નાસાના કેનેડી સ્પેસ સેન્ટરમાં લોકહીડ માર્ટીન અને બોઈંગ કંપનીના કેટલાક એન્જિનિયરો અને કામગારો હાજર હતા. અત્યારે બધાએ બની સુટ પહેર્યા હતા. બધા અત્યારે ડ્રેસ રિહર્સલની તૈયારી કરી રહ્યા હતા
વિપુલ વૈદ્ય
વ્હાઈટ હાઉસમાં અત્યારે રાષ્ટ્ર પ્રમુખ જોન લાઈગરે બોલાવેલી મહત્ત્વની બેઠક ચાલી રહી હતી. લાઈગરની સાથે ઉપ-રાષ્ટ્રપતિ મોનિકા હેરિસ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સેમ્યુઅલ યંગ તેમ જ નાસાના વિજ્ઞાની જોન સ્વીપર ઊભા હતા. અણુશસ્ત્રો બનાવનારી ચાર કંપનીના પ્રતિનિધિઓ તેમની સામે ઊભા હતા અને અત્યારે લાઈગર તેમને સવાલ કરી રહ્યા હતા કે ‘અમેરિકાના એટલે કે નાસાના મિશન મૂન પ્રોજેક્ટમાં તેમના તરફથી અપેક્ષિત તૈયારીઓ હજી સુધી કેમ થઈ નથી.’
‘પ્રેસિડેન્ટ સર, તમે જાણો છો તે મુજબ આખી દુનિયામાં કેમિકલ ફ્યૂઅલની તીવ્ર તંગી નિર્માણ થઈ હતી. વિયેતનામ, કોરિયા કે પછી ચીનમાંથી કેમિકલ ફ્યૂઅલ મળવાની બિલકુલ શક્યતા નહોતી.’
‘આપણો બધો મદાર ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂ ઝીલેન્ડ અને યુક્રેન પર હતો. યુક્રેન તરફથી કોઈ સાથ મળ્યો નથી અને તેઓ અત્યારે આપણને ઈંધણ પૂરું પાડી શકે એવી શક્યતા નથી, પરંતુ કેનેડા અને ન્યૂ ઝીલેન્ડમાંથી આપણને જોઈતો સહકાર મળ્યો છે.’
‘અમે ચારેય કંપનીઓએ મળીને સંયુક્ત રીતે કેમિકલ ફ્યૂઅલ એકઠું કરવા માટે પ્રયાસો કર્યા હતા અને આપણને જોઈતી ગુણવત્તાનું અને જોઈતા પ્રમાણમાં કેમિકલ ફ્યૂઅલ ઉપલબ્ધ થઈ ગયું છે.’
‘એક મોટા ક્ધટેનરમાં આ ઈંધણ આવી રહ્યું છે. અત્યારે આ જહાજ મધદરિયે છે અને આવતીકાલ સુધીમાં તે પહોંચી જશે. આની સાથે જ અમારા તરફથી જે આર્થિક સહકારની વાત હતી તે પણ આવતીકાલે ફાઈનલ થઈ જશે,’ લોકહીડ માર્ટીન કંપનીના મિ. માર્ટીને રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગરને ખાતરી આપી.
****
વિક્રમ નાણાવટીએ અવકાશયાનના એન્જિનનો આખો નકશો તૈયાર કર્યો અને પોતાની પાસે રહેલું અણુસબમરીનનું એન્જિન સાથે લીધું અને ત્યાંથી તરત જ અબ્દુલ કલામ ટાપુ માટે રવાના થવાની તૈયારીઓ આદરી. બીજી તરફ રામ શર્મા અને તેમની સાથે ડીઆરડીઓની ટીમે અવકાશયાન તૈયાર કરવા માટેની સામગ્રી તાકીદના ધોરણે અબ્દુલ કલામ ટાપુ પર મોકલવામાં આવી.
બીજી તરફ રોસ હિલ પરના જનરેટર અને ટ્રાન્સમીટર સહિતનાં બધાં જ ઉપકરણોને તત્કાળ ભારતીય લશ્કરના જંગી હેલિકોપ્ટરમાં લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી. આ જ હેલિકોપ્ટરમાં અનુપમ વૈદ્ય અને તેની આખી ટીમને પણ અબ્દુલ કલામ ટાપુ પર પહોંચવાનું હતું.
દિલ્હીથી બધા વિજ્ઞાનીઓને લઈ જવા માટે તાકીદે વ્યવસ્થા કરવામાં આવી હતી. ફક્ત અનુપ રોય સેન્ટ્રલ વિસ્ટામાં રહેવાના હતા અને બધા જ વિજ્ઞાનીઓને અબ્દુલ કલામ ટાપુ પર જવાનું હતું. આદેશ રાજપાલ અને રાજેશ તિવારીને વિજ્ઞાનીઓની સગવડ સાચવવાના નામ હેઠળ સાથે બેસાડી દેવામાં આવ્યા. રાજેશ તિવારીએ પોતાની સાથે જાસૂસીના અનેક ઉપકરણો પણ લઈ લીધા.
****
ચીનમાં અત્યારે વિજ્ઞાનીઓમાં ભારે તણાવનું વાતાવરણ હતું. અચાનક તેમને મિશન મૂનનું કાઉન્ટડાઉન ચાલુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
અવકાશવિજ્ઞાની વાંગ ચાંગ તાકીદે ગોબી રણમાં પહોંચી ગયા. અહીંથી ચીનના અવકાશયાનના ઉડ્ડયન માટેની વ્યવસ્થા કરવાની હતી. આને માટે ઘણી તૈયારીઓ કરવાની હતી અને તેને માટે વાંગ ચાંગને માથે તેની જવાબદારી હતી.
બીજી તરફ અણુવિજ્ઞાની ઝાંગ યાંગ બાઉટાઉ દોડ્યા. યુરેનિયમના શુદ્ધીકરણ અને સંવર્ધન માટેના પ્લાન્ટ અહીં તૈયાર થયા કે નહીં તેની ચકાસણી કરવાની હતી. લાન્ઝાઉના પ્લાન્ટમાં તો આગ લાગી ગઈ હતી અને તોડફોડ થઈ હતી એટલે તેની કોઈ અપેક્ષા હતી નહીં.
વાંગ ચાંગે ગોબી રણ માટે રવાના થવા પહેલાં સીપીસીના વાઈસ-પ્રેસિડેન્ટ ઝાંગ યુઓઆની મુલાકાત કરી હતી અને તેમને કહ્યું હતું કે અવકાશયાન માટેના કેમિકલ ફ્યૂઅલની વ્યવસ્થા વહેલામાં વહેલી તકે કરવામાં આવે. ઝાંગ યુઓઆએ તેમને ખાતરી આપી હતી કે ‘ગોબીના રણમાં જોઈતું કેમિકલ ફ્યૂઅલ ૪૮ કલાકમાં પહોંચી જશે.’
ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ હ્યુ રેન્યુ પોતાની ઓફિસમાં શાંતિથી વિચારમાં ડૂબેલા હતા અને તેમણે તરત જ સ્પેસ સ્ટેશનમાં રહેલી વિજ્ઞાનીઓની ટીમ સાથે સંપર્ક કરવાની માગણી કરી. સીપીસીના વાઈસ-પ્રેસિડેન્ટ ઝૂ કિલાંગ દોડીને આવ્યા અને તેમણે હ્યુ રેન્યુની કચેરીમાં સેટેલાઈટ ફોનની વ્યવસ્થા કરાવી આપી.
હ્યુ રેન્યુએ સ્પેસ સ્ટેશનમાં રહેલા વિજ્ઞાનીઓ સાથે વાત કરી અને ત્યાં રહેલા વિજ્ઞાનીઓમાંથી કેટલા લોકો અવકાશયાનમાં જનારા વાંગ ગાનચાંગ, યાંગ જિયાચી, ચેન ફેંગ્યુનને ઓળખે છે તેની માહિતી મેળવી. પછી તેમને કેટલીક સૂચનાઓ આપી.
ચંદ્ર પર લઈ જવામાં આવનારા અવકાશયાનની તૈયારીઓ પૂરી થઈ રહી હતી. ડુઆંગઝાંગમાં મિશન મૂન માટેના અવકાશયાનનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. આના બધા ભાગો અત્યારે એક મોટા ક્ધટેનરમાં રણ વિસ્તારમાં લઈ જવામાં આવી રહ્યા હતા અને આ ભાગ પહોંચ્યા બાદ તેને ૧૨ કલાકમાં ફીટ કરીને અવકાશયાન તૈયાર કરવાનું હતું. તેને માટે ૧૫૦ લોકોની ટીમ ગોબી રણમાં તૈયાર રાખવામાં આવી હતી.
અવકાશયાનનો સૌથી મહત્ત્વનો તબક્કો એસેમ્બલી, પરીક્ષણ અને પ્રક્ષેપણની કામગીરીનો હોય છે. સામાન્ય રીતે આ બધાને માટે બે-ત્રણ મહિનાનો સમય લાગતો હોય છે, પરંતુ અત્યારે આટલો સમય હતો નહીં.
અત્યારે ગોબી ડેઝર્ટમાં ઈલેક્ટ્રોનિક્સ, સોફ્ટવેર અને સિસ્ટમ્સ પરીક્ષણ માટેની તૈયારીઓ થઈ ગઈ હતી.
મિશન મૂનનું ડ્રાય રન સફળ નીવડ્યું હોવાનું વાંગને કહેવામાં આવ્યું હતું, પરંતુ હવે વાસ્તવિક અવકાશયાન આવી રહ્યું હતું અને તેની સાથે આટલી જ સફળતા સાધ્ય થાય તે આવશ્યક હતું.
અવકાશયાનને ડુઆંગઝાંગમાં તૈયાર કરીને એક વખત તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે ઉડવા માટે સક્ષમ હોવાનું પ્રમાણપત્ર મળ્યા બાદ ફરી છૂટું પાડી દેવામાં આવ્યું હતું.
એક તરફ અવકાશયાન આવી રહ્યું હતું અને બીજી બાજુથી ઈંધણ આવી રહ્યું હતું. આવી સ્થિતિમાં અહીં બેસીને શું કરી શકાય એવો વિચાર વાંગ કરી રહ્યો હતો ત્યાં જ અચાનક તેના મનમાં એક વિચાર આવ્યો કે હ્યુ રેન્યુ સાથે વાત કેમ ન કરી લઉં.
****
અમેરિકામાં પણ મિશન મૂનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. કોલોરાડોના લિટલટનમાં લોકહીડ માર્ટીનના પ્લાન્ટમાં એન્જિનિયરો અને ટેક્નિશિયનો મિશન મૂન માટે તૈયાર કરવામાં આવેલા અવકાશયાનનું નિરીક્ષણ કરી રહ્યા હતા મિશન માર્સ માટે તૈયાર કરવામાં આવેલા અવકાશયાન સાથે અત્યારની ડિઝાઈનને સરખાવી રહ્યા હતા.
અવકાશયાન તેમને યોગ્ય લાગતાં આખું છૂટું પાડી દેવામાં આવ્યું અને તેના ભાગો ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટર ખાતે લઈ જવાનું હતું. અત્યારે આ ભાગને લઈ જવાનું સરળ જણાતું નહોતું. ભારે બરફનું તોફાન આવ્યું હોવાથી અત્યારે રોડ માર્ગે લઈ જવાનું મુશ્કેલ લાગી રહ્યું હતું ત્યારે જ બરાબર અમેરિકાના મિલિટરીના સી-૧૭ વિશાળ કારગો પ્લેનને બોલાવવામાં આવ્યું હતું.
એક વિશાળ વ્હેલના ખૂલ્લા મોંની યાદ અપાવે એવા વિશાળ સી-૧૭ના મૂખમાંથી એક પછી એક મશીનરી અંદર મોકલવામાં આવી રહી હતી. નાસાના કેનેડી સ્પેસ સેન્ટરમાં પણ લોકહીડ માર્ટીન અને બોઈંગ કંપનીના કેટલાક એન્જિનિયરો અને કામગારો હાજર હતા. અત્યારે બધાએ બની સુટ પહેર્યા હતા. બધા અત્યારે ડ્રેસ રિહર્સલની તૈયારી કરી રહ્યા હતા. (ક્રમશ:)
———-
હવે શું?
અમેરિકાનું મિશન મૂન અવકાશયાન સી-૧૭ કાર્ગો પ્લેનમાં કેનેડી સ્પેસ સેન્ટર જઈ રહ્યું છે, તેને રોકવાનો કોઈ રસ્તો છે તારી પાસે? રશિયન રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈને પોતાના ખાસ વિશ્ર્વાસુ વેલેરી ગેરાસિમોવને સવાલ કર્યો