કોમરેડ સર, જ્યાં સુધી મને જાણકારી મળી છે ત્યાં સુધી આપણા મિશન મૂનને ફ્લોપ કરવા માટેના પ્રયાસો અમેરિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આપણી સ્પેસ સ્ટેશનની સિસ્ટમ હૅક કરવા પાછળ પણ તેમનો જ હાથ હતો, રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગને જાસૂસી સંસ્થાના વડા લીએ માહિતી આપી
વિપુલ વૈદ્ય
ચીનના રાષ્ટ્રપ્રમુખ પોતાની કચેરીમાં બેઠા હતા અને તેમની સામે બે ડેપ્યુટી અને જાસૂસી સંસ્થાના વડા લી અદબ વાળીને ઊભા હતા.
ત્રણેયના ચહેરા પર ગંભીર ચિંતાનું વાતાવરણ દેખાતું હતું અને તેમને ખાતરી હતી કે તેમની પાસે રહેલી માહિતી જ્યારે રાષ્ટ્રપ્રમુખને આપવામાં આવશે ત્યારે તેઓ કાં તો ગુસ્સે થશે નહીં તો ચિંતામાં પડી જશે. આ બંને સ્થિતિ ભારે નુકસાનકારક નીવડી શકે એવી શક્યતા હતી.
લ્યાન ઝિન પિંગે ત્રણેય સામે પ્રશ્ર્નાર્થ દૃષ્ટિએ જોયું અને તરત જ ઝૂ કિલાંગે બોલવાનું ચાલુ કર્યું.
‘કોમરેડ સર, જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી આપણા મિશન મૂન સામે ઊભા થયેલા બધા અવરોધો માટે અમેરિકા જવાબદાર છે.’
‘આપણા દેશમાં સીઆઈએ (અમેરિકાની ગુપ્તચર સંસ્થા સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ના એજન્ટો કાર્યરત લાગે છે અને તેમણે જ આપણા વિજ્ઞાનીનું અપહરણ કર્યું છે.’
‘આપણા સ્પેસ સ્ટેશનને હૅક કરવામાં આવ્યું તેની તપાસ કરતાં તેનું કોડિંગ અમેરિકન હોવાનું જાણવા મળ્યું છે,’ કિલાંગે બોલવાનું પૂરું કર્યું.
****
સેન્ટ્રલ વિસ્ટામાં રાજીવ ડોવાલની કેબિનમાં રાજેશ તિવારી દોડતો પહોંચ્યો અને પોતાની પાસે રહેલા સીડીઆરના રેકોર્ડિંગને દેખાડતા બોલ્યો.
‘રાજીવ સર, આ સાંભળો આમાં કશું ગડબડ જેવું લાગે છે.’
‘રાજેશ, આ શું છે?,’ રાજીવે પૂછ્યું.
‘સર, લૈલાને કોઈએ ફોન કર્યો હતો. તેના વ્યક્તિગત નંબર પર. તેણે કહ્યું હતું કે તમારી સમસ્યાનો ઉકેલ મારી પાસે છે અને તેને એક પેકેટ મળી જશે એવું પણ કહ્યું હતું.’
‘સામેની વ્યક્તિએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તમે એક વખત અમારી મદદ કરી હતી એટલે તમને આ મદદ કરવામાં આવી રહી છે.’
‘એવી તે કઈ મદદ કરી હશે લૈલાએ આ વ્યક્તિને કે તેણે આપણા મિશન મૂન પ્રોજેક્ટ માટે મદદ મોકલાવી છે,’ રાજેશ તિવારીએ ચિંતા વ્યક્ત કરી.
‘ચાલો આપણા પ્રોજેક્ટને અદૃશ્ય હાથની મદદ મળી રહી છે તે સારું છે.’
‘આપણું મિશન મૂન હવે નિષ્ફળ જવાની કોઈ શક્યતા નથી,’ રાજીવે કહ્યું અને રાજેશ તિવારીને આ પ્રકરણમાં ઊંડે ઊતરવાની મનાઈ ફરમાવી દીધી.
તેના ધ્યાનમાં આ અદૃશ્ય હાથ ક્યો છે તે આવી ગયું હતું અને આ બાબત જાહેર થાય તો સારું નહીં એટલે જ આ મુદ્દે બધું શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
બીજી તરફ રાજેશ તિવારીને શંકા ઊપજી કે સામાન્ય રીતે દરેક પ્રકરણમાં ઊંડે સુધી ઊતરનારા રાજીવ ડોવાલ સર આ વિષય આટલો ગંભીર હોવા છતાં કેમ ઉડાવી રહ્યા છે.
‘શું રાજીવ સરને ખબર છે કે આ મદદ કેવા પ્રકારની અને ક્યારે કરવામાં આવી હતી?’
‘શું રાજીવ સર પણ આ મદદમાં સંકળાયેલા હતા?’
‘શું આ મદદમાં રાજીવ સર સિવાયના કોઈ મોટાં માથાં સંડોવાયેલાં છે, જેમને રાજીવ સર વતાવવા નથી માગતા?’ આવા અનેક સવાલો રાજેશ તિવારીના મગજમાં અત્યારે ઘુમરાઈ રહ્યા હતા.
****
સેન્ટ્રલ વિસ્ટામાં બીજી તરફ અકબર અને જયંત સિન્હા વચ્ચે અવકાશયાન અને રોકેટની ડિઝાઈનને લઈને ચર્ચા ચાલી રહી હતી તેની વચ્ચે અકબરે કહ્યું કે ‘મારા ભાઈએ મોકલાવેલા આ નવા ફોનમાં ખબર નહીં કેમ સ્પીચ ટુ ટોક નથી ચાલતું. મારે મેન્યુઅલી બધું કરવું પડે છે.’
‘બની શકે, ક્યારેક ફોનને અવાજ ઓળખવામાં મુશ્કેલી પડે ત્યારે આવું થતું હોય છે.’
‘આમેય તમારો અવાજ ઘણી વખત ધ્રૂજતો હોય છે એટલે કદાચ એને ઓળખવામાં તકલીફ પડતી હશે,’ જયંત સિન્હા બોલ્યા.
‘મને પણ એવું જ લાગી રહ્યું છે,’ અકબરે કહ્યું.
અકબરને પોતાના ફોનમાં માઈક કેમ કામ કરતો નથી તેને સમજી શકતા નહોતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમના ફોનમાં રહેલા માઈકને બેકગ્રાઉન્ડમાં ચાલુ રહેવાની સિસ્ટમને જ બંધ કરી નાખવામાં આવી હતી.
****
વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ જોન લાઈગરને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સેમ્યુઅલ યંગ ચીનથી મળેલી માહિતી આપી રહ્યા હતા ત્યારે વાઈસ પ્રેસિડેન્ટ મોનિકા હેરિસ સામે બેઠી હતી.
‘સર, એક મહત્ત્વની માહિતી અત્યારે ચીનથી આવી રહી છે.’
‘આપણે ચીનના વિજ્ઞાની વાંગ ડેહાંગનું અપહરણ કર્યું હતું અને આપણા એજન્ટો દ્વારા તેમની આકરી પૂછપરછ કરવામાં આવી છે અને તેમની પાસેથી મળેલી માહિતી અત્યંત ચોંકાવનારી છે.
લાન્ઝાઉમાં તેઓ યુરેનિયમના શુદ્ધીકરણ અને સંવર્ધનનો પ્લાન્ટ તૈયાર કરી રહ્યા હતા જે અવકાશયાનમાં ચંદ્ર પર લઈ જવાનો હતો.
આ પ્લાન્ટને ચલાવવા માટે આવશ્યક જનરેટર પણ ત્યાં જ તૈયાર થઈ રહ્યું હતું.
તેમણે એવી એક માહિતી આપી છે કે ચીન પાસે પણ અત્યારે કેમિકલ ફ્યૂઅલની તીવ્ર તંગી છે તેમની પાસે ફક્ત ચંદ્ર પર જવા જેટલું જ ઈંધણ બચ્યું છે.
આથી તેઓ ડુઆંગહોંગ પ્રાંતમાં કેમિકલ ફ્યૂઅલ તાકીદે તૈયાર કરવા માટે કામ કરી રહ્યા છે, સેમ્યુઅલે પ્રેસિડેન્ટ જોન લાઈગરને માહિતી આપી.
‘એટલે તું મને એમ કહેવા માગે છે કે ચીનના અપહૃત વિજ્ઞાની પાસેથી મળેલી માહિતી મુજબ ચીનમાં પણ કેમિકલ ઈંધણની અછત છે અને તેથી ડુઆંગહોંગ પ્રાંતના એકમોમાં તેના તાકીદે નિર્માણના આદેશ રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગ દ્વારા આપવામાં આવ્યા છે.’
‘જો આપણી પાસે પણ અછત છે અને ચીન પાસે પણ અછત છે તો કેમિકલ ફ્યૂઅલ બધું ગયું ક્યાં? જોન લાઈગરે મુદ્દાનો સવાલ કર્યો.
‘આનો અર્થ એવો થાય છે કે આપણી અને ચીન ઉપરાંત અન્ય કોઈ દેશ છે જેને મોટા પ્રમાણમાં કેમિકલ ફ્યૂઅલની જરૂર પડી છે’
‘અવકાશયાન માટે જ વિશેષ પ્રકારે વપરાતું કેમિકલ ફ્યૂઅલ એકઠું કરવાનો હેતુ મિશન મૂન હોઈ શકે, બરાબર?,’ જોન લાઈગરે પૂછ્યું.
‘યસ પ્રેસિડેન્ટ સર,’ સેમ્યુઅલે જવાબ આપ્યો.
‘કોણ છે એવું જેણે આટલું બધું ઈંધણ જમા કર્યું છે?’
‘આપણે મિશન મૂન માટે કેટલા લોકો સાથે સ્પર્ધા કરવાની છે?’
‘જલદી શોધી કાઢો અને મને વિગતો આપો,’ જોન લાઈગરે કહ્યું.
‘પ્રેસિડેન્ટ સર, શું એ રશિયા હોઈ શકે કે પછી ઈઝરાયલ કે પછી ફ્રાન્સ?,’ ક્યારથી ચૂપચાપ સાંભળી રહેલી મોનિકા હેરિસ બોલી.
‘ફ્રાન્સ અને ઈઝરાયલમાંથી એકેય દેશ હોવાની શક્યતા ઓછી છે, કેમ કે તેમની પોતાની હાલત અત્યારે કફોડી છે.’
‘ઈઝરાયલ અત્યારે પોતાના દેશમાં સિરીયા અને ઈજિપ્તની સાથે પેલેસ્ટાઈનના ગોરિલા યોદ્ધાઓ સાથે યુદ્ધ કરવું પડી રહ્યું છે. તેમણે પોતાનાં મિસાઈલો માટે થોડા પ્રમાણમાં કેમિકલ ફ્યૂઅલ એકઠું કર્યું છે અને કદાચ ફરી તે ગાઝા પટ્ટી અને અન્ય વિસ્તારોમાં મિસાઈલ હુમલા કરશે એવું લાગી રહ્યું છે, પરંતુ મિશન મૂન અત્યારે તેમને માટે શક્ય નથી.’
‘ફ્રાંસ આર્થિક કટોકટીમાં હોવાથી આવું ઓપરેશન કરી શકે એમ નથી.’
‘રશિયાનું કશું જાણવા મળ્યું નથી, અત્યાર સુધી કોઈ અહેવાલ મળ્યા નથી. શોધવાનો પ્રયાસ કરું છું,’ સેમ્યુઅલે પોતાની પાસે રહેલી માહિતી આપી.
‘ઝડપથી તપાસ કરીને મને માહિતી આપો,’ જોન લાઈગરે સેમ્યુઅલને આદેશ આપ્યો. (ક્રમશ:)
———
હવે શું?
પ્રાઈમ મિનિસ્ટર સર, આપણું મિશન મૂન લોન્ચ થવા માટે તૈયાર છે. અત્યારે મારી પાસે બધી વસ્તુની વિગતવાર માહિતી છે અને તમે કહો તો તેની જાણકારી આપવા માગું છું. આ પ્રોજેક્ટ આપણે માટે ખરેખર લાભદાયક પુરવાર થશે, રંજન કુમાર અત્યંત ઉત્સાહભેર વડા પ્રધાન ઈન્દ્રવદન નરોતમ મહેતાને કહી રહ્યા હતા