મિશન મૂન પ્રકરણ ૫૮

321

વ્હાઈટ હાઉસમાં અત્યારે અત્યંત મહત્ત્વની બેઠક ચાલી રહી હતી. રાષ્ટ્ર પ્રમુખ જોન લાઈગરની સામે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સેમ્યુઅલ યંગ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ મોનિકા હેરિસ બેઠાં હતાં

વિપુલ વૈદ્ય

સેન્ટ્રલ વિસ્ટાના કોન્ફરન્સ હોલમાં અત્યારે ચાલી રહેલી વિજ્ઞાનીઓની બેઠકમાં વાયર/કેબલ વગર વીજળી પ્રવાહ કરવાને કારણે અપેક્ષિત સમસ્યાના નિરાકરણ પર ચર્ચા કરવામાં આવી રહી હતી.
લૈલા, શ્રુતિ અને મીના દ્વારા વીજ પ્રવાહને પ્રવાહિત કરતી વખતે તેના પર ઓઝોનનું પડ ચડી જાય અને બાકીની સૃષ્ટિને બચાવી શકાય એવો રસ્તો શોધી કાઢવામાં આવ્યો હતો. આ રસ્તો કેટલો કારગત નીવડે છે તેના પ્રયોગ કરવાના હજી બાકી હતા, પરંતુ અત્યારેે બીજી આવશ્યકતાઓ પર ચર્ચા થઈ રહી હતી. ત્રણેય મહિલાઓ દ્વારા જે રીતે અત્યંત ઝડપથી રસ્તો દેખાડવામાં આવ્યો તેને પગલે અનાયાસે અનુપ રોયના મોંમાંથી શબ્દો નીકળી ગયા હતા.
અનુપ રોય મજાકમાં બોલ્યા કે ગંભીરતાથી તે કોઈને સમજમાં ન આવ્યું, પરંતુ અત્યારે એના પર વિચાર કરવાનો સમય પણ નહોતો.
હવે બોલવાનો વારો અનુપમનો હતો. તેણે કહ્યું કે ‘સર, જો અલોય મેટલ માટે એલ્યુમિનિયમ અને
કાર્બન શ્રેષ્ઠ વિકલ્પો હોઈ શકે છે અને મને લાગે છે કે કોપર અને કાર્બન અલોય મેટલનો ઉપયોગ કરીને આપણે વધુ સારું પરિણામ મેળવી શકીશું.’
‘મને લાગે છે કે અનુપમની વાત સાચી છે, કાર્બન અને કોપરની અલોય મેટલ તૈયાર કરવામાં આવશે તો વીજળીનો લિસોટો જ્યારે કાણામાંથી પસાર થશે ત્યારે કાર્બનના અણુઓમાંથી ઈલેક્ટ્રોન લઈને સ્થિર થઈને આગળ વધશે,’ રંજન કુમાર બોલ્યા.
‘બીજા પર્વત પર રાખવામાં આવેલી લેસર ઈન્ડ્યુસ્ડ પ્લાસમા ચેનલમાં અત્યારે લિક્વીડમાં કોપરની પ્લેટ રાખી છે તેને બદલે આપણે ગોલ્ડન પ્લેટ લગાવી દઈએ તો વધુ સારું રહેશે.’
‘કેમ કે સોનાની પ્લેટ કોપર કરતાં વીજળીને વધુ આકર્ષી શકે છે,’ રંજન કુમારે કહ્યું.
‘સર, તમારી વાત એકદમ સાચી છે, પરંતુ સોનાની પ્લેટ મળશે કેવી રીતે?,’ અનુપમે પૂછ્યું.
‘તારો પ્રયોગ સફળ થતો હોય તો સોનાની પ્લેટની વ્યવસ્થા હું કરાવી આપીશ,’ અનુપ રોય બોલ્યા અને પછી તરત જ આખી ટીમને બિરદાવતાં કહ્યું કે ‘વાહ, તમે બધા અત્યંત જવાબદારીપુર્વક, ઉત્સાહ અને ઉમંગથી આ પ્રોજેક્ટમાં સહભાગી થઈ રહ્યા છો તેને જોઈને મારી છાતી ગર્વથી ફૂલી રહી છે.’
‘આઈ એમ પ્રાઉડ ઓફ યુ બોયઝ.. એન્ડ ગર્લ્સ,’ અનુપ રોયે કહ્યું.
****
વિશાખાપટ્ટનમમાં અત્યારે અવકાશયાન તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું હતું.
‘વિક્રમ સર, આપણે આ જે નવી ડિઝાઈન બનાવવાની છે તેમાં થોડી તમારી મદદ આવશ્યક જણાઈ રહી છે,’ રામ શર્માએ કહ્યું.
‘પ્લેનની ડિઝાઈનમાં તમારે ફક્ત બે જ જેટ હતા અને તેમાંથી તમારા પ્લેનને ગતિ મળતી હતી, પરંતુ આમાં તમારે છથી આઠ જેટ રાખવા પડશે, ત્યારે તે અવકાશયાનને ઉપર લઈ જઈ શકશે. ઓછામાં ઓછા ચાર તો જોઈશે જ.’
‘હવે આને માટે તમારે એન્જિનના ડિઝાઈનમાં થોડા ફેરફાર કરવા પડશે.’
‘વળી તમારે એન્જિન ચાલુ થયા પછી જે પ્રેશર રિલીઝ છે તેને પણ સમયબદ્ધ કરવી પડશે. આવું કરશો ત્યારે આપણું અવકાશયાન ગતિ પકડી શકશે,’ રામ શર્માએ કહ્યું.
****
વ્હાઈટ હાઉસમાં અત્યારે અત્યંત મહત્વની બેઠક ચાલી રહી હતી. રાષ્ટ્ર પ્રમુખ જોન લાઈગરની સામે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સેમ્યુઅલ યંગ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ મોનિકા હેરિસ બેઠાં હતાં.
‘સેમ્યુઅલ, અત્યારે મારી પાસે જે માહિતી આવી છે એ તારી પાસે છે?,’ જોન લાઈગરે કહ્યું.
‘પ્રેસિડેન્ટ સર, આની પાછળ ચોક્કસ કોઈનો હાથ છે. કોઈ આપણા મિશન મૂન પ્રોગ્રામને રખડાવવા માગે છે.’
‘નાસાની આખી સિસ્ટમ હેક કરી નાખવામાં આવી હતી અને આપણી મિશન મૂનની આખી ફાઈલ ઉડાવી દેવામાં આવી છે.’
‘એટલું જ નહીં આપણી બેક-અપ સિસ્ટમમાંથી પણ બધી માહિતી ગુમ કરી નાખવામાં આવી છે. ચારેય કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ડેટાનું બેક-અપ તેમની પાસેથી ફરી મળી શકશે, પરંતુ નાસાના બધા જ અહેવાલો સાફ થઈ ગયા છે અને તેથી નવેસરથી મહેનત કરવી પડશે,’ સેમ્યુઅલ યંગે પૂરી માહિતી રાષ્ટ્રપ્રમુખને આપી.
‘આ શું ચાલી રહ્યું છે આપણા મિશન મૂન સામેના અવરોધો ઓછા થવાને બદલે વધી કેમ રહ્યા છે?’
‘હજી હમણાં તો મિશન મૂન સામેના આંદોલનો બંધ થયા છે ત્યાં આ નવી મૂસીબત આવી છે.’
‘આની પાછળ કોણ છે તે શોધી કાઢો,’ જોન લાઈગરે આદેશ આપ્યો.
‘સર, આપણી તપાસ ચાલી રહી છે અને વહેલી તકે જાણકારી મળી જશે,’ સેમ્યુઅલે કહ્યું.
****
‘અનુપ રોય સર, રંજન કુમાર સરે જે નવી ડિઝાઈન મોકલી છે તે થોડી યોગ્ય જણાતી નથી. હું સરને સમજાવી નહીં શકું. મને લાગે છે કે આપણે જયંત સિન્હાની જ ડિઝાઈનને વળગી રહીએ તો વધુ સારું રહેશે,’ વિક્રમ બોલ્યો.
‘ઠીક છે હું વાત કરું છું,’ અનુપ રોયે કહ્યું.
****
‘રંજન, વિક્રમનો આખો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયા પછી તેં ડિઝાઈનમાં કેમ ફેરફાર કર્યા છે?’ અનુપ રોયે થોડા આક્રમક સ્વરે પૂછ્યું.
‘અનુપ, થોડો ધીમો પડ.. થોડી શાંતી.. મેં વિક્રમને જે નવી ડિઝાઈન મોકલી છે તેમાં ત્રણ તરફથી અવકાશયાન ખુલી જશે અને આપણાં ઉપકરણો ચંદ્ર પર ઉતારવામાં અને ત્યાંથી જે લાવવાનું હોય તે લાવવામાં સરળ રહેશે,’ રંજન કુમારે કહ્યું.
‘પરંતુ જયંતની ડિઝાઈનમાં પણ સ્ટોરેજની જગ્યા ઘણી મોટી છે અને તેમાં પણ ચડાવવા-ઉતારવાનું સહેલું છે,’ અનુપ રોયે કહ્યું.
‘શા માટે તારે બધી વસ્તુમાં પોતાનું મહત્ત્વ સિદ્ધ કરવાની જરૂર પડે છે?’
‘કેમ તું બધું તારી મન મરજી મુજબ ચલાવ્યા કરે છે?’
‘મેં વિક્રમને કહી દીધું છે કે જયંત સિન્હાના પ્લાન પ્રમાણેનું વિમાન પ્રકારનું અવકાશયાન તૈયાર કરવાનું અને એક પખવાડિયામાં અવકાશયાન તૈયાર થઈ જશે.’
‘ત્યાં સુધીમાં આપણે બીજું
શું કરવાનું છે તે નક્કી કરો,’
અનુપ રોયે પોતાનો આદેશ જારી કરી દીધો. (ક્રમશ:)
———
હવે શું?
ચીનના અપહૃત વિજ્ઞાની પાસેથી મળેલી માહિતી મુજબ ચીનમાં પણ કેમિકલ ઈંધણની અછત સર્જાઈ છે અને તેથી ડુઆંગહોંગ પ્રાંતના એકમોમાં તેના તાકીદે નિર્માણના આદેશ રાષ્ટ્રપ્રમુખ દ્વારા આપવામાં આવ્યા છે. જો આપણી પાસે પણ અછત છે અને ચીન પાસે પણ અછત છે તો કેમિકલ ફ્યૂઅલ બધું ગયું ક્યાં? જોન લાઈગર અત્યારે ભારે ચિંતામાં હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!