લેખક – વિપુલ વૈદ્ય
પ્રકરણ-૫૧
‘બટેટા કાપો, ઓળો બનાવો, તપેલા ચડાવો, આટલા પૈસા થશે, આટલા પૈસા આપો, કુપન લાવો એવા શબ્દો વચ્ચે આવી રહ્યા છે.
‘આપણા એજન્ટોને આ ભાષા સમજાતી નથી’
—
ચીનના રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગે સુરક્ષા પરિષદની બેઠક બોલાવી હતી અને તેમાં જાસૂસી સંસ્થાના વડા લી, બે વાઈસ પ્રેસિડેન્ટ ઝૂ કિલાંગ, ઝાંગ યુઓઆ અને ચીફ ઓફ સ્ટાફ હાજર હતા.
‘લી, તને એક કામ સોંપ્યું હતું તેનું શું થયું,’ રાષ્ટ્રપ્રમુખે પૂછ્યું.
‘કોમરેડ સર, આપણા એજન્ટે પોતાનું કામ કરી નાખ્યું છે.’
‘અપેક્ષાથી વિપરિત વિજ્ઞાની આપણી એજન્ટને મળવા માટે સેન્ટ્રલ વિસ્ટામાંથી બહાર આવ્યો હતો.’
‘બંને ક્લબમાં મળ્યાં હતાં અને આખી રાત એક-બીજાની સાથે રહ્યાં હતાં.’
‘અત્યારે આપણને સેન્ટ્રલ વિસ્ટામાંથી સિગ્નલ મળી રહ્યા છે.’
‘આનો એક અર્થ એવો કાઢી શકાય કે આપણા એજન્ટ દ્વારા વિજ્ઞાનીને લગાવવામાં આવેલું બગ સેન્ટ્રલ વિસ્ટા સુધી પહોંચી ગયું છે.’
‘સરસ, આજના દિવસની કોઈ ખાસ વાત જાણવા મળી છે,’ લ્યાન ઝિન પિંગે પૂછ્યું.
‘સર, એક સમસ્યા છે. એ લોકો કોઈ કોડવર્ડમાં વાત કરતા હોય એવું લાગી રહ્યું છે.’
‘બટેટા કાપો, ઓળો બનાવો, તપેલા ચડાવો, આટલા પૈસા થશે, આટલા પૈસા આપો, કુપન લાવો એવા શબ્દો વચ્ચે આવી રહ્યા છે.’
‘આપણા એજન્ટોને આ ભાષા સમજાતી નથી.’
‘આ બધું બોલવા પહેલાં રોકેટ દ્વારા અવકાશયાન લઈ જવાને બદલે સ્પેસ શટલ જેવું અવકાશયાન બનાવવાની વાતો થતી હતી.’
‘એના પરથી એવું લાગી રહ્યું છે કે આ આપણી હિલચાલ પર કોઈ નજર રાખી રહ્યું છે અને હવે બધી વાતો કોડવર્ડમાં થઈ રહી છે,’ લીએ રાષ્ટ્રપ્રમુખને કહ્યું.
‘કશો વાંધો નહીં, થોડી વાર ધ્યાનથી સાંભળો,’ ઝિન પિંગે કહ્યું.
‘આપણા ભારતીય ભાષાના જાણકાર એજન્ટોને બોલાવો અને સમજવાની કોશિશ કરો.’
****
‘રાજેશ, વિજ્ઞાનીનો ફોન બદલી નાખ્યો?,’ રાજીવ ડોવાલે પૂછ્યું
‘હા સર, એને ખબર ન પડે તે રીતે બદલી નાખ્યો છે,’ રાજેશ તિવારીએ કહ્યું.
‘તેના ફોનની જગ્યાએ તેને એક નવો ફોન આપી દીધો છે.’
‘તેનો ફોન કેન્ટિનના મેનેજરને આપી દીધો છે,’ રાજેશ તિવારીએ પોતાના કામનો અહેવાલ આપ્યો.
‘આ વિજ્ઞાનીને હવે નોર્થ-એન્ડની ઓફિસમાંથી સાઉથ-એન્ડની ઓફિસમાં જવા દેશો નહીં.’
‘કોઈને શંકા આવે એવું કરશો નહીં,’ રાજીવે રાજેશને સૂચના આપી.
****
‘વિક્રમ, તું સાવ બેસૂરો થઈ ગયો છે. બુલબુલની બધી ચાવીઓ ભૂલી ગયો હોય એવું લાગી રહ્યું છે.’
‘જરા સરખી રીતે વગાડ તો મારું મન પ્રફુલ્લિત થાય તો તારું કામ વહેલું થશે,’ લૈલા અત્યારે વિક્રમને સતાવી રહી હતી.
વિક્રમ અત્યારે ધૂંધવાઈ રહ્યો હતો.
તેને અત્યારે એવું લાગી રહ્યું હતું કે તે કોલેજિયન છોકરો છે અને અત્યારે તેની સાથે રેગિંગ થઈ રહ્યું છે.
બે વખત પ્રયોગ નિષ્ફળ થવાની સજા ભલે રંજન કુમાર સર કે પછી અનુપ રોય સરે ન આપી હોય, પરંતુ અત્યારે લૈલા તેને સજા આપી રહી હોય એવું લાગી રહ્યું હતું.
એક ઊંડો શ્ર્વાસ લઈને તેણે કોલેજ જીવનનું ખાસ ગીત ‘મેરે સપનોં કી રાની..’ વગાડવાનું ચાલુ કર્યું.
તેણે વગાડવાનું ચાલુ કરતાં જ લૈલાના ચહેરા પર મોટું સ્મિત આવી ગયું.
ગીત પૂરું થયું એટલી વારમાં તો લૈલાએ પોતાનું કામ પૂરું કરી નાખ્યું.
‘વિક્રમ, લે આ તારું એન્જિન તૈયાર થઈ ગયું.’
‘હવે પ્રોટોટાઈપ તૈયાર થાય એટલે આપણે પ્રયોગ કરવા તૈયાર,’ લૈલાએ કહ્યું.
‘રામ, આપણા નવી ડિઝાઈનનું પ્રોટોટાઈપ ક્યાં સુધી પહોંચ્યું?,’ વિક્રમ નાણાવટીએ પૂછ્યું.
‘વિક્રમ સર, અમારું કામ પૂરું થઈ ગયું છે.’
‘હવે આમાં એન્જિન લગાવી શકાશે, રામ શર્માએ કહ્યું.
બધા લોકો હવે પ્રોટોટાઈપમાં એન્જિન ફિટ કરવાના કામમાં લાગી ગયા.
બે કલાકની જહેમત બાદ પ્રોટોટાઈપ એન્જિન લગાવીને તૈયાર થયું એટલે ફરી રેસ્ટ હાઉસની અગાશી પર નવા ઉડ્ડયનની તૈયારીઓનો પ્રારંભ કરી નાખવામાં આવ્યો.
આ વખતે એન્જિનનું બટન વિક્રમને બદલે લૈલાએ પોતે દબાવ્યું. ધીરે ધીરે એન્જિન ગરમ થવા લાગ્યું અને પછી રિમોટ પરનું બટન દબાવતાં તે દોડવા લાગ્યું, ૧૦ મીટર દોડીને વિમાને ઉડ્ડયન ભર્યું.
અગાઉના અનુભવને કારણે કોઈએ ઉડ્ડયન શરૂ થયા પછી ઉત્સાહ કે ખુશી વ્યક્ત ન કરી બધા તેના પર દુરબીન દ્વારા નજર રાખી રહ્યા હતા.
વિમાનને ઓટો-પાઈલટ મોડ પર પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું એટલે તે સીધું ઊડ્યું. લગભગ ૧૦૦૦ મીટર જેટલું ઊંચે પહોંચ્યું અને એક મોટો ચકરાવો લીધો. એક ચક્કર પૂરું કર્યા બાદ તે પાછું ફરીને ધીમે ધીમે નીચે આવવા લાગ્યું.
‘રામ, હવે આપણી કપરી પરીક્ષા છે. પ્રોગ્રામ મુજબ વિમાન સામેના મેદાનમાં જ ઊતરવું જોઈએ,’ વિક્રમ બોલ્યો.
મેદાનની આસપાસ અને ખીણ નજીક ઊભેલા બધા જ સહાયકો એલર્ટ મોડમાં આવી ગયા હતા.
વિમાન અત્યંત ઝડપથી નીચે આવ્યું અને મેદાન પર અડતાંની સાથે જ તેની પાછળનું પેરેશૂટ ખૂલી ગયું. ૨૦૦ મીટર દોડીને વિમાન સ્થિર થયું.
બધા દોડીને અગાશી પરથી નીચે ઊતર્યા અને વિમાનની આસપાસ એકઠા થયા.
વિમાનનું નિરીક્ષણ કર્યું. બધું સારી હાલતમાં હતું એવું ધ્યાનમાં આવ્યા બાદ બધા એકબીજાને શુભેચ્છા આપવા લાગ્યા.
****
રંજન કુમાર, અભિનંદન. વિક્રમ સફળ થયો.
અનુપ, તને પણ અભિનંદન. આખરે તો તારો ચેલો છે ને.
મોડેલનું ઉડ્ડયન ૧૦૦૦ મીટર સુધી તો સફળ થયું છે. હવે તેમને આ વિમાન ૧૫,૦૦૦ મીટર પર લઈ જવાનું જણાવજો, ખબર તો પડે કે એન્જિનમાં તાકાત કેટલી છે?
સારું, હું કહી દઉં છું. (ક્રમશ:)
—
હવે શું?
વિક્રમ, વાતાવરણ ચોખ્ખું હોય તો આવતી કાલે વિમાનને ૧૫,૦૦૦ મીટર પર લઈ જવાનો પ્રયાસ કરજો. ઊંચાઈ ધીરે ધીરે વધારજો. ઓછામાં ઓછું એક કલાકનું ઊડ્ડયન કરજો. ખબર તો પડે કે આપણું એન્જિન કેટલું શક્તિશાળી છે. આપણે તો પાછું બહુ દૂર સુધી જવાનું છે.