કોમરેડ સર, મને એક વિચાર આવ્યો છે. ભૂતકાળમાં આપણે એક મહિલા વિજ્ઞાનીનો ઉપયોગ આપણા મિશન માટે કર્યો હતો, આ મહિલા વિજ્ઞાની અત્યારે મિશન મૂન પ્રોજેક્ટ સાથે સંકળાયેલી છે. તમારો આડકતરી રીતે મદદ કરવાનો જે પ્લાન છે તેમાં તે મદદરૂપ બની શકે છે, વેલેરીએ કહ્યું
વિપુલ વૈદ્ય
સેન્ટ્રલ વિસ્ટામાં અત્યારે વિજ્ઞાનીઓની સાઉથ-એન્ડની કેબિનમાં અનુપ રોય અને રંજન કુમાર અત્યંત ગમગીન હતા. અનુપમનો પહેલો પ્રયોગ સફળ થયો હતો, પરંતુ રિફ્લેક્ટર પર કરવાનો બીજો પ્રયોગ નિષ્ફળ ગયો હતો. વિક્રમના તો બંને પ્રયોગ નિષ્ફળ થયા હતા. બીજા પ્રયોગમાં વિમાન થોડું ઊડ્યું એટલી જ રાહત લઈ શકાય એમ હતી.
આ બધાની વચ્ચે રંજન કુમારને કશોક વિચાર આવ્યો અને તેઓ બહાર નીકળ્યા.
‘લૈલા, શું કરે છે તું?’ રંજન કુમારે પૂછ્યું.
ક્યારની એક ખૂણામાં મોં નીચું નાખીને બેઠેલી લૈલા રંજન કુમારનો અવાજ સાંભળીને ચોંકી ઊઠી.
તેની હાલત અત્યારે અત્યંત ખરાબ હતી. એક તરફ અનુપમ અને વિક્રમ બંને તેના માટે હલકો અભિપ્રાય ધરાવતા હતા અને બીજી તરફ હજી બે દિવસ પહેલાં જ તેને સેન્ટ્રલ વિસ્ટાની ડ્યૂટીમાંથી હટાવી નાખવામાં આવી હતી.
તેણે કેરળમાં કરેલા ફોનને પગલે તેના પર શંકા આવી હોવાનું કહેવાઈ રહ્યું હતું. અનુપમ અને વિક્રમ તેને ગદ્દાર માનતા હતા અને હવે બાકીના વિજ્ઞાનીઓ પણ તેને ગદ્દાર માનશે. કાયમ એની સાથે જ એવું કેમ થાય છે કે ગદ્દારની છાપ તેના માથે જ લાગે છે એવા વિચારો તેને આવી રહ્યા હતા. અત્યારે તેને કામ કરવાની ઈચ્છા જ થતી નહોતી. આમ છતાં અહીં બેસવું પડ્યું હતું.
અત્યારે તેને શરમજનક સ્થિતિ લાગી રહી હતી. હવે અવગણના જ થશે એવું ધારીને એ ખૂણામાં બેઠી હતી, પરંતુ રંજન કુમારે તેને બોલાવી હતી.
‘આવી સર, કહોને શું કરવાનું છે?,’ લૈલાએ પૂછ્યું.
‘અત્યારે તું શું કરી રહી હતી એમ પૂછ્યું હતું, કયા ખયાલોમાં હતી?’ રંજન કુમારે પૂછ્યું.
‘કશું નથી કરી રહી, મારી પાસે કોઈ કામ નથી. તમે કહેશો તે કરીશ,’ લૈલાએ કહ્યું ત્યારે તેની અન્યમનસ્ક અવસ્થા જોઈને રંજન કુમારને કશો ખ્યાલ આવ્યો.
‘ઠીક છે, તારી પાસે કશું કામ ન હોય તો તું વિક્રમને મદદ કરવા જઈ શકે છે?’ રંજન કુમારે પૂછ્યું.
‘હા સર,’ લૈલાએ કહ્યું.
ઘણો પ્રયત્ન કર્યો લૈલાએ કે તે પોતાની લાગણીને નિયંત્રણમાં રાખે, પરંતુ તેના જવાબમાં રહેલો ઉત્સાહ અને આનંદ રંજન કુમારને તેની આંખોમાં દેખાઈ ગયો.
‘ઠીક છે, તને વિક્રમ પાસે મોકલી દેવામાં આવશે, પરંતુ એક વાત ધ્યાનમાં રાખજે કે આ પ્રોજેક્ટની વાત બહાર જાય નહીં,’ રંજન કુમારે ચેતવણી આપી.
* * *
‘કોમરેડ સર, મને એક વિચાર આવ્યો છે. ભૂતકાળમાં આપણે એક મહિલા વિજ્ઞાનીનો ઉપયોગ આપણા મિશન માટે કર્યો હતો,’ રશિયાના મેજર જનરલ વેલેરી ગેરાસિમોવે રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈનને કહ્યું.
‘આ મહિલા વિજ્ઞાની અત્યારે મિશન મૂન પ્રોજેક્ટ સાથે સંકળાયેલી છે.’
‘તમારો આડકતરી રીતે મદદ કરવાનો જે પ્લાન છે તેમાં તે મદદરૂપ બની શકે છે, વેલેરીએ કહ્યું.
‘મને આમાં કશું ખોટું લાગતું નથી, સંપર્ક કરો એનો અને ગમે તે ભોગે એના માધ્યમથી ભારતને મદદરૂપ થાઓ,’ બાઈને કહ્યું.
* * *
સેન્ટ્રલ વિસ્ટામાં વડા પ્રધાનની કચેરીમાં અત્યારે ઈન્દ્રવદન મહેતા, ગૃહપ્રધાન અમિતાભ શેઠ, વડા પ્રધાનના બે વિશ્ર્વાસુઓ રાજીવ ડોવાલ અને આદેશ રાજપાલ તેમ જ રાજેશ તિવારી બેઠા હતા.
‘પ્રાઈમ મિનિસ્ટર સર, ઘણા વખતથી આ બધા વિજ્ઞાનીઓએ સેન્ટ્રલ વિસ્ટાની બહાર પગ મૂક્યા નથી. તેમના સહાયકો પણ આટલા દિવસથી બધા અંદર જ છે.’
‘હવે જ્યારે અનુપ રોય અને રંજન કુમારનો વિશ્ર્વાસ સાચો પડ્યો છે તો મને લાગે છે કે તેમને બહાર જવા દેવાની પરવાનગી આપવી જોઈએ.’
‘આપણા બધા જ વિજ્ઞાનીઓ અત્યંત વિશ્ર્વાસુ છે,’ ગૃહપ્રધાન અમિતાભ શેઠે કહ્યું.
‘ઘણા દિવસથી બંધિયાર રહેલા વિજ્ઞાનીઓ પરનાં નિયંત્રણો ઉઠાવી લેવામાં આવે તો તેઓને જેલ જેવી લાગણી નહીં થાય અને કામ સારી રીતે થઈ શકશે,’ એમ પણ તેમણે કહ્યું.
ગૃહપ્રધાનનો પ્રસ્તાવ સાંભ ળીને તરત જ વડા પ્રધાને રાજીવ સામે જોયું.
‘સર, મને આમાં કશો વાંધો જણાતો નથી. નિયંત્રણો ઉઠાવી લેવાથી તેમને બધું સામાન્ય હોવાનું લાગી શકે અને તેનાથી તેમની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે,’ રાજીવ ડોવાલે કહ્યું.
ગૃહપ્રધાનને નવાઈ લાગી કે રાજીવ અત્યારે તેમના પ્રસ્તાવને મંજૂરી આપી રહ્યો હતો. સામાન્ય કરતાં આ વખતે કશુંક અલગ થઈ રહ્યું હતું.
રાજીવ ડોવાલને ગૃહપ્રધાન પોતાની અને વડા પ્રધાનની વચ્ચે રહેલો અવરોધ માનતા હતા. વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતા રાજકીય જીવનમાં સાડા ત્રણ દાયકાથી સક્રિય હતા અને તેમાંથી અઢી દાયકા અમિતાભ શેઠ તેમની સાથે રહ્યા હતા, આમ છતાં વડા પ્રધાનને ફક્ત દસ વર્ષથી સાથે કામ કરી રહેલા રાજીવ ડોવાલ પર વધુ વિશ્ર્વાસ હોય એવું લાગતું હતું.
રાજીવ ડોવાલમાં એવા ગુણો પણ હતા. અનેક વખત કટોકટી જેવી સ્થિતિનું સાચું આકલન કરીને તેણે વડા પ્રધાનના અનેક પ્રોજેક્ટ સફળ બનાવ્યા હતા. આમ છતાં વડા પ્રધાનનું પોતાના કરતાં પણ રાજીવને વધુ મહત્ત્વ આપવાનું અમિતાભને ખટકતું હતું પણ આજે તો ચમત્કાર થયો હતો. રાજીવે તેના પ્રસ્તાવને લીલી ઝંડી આપી હતી.
‘તમને બધાને એવું લાગતું હોય તો અત્યારે બે દિવસ માટે બધા વિજ્ઞાનીઓને બહાર અવરજવરની પરવાનગી આપી શકો છો,’ વડા પ્રધાન ઈન્દ્રવદન મહેતાએ કહ્યું.
* * *
‘હેલો, હું કાજલ બોલું છું.’
‘બોલ, શું કહે છે?’
‘હું કેટલા દિવસથી તમારી રાહ જોઈ રહી છું, તમે કેમ આવતા નથી?’
‘હું નથી આવી શકતો અત્યારે મહત્ત્વના કામમાં અટવાયેલો છું.’
‘અમારા વખતે જ તમને મહત્ત્વના કામ આવી જાય છે.’
‘ખબર છે તમને મળવા માટે હું કેટલી તડપી રહી છું.’
‘મારે આજેને આજે જ તમને મળવું છે.’
‘અત્યારે મારા માટે આ જીવન-મરણનો પ્રશ્ર્ન છે.’
‘રાતે અગિયાર વાગ્યે ક્લબ નાઈનમાં તમારી રાહ જોઈશ.’
‘મારે તમારી ઘણી જરૂર છે,’ પોતાને કાજલ ગણાવતી યુવતીએ ફોન પર વિનવણીઓ કરી.
‘અરે.. અરે.. જરાક ધીમી પડ. જો હું ક્લબમાં આવી શકીશ કે નહીં તે અત્યારથી કહી શકીશ નહીં. જરાક શાંતી રાખ,’ સેન્ટ્રલ વિસ્ટાના નોર્થ-એન્ડમાં આવેલી કચેરીમાં બેઠેલા એક વિજ્ઞાનીએ ફોન પર કહ્યું.
‘આવું નહીં કરોને… પ્લીઝ.. મારે માટે…’ સામે ફોન પર વાત કરી રહેલી યુવતીએ રીતસરનું ત્રાગું કરવાનું ચાલુ કરી દીધું.
યુવતીની કાકલૂદી સાંભળીને કોણ જાણે વિજ્ઞાનીને શું થયું કે તેણે કહી
દીધું કે
‘હું અગિયાર વાગ્યે ક્લબ નાઈન પહોંચવાનો પ્રયાસ કરું છું.’
આટલું કહેતાં જ ફોન પર સામેથી ઢગલાબંધ કિસ આપવામાં આવી અને અહીંથી વાત કરી રહેલા વિજ્ઞાનીના ગાલ લાલ થવા લાગ્યા. (ક્રમશ:)
———
હવે શું?
‘મેડમ, તમે અમને એક વખત કપરાકાળમાં મદદ કરી હતી. અત્યારે તમારે મદદની આવશ્યકતા છે અને અમે તમને મદદ કરવા માટે તૈયાર છીએ. આ મદદ અદૃશ્ય હાથ દ્વારા થઈ રહી છે એટલે તમારે તેનો ક્યાંય ઉલ્લેખ કરવાની આવશ્યકતા નથી. તમને અડધા કલાકની અંદર તમારા કામની એક વસ્તુ મળી જશે, સેન્ટ્રલ વિસ્ટામાં કામ કરી રહેલી એક મહિલા વિજ્ઞાનીને આવો ફોન આવ્યો.