Homeમિશન મૂનમિશન મૂન

મિશન મૂન

– વિપુલ વૈદ્ય

પ્રકરણ-૬૨

રોસ હિલ પરથી તાકીદે વિશાખાપટ્ટનમમાં મોકલવામાં આવેલી લૈલાએ વિક્રમ નાણાવટી સામે જોયું તો તેની હાલત બે દિવસમાં ૧૦ વર્ષ વધી ગયાં હોય એવી થઈ ગઈ હતી. તે ભારે ચિંતામાં જોવા મળી રહ્યો હતો

અમેરિકાએ મિશન મૂન પ્રોજેક્ટનું કાઉન્ટડાઉન ચાલુ કરવાને લીલી ઝંડી દાખવી દીધી હોવાના સમાચાર ચીનમાં પહોંચી ગયા હતા અને તેથી તાકીદે રાષ્ટ્ર પ્રમુખ લ્યાન ઝિન પિંગે બધાની બેઠક બોલાવી હતી.
‘આપણા મિશન મૂનની તૈયારી ક્યાં સુધી પહોંચી છે?’
‘તેને લોન્ચ કરવા માટે કેટલા દિવસ લાગશે?’
‘અમેરિકાએ કાઉન્ટડાઉન ચાલુ કરી નાખ્યું છે અને તેમને બરાબર ૨૧ દિવસ લાગશે અવકાશયાન મોકલવા માટે.’
‘આપણે કેટલો સમય લાગશે?’ લ્યાન ઝિન પિંગના ઈશારે ઝૂ કિલાંગે હાજર વિજ્ઞાનીઓને સવાલ કર્યા.
‘આપણી ટીમ તૈયાર છે અને તમે કહો ત્યારે આપણે ટીમને રવાના કરી શકીએ છીએ.’
‘આપણા સ્પેસ સ્ટેશનથી એક જ દિવસમાં આપણી ટીમ ચંદ્ર પર પહોંચી જશે. આપણી પાસે અત્યારે ઈંધણની અછત છે, પરંતુ આપણી ટીમ ચંદ્ર પર પોતાનું કામ કરશે ત્યાં સુધીમાં આપણુું બીજું અવકાશયાન વધારાનું ઈંધણ લઈને ત્યાં પહોંચી શકે છે.’
‘આપણે પણ કાઉન્ટડાઉન ચાલુ કરી દઈએ તો ૨૧ દિવસમાં અવકાશયાનને રવાના કરી દેવાશે. ત્યાં સુધી સ્પેસ સ્ટેશનમાંથી આપણા વિજ્ઞાનીઓ જઈને ચંદ્ર પર કબજો જમાવી શકશે,’ સૌથી સિનિયર વિજ્ઞાની હ્યુ રેન્યુએ જવાબ આપ્યો.
તેમના જવાબ બાદ લ્યાન ઝિન પિંગે અવકાશવિજ્ઞાની વાંગ ચાંગ સામે જોયું તો તેમણે પણ હકારાત્મક માથું ધુણાવ્યું.
‘તો નક્કી થઈ ગયું, આપણું મિશન મૂન શરૂ થઈ જાય છે આવતીકાલથી જ કાઉન્ટડાઉન ચાલુ કરી નાખો,’ લ્યાન ઝિન પિંગે કહ્યું.
****
રોસ હિલ પરથી તાકીદે વિશાખાપટ્ટનમમાં મોકલવામાં આવેલી લૈલાએ વિક્રમ નાણાવટી સામે જોયું તો તેની હાલત બે દિવસમાં ૧૦ વર્ષ વધી ગયા હોય એવી થઈ ગઈ હતી. ભારે ચિંતામાં જોવા મળી રહ્યો હતો.
‘શું થયું?’ લૈલાએ સવાલ કર્યો.
‘મારી પાસે હવે ફક્ત ૨ દિવસ બચ્યા છે. આપણું કાઉન્ટડાઉન ચાલુ કરી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.’
‘કાઉન્ટડાઉન ૨૧ દિવસનું નહીં, ફક્ત ૧૪ દિવસનું છે.’
‘મારી પાસે બે મોડેલ પડ્યા છે, તેમાંથી એક ફાઈનલ કરીને તેને બાંધીને લોન્ચ કરવા માટે મારી પાસે ફક્ત બે દિવસ છે. ઓછામાં ઓછા ૧૨ દિવસ લાગશે તેને લોન્ચ પેડ પર કાઉન્ટડાઉન માટે રાખવાના.’
‘હવે તું જ કહે, હું ટેન્શનમાં ન આવું તો શું કરું?,’ વિક્રમે પોતાની સમસ્યા રજૂ કરી.
‘જો તારી પાસે બે મોડેલ પડ્યા છે, એમાંથી એક જયંત સિન્હા સર વાળું છે, જેનો પ્રયોગ આપણે કરી ચૂક્યા છીએ, બરાબર?’
‘બીજું ક્યું મોડેલ છે અને ક્યાંથી આવ્યું?,’ લૈલાએ પૂછ્યું.
‘બીજું મોડેલ રામ શર્મા દ્વારા બનાવીને આપવામાં આવ્યું છે. આ રહ્યું,’ વિક્રમે કહ્યું.
લૈલા થોડી મિનિટો માટે ધ્યાનથી મોડેલને જોઈ રહી. આ એક શંકુ આકારનું મોડેલ હતું અને તેની એરોડાઈનેમિક ડિઝાઈન આકાશમાં જવા માટે ચોક્કસ મદદ કરી શકે તેમ હતી.
શંકુ આકારની ડિઝાઈન ઉડ્ડયન માટે સારી હતી, ઝડપથી આગળ વધી શકે તેમ હતી. પેટ મોટું હોવાને કારણે તેમાં પોર્ટેબલ પ્લાન્ટ ગોઠવવાની, બીજી સાધન-સામગ્રી ગોઠવવાની ખાસ્સી જગ્યા મળી રહે તેમ હતી. નીચે ચારથી આઠ જેટ લાગવાના હોવાથી ગતિ ઘણી વધી શકે તેમ હતી.
આમ જોવા જતાં તે બધી રીતે સારી ડિઝાઈન લાગી રહી હતી, પરંતુ આ ડિઝાઈનનો ઉપયોગ કરવામાં આવે તો આખી દુનિયામાં યુ.એફ.ઓ.નો હાઉ ઊભો થવાની શક્યતા રહેલી હતી. તેનું લેન્ડિંગ પણ યુએફઓની જેમ જ કરવાની ફરજ પડવાની હતી, કેમ કે નાક પર લેન્ડિંગ થાય તો અવકાશયાનના બચવાની શક્યતા નહોતી. આવા પ્રકારનું લેન્ડિંગ કરવા માટે ઘણી એડવાન્સ ટેકનોલોજીની આવશ્યકતા પડવાની હતી.
આ ડિઝાઈનનો સૌથી મોટો ફાયદો વધુ સામાન લઈ જવા છતાં તેની ડિઝાઈન ગતિ આપવા માટે સક્ષમ હતી.
બીજી તરફ જયંત સિન્હાની ડિઝાઈનમાં વધુ સામાન લઈ જવો હોય તો જેટની સંખ્યા વધારવાની કોઈ જોગવાઈ નહોતી, એટલે સ્વાભાવિક રીતે જ ઉપલબ્ધ બે જેટની તાકાતમાં વધારો કરવો પડે.
ખરેખર આ એક ઘણી મુશ્કેલ ઘડી આવી પડી હતી, ટેન્શન આવે એવી જ વાત હતી.
બે મિનિટ માટે લૈલાનું પણ મગજ બહેર મારી ગયું.
તરત જ લૈલાએ પોતાની જાત પર નિયંત્રણ મેળવ્યું અને વિક્રમને કહી દીધું કે ‘અરે આમાં આટલું બધું વિચારી શું રહ્યો છે?’
‘આપણી જયંત સિન્હાવાળી ડિઝાઈનને ફાઈનલ કરી નાખ અને રંજન કુમાર સરને જવાબ હું આપીશ.’
‘ફોન લગાવ,’ લૈલાએ કહ્યું અને લૈલાનો કોન્ફિડન્સ જોઈને વિક્રમને પણ જયંત સિન્હાની ડિઝાઈનના પ્લસ પોઈન્ટ દેખાવા લાગ્યા. તેણે તરત જ સેન્ટ્રલ વિસ્ટામાં ફોન લગાવ્યો.
‘સર, અનુપ રોય અને તમે બંને સાથે હો તો મારે થોડી ચર્ચા કરવી છે,’ વિક્રમે કહ્યું.
‘હા અમે બંને અહીં જ છીએ. બોલવાનું ચાલુ કર,’ રંજન કુમારે કહ્યું.
‘જયંત સિન્હા સર દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઈનનું પેટ મોટું થાય તો સમસ્યા તમને લાગી રહી છે, પરંતુ સામે પક્ષે આપણી આ ડિઝાઈન આકાશમાં જતી વખતે કોઈ શંકા ઉપજાવશે નહીં, પરંતુ બીજી ડિઝાઈન લેવાથી ચોક્કસ લોકોને શંકા જશે અને આપણા પર બધાનું ધ્યાન ખેંચાશે.’
‘બીજું આપણે જમ્બો જેટના કદનું અવકાશયાન તૈયાર કર્યું છે, જેમાં આપણી બધી જ મશીનરી સહેલાઈથી આવી જશે.’
‘અવકાશયાનમાંથી મશીનરી અને અન્ય સામાન બહાર કાઢવા માટેની સરળ વ્યવસ્થા કરવામાં આવી છે,’ વિક્રમે પોતાના ધ્યાનમાં આવી એટલી વાતો કરી.
‘સર, હું લૈલા. રામ શર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલી શંકુ આકારની ડિઝાઈન આપણે કેમિકલ ઈંધણ વાપરતા હોત તો સારી હતી, કેમ કે તેમાં વધુ શક્તિ આપવા માટે વધુ જેટની સગવડ છે.’
‘આપણે અણુ ઈંધણ વાપરી રહ્યા છીએ અને તેમાં પોતાની અફાટ શક્તિ રહેલી છે. આવી સ્થિતિમાં આપણા બે જેટ કેમિકલ ઈંધણના આઠ જેટ જેટલી તાકાત આપવા માટે સક્ષમ છે. આપણને શંકુ આકારની ડિઝાઈનની આવશ્યકતા નથી.’
‘બીજું આપણે શંકુ આકારની ડિઝાઈન વાપરશું તો તેનું લેન્ડિંગ પરફેક્ટ થાય એની ખાતરી આપણી પાસે નથી, પરંતુ જયંત સરની ડિઝાઈનનું પરફેક્ટ લેન્ડિંગ થવાની ખાતરી છે.’
લૈલાની વાતો સાંભળીને રંજન કુમાર અને અનુપ રોય એકસાથે બોલ્યા, ‘સાચી વાત છે તારી લૈલા.’
‘વેલડન. તમે જયંત સિન્હાની ડિઝાઈનને ફાઈનલ કરો. કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે અને હવે તમારે ત્યાંથી સીધા અવકાશયાન લઈને અબ્દુલ કલામ ટાપુ પર પહોંચી જવાનું છે અને ત્યાંથી અવકાશયાન રવાના થાય ત્યાં સુધી ત્યાં જ રહેવાનું છે. (ક્રમશ:)ઉ

હવે શું?…
અનુપમ, વિક્રમ, શ્રુતિ, અમોલ અને તમારી સાથે બીજા ૨૦ વિજ્ઞાનીઓ ચંદ્ર પર આવશે. તમારે જવાની તૈયારી કરી લેવાની છે. આ મિશન પૂરું થાય એવી આપણી બધાની ઈચ્છા છે અને તેને પૂરું કરવા માટે તમારે જોઈતી સલાહ આપવા અહીં બેઠા છીએ, પરંતુ ત્યાં બધું તમારે કરવાનું રહેશે, મિશન મૂનના ઈન્ચાર્જ અનુપ રોયે બધાને ભૂમિકા સ્પષ્ટ કરતાં કહ્યું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular