Homeમિશન મૂનમિશન મૂન પ્રકરણ ૪૯

મિશન મૂન પ્રકરણ ૪૯

‘મારી સમસ્યાનો હલ તમારી પાસે છે તે જાણીને મને આનંદ થયો, પરંતુ તમે કોણ છો? મારા પર આ મહેરબાની કરવાનું કારણ?,’ મહિલા વિજ્ઞાનીએ સવાલ કર્યો

લેખક – વિપુલ વૈદ્ય

સેન્ટ્રલ વિસ્ટામાં અત્યારે મહત્ત્વની બેઠક ચાલી રહી હતી.
વિક્રમના બંને પ્રયોગ નિષ્ફળ ગયા હતા અને અનુપમનો પણ બીજો પ્રયોગ નિષ્ફળ ગયો હતો.
રંજન કુમાર, અનુપ રોયની સાથે વડા પ્રધાન ઈન્દ્રવદન મહેતાએ બેઠક બોલાવી હતી. વડા પ્રધાનના સંકેત પર આદેશ રાજપાલે વાત ચાલુ કરી.
‘હવે શું કહેવું છે તમારે, આપણો પ્રોજેક્ટ સફળ થવાની શક્યતા કેટલા ટકા છે?’
‘જ્યાં સુધી મારો વિચાર છે ત્યાં સુધી આપણો પ્રોજેક્ટ ૧૦૦ ટકા સફળ થશે.’
‘અત્યારે ભલે એમ લાગતું હોય કે આપણા પ્રયોગ નિષ્ફળ જઈ રહ્યા છે, પરંતુ બંને વિજ્ઞાનીઓ ઘણા હોશિયાર અને મહેનતુ છે.’
‘મને લાગે છે કે આપણે તેમને પોતાની ક્ષમતા દેખાડવા માટે વધારે સમય આપવો જોઈએ,’ રંજન કુમાર કશો જવાબ આપે તે પહેલાં જ અનુપ રોયે કહ્યું.
તેની વાત સાંભળીને વડા પ્રધાને રંજન કુમાર સામે જોયું.
‘પ્રાઈમ મિનિસ્ટર સર, આવા પ્રયોગ માટે મહિનાઓનો સમય લાગે છે. આપણે બંને વિજ્ઞાનીઓને હજી સુધી ૪૮ કલાક આપ્યા છે,’ રંજન કુમારે કહ્યું.
‘મને લાગે છે કે તેમની મદદ માટે સહાયક મોકલવાની આવશ્યકતા છે.’
‘મારી ઈચ્છા છે કે અણુ ઊર્જા ક્ષેત્રની નિષ્ણાત લૈલાને વિક્રમની મદદ માટે મોકલવામાં આવે તો આપણને સકારાત્મક પરિણામ જોવા મળશે.’
‘અનુપમના પ્રયોગમાં કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે.’
‘શ્રુતિને તેની મદદ માટે મોકલવામાં આવશે તો કદાચ પ્લાસમા ચેનલમાં એકઠી કરવામાં આવતી વીજળીનો સંગ્રહ કરવામાં સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે,’ રંજન કુમારે પોતાની વાત મૂકી.
‘રંજન કુમાર, તમને ખબર છે કે અનુપમ પર કેવા ગંભીર પ્રકારના આરોપ લાગ્યા હતા.’
‘આવી સ્થિતિમાં એક મહિલાને રોસ હિલના જંગલમાં પ્રયોગ માટે મોકલવાનું કેટલું યોગ્ય રહેશે?’
‘આ બાબતને મારી મંજૂરી નહીં મળી શકે.’
‘તમારી પાસે કોઈ બીજો વિકલ્પ હોય તો મારી પાસે રજૂ કરી શકો છો.’
‘બીજું શ્રુતિને હજી થોડા દિવસ પહેલાં જ પાછી બોલાવવામાં આવી છે. તેને પાછી તરત મોકલવાનો કોઈ અર્થ નથી,’ વડા પ્રધાને કહ્યું.
‘બીજો વિકલ્પ અત્યારે ધ્યાનમાં આવતો નથી,’ રંજન કુમાર બોલ્યા.
****
ફોન પર થયેલી વાતની ગલીપચી હજી અનુભવી રહેલા વિજ્ઞાનીને જ્યારે જાણવા મળ્યું કે હવે સેન્ટ્રલ વિસ્ટાની બહાર જઈ શકાશે ત્યારે તે સાતમા આસમાનમાં વિહરવા લાગ્યો. માનસિક રીતે તે પાર્ટીની તૈયારીઓ કરી રહ્યો હતો. રાતે પાર્ટીમાં જવા મળશે અને કાજલની સાથે મજા કરવા મળશે એમ સમજીને તે ખુશ થઈ રહ્યો હતો.
જોકે, તેને ખબર નહોતી કે તે એક મોટા ષડયંત્રમાં ફસાવા જઈ રહ્યો છે.
સામે પક્ષે તેને સપડાવવા માટે મોટી તૈયારીઓ થઈ રહી હતી તેનાથી અજાણ આ વિજ્ઞાની અત્યારે રોમાંચ અનુભવી રહ્યો હતો.
મિશન મૂન સાથે સંકળાયેલા લોકો પર નજર રાખવાની જવાબદારી જેમના શિરે હતી તે રાજેશ તિવારીનું ધ્યાન આ વિજ્ઞાનીના ઉત્સાહ પર ગયું અને કશી શંકા આવતાં તેણે તરત જ રાજીવ ડોવાલનો સંપર્ક સાધ્યો.
‘રાજેશ, વિજ્ઞાનીને બહાર જવા દેજે. ફક્ત તેના પર નજર રાખ્યા કરજો. ફક્ત એટલું ધ્યાન રાખજો કે તે કોઈ રીતે સપડાય નહીં. આપણા મિશન મૂનને કોઈ પ્રકારનું નુકસાન થવું જોઈએ નહીં.’
‘આ વાત અત્યારે વડા પ્રધાનને કરવાની નથી, હું યોગ્ય સમય આવ્યે વાત કરીશ,’ રાજીવ ડોવાલે કહ્યું.
****
રામ શર્માના નેતૃત્વ હેઠળની ટીમે જયંત સિન્હા દ્વારા મોકલવામાં આવેલી ડિઝાઈનને આધારે નવું મોડેલ બનાવવાની તૈયારીઓ શરૂ કરી હતી અને બીજી તરફ વિક્રમ નાણાવટીએ નવેસરથી અણુ ઈંધણ આધારિત એન્જિન બનાવવાનું ચાલુ કર્યું.
એન્જિન બનાવવા માટે રિએક્ટર ચેમ્બરમાંથી જન્મેલી ઊર્જા દ્વારા પાણીને ગરમ કરીને તેની વરાળથી પંખો ચલાવવા સુધીની ગોઠવણ થયા બાદ એ પંખાથી હાઈડ્રોજન ગેસ ચેમ્બરમાં ભારે દબાણ પેદા કરવાની મથામણ કરી રહ્યો હતો.
તેને અનુપ રોયના શબ્દો યાદ આવ્યા કે પ્રેશર સાથે હાઈડ્રોજન ગેસ બહાર પડશે તો ઝટકા સાથે વિમાન ઉડ્ડયન ભરશે.
****
‘મેડમ, તમારો શુભેચ્છુક બોલી રહ્યો છું. ફોન કાપતા નહીં.’
‘અત્યારે તમે જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેના વિશે મારી પાસે અત્યંત મહત્ત્વની માહિતી છે.’
‘તમારો પ્રોજેક્ટ અત્યારે અટકી પડ્યો છે અને તમને મદદની આવશ્યકતા છે.’
‘તમારી સમસ્યાનો હલ મારી પાસે છે.’
‘મારી સમસ્યાનો હલ તમારી પાસે છે તે જાણીને મને આનંદ થયો, પરંતુ તમે કોણ છો? મારા પર આ મહેરબાની કરવાનું કારણ?,’ મહિલા વિજ્ઞાનીએ સવાલ કર્યો.
‘મેડમ, તમે અમને એક વખત કપરાકાળમાં મદદ કરી હતી એટલે તમે અમને ઓળખો છો.’
‘તમારા એટલે કે તમારા દેશ પ્રત્યે અમે કોઈ મહેરબાની કરી રહ્યા નથી.’
‘અત્યારે તમારે મદદની આવશ્યકતા છે અને અમે તમને મદદ કરવા માટે તૈયાર છીએ.’
‘જોકે, આ મદદ અદૃશ્ય હાથ દ્વારા થઈ રહી છે એટલે તમારે તેનો ક્યાંય ઉલ્લેખ કરવાની આવશ્યકતા નથી.’
‘આવી જ રીતે બદલામાં કશું કરી આપવાની પણ કોઈ શરત નથી.’
‘તમને અડધા કલાકની અંદર તમારા કામની એક વસ્તુ મળી જશે,’ એટલું કહીને સામેથી ફોન મૂકી દેવામાં આવ્યો.
ફોન મુકાઈ જતાં જ મહિલા વિજ્ઞાનીની ચિંતા હળવી થવાને બદલે વધી ગઈ હતી.
સેન્ટ્રલ વિસ્ટામાં જ્યારે આખી ટીમને આટલી ગુપ્ત રાખવામાં આવી છે ત્યારે આ કઈ વ્યક્તિ છે જે સંપર્ક કરી શકે છે એવા વિચારો અત્યારે તેને આવી રહ્યા હતા.
કોણ હતી આ વિજ્ઞાની? તેણે ક્યારે અને કેવી રીતે અજ્ઞાત ફોન કરનારાને મદદ કરી હતી અને એવી કઈ મદદ કરી હતી કે જેનો બદલો વાળવા માટે ભારતના મિશન મૂન માટે મહત્ત્વની મદદ કરવામાં આવી રહી હતી? (ક્રમશ:)
——–
હવે શું?
જે રીતે અનુપમના પ્રયોગમાં સહાયક બનવાની તૈયારી મીનાએ દેખાડી છે તેને જોતાં થોડાં વર્ષ પહેલાં આ જ મીનાએ તેના પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો તેનો છેદ ઊડી જતો લાગી રહ્યો છે. અનુપમ સામે કાવતરું ઘડવામાં આવ્યું હોવાની આપણી શંકા સાચી પડતી લાગી રહી છે, એમ વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતાએ કહ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular