મિશન મૂન પ્રકરણ ૪૫

333

પ્રેઝન્ટેશન માટે વાપરવામાં આવેલું લેપટોપ, પ્રોજેક્ટર અને ડિસ્પ્લે સ્ક્રીન મગાવ્યાં છે. તેની એક વખત ચકાસણી કરી લઈએ. ‘મને એવી શંકા પડી રહી છે કે લેપટોપ અથવા તો પ્રોજેક્ટરમાં બગ હોવો જોઈએ,’ રાજીવ ડોવાલે વડા પ્રધાનને પોતાના મનની વાત કરી

લેખક – વિપુલ વૈદ્ય

સેન્ટ્રલ વિસ્ટામાં હજી સુધી વડા પ્રધાનના નેતૃત્વમાં શરૂ થયેલી બેઠક પૂરી થઈ નહોતી. અનુપમ દ્વારા તિરૂવનંતપુરમમાં કરવામાં આવી રહેલા પ્રયોગ અને તેના વૈશ્ર્વિક મહત્ત્વ અંગે રંજન કુમાર વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતાને માહિતી આપી રહ્યા હતા.
રંજન કુમાર બોલી રહ્યા હતા ત્યારે તેમને વડા પ્રધાન જ નહીં તેમના એક સમયના સાથી વિજ્ઞાની અને અત્યારના સિનિયર અનુપ રોય પણ અહોભાવથી જોઈ રહ્યા હતા. રંજન કુમારનું બોલવાનું પૂરું થતાં વડા પ્રધાન અનુપ રોય સામે ફર્યા.
‘રંજન કુમારની વાતો સાથે તમે સહમત છો?’ વડા પ્રધાને અનુપ રોયને સવાલ કર્યો.
‘તેમની વાત મુશ્કેલ જણાઈ રહી છે, પરંતુ તે અસંભવ નથી,’ અનુપ રોયે પોતાનો મત રજૂ કર્યો.
‘અનુપમ સાથે મારે પહેલા તબક્કાના પ્રયોગની સફળતા વિશે વાત થઈ છે.’
‘તેનામાં ભારે ઉત્સાહ છે, તેને તક આપવી જોઈએ. તેને અત્યાર સુધી કરવામાં આવેલા અન્યાયની કદાચ આ જ પ્રતિપૂર્તિ હોઈ શકે,’ અનુપ રોય બોલ્યા.
‘ખેર, મારા મતે જો વીજળી આપણે ચંદ્ર પરથી સીધી ઝીલી શકવા માટે સક્ષમ થઈએ તો પછી આપણી જ નહીં, આખી દુનિયાની ઘણી બધી સમસ્યાનું નિરાકરણ થઈ જશે.’
‘આખી દુનિયાના ગમે તે સ્થળેથી આપણે અંધકાર દૂર કરી શકીશું. આ શોધનું મહત્ત્વ ઘણું વધારે છે,’ અનુપ રોયે કહ્યું.
‘મુદ્દો એ નથી કે શોધ કેટલી મહત્ત્વની છે, મુદ્દો એ છે કે આ રીતે મારી ગેરહાજરીમાં મારી જાણ બહાર આ કરવું કેટલું યોગ્ય હતું?’ વડા પ્રધાને હવે મુદ્દાની વાત માંડતા જ અનુપ રોય કંપી ઉઠ્યા.
તેઓ જાણતા હતા કે જે કરવામાં આવ્યું હતું તે સદંતર નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું હતું. આખી ટીમનું નેતૃત્વ તેમની પાસે હતું એટલે સ્વાભાવિક રીતે જ જવાબદારી પણ તેમની જ થવાની હતી.
‘સર, આ પ્રયોગને મેં કે રંજન કુમાર સરે નહીં, ગૃહપ્રધાન સરે મંજૂરી આપી હતી,’ અત્યંત ધીમા સ્વરે અનુપ રોય બોલ્યા. જેવું તેઓ બોલ્યા કે તરત વડા પ્રધાને આદેશની સામે જોયું. આદેશે ડોકું હલાવીને સ્વીકૃતિ આપી.
‘અમિતાભે પરવાનગી આપી હોય તો હું તેમની સાથે વાત કરીશ, અત્યારે કહો તમારા બંને ચેલાઓના પ્રયોગ કેવા ચાલી રહ્યા છે?’ વડા પ્રધાને અત્યંત હળવાશથી કહ્યું.
‘અનુપમનો પહેલો પ્રયોગ થોડો નિષ્ફળ ગયો હતો. બીજા પ્રયાસે વીજળી ઝીલવામાં અને સંગ્રહ કરવામાં સફળ રહ્યો છે. હજી થોડા વધુ પ્રયોગ કરવાની આવશ્યકતા મને જણાઈ રહી છે.’
‘વિક્રમને હજી સુધી અણુ ઈંધણ પર પ્રોટોટાઈપ ઉડાવવામાં સફળતા મળી નથી, પરંતુ તેને સફળતા મળશે એવી આશા છે.’
‘જયંત સિન્હાનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે?’ વડા પ્રધાને સવાલ કર્યો.
‘જયંત સિન્હાએ એલન જસ્ટના પ્રોજેક્ટને આધારે એક મોડેલ તૈયાર કર્યું છે, આવતી કાલે એ મોડેલનું પ્રોટોટાઈપ બનાવીને વિક્રમને પ્રયોગ માટે મોકલવાનું છે.’
‘જયંતને ખબર છે વિક્રમ શું કરી રહ્યો છે?,’ વડા પ્રધાને પૂછ્યું.
‘ના, એને ખબર નથી. અમારા બંને સિવાય કોઈને ખબર નથી કે વિક્રમ અને અનુપમ ક્યાં અને કેમ ગયા છે,’ અનુપ રોયે જવાબ આપ્યો.
‘આનો અર્થ એવો થયો કે બાકીના બધા જ વિજ્ઞાનીઓને અંધારામાં રાખીને તમે આ કામ કરી રહ્યા છો,’ વડા પ્રધાનનો બીજો સવાલ.
‘એક તરફ તમે અમિતાભની સામે એવો દાવો કરો છો કે તમને કોઈ વિજ્ઞાની પર અવિશ્ર્વાસ નથી, પરંતુ બીજી તરફ તમે બધા વિજ્ઞાનીઓથી ગુપ્ત રાખીને પ્રોજેક્ટ આગળ વધારી રહ્યા છો.’
‘આ શું છે?’
‘સર, આમાં સાથી વિજ્ઞાનીઓ પર અવિશ્ર્વાસનું કોઈ કારણ નથી, પરંતુ તેમને જાણ થઈ જાય તો તેમના પોતાના કામ પર આની અસર થવાની શક્યતા રહેલી છે એવું મને લાગ્યું એટલે..’ રંજન કુમાર વચ્ચે બોલવા ગયા.
‘રંજન સર, બધું તમને લાગે એવી જ રીતે કરવાનું હોય? પ્રમાણભૂત કાર્યપદ્ધતિ (એસઓપી) જેવું કશું હોય કે નહીં?’
‘આ બધી વસ્તુને તમારી મનમાની કેમ ન સમજવી જોઈએ?’
‘આ કેસને શિસ્તભંગ કેમ ન માનવી જોઈએ.’
‘તમને આવી રીતે મનમાની કરવા માટેના અધિકાર આપવામાં આવ્યા છે?,’ વડા પ્રધાન હવે થોડા આક્રમક થયા.
‘સર, તમારી વાત સાચી છે, મારી ભૂલ થઈ ગઈ છે,’ રંજન કુમારે પોતાની ભૂલ સ્વીકારી.
‘સર, મારે આ મુદ્દે વચ્ચે ન બોલવું જોઈએ. મને એમ લાગે છે કે રંજન કુમારે જે પણ કર્યું તેમાં ભલે પ્રક્રિયાનું યોગ્ય પાલન ન કર્યું હોય, પરંતુ તેમના હેતુ શુદ્ધ હતા.’
‘તેમના હેતુ અંગે શંકા કરી શકાય એમ નથી તેથી તેમની આટલી ભૂલ માફ કરવામાં આવે,’ અનુપ રોયે અત્યંત લાગણીમય સાદ કર્યો.
‘અનુપ રોય, તમે કહો છો તો હું આટલે સુધી માફ કરી શકું છું. હવે પછી જે પણ થવાનું હોય તેની સત્તાવાર જાણકારી આવશ્યક છે.’
‘તમને એમ લાગતું હોય કે તિરૂવનંતપુરમ કે પછી વિશાખાપટ્ટનમમાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી તમે નહીં આપો તો મારી પાસે નહીં આવે?’
‘અનુપમના પ્રયોગમાં એક વડનું મોટું ઝાડ રાખ થઈ ગયું તે વસ્તુની મને ખબર છે.’
‘વિક્રમના પ્રયોગમાં પ્રોટોટાઈપ ધૂ્રજ્યા કર્યું પણ ઊડ્યું નહીં તેની પણ મને જાણ છે.’
‘જાણ મને બધી જ થઈ જવાની છે, પરંતુ તમે સત્તાવાર રીતે જાણ કરશો તો મને સારું લાગશે.’
‘રંજન કુમાર, બપોર પછી તમારી બંને આસિસ્ટન્ટ શ્રુતિ અને લૈલા તમારી સાથે કામ કરવા માટે પહોંચી જશે.’
‘અનુપ રોય, વિશાલ અને રાયચૂરા બંનેને તમને સોંપવામાં આવે છે. તમારે બંને પાસેથી સરખી રીતે કામ લેવાનું છે.’
‘બધાને પોતાના કામ સમજાઈ ગયા?’ વડા પ્રધાન ઈન્દ્રવદન મહેતાએ કહ્યું.
***
‘રાજીવ, તને શું લાગે છે? સેન્ટ્રલ વિસ્ટામાં થયેલી વાતો કેવી રીતે લીક થઈ શકી હોય?,’ વડા પ્રધાને પોતાને મૂંઝવતા સવાલનો જવાબ મેળવવા પૂછ્યું.
‘પ્રાઈમ મિનિસ્ટર સર, જ્યાં સુધી કેન્ટિનના છોકરાઓની વાત છે તો તેઓ રશિયા માટે જાસૂસી કરવા આવ્યા હતા.’
‘ચીનમાં વાત કરવા માટે પકડાયેલા ખલાસની પણ આ પ્રકરણમાં કોઈ સંડોવણી લાગતી નથી. તે ચીનમાં કોઈ માછલી નિકાસ કરવા માગતો હતો.’
‘એક વસ્તુ મને ખટકી રહી છે, વિજ્ઞાનીઓએ જે પ્રેઝન્ટેશન આપ્યું તેની જ વિગતો લીક થઈ છે. બાકીની કોઈ વાત બહાર ગઈ નથી.’
‘મેં રાજેશ પાસે પ્રેઝન્ટેશન માટે વાપરવામાં આવેલું લેપટોપ, પ્રોજેક્ટર અને ડિસ્પ્લે સ્ક્રીન મગાવી છે. તેની ફરી એક વખત ચકાસણી કરી લઈએ.’
‘મને એવી શંકા પડી રહી છે કે લેપટોપ અથવા તો પ્રોજેક્ટરમાં બગ હોવો જોઈએ,’ રાજીવ ડોવાલે વડા પ્રધાનને પોતાના મનની વાત કરી.
બંને વચ્ચે આટલી વાતો ચાલી રહી હતી ત્યારે જ બરાબર રાજેશ લેપટોપ, બધી જ પેન ડ્રાઈવ અને પ્રોજેક્ટર લઈને આવ્યો.
રાજીવ ડોવાલે એક નજર રાજેશ તિવારી સામે જોયું અને પૂછ્યું કે ‘ડિસ્પ્લે સ્ક્રીન ક્યાં છે?’
‘સર, ડિસ્પ્લે સ્ક્રીન દીવાલ પર ફિક્સ કરેલી છે. તેને લાવી શકાય એમ નહોતું,’ રાજેશ તિવારીએ જવાબ આપ્યો.
‘આ પેન ડ્રાઈવને બગ માટે ચેક કરો’
‘લેપટોપ કઈ કંપનીનું છે?’ રાજીવે સવાલ કર્યો.
આ લેપટોપ તો એક્સઆઈ કંપનીનું છે,’ રાજેશે જવાબ આપ્યો.
‘બ્રાઉઝર જો તો, ચાઈનીઝ છે?’ રાજીવે સવાલ કર્યો.
‘હા સર,’ રાજેશે જવાબ આપ્યો.
‘કેટલી વખત ના પાડી છે કે સેન્ટ્રલ વિસ્ટામાં ચાઈનીઝ કંપનીના લેપટોપ અને બ્રાઉઝરનો ઉપયોગ નહીં કરવાનો. તમને ખબર કેમ પડતી નથી. લેપટોપને ફ્લશ કરી નાખ. રાજીવ થોડો ગુસ્સામાં બોલ્યો.’
‘ડિસ્પ્લે સ્ક્રીન કઈ કંપનીની છે?’ રાજીવે પૂછ્યું.
‘કદાચ ફૂગલ કંપનીની છે,’ રાજેશે કહ્યું.
‘એમાં વેબ કેમેરા છે?,’ રાજીવે પૂછ્યું.
‘હા સર, પણ કેમ?’ રાજેશે પૂછ્યું.
‘પ્રેઝન્ટેશન ચાલુ હતું ત્યારે વેબ કેમેરા પર કાળી ટેપ લગાવી હતી? આટલી સાદી વસ્તુ કેમ યાદ રહેતી નથી. ફૂગલ કંપનીના બધા જ કેમેરા કાયમ એક્ટિવ રહેતા હોય છે. તેમણે તમારું આખું પ્રેઝન્ટેશન જોયું અને નોંધ્યું છે. હવે ખબર પડી કેમ તમારી બધી માહિતી લીક થઈ? રાજીવે કહ્યું.
વડા પ્રધાનને પોતાના વિશ્ર્વાસુ માણસની ચાલાકી પર રહેલો વિશ્ર્વાસ આજે બમણો થઈ ગયો હતો.(ક્રમશ:)
————
હવે શું?
‘સર, જુઓ તમારી મહેનત સફળ થઈ ગઈ છે, આપણું પ્રોટોટાઈપ ઊડ્યું. હવે તમારા પર સોંપવામાં આવેલી જવાબદારી પૂરી થઈ સાથે જ મને સોંપવામાં આવેલું કામ પણ આજે પૂર્ણતાએ પહોંચ્યું. હવે દુનિયામાં આપણું નામ થઈ જશે,’ વિક્રમ નાણાવટીને તેમના સહકારી રામ શર્માએ શુભેચ્છા આપી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!