ
કરી રહ્યું હતું. કોઈ ફિટીંગ કરી રહ્યું હતું.
કોઈ તૈયાર થયેલી ચેનલને ઊભી કરવાનું કામ કરી રહ્યા હતા. બીજા કેટલાક લોકો અહીં ત્યાંથી સામાનની હેરફેર કરી રહ્યા હતા. ચારે
તરફ ભાગદોડ અને ધમાલ ચાલી રહી હતી. મોટા મોટા અવાજો થઈ રહ્યા હતા.
આ બધાની વચ્ચે રંજન કુમારે પોતાની સાથેના બધા જ વિજ્ઞાનીને બોલાવ્યા અને હવે તેઓ બધાની ભૂમિકા સ્પષ્ટ કરવાના હતા.
વિજ્ઞાનીઓ સાથે ચર્ચા કરવા માટે સરકારી ગેસ્ટ હાઉસ મળ્યું હતું, માંડ ૧૫૦ ફૂટનો હોલ હતો, જેમાં કોઈ ખાસ વ્યવસ્થા નહોતી. સેન્ટ્રલ વિસ્ટાની ભવ્યતા અહીં ક્યાંય નજર આવતી નહોતી. પ્લાસ્ટિકની ખુરશીઓ અને પ્લાસ્ટિકના ટેબલ પર ટેબલક્લોથ નાખીને તૈયાર કરાયેલું ટેબલ હતું. એસીની તો વાત જ જવા દો, ઉપર પંખો પણ ડોલતો ડોલતો ફરી રહ્યો હતો.
જોકે, આ બધી બાબતો જોવા અને તેના પર વિચારવા માટે કોઈની પાસે સમય નહોતો.
રંજન કુમારે કહ્યું, ‘અનુપમ, ચંદ્ર પર તારું એક સૌથી મોટું અને મહત્ત્વનું એક જ કામ છે. તારે ચંદ્ર પર તૈયાર કરવામાં આવેલી વીજળીને પૃથ્વી સુધી એટલે કે શ્રુંગમણિ હિલ સુધી પહોંચાડવાની છે. તમને ચંદ્ર પરથી સતત શ્રુંગમણિ હિલ પર વીજળી પહોંચાડવા માટે યોગ્ય દિશા નહીં મળે કેમ કે ચંદ્ર સતત બે ધરી પર ફરતો રહે છે.
જનરેટરમાં વીજળી લઈને તમારે પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થિર થઈને સતત મોકલવાની રહેશે. આને માટે તમારે કદાચ બે જનરેટરની આવશ્યકતા પડશે. એક લાવીને ખાલી કરીને પાછું ચંદ્ર પર પહોંચાડવાનું અને ત્યાંથી બીજું લાવીને ફરી વીજળી મોકલવાની. આવી રીતે તમને ભ્રમણકક્ષામાં સ્થિર થવાનું સગવડપૂર્ણ બની રહે તે માટે જ આપણે વિમાન જેવી ડિઝાઈન તૈયાર કરી છે, બરાબર.’
‘વિક્રમ તારું કામ છે ચંદ્ર પરથી આપણું અવકાશયાન જેટલી વખત અવરજવર કરે તેટલી વખત ત્યાં જ શુદ્ધ કરેલા યુરેનિયમનો ઉપયોગ કરીને તેને ચાલતું રાખવાનું. આ ઉપરાંત તારે આવશ્યક જણાતું હોય તો અણુ ઊર્જા પર ચાલી શકે એવું સ્પેર એન્જિન તૈયાર કરી રાખજે જેથી કરીને ક્યારેય કામ અટકે નહીં,’ રંજન કુમારે કહ્યું.
‘ચંદ્રની સપાટી પર અમુક પ્રકારની વનસ્પતિ ઉગાડવામાં સફળતા મળી શકે છે તે બાબતે મીના તારે પ્રયોગ કરવાના છે. આ બધાની ખાવા-પીવાની વ્યવસ્થા તારે સંભાળવાની છે અત્યારે તને ૧૫ દિવસનો સ્ટોક સાથે આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તારે વીજળીના ઉત્પાદનની જવાબદારી પણ સંભાળવાની છે,’ રંજન કુમારે કહ્યું.
‘અમોલ, તારે ચંદ્ર પર યુરેનિયમના શુદ્ધીકરણ અને સંવર્ધનની જવાબદારી સંભાળવાની છે. ધ્યાનમાં રાખજે, તારા પર જ બાકીના બધા લોકોની કામગીરી આધાર રાખે છે. તું જેટલું સારું અને સમૃદ્ધ યુરેનિયમ આપશે એટલું સારું કામ બાકીના લોકો કરી શકશે,’ રંજન કુમારે કહ્યું.
‘શ્રુતિ, તારી જવાબદારી છે કે અમોલ જે યુરેનિયમ આપે તેને વીજળીમાં રૂપાંતરિત કરીને આપવાની. પ્લાન્ટના સંચાલનમાં તને જોઈતી મદદ માટે આસિસ્ટન્ટ આપવામાં આવ્યા છે. જ્યાં જરૂર પડે ત્યાં તું મીનાની મદદ માગી શકશે. મીના બેવડી જવાબદારી સ્વીકારવાની છે, રંજન કુમાર બોલ્યા.
તમારે અત્યારે ફક્ત એક મહિના માટે જ ચંદ્ર પર જવાનું છે, ત્યારપછી તમને પાછા બોલાવી લેવામાં આવશે અને બીજી ટીમને ચંદ્ર પર મોકલવામાં આવશે.
પંદર દિવસમાં તમારું સેટ-અપ થઈ જાય અને વીજળી મળવાનું ચાલુ થઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ, રંજન કુમારે કહ્યું.
****
રશિયાના મુખ્યાલયમાં અત્યારે રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈન અને તેમની સામે તેમનો વિશ્ર્વાસુ વેલેરી ગેરાસિમોવ હતા.
‘પ્રેસિડેન્ટ સર, અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર પર મોટી હલચલ જોવા મળી રહી છે.’
‘મને લાગે છે કે મિશન મૂનનું લોન્ચ એ લોકો કેનેડી સ્પેસ સેન્ટર પરથી કરવા માગે છે,’ વેલેરીએ પોતાની પાસે રહેલી માહિતી આપી.
‘એ કેવી રીતે શક્ય છે? અત્યારે કેનેડી સ્પેસ સેન્ટર જવાનો કોઈ રસ્તો જ નથી. બધા રસ્તા તો હિમપ્રપાતને કારણે બંધ છે,’ વોલેરન બાઈને આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું.
‘સર, સી-૧૭ કારગો પ્લેનમાં બધા મશીનો કેનેડી સ્પેસ સેન્ટર પર લઈ જવામાં આવી રહ્યા છે.’
‘કોલોરાડોમાં મિશન મૂનનું આખું ડ્રેસ રિહર્સલ કરી નાખવામાં આવ્યું છે એવી માહિતી આપણા સૂત્રો પાસેથી મળી છે,’ વેલેરીએ કહ્યું.
‘તેમની પાસે કેમિકલ ફ્યૂઅલ ક્યાંથી આવ્યું?,’ રાષ્ટ્રપ્રમુખે ફરી સવાલ કર્યો.
‘સર, ન્યૂ ઝીલેન્ડ અને કેનેડાએ તેમને મદદ કરી છે અને આ ઈંધણ તો હજી મધદરિયે છે.’
‘બે દિવસમાં પહોંચવાની આશાએ તૈયારી ચાલી રહી છે,’ વેલેરીએ કહ્યું.
‘સી-૧૭ કારગો પ્લેનમાં મિશન મૂનની મશીનરી કેનેડી સ્પેસ સેન્ટર પહોંચી રહી છે, તેને કોઈ રીતે રોકવાનો રસ્તો છે તારી પાસે?’ વોલેરન બાઈને વેલેરીને સવાલ કર્યો.
‘સર, રસ્તો તો છે પણ આપણે ખુલ્લા પડી જશું તો સારું નહીં લાગે.’
‘કારગો પ્લેનને અકસ્માત થશે તો પણ પહેલી શંકા આપણા પર જ જવાની છે.’
‘આના કરતાં અત્યારે આપણે કશું જ કર્યા વગર તાલ જોયા કરીએ એવું મને લાગી રહ્યું છે,’ વેલેરીએ પોતાનો મત વ્યક્ત કર્યો.
‘અચ્છા આપણા મિશન મૂનની તૈયારી ક્યાં સુધી પહોંચી છે,’ વોલેરન બાઈને સવાલ કર્યો.
‘સર, આપણા બે અવકાશયાન તૈયાર છે. પહેલું અવકાશયાન બાબાકીન સ્પેસ સેન્ટર ખાતેથી રવાના કરવામાં આવશે અને બીજું અવકાશયાન બાઈકોનુર ખાતેના સ્પેસ સેન્ટરમાંથી રવાના કરવામાં
આવશે. પહેલા અવકાશયાનમાં વિજ્ઞાનીઓ અને તેમના ખાવાપીવાના સામાનને મોકલવામાં આવી રહ્યો છે અને બીજામાં મશીનરી મોકલવામાં આવી રહી છે,’ વેલેરીએ માહિતી આપી. (ક્રમશ:)
——-
હવે શું?
‘કોમરેડ સર, મને એક વિચાર આવ્યો છે. સી-૧૭ પર સીધો હુમલો નહીં કરી શકાય, પરંતુ તેમના ઈંધણને સમુદ્રમાં રોકી પાડીએ તો પણ તેમનું મિશન મૂન આપણી સાથે લોન્ચ નહીં થઈ શકે,’ વેલેરી ગેરાસિમોવે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈન સામે પોતાની યોજના રજૂ કરી