લૈલાને રોસ હિલ પર મોકલીને ભૂલ કરી છે? કદાચ હા, કદાચ ના, કદાચ વર્ષો પહેલાં કરેલા પાપનું પ્રાયશ્ર્ચિત્ત કરવાનો મોકો મળ્યો છે
વિપુલ વૈદ્ય
રોસ હિલ પર અત્યારે અનુપમ અત્યંત ગૂંચવાયેલી અવસ્થામાં બેઠો હતો.
‘શું રંજન સરને લૈલા માટે હા પાડીને તેણે કોઈ ભૂલ કરી હતી?’
‘શું તે લૈલાની સાથે કામ કરી શકશે?’
‘શું લૈલા આ પ્રોજેક્ટને વફાદાર રહી શકશે?’
આવા અનેક સવાલો તેને મૂંઝવી રહ્યા હતા.
બીજી તરફ પોતાના પ્રોજેક્ટમાં મળેલી નિષ્ફળતાને કારણે જ આ સ્થિતિ સર્જાઈ હોવાનું તેને લાગી રહ્યું હતું.
એક તરફ તેને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો અને બીજી તરફ તે મનમાંને મનમાં મુંઝાઈ રહ્યો હતો. આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશે તે સમજાતું નહોતું. આખરે તેણે નક્કી કર્યું કે તે બિલકુલ લૈલાથી ઓઝપાશે નહીં અને મક્કમતાથી ફક્ત કામ પૂરતી જ વાત કરશે.
****
‘રંજન, તેં લૈલાને રોસ હિલ પર મોકલીને ભૂલ કરી હોય એવું લાગે છે?’ અનુપ રોય બોલ્યા.
‘કદાચ હા, કદાચ ના,’ રંજન કુમાર બોલ્યા.
‘કદાચ વર્ષો પહેલાં કરેલા પાપનું પ્રાયશ્ર્ચિત્ત કરવાનો મોકો મને મળ્યો છે,’ તેઓ સ્વગત બબડ્યા.
‘શું કહ્યું?’ અનુપ રોયે પૂછ્યું ત્યારે અચાનક હોશમાં આવ્યા રંજન કુમાર અને પોતાની જાતને સંભાળતાં કહ્યું કે ‘લૈલાની વીજળીમાં માસ્ટરી છે. તેને સંગ્રહ અને વિનિમય કરવાની ટેકનોલોજીમાં ખાસ્સી જાણકારી છે.’
‘અત્યારે અનુપમને જે તકલીફ પડી રહી છે તેમાં કદાચ શ્રુતિ અને મીના બંને કરતાં લૈલા વધુ યોગ્ય છે.’
****
અમેરિકાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સેમ્યુઅલ યંગ પોતાના પ્રેસિડેન્ટ જોન લાઈગરના આદેશનું પાલન કરવા માટે વિચાર કરી રહ્યો હતો. તેને અત્યારે સેન્ટ્રલ વિસ્ટામાં ‘કાન’ પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
તેણે પોતાના બધા જ માણસોને અલગ અલગ માહિતી કઢાવવાનો આદેશ આપ્યો હતો અને આ બધી માહિતી તેની સામે પડી હતી.
સેન્ટ્રલ વિસ્ટામાં રહેલી દરેક વ્યક્તિની માહિતી તેની પાસે હતી અને તે દરેકની શક્યતા ચકાસી રહ્યો હતો.
આખરે એક વ્યક્તિ તેના ધ્યાન પર આવી અને તેણે નક્કી કરી નાખ્યું કે આ જ વ્યક્તિના માધ્યમથી તે કાનને સેન્ટ્રલ વિસ્ટામાં પહોંચાડી શકશે.
તેણે એક વ્યક્તિને ફોન લગાવ્યો અને કેટલીક સૂચનાઓ આપી.
****
‘અનુપમ, હું આવી ગઈ,’ લૈલાએ કહ્યું.
‘તો? હું શું કરું? નાચું?’
‘તને જે કામ માટે મોકલવામાં આવી છે તે કામ કર,’ અનુપમ અત્યંત રૂક્ષતાથી બોલ્યો.
લૈલાને અનુપમની આ રૂક્ષતા કઠી. હજી હમણાં જ તે વિક્રમના પ્રયોગને સફળ કરીને આવી હતી. ત્યાં બધા તેને બિરદાવતા થાકતાં નહોતાં અને આ બેદર્દ, નફ્ફટ, નક્કામો, નાલાયક માણસ તેની સાથે ઉદ્ધતાઈથી વાત કરી રહ્યો હતો. તેને થોડો ગુસ્સો પણ આવ્યો, પરંતુ અત્યારે ગુસ્સો કરવાનો કોઈ અર્થ નહોતો એ બાબત ધ્યાનમાં લીધી અને અન્ય સહાયકોને કહ્યું કે ‘મને પહેલાં શ્રુંગમણિ અને પછી કોંડા હિલ પર લઈ જાઓ.’
‘મારે ત્યાં જઈને થોડો અભ્યાસ કરવો પડશે.’
શ્રુંગમણિ હિલ પર જઈને તેણે પહેલાં લેસર ઈન્ડ્યુસ્ડ પ્લાસમા ચેનલનો અભ્યાસ કર્યો. તેમાં અંદર રાખવામાં આવેલી મેટલ પ્લેટ, પ્રવાહી અને તેની સાથે જોડવામાં આવેલી બેટરીનો અભ્યાસ કર્યો.
ત્યાંથી કોંડા હિલ ગયા એટલે સહાયકોએ જે પ્લેટમાં કાણું પડી ગયું હતું તે દેખાડી. તેને જોયા પછી તેણે સોલાર પેનલ જોઈ. તેની અંદર ક્ધડક્ટરની પટ્ટીઓનું નિરિક્ષણ કર્યું. તેની સાથે જોડવામાં આવેલા વાયરો જોયા અને પછી ત્યાં એક ટેબલ પર પોતાની બેગમાંથી પરબીડિયું કાઢીને ખોલ્યું.
પરબીડિયું ખોલીને તેની અંદરના નકશા ખૂલ્લા મૂક્યા. પછી તેમાં બધી વસ્તુઓનો અભ્યાસ કરીને સોલાર પ્લેટ પાસે પાછી ગઈ.
મનમાં કશું નક્કી કરીને તે પાછી શ્રુંગમણિ હિલ પર પહોંચી. ત્યાં ફરી તેણે બધાનો અભ્યાસ કર્યો. પોતાના કાગળ પર પેન્સિલથી કેટલીક નોંધ ટપકાવી અને પછી તેઓ પાછા રોસ હિલ પર આવ્યાં.
દુરબીનથી લૈલાની હિલચાલ પર નજર રાખી રહેલા અનુપમને તેની કૃતિમાં નિષ્ઠા દેખાઈ અને તેની સામે રહેલો રોષ થોડો ઓછો થયો. હવે તેણે અત્યંત સૌજન્યપૂર્ણ ભાષામાં સવાલ કર્યો. ‘પ્લાસમા પેનલ અને રિફ્લેક્ટર પ્લેટનું નિરીક્ષણ કરીને આવી તો હવે કહેશે કે શું કરવાનું છે?’
‘મારે જે કહેવું હશે તે રંજન સરને કહીશ, તને શું કામ કહું?,’ લૈલા હવે રૂક્ષ હોવાનું દેખાડી રહી હતી.
‘તને તો મારું આગમન ગમ્યું નથી ને?,’ લૈલાએ ટોણો માર્યો.
‘એવું કશું જ નથી, એક અઠવાડિયાથી અહીં છું. મારો પ્રયોગ સફળ થતો નથી એટલે ધૂંધવાયેલો છું,’ અનુપમ બોલ્યો.
‘તમારી મદદ માટે જ અમને મોકલવામાં આવ્યા છે, મહાશય.’
‘જહાં કમ, વહાં હમ,’ લૈલાએ ટોણો માર્યો.
‘વિક્રમનો પ્રોજેક્ટ સફળ કરાવીને આવી છું અને હવે તારો પ્રોજેક્ટ સફળ કરાવીને રહીશ સમજ્યો?’
‘આને માટે તારે મને લાંચ આપવી પડશે, તારી વાંસળી કાઢ અને મારું કામ પૂરું ન થાય ત્યાં સુધી વગાડ્યા કર,’ લૈલાએ પોતાની શરત મૂકી.
લૈલાની શરત સાંભળીને અનુપમના મોં પર એક સ્મિત ફરકી ગયું. તે દોડીને પોતાની રૂમ પર ગયો અને વાંસળી લઈને આવ્યો. તેણે વાંસળી વગાડવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે તે પોતે પણ વાંસળીની ધૂનમાં ખોવાઈ ગયો. અત્યારે તે બધી જ ચિંતાઓથી મુક્ત થઈ ગયો હતો. ધીરે ધીરે તે ક્યાં છે તે પણ વિસરી ગયો અને વાંસળીના સૂરો ડુંગર પર રેલાઈ રહ્યા. તેની વાંસળીના સૂરોથી જાણે સૃષ્ટિમાં શાંતિ ફેલાઈ રહી હતી. સૃષ્ટિમાં ફેલાઈ રહેલી શાંતિની અસર જાણે સૂર્ય પર પણ થતી હોય એમ તેનું પ્રખર તેજ ઓસરવા લાગ્યું અને તે અસ્તાંચળે ગતિ કરવા લાગ્યો. આખી સૃષ્ટિ પર લાલીમા છવાઈ ગઈ. રોસ હિલ પર જાણે બધા પ્રાણી, પંખી વગેરે બધી જ જીવિત સૃષ્ટિ પર વાંસળીના સૂરોની મોહિની છવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું.
બીજી તરફ લૈલા આ સૂરોમાં ખોવાઈ જવાને બદલે બમણી ઝડપથી કામ કરી રહી હતી. તેણે ફટાફટ પ્લાસમા ચેનલની નવી યોજના તૈયાર કરી અને બીજી તરફ રિફ્લેક્ટર પ્લેટ માટે શું કરી શકાય તેની આખી યોજના તૈયાર કરી.
આખરે અનુપમ હોશમાં આવ્યો. તેણે વાંસળી વગાડવાનું બંધ કર્યું તો જોયું કે આસપાસ આખું વાતાવરણ પલટાઈ ગયું છે. રોસ હિલ પર બધા લોકો કામ છોડીને જ્યાં હતા ત્યાં સ્થિર થઈ ગયા હતા. વાંસળી બંધ થતાં બધા જ હોશમાં આવ્યા.
‘સરસ, અતિસુંદર,’ લૈલાએ કહ્યું.
‘હજી તારા સૂર અકબંધ છે,’ લૈલાએ તેની પ્રશંસા કરી.
લૈલા, તે આ શું કર્યું? મારાં બધાં કામ રખડી ગયાં. સાંજ પડી ગઈ. હવે ક્યારે કામ કરીશ?
‘તારું કામ થઈ ગયું છે. આ રહ્યા બધા પ્લાન,’ લૈલાએ કહ્યું. (ક્રમશ:)
———-
હવે શું?
લૈલાના હાથમાં શું જાદુ છે કે તે જ્યાં જાય ત્યાં બધા જ પ્રોજેક્ટ ફટાફટ માર્ગે ચડી જાય છે. શું લૈલાને કોઈ અદૃશ્ય હાથની મદદ મળી રહી છે? શું ભારતના મિશન મૂન પ્રોગ્રામની રજેરજ માહિતી કોઈની પાસે છે અને તે પ્રોજેક્ટને મદદ કરી રહ્યા છે? આખરે આ શું ચાલી રહ્યું છે? એવા અનેક પ્રશ્ર્નો વચ્ચે અત્યારે અનુપ રોય ગૂંચવાઈ રહ્યા હતા