વિક્રમે કાયમ મને પરાસ્ત કર્યો છે, આઈઆઈટી હોય કે પછી ભારતીય રોકેટ કાર્યક્રમ. તે મારાથી હંમેશાં આગળ રહ્યો છે અને તેથી મને તેની ઈર્ષ્યા થતી હતી. ‘હું મનમાં ઘૂંટાયા કરતો હતો અને વ્યસનને રવાડે ચડી ગયો હતો.’ મારા કાકા જનપ્રતિનિધિ બન્યા પછી તેમણે મને ખાતરી આપી હતી કે મારે આવી રીતે ઘુંટાઈને જીવવું નહીં પડે
લેખક – વિપુલ વૈદ્ય
ચીનમાં મળતી માહિતીનો સ્રોત બંધ થઈ ગયો હતો અને તેની માહિતી આપવા માટે ચીનની જાસૂસી સંસ્થાના વડા લી રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગને મળવા માટે તેમની ઓફિસમાં ગયા હતા.
‘કોમરેડ સર, ભારતના મિશન મૂન કાર્યક્રમ માટે આપણે જે માધ્યમથી માહિતી મેળવતા હતા ત્યાંથી હવે માહિતી મળવી મુશ્કેલ છે. હવે આપણે કોઈ બીજો રસ્તો શોધી કાઢવો પડશે,’ રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગને ચીનની જાસૂસી સંસ્થા એસએમએસના વડા લીએ કહ્યું.
‘કેમ શું થયું?’ લ્યાન ઝિન પિંગે પૂછ્યું.
‘સર, આપણે તેમના દ્વારા વાપરવામાં આવેલા લેપટોપના બ્રાઉઝરના માધ્યમથી તેમની સિસ્ટમ હેક કરી હતી, પરંતુ હવે ત્યાં કદાચ કોઈને ખબર પડી ગઈ છે અને લેપટોપમાંથી બધો ડેટા ડીલીટ કરી નાખવામાં આવ્યો છે,’ લીએ કહ્યું.
‘આપણી એક એજન્ટ ત્યાં દિલ્હીમાં છે ને?’ ઝિન પિંગે પૂછ્યું.
‘હા સર, છે તો ખરી પણ વિજ્ઞાનીઓને બહાર જ નીકળવા દેવામાં આવતા નથી ત્યાં તે શું કરી શકવાની છે?’ લીએ પૂછ્યું.
‘નીકળશે અને માહિતી પણ આપશે. રસ્તો કાઢવા જણાવો એને,’ લ્યાન ઝિન પિંગે કહ્યું.
‘એ બે વિજ્ઞાનીઓના સંપર્કમાં હતી. હવે શું થયું?’
‘એને કહો મારો આદેશ છે, જરૂર પડે તો ત્રિયા ચરિત્રનો ઉપયોગ કરો, પણ મિશન મૂનની માહિતી મારે જોઈએ છે,’ લ્યાન ઝિન પિંગે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો.
***
‘પ્રેસિડેન્ટ સર, અત્યારે આપણો માહિતીનો સ્રોત બંધ થઈ ગયો છે. આપણે જે ડિસ્પ્લે સ્ક્રીનના કેમેરા દ્વારા તેમની હિલચાલ પર નજર રાખતા હતા તે જ બંધ થઈ ગયા છે,’ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સેમ્યુઅલ યંગ અમેરિકાના પ્રેસિડેન્ટ જોન લાઈગરને માહિતી આપી રહ્યા હતા.
‘ભારતમાં કદાચ કોઈ વ્યક્તિ આપણા કરતાં પણ વધુ ચાલાક છે.’
‘આપણી આંખ બંધ થઈ ગઈ છે તો કાનની સ્થિતિ શું છે?,’ લાઈગરે પૂછ્યું.
‘સર, કાન પણ બંધ છે. સેન્ટ્રલ વિસ્ટામાં શું બની રહ્યું છે તેની કોઈ માહિતી બહાર આવતી નથી,’ સેમ્યુઅલે રિપોર્ટ આપ્યો.
‘માહિતી કાન સુધી ન આવતી હોય તો આપણા કાનને અંદર મોકલો,’ લાઈગરે કહ્યું.
‘ઓકે સર, હું પ્રયાસ કરું છું,’ એમ કહીને સેમ્યુઅલ યંગ રાષ્ટ્રપ્રમુખને સેલ્યુટ ઠોકીને બહાર નીકળી ગયો.
****
‘સર, મને ખબર નથી પડતી કે આખા દેશમાં આ વિરોધનો જ્વાળા ક્યાંથી ફાટી નીકળ્યો છે?’ બેઈલીએ પોતાના સિનિયર અને નાસાના અગ્રણી વિજ્ઞાની જોન સ્વીપરને સવાલ કર્યો.
‘જે થઈ રહ્યું છે તે એક રીતે સારું જ થઈ રહ્યું છે.’
‘મારી તો પહેલેથી જ ઈચ્છા નહોતી કે આપણે મિશન મૂન જેવા પ્રોજેક્ટમાં પડવું જોઈએ.’
‘આમ છતાં દેશ માટે ફના થઈ જવામાં મને ગર્વ થશે.’
‘મિશન મૂન પ્રોજેક્ટમાં અવકાશમાં જનારા લોકોમાં મારો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.’
‘આ પ્રોજેક્ટ પડતો મુકાશે તો મને ચોક્કસ આનંદ થશે, પરંતુ જો આ પ્રોજેક્ટ અમલમાં મૂકાશે તો હું મારી ફરજ પૂરી રીતે નિભાવીશ,’ જોન સ્વીપરે પોતાના આસિસ્ટન્ટને કહ્યું.
‘સર, તમે ચંદ્ર પર જવાના છો?’
‘હા, મારે જવાનું છે.’
‘ધીસ કોલ્સ ફોર અ ટોસ્ટ, આની તો ઉજવણી થવી જોઈએ. આટલા મહત્ત્વના પ્રોજેક્ટને તમારે લીડ કરવાનો છે,’ બેઈલીએ ખુશી વ્યક્ત કરી.
‘પ્રોજેક્ટ લીડ કરવાની મને કોઈ ખુશી નથી, કેમ કે આ પ્રોજેક્ટની ફળશ્રુતિ દુનિયામાં વિનાશક શોના નિર્માણમાં થવાની છે,’ જોન સ્વીપરે કહ્યું.
‘આ પ્રોજેક્ટથી મળનારા યુરેનિયમનો ઉપયોગ દેશના ૧૦૫ અણુ ઊર્જા પ્લાન્ટને પણ થવાનો છે ને?’ બેઈલીએ દલીલ કરી.
‘તને લાગે છે કે એક વખત આટલા મોટા પ્રમાણમાં યુરેનિયમ હાથ લાગ્યા બાદ આ કંપનીઓ તેને જવા દેશે? આ બધી અત્યારે કહેવાની વાતો છે,’ જોન સ્વીપરે પોતાનો અંદેશો વ્યક્ત કર્યો.
****
‘વિશાલ, તને એક વસ્તુ પૂછું?’ અનુપ રોયે વિશાલ માથુરને સવાલ કર્યો.
‘હા સર, ચોક્કસ.’ વિશાલે કહ્યું.
‘તને વિક્રમ નાણાવટી સાથે શું વાંધો છે?’
‘મને કોઈ વાંધો નથી. એનું અને મારું સ્પેશ્યલાઈઝેશન એક જ વિષયમાં છે એટલે લોકોને એવું લાગે છે કે મને તેની સાથે વાંધો છે. બાકી મારે એવું કશું જ નથી.’
‘તો પછી તું વારંવાર એની બદલી કરાવવાની પાછળ કેમ પડ્યો હોય છે?’
‘મારું મહત્ત્વ જળવાઈ રહે તે માટે,’ વિશાલ મનમાં ગણગણ્યો પછી મોટેથી કહ્યું કે ‘મેં ક્યાં ક્યારેય એવું કર્યું છે.’
‘મારી સાથે હોશિયારી કરવાની નહીં, હવે બોલ. શું વાંધો છે?,’ અનુપ રોયે પૂછ્યું.
‘વિક્રમે કાયમ મને પરાસ્ત કર્યો છે, આઈઆઈટી હોય કે પછી ભારતીય રોકેટ કાર્યક્રમ. તે મારાથી હંમેશાં આગળ રહ્યો છે અને તેથી મને તેની ઈર્ષ્યા થતી હતી.’
‘હું મનમાં ઘુંટાયા કરતો હતો અને વ્યસનને રવાડે ચડી ગયો હતો.’
‘મારા કાકા જનપ્રતિનિધિ બન્યા પછી તેમણે મને ખાતરી આપી હતી કે મારે આવી રીતે ઘુંટાઈને જીવવું નહીં પડે તેથી જ હવે બધી વાત તેમને કરું છું.’
‘તેઓ મારી સમસ્યાનો ઉકેલ લાવી આપે છે. વિક્રમને ઈસરોમાં મોકલી આપવાનો વિચાર તેમનો જ હતો.’
‘રાયચુરાને કહીને તેમણે જ વિક્રમને બિનમહત્ત્વના કામમાં રોકી રાખ્યો હતો જેથી તેની પ્રતિભા કુંઠિત થઈ જાય અને મારી પ્રગતિ થાય.’
‘વિક્રમને અહીં બોલાવવામાં આવ્યો એટલે મને લાગ્યું કે મારી કોઈ ગણતરી નથી. આથી જ મેં કાકાને ફોન કર્યો હતો. તેમને બધી માહિતી આપી હતી. આના સિવાય મેં વિક્રમના વિરુદ્ધ કશું જ કર્યું નથી.’
વાસ્તવમાં અત્યારે વિક્રમને ક્યાં મોકલવામાં આવ્યો છે તેની જાણકારી કોઈને નહોતી. વિશાલને અત્યારે એવું લાગી રહ્યું હતું કે તેના કાકા રવિ માથુરે પોતાનું દબાણ લાવીને કશું કર્યું છે એટલે તેને બહાર કાઢ્યા પછી પાછો બોલાવી લેવામાં આવ્યો છે અને વિક્રમને પાછો મોકલી દેવામાં આવ્યો છે. વિક્રમને પાછો મોકલી દેવામાં આવ્યો હશે એટલે અનુપ રોય સર નારાજ છે અને તેથી જ તેઓ સવાલ કરી રહ્યા છે.
બીજી તરફ અનુપ રોય તેને થઈ રહેલા સવાલનો જવાબ શોધી રહ્યા હતા તેમને પોતાના પ્રશ્ર્નોના જવાબ મળ્યા કે નહીં, પરંતુ સીસીટીવી કેમેરાથી તેમની વાતો પર નજર રાખી રહેલા રાજેશ તિવારી અને આદેશ રાજપાલનો એક કેસ ઉકેલાઈ ગયો હતો.
વિક્રમ અને અનુપમને થયેલા અન્યાય વિશે તપાસ કરવાનો આદેશ તેમને આપવામાં આવ્યો હતો. અડધો કેસ તેમનો ઉકેલાઈ ગયો હતો. વિક્રમની પરેશાની માટેનું કારણ મળી ગયું હતું.
કેટલેક અંશે આદેશનું તારણ સાચું પડ્યું હતું કે વિશાલને વિક્રમ નાણાવટી પ્રત્યે કેમ દ્વેષ હતો અને તે કેમ કાવતરાં ઘડતો રહેતો હતો.
હવે અનુપમ સામેના કાવતરાંનો પર્દાફાશ થવાનો બાકી હતો અને તે પણ ટુંક સમયમાં થશે એવું લાગી રહ્યું હતું. (ક્રમશ:)
———
હવે શું?
‘હેલો, હું કાજલ બોલી રહી છું. મારે માટે તમને આજેને આજે જ મળવું આવશ્યક છે. શું તમે ક્લબ નાઈનમાં રાતે ૧૧ વાગ્યે આવી શકશો? મારા માટે આ જીવન-મરણનો પ્રશ્ર્ન થઈ ગયો છે. તમારી આવશ્યકતા અત્યંત તાકીદે છે, પ્લીઝ મારા માટે…’ સેન્ટ્રલ વિસ્ટામાં મિશન મૂન પ્રોજેક્ટ પર કામ કરી રહેલા એક ઉચ્ચ વિજ્ઞાનીને ફોન પર આમ કહેવામાં આવ્યું