Homeવીકએન્ડમિશન મૂન પ્રકરણ ૬

મિશન મૂન પ્રકરણ ૬

‘ઈન્ટરનેશનલ સાયન્સ કાઉન્સિલના અધ્યક્ષ મિ. પીટર વ્યક્તિગત લાભની કોઈ પણ વાતથી માન્યા નહોતા, પરંતુ તેમના દેશ ઘાનાને અત્યારની પરિસ્થિતિમાંથી બચાવી લેવાની વાતે તેઓ આપણું કામ કરવા માટે તૈયાર થયા છે, મોનિકાએ કહ્યું.

લેખક – વિપુલ વૈદ્ય

‘ભારતીય વિજ્ઞાનીઓ માટે મારો ઘણો ઉચ્ચ અભિપ્રાય હતો, પરંતુ અહેવાલ તેમને સોંપ્યાને ૪૮ કલાક થવા આવ્યા છતાં તેમના તરફથી આ બાબતે કોઈ જાણકારી ઈન્ટરનેશનલ સાયન્સ કાઉન્સિલને આપવામાં આવી નથી. તેમણે પોતે પણ સત્તાવાર રીતે આ શોધનું શ્રેય લેવાની ચેષ્ટા કરી નથી, આ થોડું રહસ્યમય લાગી રહ્યું છે,’ જોન પોતાના આસિસ્ટન્ટ બેઈલીને કહી રહ્યો હતો.
‘એવું તો નથી થયું કે મિઝ હેરિસની અદૃશ્ય તાકાતના દબાણ હેઠળ આવીને ભારત તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી,’ જોન સ્વીપરના મનમાં હવે શંકા ઉપસ્થિત થવા લાગી.
બીજી તરફ પેન્ટાગોનમાં પોતાની ખાનગી રૂમમાં જોન લાઈગર અને મોનિકા હેરિસ બેઠાં હતાં અને આ જ સવાલ લાઈગર મોનિકાને કરી રહ્યા હતા. ‘ભારતે ૪૮ કલાક વીતી જવા છતાં અહેવાલ જાહેર કેમ કર્યો નથી?’
‘મને લાગે છે કે ભારતમાં આ અહેવાલનું મહત્ત્વ કોઈને સમજાયું નહીં હોય એટલે કદાચ અહેવાલ જાહેર કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે, અથવા તો સંબંધિત ખાતાના અધિકારીઓ રજા પર હશે. ભારત તરફથી આટલી ઝડપથી કોઈપણ અહેવાલ અંગે કાર્યવાહી થાય એવી અપેક્ષા થોડી વધુ પડતી લાગી રહી છે,’ મોનિકા હેરિસ જોન લાઈગરને કહી રહ્યાં હતાં.
‘આમેય ભારતમાં ઘણા કામચોર પડ્યા છે. ભલું હશે તો હજી સુધી અહેવાલ કોઈએ વાંચ્યો પણ નહીં હોય. મને લાગે છે કે અહેવાલને સત્તાવાર રીતે જાહેર કરવા પહેલાં એકાદ અઠવાડિયું તો નીકળી જશે.’
‘મેં મારી રીતે મારાં સૂત્રોને ગતિશીલ કરી દીધાં છે. જો ભારત અહેવાલ જાહેર કરશે તો તેમની જાહેરાત પર તરત જ ત્યાંના અનેક લોકો સવાલ ઉપસ્થિત કરવાનું ચાલુ કરી દેશે. જો ભારત પોતે જાહેરાત કરવાને બદલે ઈન્ટરનેશનલ સાયન્સ કાઉન્સિલને જાણ કરશે તો તેનું શું કરવાનું તે વિશે પણ વિચારી લીધું છે,’ મોનિકા રાષ્ટ્રપ્રમુખને હિસાબ આપી રહી હતી.
‘ઈન્ટરનેશનલ સાયન્સ કાઉન્સિલના અધ્યક્ષપદે અત્યારે મિ. પીટર છે. આમ તો તેઓ અત્યંત કર્તવ્યનિષ્ઠ છે, પરંતુ તેમને સમજાવવામાં સફળતા મળી ગઈ છે. મારો સહાયક તેમને મળ્યો હતો. વ્યક્તિગત લાભની કોઈપણ વાતથી તેઓ માન્યા નહોતા, પરંતુ તેમના દેશ ઘાનાને અત્યારની પરિસ્થિતિમાંથી બચાવી લેવાની વાતે તેઓ આપણું કામ કરવા માટે તૈયાર થયા છે, મોનિકાએ કહ્યું.
‘અહેવાલ મળ્યા બાદ તરત તેઓ અહેવાલ જાહેર નહીં કરે, પરંતુ તેમના માસિક મેગેઝિનમાં તેને સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવશે અને એ મેગેઝિનમાં પણ ઓછામાં ઓછા ત્રણેક મહિના સુધી અહેવાલને સ્થાન મળશે નહીં,’ મોનિકાએ માહિતી પુરી કરી.
‘બદલામાં આપણે શું કરવાનું છે, મિઝ હેરિસ?’ જોન લાઈગરે સવાલ કર્યો.
‘કશું જ નહીં, ઘાનામાં ભૂખમરાનું સંકટ ટાળવા માટે અન્ન અને ઔષધની મોટી રસદની સાથે તબીબી ટીમ ઉતારવાની છે. મારી સાથે સંકળાયેલી કેટલીક બિન સરકારી સંસ્થાઓને આ કામ સોંપી દઈશ અને તેને માટે ૧,૦૦૦ મિલિયન ડૉલરની મદદ ચારેય કંપનીઓ ભાગે પડતી વહેંચીને આપી દેશે. અત્યારે આ અહેવાલને ગુપ્ત રાખવા માટે આના સિવાય કોઈ સારો રસ્તો મારી પાસે નહોતો,’ મોનિકાએ રાષ્ટ્રપ્રમુખને સોદાબાજીની સંપૂર્ણ વિગતો આપી.
‘ગુડ જોબ, મિઝ હેરિસ,’ જોન લાઈગરે પ્રશંસા કરી.
***
લ્યાન ઝિન પિંગ અકળાઈ રહ્યા હતા. તેમણે સામે બેઠેલા કિલાંગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પર નજર ફેરવી. સવારના સાત વાગ્યા હતા અને બીજિંગમાં અત્યારે વાતાવરણ ખાસ્સું ઠંડું હતું, પરંતુ લ્યાન ઝિન પિંગની નજરોમાંથી વરસી રહેલી અગ્નિને કારણે અત્યારે રૂમમાં હાજર બધા લોકોને પરસેવો વળી રહ્યો હતો.
‘હજી સુધી કેમ અહેવાલની જાહેરાત થઈ નથી?’ લ્યાન ઝિન પિંગના આ સવાલનો જવાબ કોઈની પાસે નહોતો. બધા અંદરો અંદર એકબીજાની સામે જોવા માંડ્યા અને આંખના ઈશારે સાહેબના વિશ્ર્વાસુ કિલાંગને ઉઠવાનો ઈશારો થયો.
કિલાંગે ઊભા થઈને બોલવાનું ચાલુ કર્યું, ‘અહેવાલ ચંદ્રની ધરતી પરની માટીના રાસાયણિક પૃથક્કરણનો હતો, એમાં કશી જ મીનમેખ નથી. અમેરિકામાં રહેલા આપણા સાથીઓના જણાવ્યા મુજબ આ અહેવાલને ગુપ્ત રાખવા માટે ઈન્ટરનેશનલ સાયન્સ કાઉન્સિલ પર મોટું દબાણ લાવવામાં આવ્યું છે. કાઉન્સિલમાં રહેલા આપણા પ્રતિનિધિઓએ આપેલી માહિતી મુજબ અહેવાલ કાઉન્સિલના માસિક અંકમાં પ્રકાશિત થવાનો છે. આ અહેવાલ મિ. પીટર બોઝેસના હાથમાં છે અને તેમના સિવાય કોઈની પાસે તેની વિગતો નથી. આપણા જાસૂસોને આ અહેવાલ હાથ કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.’
કિલાંગે આપેલી માહિતીથી લ્યાન ઝિન પિંગ થોડા શાંત થતા જણાયા, તેમણે ધીમેથી સવાલ કર્યો, ‘મિ. લી આપણા વોશિંગ્ટન અને ન્યૂ યોર્ક ખાસ કરીને મેનહટ્ટનમાં કેટલા જાસૂસો છે?’
‘કોમરેડ સર, અત્યારે આપણા ૨૦૦ જાસૂસ વોશિંગ્ટનમાં અને ૧૫૦ ન્યૂયોર્કમાં છે, જેમાંથી ૭૦ ફક્ત મેનહટ્ટનમાં છે,’ મિ. લીએ જવાબ આપ્યો.
‘આમાંથી કેટલા અત્યારે તમારા સક્રિય સંપર્કમાં છે?’ લ્યાન ઝિન પિંગનો બીજો સવાલ.
‘કોમરેડ સર, અત્યારે મેનહટ્ટનના દસેક અને વોશિંગ્ટનના ૩૫ જાસૂસ સક્રિય સંપર્કમાં છે. આપણા કુલ સાત જાસૂસ પેન્ટાગોનની અંદર જ છે અને તેમાંથી એક કેન્ટીનમાં હોવાથી બધે જ પહોંચી શકે છે,’ લીએ રાષ્ટ્રપ્રમુખને જાણકારી આપી.
‘મારે જાણવું છે કે પેન્ટાગોનમાં શું ચાલી રહ્યું છે?,’ લ્યાન ઝિન પિંગે લીને આદેશ આપ્યો અને તરત જ વાંગ ચાંગની સામે જોઈને સવાલ કર્યો કે, ‘આપણા સ્પેસ સ્ટેશનથી ચંદ્ર પર જતા કેટલા દિવસ લાગશે?’
‘કોમરેડ સર, ટિઆન્ગોન્ગ સ્પેસ સ્ટેશનથી ત્રણ દિવસમાં આપણા જહાજ ચંદ્ર પર પહોંચી શકે છે. થોડા શક્તિશાળી રોકેટનો ઉપયોગ કરીએ તો બે દિવસમાં પહોંચી શકીશું,’ વાંગ ચાંગે રાષ્ટ્રપ્રમુખને બધી જ વિગતો આપી.
‘ચંદ્ર પર યુરેનિયમના શુદ્ધીકરણનો પ્લાન્ટ સ્થાપવો હોય તો શું કરી શકાશે?,’ ઝિન પિંગે હ્યુ રેન્યુને સવાલ કર્યો.
‘કોમરેડ, ચંદ્ર પર કામ કરી શકે એવું યુરેનિયમ શુદ્ધીકરણ યંત્ર બનાવવામાં અત્યારે થોડા અવરોધો છે. આપણા કેટલાક વિજ્ઞાનીઓને આ કામ સોંપ્યું છે, કદાચ એકાદ અઠવાડિયામાં આપણી પાસે નક્કર યોજના હશે. જોકે, આ યંત્રના નિર્માણ માટે આવશ્યક છે કે માટીમાં કેટલા ટકા યુરેનિયમ છે તે શોધી કાઢવું અને તે અહેવાલ મળ્યા વગર નહીં કહી શકાય. તેને આધારે શુદ્ધીકરણના તબક્કા નક્કી થશે. અત્યારે ચંદ્રના ઓછા ગુરુત્વાકર્ષણમાં કામ કરી શકે એવા યંત્રની તૈયારી ચાલી રહી છે,’ હ્યુ રેન્યુએ માહિતી આપી. (ક્રમશ:)
——-
હવે શું?
‘રંજન કુમાર સાચા હતા, હજી સુધી ચંદ્રની માટીના સેમ્પલનો અહેવાલ ક્યાંયથી જાહેર કરવામાં આવ્યો નથી,’ એમ કહીને આદેશ રાજપાલે રાજીવ ડોવાલ અને વડા પ્રધાનની સેન્ટ્રલ વિસ્ટાના વિશેષ કક્ષમાં ચાલી રહેલી બેઠકમાં ઉમેર્યું કે ‘હજી સુધી અહેવાલને જાહેર ન કરીને અમેરિકાને પણ આમાં સ્વાર્થ હોય એવું લાગી રહ્યું છે. હવે આપણે રંજન કુમારની આગામી યોજના પર આગળ વધવું જોઈએ, જોકે આ યુરેનિયમનો લાભ લેવા માટેની કોઈ વ્યવહારુ યોજના વિચારવી પડશે.’

RELATED ARTICLES

Most Popular