– વિપુલ વૈદ્ય
પ્રકરણ-૫૬
ચારેય કંપનીઓએ પોતાના વિજ્ઞાનીઓની ટીમ તૈયાર કરી રાખી હતી. સ્પેસ સ્ટેશનમાં મિશન મૂન પ્રોજેક્ટ માટે બધાને તૈયાર કરી નાખવામાં આવ્યા હતા
—
અમેરિકામાં મિશન મૂનની તૈયારીઓ અત્યારે જોરશોરથી ચાલી રહી હતી. રાષ્ટ્ર પ્રમુખ જોન લાઈગરના આદેશ બાદ પાંચેય કંપનીઓ પોતાના તરફથી પૂરી તાકાત લગાવી રહી હતી. ચિલ રેટની કંપની તરફથી આવવાના હતા તે પોર્ટેબલ પ્લાન્ટની ડિલિવરીની તારીખ નક્કી કરી નાખવામાં આવી હતી. બીજી તરફ નાસાએ પોતાનાં રોકેટ અને અવકાશયાનની તૈયારીઓ કરી નાખી હતી.
ચારેય કંપનીઓએ પોતાના વિજ્ઞાનીઓની ટીમ તૈયાર કરી નાખી હતી. સ્પેસ સ્ટેશનમાં મિશન મૂન પ્રોજેક્ટ માટે બધાને તૈયાર કરી નાખવામાં આવ્યા હતા.
જોન સ્વીપરને મિશન મૂનની તૈયારી કરી નાખવા જણાવવામાં આવ્યું હતું. તેણે ચારેય કંપનીના વિજ્ઞાનીઓ પર નિયંત્રણ રાખવાનું હતું. તેને સિનિયર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.
ચંદ્રની સપાટી પરથી યુરેનિયમ શુદ્ધીકરણ કરીને લાવવાનું કેટલું જોખમી હતું તે વાતને સારી પેઠે જાણતા હતા.
આમ છતાં આ કામ કરવા માટે તેઓ તૈયાર હતા. કેમ કે દેશના હિતમાં કામ કરવાનું હતું.
ભારત આ પ્રોજેક્ટથી આખી દુનિયાનું ભલું કરવા માગે છે તે વાત તેઓ જાણતા હતા, પરંતુ તેમ છતાં આ પ્રોજેક્ટમાં કામ કરવાના હતા, કેમ કે તેમને રાષ્ટ્રભક્તિની દુહાઈ આપવામાં આવી હતી.
આ પ્રોજેક્ટને પગલે ચારેય કંપનીઓ પાસે હજારો ટન યુરેનિયમ પહોંચવાનું હતું અને તેમાંથી આ કંપનીઓ અનેક અણુશસ્ત્રો બનાવીને આખી દુનિયાને ખતમ કરવાને આરે પહોંચાડી દેશે એ વાત પણ જોન સ્વીપર સારી પેઠે જાણતો હતો, તેમ છતાં આ પ્રોજેક્ટમાં કામ કરવા તૈયાર થયો હતો કેમ કે તેને રાષ્ટ્રહિતની શપથ યાદ અપાવવામાં આવી હતી.
****
રશિયામાં અત્યારે અલગ જ વાતાવરણ જોવા મળી રહ્યું હતું. રાષ્ટ્રપ્રમુખે મિશન મૂનને ગો-સ્લો મોડમાં નાખી દીધું હતું અને બાબતનો લાભ લેવાની ઈચ્છા રૂમા નોમાટોવ ધરાવી રહ્યો હતો. તેની રાજકીય મહેચ્છાઓ પૂરી કરવા માટે આ એક સારી તક લાગી રહી હતી. તેણે દેશના બાકીના ડેપ્યુટીને ભડકાવવાનું ચાલુ કર્યું હતું.
‘આપણો કટ્ટર શત્રુ અમેરિકા મિશન મૂન કરી રહ્યો છે.’
‘ચીન જેવો આપણો એક સમયનો ખાંધિયો દેશ મિશન મૂન કરી રહ્યો છે.’
‘આપણી મદદ પર જીવતો ભારત જેવો ત્રીજી દુનિયાનો દેશ પણ મિશન મૂન પ્રોજેક્ટ કરી રહ્યો છે અને આપણે દુનિયાની મહાસત્તા હોવા છતાં મિશન મૂન પ્રોજેક્ટ નથી કરી રહ્યા.’
‘આપણા જેવા મહાન દેશ માટે આ બાબત અત્યંત શરમજનક છે,’ રૂમા નોમાટોવ પોતાની વળના કેટલાક ડેપ્યુટી સામે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યો હતો.
બરાબર એ જ સમયે વેલેરીનું ત્યાં આગમન થયું.
‘રૂમા, આપણે ભારતની સાથે સ્પર્ધા નથી કરવી એટલા માટે આપણે ગો-સ્લો કર્યું છે. આપણી બધી જ તૈયારી છે. ગમે ત્યારે ચંદ્ર પર જવા માટે આપણું અવકાશયાન પણ તૈયાર છે,’ વેલેરીએ ડેપ્યુટીને ભડકાવવાનો પ્રયાસ કરી રહેલા નોમાટેવને સંભળાવ્યું.
‘કોમરેડ સરને બધી જ જાણ છે કે કોણ મિશન મૂન પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે અને તેને માટે શું કરવું જોઈએ તેની જાણકારી પણ તેમની પાસે છે.’
‘જે કરવાનું છે તે કરવા માટે તેઓ સક્ષમ પણ છે.’
‘પ્રેસિડેન્ટ સર પર ભરોસો રાખો. ભારત સિવાય અન્ય કોઈપણ દેશ ચંદ્ર પર પહોંચશે તો તેને ત્યાં રશિયન અવકાશયાન ચોક્કસ જોવા મળશે,’ વેલેરીએ હાજર બધા ડેપ્યુટી સામે નોમાટોવને કહ્યું.
****
રોસ હિલ પર અત્યારે લૈલાના નવા મોડેલ મુજબ કામ થઈ રહ્યું હતું.
જનરેટરમાંથી વીજળીનું ઉત્પાદન થાય પછી તેને ટ્રાન્સમિટર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ લૈલાએ વીજળીના બીમને ફેંકવા માટે કપલરનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી.
વીજળીના બીમને કેબલ કે વાયર વગર એક સ્થળેથી બીજા સ્થળે મોકલવો હોય તો તે અત્યંત ઉચ્ચ ફ્રિકવન્સી પર મોકલવી પડશે અને આવું કરવાનાં કેટલાંક જોખમો રહેલાં છે.
આ બાબતે અનુપમ અને લૈલા વચ્ચે ચર્ચા થઈ.
‘અનુપમ, એટલી વાતનું ધ્યાન રાખજે કે તારે વીજળી મોકલવી હશે તો તેને અત્યંત ઉચ્ચ ફ્રિકવન્સી પર મોકલવી પડશે.’
‘જોકે આવી રીતે વીજળી મોકલવાના પોતાનાં જોખમો રહેલાં છે.’
‘આવી રીતે વીજળી મોકલવાથી વાતાવરણમાં અત્યંત મજબૂત ચુંબકીય ક્ષેત્ર અને એટલું જ શક્તિશાળી વીજક્ષેત્ર નિર્માણ થશે.’
‘વીજક્ષેત્ર જેટલું મજબૂત હશે તેટલું તે વાતાવરણને ગરમ કરી નાખશે. આને કારણે જ તારા પ્રથમ પ્રયોગ વખતે વીજળીના સંગ્રહમાં ૨૦ ટકા કરતાં વધુનો ઘટાડો નોંધાયો હતો.’
‘બીજું આવી રીતે જ્યારે લાંબો સમય માટે વીજળીનો પ્રવાહ વહેશે ત્યારે રસ્તામાં હવાનું આયનીકરણ (ઘન ભાર ધરાવતા અણુઓ અને ઽઋણ ભાર ધરાવતા અણુઓને છૂટા પાડવા) શરૂ થઈ જવાની શક્યતા રહેલી છે.’
‘આવું થશે તો હવામાં ઓક્સિજનની તીવ્ર અછત નોંધાઈ શકે છે અને તેને કારણે સંપૂર્ણ સજીવ સૃષ્ટિને શ્ર્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે અને આ વસ્તુ જોખમી નીવડી શકે છે,’ લૈલાએ અનુપમને કહ્યું.
‘આ બધી વસ્તુ તારા ધ્યાનમાં આવી હતી?’
‘સાવ ડોબા જેવો છે, ચાલ હવે રંજન કુમાર સરને આનું નિરાકરણ પૂછીએ,’ લૈલાની વાત સાંભળીને ખરેખર પોતાની જાતને ડોબો માનવા લાગ્યો અનુપમ. બે મિનિટ માટે તેણે માથું ખંજવાળ્યા કર્યું અને પછી લૈલાની સલાહ પર અમલ કરવાનું નક્કી કર્યું.
અનુપમે રંજન કુમાર સરને ફોન કર્યો અને તેમને લૈલા દ્વારા જણાવવામાં આવેલા બધા જ મુદ્દાની વાત કર્યા બાદ કહ્યું કે ‘સર, આ સ્થિતિમાં ઉચ્ચ ફ્રિકવન્સી પર લાંબા સમય સુધી વીજળી પસાર કરવામાં સમગ્ર સજીવ સૃષ્ટિ પર સંકટ તોળાઈ શકે છે.’
‘આ બાબતને ધ્યાનમાં રાખતાં આપણે આપણી યોજનામાં થોડા ફેરફાર કરવા પડશે, પરંતુ હવે તેનું કેવી રીતે કરવું તે સમજાતું નથી એટલે તમારી મદદ લેવા માટે ફોન કર્યો છે,’ અનુપમે શરણાગતિ સ્વીકારી.
****
સેન્ટ્રલ વિસ્ટામાં રાજીવ ડોવાલ અને આદેશ રાજપાલ બેઠા હતા અને રાજેશ બાજુમાં અદબ વાળીને ઊભો હતો.
‘મને સમજાતું નથી કે એક વિજ્ઞાનીને સેન્ટ્રલ વિસ્ટામાંથી બહાર બોલાવીને તેના ફોનમાં બગ નાખી દેવામાં આવે છે.’
‘બીજા વિજ્ઞાનીને ભેટમાં એવો ફોન મોકલવામાં આવે છે, જે આસપાસની બધી વાતો સાંભળી શકે છે.’
‘આંદોલન કરીને આપણા મિશન મૂનને ખોરવી નાખવાના પ્રયાસ થઈ રહ્યા છે.
આપણા મિશન મૂનમાં આખી દુનિયા કેમ રસ લઈ રહી છે?’
‘આપણા મિશન મૂન પ્રોજેક્ટનો કોઈ દુશ્મન છે કે પછી સ્પર્ધક?’ આદેશ રાજપાલે રાજીવ ડોવાલને સવાલ કર્યો. (ક્રમશ:)ઉ
—
હવે શું?
અનુપમના પ્રયોગમાં એક નવો મુદ્દો સામે આવ્યો છે અને તેનું નિરાકરણ ન થાય તો પછી સજીવ સૃષ્ટિને નુકસાન થવાની આશંકા રહેલી છે. આ ગંભીર સમસ્યાનું નિરાકરણ કરવા માટે આપણે વહેલામાં વહેલી તકે રસ્તો કાઢવો પડશે, રંજન કુમારે અનુપ રોયને કહ્યું